અમે પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના પ્રધાનમંત્રી, ભૂતાનના પ્રધાનમંત્રી, ભારતીય ગણતંત્રના પ્રધાનમંત્રી, મ્યાનમારના પ્રજાસત્તાક સંઘના સ્ટેટ કાઉન્સેલર, નેપાળના પ્રધાનમંત્રી, લોકતાંત્રિક સમાજવાદી પ્રજાસત્તાક શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને થાઇલેન્ડના પ્રધાનમંત્રીના વિશેષ દૂત ગોવામાં 16 ઓક્ટોબર, 2016ના રોજ બ્રિક્સ-બિમસ્ટેક આઉટરિચ સમિટ માટે એકત્ર થયા હતા.
અમે મહામહિમ ભૂમિબોલ અડુલયાદેજના અવસાન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, જેમનું વૈશ્વિક વિકાસના પ્રદાનમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રથમ હ્યુમન ડેવલપમેન્ટ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. અમે શાહી પરિવાર, થાઇલેન્ડની પ્રજા અને થાઇલેન્ડની સરકારને અમારી દિલસોજી વ્યક્ત કરીએ છીએ.
અમે બ્રિક્સ અને બિમસ્ટેકના નેતાઓ વચ્ચે પારસ્પરિક રસના વિષયો પર ચર્ચા કરવા તથા સ્થાયી વિકાસ માટે સંયુક્ત રાષ્ટ્ર 2030ના એજન્ડા સહિત મહત્ત્વપૂર્ણ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પારસ્પરિક રસના મુદ્દાઓ પર ચર્ચા કરવા અને અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવા ઉપલબ્ધ થયેલી તકની કદર કરીએ છીએ. અમારું માનવું છે કે આ સંયુક્ત શિખર સંમેલન બંને જૂથના સભ્યો રાષ્ટ્રો વચ્ચે વિશ્વાસ અને સમજણ તરફ દોરી જશે તથા પારસ્પરિક લાભદાયક સહકારને પ્રોત્સાહન આપશે.
1997ના બેંગકોંક જાહેરનામામાં વ્યક્ત સિદ્ધાંતોને યાદ કરીને અમે ફરી ભારપૂર્વક જાહેર કરીએ છીએ કે બિમસ્ટેકની અંદર સહકાર સાર્વભૌમિક સમાનતા, પ્રાદેશિક સંકલિતતા, રાજકીય સ્વતંત્રતા, આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ નહીં, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને પારસ્પરિક લાભના સિદ્ધાંતો માટે સન્માન પર આધારિત હશે.
અમે 1997ના બેંગકોંક જાહેરનામામાં વ્યક્ત બિમસ્ટેકના ઉદ્દેશો અને હેતુઓ પાર પાડવાના અમારા પ્રયાસો વધારવા સંમત થયા છીએ તથા ફરી ભારપૂર્વક જાહેર કરીએ છીએ કે બિમસ્ટેક પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં પારસ્પરિક લાભદાયક સહકાર મારફતે આર્થિક અને સામાજિક વિકાસ માટે નોંધપાત્ર સંભવિતતા ધરાવે છે. અમે બિમસ્ટેકને મજબૂત, વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા સંયુક્તપણે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
અમે 04 માર્ચ, 2014ના રોજ ને પી તોમાં ત્રીજી બિમસ્ટેક સમિટના જાહેરનામાને યાદ કરીએ છીએ તથા બંગાળની ખાડીના પ્રદેશમાં પ્રાદેશિક સહકાર અને સંકલિતતાને પ્રોત્સાહન આપતા સંગઠન તરીકે બિમસ્ટેક પ્રત્યે અમારી ઊંડી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ. અમે સ્વીકારીએ છીએ કે અમારી ભૌગોલિક સમીપતા, પુષ્કળ કુદરતી અને માનવીય સંસાધનો, સમૃદ્ધ ઐતિહાસિક સંબંધો અને સંયુક્ત સાંસ્કૃતિક વારસો બિમસ્ટેકને આપણા પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા આદર્શ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
આપણા પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદ સૌથી મોટું જોખમકારક પરિબળ છે તેને સ્વીકારી અમે આતંકવાદના તમામ સ્વરૂપોનો સામનો કરવા અમારી દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ તથા કોઈ પણ આધારે આતંકવાદી કૃત્યોને ઉચિત ઠેરવી ન શકાય તેના પર ભાર મૂકીએ છીએ. અમે પ્રદેશમાં તાજેતરમાં થયેલા અમાનવીય આતંકવાદી હુમલાઓને આકરા શબ્દોમાં વખોડીએ છીએ. અમે દ્રઢપણે માનીએ છીએ કે આતંકવાદ સામે અમારી લડાઈનો ઉદ્દેશ આતંકવાદી, આતંકવાદી સંગઠનો અને તેમના નેટવર્કનો સફાયો કરવાનો હોવાની સાથે આતંકવાદને પ્રોત્સાહન આપતા, ટેકો આપતા અને નાણાકીય સહાય પૂરી પાડતા, આતંકવાદીઓ અને આતંકવાદી જૂથોને આશ્રય આપતા દેશો સામે આકરા પગલા લેવાની, તેમને જવાબદાર ઠેરવવાનો હોવો જોઈએ. આતંકવાદીઓને શહીદ તરીકે ચમકાવવા ન જોઈએ. અમે સ્વીકારીએ છીએ કે અત્યારે તાતી જરૂર આતંકવાદ, હિંસક ચરમપંથી અને કટ્ટરવાદને અટકાવવાની અને તેનો સફાયો કરવાની છે. અમે અમારા કાયદાનો અમલ કરતી સંસ્થાઓ, ઇન્ટેલિજન્સ અને સુરક્ષા સંસ્થાઓ વચ્ચે સહકાર અને સંકલન સ્થાપિત કરવા નક્કર પગલા લેવા અમારી દ્રઢતા વ્યક્ત કરીએ છીએ.
