કારકિર્દીની ઉજ્જવળ તકો ધોરણ-૧ર પછી કારકિર્દી માટેના વિકલ્પોની સર્વગ્રાહી માહિતીના બે પ્રકાશનોનું વિમોચન કરતા મુખ્યમંત્રીશ્રી
શિક્ષણ વિભાગને અભિનંદન ધોરણ-૧રની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓના પરિણામો સાથે જ વિદ્યાર્થીઓને આ પુસ્તિકાઓ અપાશે
શિક્ષણ, આરોગ્ય, શ્રમ-રોજગાર, સામાજિક ન્યાય અને અધિકારિતા, કૃષિ-પશુપાલન સહિતના બધા ક્ષેત્રોમાં કારકિર્દી ઘડતરના ઉત્તમ વિકલ્પો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે શિક્ષણ વિભાગ દ્વારા પ્રકાશિત, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને ધો-૧ર સામાન્ય પ્રવાહ પછી વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પોની સંપૂર્ણ રૂપરેખા આપતી “કારકિર્દીની ઉજ્જવળ તકો” વિષયક બે પુસ્તિકાઓનું વિમોચન કર્યું હતું.
આ પુસ્તિકાઓ ધોરણ-૧રના પરિક્ષાના પરિણામો સાથે જ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવશે એમ શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું. આ બંને પુસ્તિકાઓમાં શિક્ષણ, આરોગ્ય, શ્રમ અને રોજગાર, સમાજકલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા, કૃષિ અને પશુપાલન સહિતના તમામ વિભાગો સંલગ્ન વ્યવસાયિક અને કારકિર્દી વિષયક વિકલ્પોની અને તકોની માહિતી આપવામાં આવેલી છે.
ધોરણ-૧ર પછી ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટેની પસંદગીનું વિશાળ ફલક વિદ્યાર્થીઓ સમક્ષ રાજ્ય સરકારે ઉપલબ્ધ કર્યું છે. મનગમતી કારકિર્દી સાથે ઉત્તમ ભવિષ્ય નિર્માણ માટેની યોગ્ય ઘડીએ આ બંને પુસ્તિકાઓ વાલીઓ અને વિદ્યાર્થીઓને-સૌને ઉપયોગી પૂરવાર થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આજે બંને પુસ્તિકાના વિમોચન પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ અને શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણના અગ્રસચિવશ્રી ડો. હસમુખ અઢિયા, પ્રાથમિક શિક્ષણ સચિવશ્રી આર. પી. ગુપ્તા અને સર્વશિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરશ્રી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ પુસ્તિકામાં ધો-૧ર વિજ્ઞાન પ્રવાહ પછીના કારકિર્દીના વિકલ્પો નિર્દિષ્ટ કરવામાં આવ્યા છે. જેવા કે એન્જિનિયરીંગ (ડીગ્રી/ડીપ્લોમા), ફાર્મસી (ડીગ્રી/ડીપ્લોમા), મેડિકલ, પેરા મેડિકલ, આર્કિટ્રેકચર, ડીઝાઇનીંગ, ફેશન ટેકનોલોજી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, કૃષિ, પશુચિકિત્સા, પેટ્રોલીયમ, ડેરી ટેકનોલોજી મેનેજમેન્ટ, હેલ્થકેર, કલીનિકલ રીસર્ચ, ન્યુટ્રીશન જેવા વિવિધ અભ્યાસક્રમો, તેને લગતી સંસ્થાઓ, પ્રવેશ પધ્ધતિ, બેઠકો, ફી નું માળખું જેવી ખૂબ જ ઉપયોગી વિગતો આપવામાં આવી છે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થીઓને આર્થિક રીતે ઉપયોગી થાય તેવી શિષ્યવૃત્તિ, આર્થિક સહાયક યોજનાઓ એજ્યુકેશન લોન તથા અગત્યની વેબસાઇટની વિગતોનો સમાવેશ આ પુસ્તિકામાં કરેલ છે.
બીજી પુસ્તિકામાં ધો-૧ર સામાન્ય પ્રવાહ પછી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી શકે તેવા કારકિર્દીના વિકલ્પોની વિગતો આપવામાં આવી છે. મોટા ભાગે ધો-૧ર સામાન્ય પ્રવાહ પછી ફકત બી.એ./બી.કોમ.માં જ પ્રવેશ મેળવી શકાય તેવું વિદ્યાર્થીઓ માનતાં હોય છે. પરંતુ આ ઉપરાંત જનરલ નર્સિંગ, શિક્ષણ, ફેશન ટેકનોલોજી, ડીઝાઇનીંગ, ફૂટવેર, ફિલ્મ અને ટેલિવિઝન, સંગીત-નૃત્ય-નાટક, મેનેજમેન્ટ, સી.એસ., સી.એ, જેવા ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ અભ્યાસક્રમો તેને લગતી સંસ્થાઓની વિગતો આ પુસ્તિકામાં આપવામાં આવી છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી નિવડશે.
વિદેશમાં પોતાની કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે પણ આ પુસ્તિકામાં ઉપયોગી દિશા સૂચન કરવામાં આવ્યું છે.