૮૪ નામો જાહેર, શ્રી નરેન્દ્રભાઈ મોદી મણિનગરથી ચૂંટણી લડશે, જ્યાંથી તેઓ ૨૦૦૨થી ચૂંટાઈ રહ્યા છે
યાદીમાં ૧૦ મહિલા ઉમેદવારો, ૬ અનુસૂચિત જાતિ અને ૧૪ અનુસૂચિત જનજાતિના ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતીની નવી દિલ્હીમાં મળેલ બેઠક બાદ ગુરુવાર ૨૨ નવેમ્બર ૨૦૧૨નાં રોજ રાત્રે આ જાહેરાત કરવામાં આવી હતી. બેઠકમાં પાર્ટી પ્રમુખ શ્રી નીતિન ગડકરી, શ્રી એલ.કે.અડવાણી, શ્રી અરુણ જેટલી અને શ્રીમતી સુષ્મા સ્વરાજ સહિતનાં ટોચનાં રાષ્ટ્રિય નેતાઓ ઉપસ્થિત હતા.
શ્રી નરેન્દ્ર મોદી પણ બેઠકમાં હાજર હતા. આ ઉપરાંત ગુજરાતનાં નેતાઓમાં ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી.ફળદુ અને ભાજપનાં રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ શ્રી પુરષોત્તમ રૂપાલા, શ્રી બલબીર પુંજ અને શ્રી સતીષજી પણ બેઠકમાં હાજર હતા.
આજે ૮૪ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોની યાદી ૧૩ ડિસેમ્બરનાં રોજ યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણીઓ માટે છે. યાદીમાં ૧૦ મહિલા ઉમેદવાર, ૦૬ અનુસૂચિત જાતિનાં અને ૧૪ અનુસૂચિત જનજાતિનાં ઉમેદવારોનો સમાવેશ થયો છે.
શ્રી નરેન્દ્ર મોદી મણિનગરથી ચૂંટણી લડશે. તેઓ આ બેઠક પર ૨૦૦૨થી ચૂંટાતા આવી રહ્યા છે.