અમે અપરાધિક બાબતોમાં પારસ્પરિક સહાય પર બિમસ્ટેક સંમેલન પર ઝડપથી હસ્તાક્ષર કરવા તથા આંતરરાષ્ટ્રીય આતંકવાદ, આંતરરાષ્ટ્રીય સંગઠિત અપરાધ અને ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યોની દાણચોરીમાં સહકાર પર બિમસ્ટેક સંમેલનને ઝડપી મંજૂરી આપવા પ્રતિબદ્ધ છીએ.
આપણી પૃથ્વી પર હવામાનમાં ફેરફારમાં જોખમ સતત વધી રહ્યું છે તેનાથી અમે વાકેફ છીએ, ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારમાં રહેતા લોકોના જીવન અને આજીવિકા પર ખતરો છે. અમે પર્યાવરણનું સંરક્ષણ અને જતન કરવા સહકારને મજબૂત કરવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. અમે પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે હવામાનમાં ફેરફાર પર પેરિસ સમજૂતીના અમલીકરણ અને સ્થાયી વિકાસની જરૂરિયાત પર ભાર મૂકીએ છીએ.
અમે સંયુક્ત કવાયતો મારફતે આપત્તિ વ્યવસ્થાપનમાં સહકાર, પૂર્વ ચેતવણી વ્યવસ્થા સહિત માહિતીની વહેંચણી, નિવારણાત્મક પગલાના સ્વીકાર, રાહત અને પુનર્વસન પર સંયુક્ત કામગીરી અને ક્ષમતા નિર્માણ મારફતે સહકારને પ્રોત્સાહન આપીએ છીએ. અમે પ્રદેશમાં વર્તમાન ક્ષમતામાં વધારો કરવા તથા આ ક્ષેત્રમાં અન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાની સંભવિતતા ચકાસીએ છીએ.
વિવિધ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં જોડાણનો વિકાસ પ્રાદેશિક સંકલનને પ્રોત્સાહન આપવાની ચાવી છે એ સ્વીકારીને અમે બિમસ્ટેક પ્રદેશમાં એકથી વધારે સ્વરૂપના ભૌતિક જોડાણ (હવાઈ, રેલ, રોડ અને જળમાર્ગો)ને વધારવા સતત પ્રયાસ અને પહેલો પર સંતોષ વ્યક્ત કરીએ છીએ. અમે બિમસ્ટેક પરિવહન માળખાગત અને લોજિસ્ટિક્સ અભ્યાસની ભલામણોના અમલમાં પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરીએ છીએ. અમે બિમસ્ટેક મોટર વાહન સમજૂતીની શક્યતા ચકાસવા સંમત થયા છીએ.
અમે સ્થાયી કૃષિ અને ખાદ્ય સુરક્ષા પ્રત્યે તથા પાક, પશુધન અને બાગાયતી સહિત કૃષિ ક્ષેત્રમાં સહકારને ગાઢ બનાવવા તેમજ પ્રદેશમાં કૃષિ ઉત્પાદનની ઉત્પાદકતા અને ઊપજ વધારવા માટેના સહિયારા પ્રયાસોને સઘન બનાવવા અમારી પ્રતિબદ્ધતા પ્રતિપાદિત કરીએ છીએ.
