પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકમાં શ્રી ગુરૂ નાનક દેવજીની આવતા વર્ષે આવી રહેલી 550મી જન્મજયંતિની સમગ્ર દેશમાં અને દુનિયાભરમાં ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકારો અને વિદેશના ભારતીય મિશન પણ પ્રસંગોચિત ઉજવણી કરશે. ગુરૂ નાનક દેવજીએ પ્રેમ, શાતિ, સમાનતા અને ભાઈચારાના મૂલ્યોનો બોધ આપ્યો હતો.
મંત્રીમંડળની બેઠકમાં જે નિર્ણયો લેવાયા હતા તેની વિગતો નીચે મુજબ છેઃ
કરતારપુર સાહિબ પરિપથનો વિકાસઃ
એક નોંધપાત્ર નિર્ણય લઈને કેન્દ્ર સરકારે ગુરૂદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનક કોરિડોરથી આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોર વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ કારણે પાકિસ્તાનમાં રાવી નદીના કાંઠે આવેલા ધર્મ સ્થાને ભારતમાંથી ગુરૂદ્વારા દરબાર સાહિબ જતાં યાત્રિકોની સુવિધાઓમાં વધારો થશે. ગુરૂ નાનક દેવજીએ ત્યાં 18 વર્ષ ગાળ્યા હતા. યાત્રિકો આ પવિત્ર સ્થળની મુલાકાત સમગ્ર વર્ષ દરમિયાન લઈ શકશે.
કરતારપુર કોરિડોરનું અમલીકરણ એક સુસંકલિત વિકાસ યોજના તરીકે ભારત સરકારના ભંડોળ દ્વારા હાથ ધરવામાં આવશે. જેથી ત્યાં જવા માટે આધુનિક સુવિધાઓ અને સરળતા પ્રાપ્ત થાય. ભારત સરકાર આ હેતુથી યાત્રા સ્થળે જવા માટે યોગ્ય સગવડો ઉભી કરશે. પાકિસ્તાનની સરકારને શીખ સમુદાયની લાગણીઓને ધ્યાનમાં લઈને તેમના વિસ્તારમાં પણ કોરિડોરની જરૂરી સગવડ ઉભી કરવા માટે અનુરોધ કરવામાં આવશે.
સુલતાનપુર લોધીનો વિકાસ:
કેન્દ્ર સરકારના મંત્રીમંડળે નિર્ણય લીધો છે કે ઐતિહાસિક શહેર સુલતાનપુર લોધી કે જે ગુરૂ નાનકજીના જીવન સાથે સંકળાયેલું છે તેને સ્માર્ટ સિટીની સગવડો સાથે હેરિટેજ સિટી તરીકે વિકસાવવામાં આવશે અને તેમાં ઊર્જા કાર્યક્ષમતા દાખવીને ગુરૂ નાનકજીએ આપેલા બોધ પર ભાર મૂકવામાં આવશે. યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે એક મહત્વના આકર્ષણ તરીકે સુલતાનપુર લોધી ખાતે "પીંડ બાબે નાનક દા" સંકુલની સ્થાપના કરવામાં આવશે, જેમાં શ્રી ગુરૂ નાનક દેવજીના જીવન અને સમય અંગે વિગતો આપવામાં આવશે. સુલતાનપુર લોધી રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં તમામ આધુનિક સેવાઓ પૂરી પાડવામાં આવશે.
વિદેશી યુનિવર્સિટીઓમાં આંતરિક શ્રદ્ધા અધ્યયન અને અધ્યક્ષતા કેન્દ્ર:
ગુરૂ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર ખાતે એક આંતરિક શ્રદ્ધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. બ્રિટન અને કેનેડા બંને જગ્યાએ ગુરૂ નાનક દેવજીની અધ્યક્ષતા સ્થાપવામાં આવશે. નવી દિલ્હીમાં ગુરૂ નાનક દેવજીના જીવન અને ઉપદેશોનાં આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવશે.
સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી:
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ગુરૂ નાનક દેવજીની 550મી જન્મજયંતિ સુયોગ્ય ઉજવણી કરવા માટે વિનંતી કરવામાં આવશે. આ પ્રસંગે વિદેશમાં આવેલા ભારતના મિશન દ્વારા ખાસ સમારંભોનું આયોજન કરવામાં આવશે.
સ્તૃતિમાં સિક્કા અને ટિકિટોઃ
આ યાદગાર પ્રસંગની સ્મૃતિમાં ભારત સરકાર દ્વારા સિક્કા અને ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવશે.
ધાર્મિક પ્રવૃત્તિઓ અને પ્રકાશનોઃ
દેશભરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. દૂરદર્શન ગુરૂ નાનક દેવજી અંગેના કાર્યક્રમો અને ગુરૂબાનીનું પ્રસારણ કરશે. નેશનલ બુક ટ્રસ્ટ ભારતની વિવિધ ભાષાઓમાં ગુરૂબાની પ્રસિદ્ધ કરશે. યુનેસ્કોને વિનંતી કરવામાં આવશે કે ગુરૂ નાનક દેવજીના લખાણોને વિશ્વની ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવે.
યાત્રાનાં સ્થળોએ ખાસ ટ્રેનોઃ
રેલવે મંત્રાલય ગુરૂ નાનક દેવજી સાથે સંકળાયેલા યાત્રા સ્થળો સુધી પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનો દોડાવશે.