અમે જાણીએ છીએ કે બંગાળની ખાડીનો વિસ્તાર વિશ્વના 30 ટકા માછીમારોનું ઘર છે. અમે સ્વીકારીએ છીએ કે આ પ્રદેશમાં મત્સ્યપાલનના સ્થાયી વિકાસમાં સહકાર ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા નોંધપાત્ર પ્રદાન કરવાની સંભવિતતા ધરાવે છે તથા અમે આ ક્ષેત્રમાં સહકારને લોકોની આજીવિકા સુધારવા તથા સહકારને વધારે ગાઢ બનાવવા સંમત થયા છીએ.
અમે આપણા પ્રદેશમાં બ્લૂ ઇકોનોમી (મત્સ્ય ઉદ્યોગ)નો વિકાસ પ્રચૂર સંભવિતતા ધરાવે છે એ સ્વીકારીએ છીએ અને એક્વાકલ્ચર (આંતરિક અને કિનાર બંને), હાઇડ્રોગ્રાફી, દરિયાના પેટાળમાં ખનીજના સંશોધન, દરિયાકિનારાનું શિપિંગ, ઇકો-પ્રવાસન અને દરિયાઈ અક્ષય ઊર્જા જેવા ક્ષેત્રોમાં અમારા સહકારને ગાઢ બનાવવાની રીતો ચકાસવા સંમત થયા છીએ, જેથી આપણા પ્રદેશના સંપૂર્ણ અને સ્થાયી વિકાસને પ્રોત્સાહન મળે.
અમે સ્વીકારીએ છીએ કે પર્વતીય વિસ્તારોમાંથી પ્રાપ્ત ફાયદા સ્થાયી વિકાસ માટે આવશ્યક છે. અમે જૈવવિવિધતા સહિત પર્વતીય ઇકો-સિસ્ટમના સંરક્ષણ માટે અમારા પ્રયાસોને વધારવા અપીલ કરીએ છીએ.
અમે બિમસ્ટેકના સભ્ય દેશો વચ્ચે ઊર્જામાં વધતા સહકારને આવકારીએ છીએ. અમે ગ્રિડ કનેક્શન પર બિમસ્ટેક સમજૂતીકરાર (એમઓયુ) પર ઝડપથી હસ્તાક્ષર કરવાનો નિર્ણય લીધો છે. અમે બિમસ્ટેક એનર્જી સેન્ટરને વહેલાસર કાર્યરત કરવા પગલા લેવાની સૂચના આપી છે. આપણા પ્રદેશમાં ઊર્જાના સ્ત્રોતોની ઊંચી સંભવિતતા, ખાસ કરીને અક્ષય અને સ્વચ્છ ઊર્જાના સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને અમે આંતરજોડાણ વધારવા અને પ્રાદેશિક ઊર્જાના વેપારને પ્રોત્સાહન આપવા ઊર્જા સહકાર માટે વિસ્તૃત યોજના વિકસાવવા અમારા પ્રયાસોને વેગ આપવા સંમત થયા છીએ.
અમે બિમસ્ટેક ફ્રી ટ્રેડ એરિયાની વાટાઘાટોને વહેલાસર પૂર્ણ કરવા અમારી પ્રતિબદ્ધતાને પ્રતિપાદિત કરીએ છીએ તથા ટ્રેડ નિગોશિએટિંગ કમિટી (ટીએનસી) અને કાર્યકારી જૂથોને સમજૂતીઓને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવાની સૂચિત કરી છે. અમે સેવા અને રોકાણ સંબંધિત સમજૂતીઓ પર વાટાઘાટોને ઝડપથી આગળ ધપાવવા પણ ટીએનસીને સૂચના આપી છે. અમે વેપારની સુવિધા વધારવા નક્કર પગલા લેવા સંમત થયા છીએ. અમે ઓછા વિકસિત દેશોને પ્રાદેશિક અર્થતંત્રોમાં સંકલિત કરવા વિશેષ અને વિવિધ પગલા પણ સંમત થયા છીએ.
તમામ ક્ષેત્રોમાં સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવા, ખાસ કરીને એસએમઇ સહિત ટેકનોલોજીના વિકાસ, સુલભતા અને ઉપલબ્ધતા માટેની જરૂરિયાતને સમજીને અમે શ્રીલંકામાં બિમસ્ટેક ટેકનોલોજી ટ્રાન્સફર સુવિધાની સ્થાપના પર જોડાણના કરારને વહેલાસર અંતિમ સ્વરૂપ માટે સૂચના આપી છે.
અમે જાહેર સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓને સંબોંધવા અમારા સહિયારા પ્રયાસો જાળવવા સંમત થયા છે. અમે પરંપરાગત દવાઓમાં સંકલનના રાષ્ટ્રીય કેન્દ્રોના બિમસ્ટેકના નેટવર્ક અને તેના કાર્યદળને આ ક્ષેત્રમાં સહકારનું વિસ્તરણ કરવા અને તેને ગાઢ બનાવવાની સૂચના આપી છે.
અમે સમગ્ર પ્રદેશમાં વિશ્વાસ અને સમજણને વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તથા સભ્ય રાષ્ટ્રો વચ્ચે વિવિધ સ્તરે પીપલ-ટૂ-પીપલ (પી2પી) એટલે લોકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવા અમારી પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીએ છીએ. અમે બિમસ્ટેક નેટવર્ક ઓફ પોલિસી થિંક ટેન્ક્સ (બીએનપીટીટી)ની બે બેઠકો યોજી છે, જેમાં લોકો વચ્ચે સંપર્ક વધારવા નિયમિત વિચારણા કરવા અને હિતધારકો સાથે કાર્યક્રમો આયોજિત કરવા પ્રોત્સાહન આપ્યું છે. અમે અમારી શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ વચ્ચે જોડાણ વધારવા સંમત થયા છીએ.
આપણા પ્રદેશમાં સભ્યતા, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણને સ્વીકારી અમે પ્રવાસનના વિકાસ માટેની પ્રચૂર સંભવિતતાને ઓળખી છે અને બિમસ્ટેકના સભ્યો દેશો વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા નક્કર પગલા લેવામાં રસ દાખવ્યો છે, જેમાં વિશેષ ટૂરિસ્ટ સર્કિટ અને ઇકો-ટૂરિઝમ સામેલ છે. ખાસ કરીને પ્રદેશની અંદર અમે બુદ્ધિસ્ટ ટૂરિસ્ટ સર્કિટ અને ટેમ્પ્લ સર્કિટના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે.
અમે ભૂતાનમાં બિમસ્ટેક સાંસ્કૃતિક ઔદ્યોગિક પંચ અને બિમસ્ટેક સાંસ્કૃતિક ઉદ્યોગ અવલોકનની સ્થાપનાને ઝડપથી આગળ વધારવાનો નિર્ણય કર્યો છે, જે સાંસ્કૃતિક ઉદ્યોગો પર માહિતી માટે સંગ્રહ તરીકે કામ કરશે.
અમે જાન્યુઆરી, 2012માં નેપાળમાં આયોજિત ગરીબી નાબૂદી પર બિમસ્ટેકની બીજી મંત્રીમંડળીય બેઠકમાં સ્વીકૃતિ પામેલ તથા માર્ચ, 2014માં મ્યાનમારમાં આયોજિત ત્રીજી બિમસ્ટેક બેઠકમાં અમે મંજૂર કરેલ સમજૂતી પ્રત્યે બિમસ્ટેક ગરીબી નાબૂદીની કાર્યયોજનાના અસરકારક અમલીકરણ પ્રત્યે ફરી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ.
ઢાંકામાં બિમસ્ટેકનું કાયમી સચિવાલય વર્ષ 2014થી કાર્યરત થયું છે તેના પર અમને સંતોષ છે અને આ સચિવાલયને કાર્યરત કરવા બાંગ્લાદેશના નોંધપાત્ર પ્રદાનને પણ બિરદાવીએ છીએ.
વર્ષ 2017માં બિમસ્ટેકની સ્થાપનાની 20મી વર્ષગાંઠ ઉજવાશે. તેને ધ્યાનમાં રાખીને અમે બિમસ્ટેકના સચિવાલયને તેની ઉજવણી કરવા વિવિધ પ્રવૃત્તિઓ યોજવા અને અમારી ઓથોરિટીઝને પણ આવી પ્રવૃત્તિઓ હાથ ધરવાની સૂચના આપી છે.
બિમસ્ટેક હેઠળ પ્રાદેશિક સહકારને અસરકારક બનાવવા અમે નિયુક્ત સ્તરે સમયસર અને નિયમિત રીતે બિમસ્ટેકની તમામ બેઠકો યોજવા પ્રતિબદ્ધ છીએ.
અમે બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રિક્સ-બિમસ્ટેક આઉટરિચ સમિટમાં બિમસ્ટેકના નેતાઓને આમંત્રણ આપવાની તથા શિખર સંમેલન દરમિયાન ઉષ્માસભર આતિથ્યસત્કાર કરવા બદલ તેમની પ્રશંસા કરી છીએ.
અમે વર્ષ 2017માં ચોથી બિમસ્ટેક શિખર સંમેલન માટે બેઠકમાં સામેલ થવા આતુર છીએ.