મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૩૦મી ડિસેમ્બરના રોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ખાતે ગુજરાત સોલાર પાર્કનું ઉદઘાટન કરશે. આ પાર્કને સ્થાપીને ગુજરાતે ક્લાયમેન્ટ ચેન્જ ક્ષેત્રે વિરાટ કદમ ભર્યું છે.

આ યોજનાથી ૫૦૦ મે.વો. પુનઃપ્રાપ્‍ય ઉર્જા સ્‍ત્રોતથી વીજળી મેળવવામાં આવશે જેને પરિણામે આશરે આઠ લાખ મીલીયન ટન કાર્બન ડાયોકસાઇડનું ઉત્‍પાદન પણ ઘટશે અને કુદરતી ઇંધણ જેવાં કે કોલસા/ગેસનો બચાવ થશે અને પર્યાવરણને શુધ્‍ધ રાખી શકાશે. આમ, આ યોજના થકી ગુજરાત રાજ્ય ‘કલાઇમેટ ચેન્‍જ ઇનીશીયેટીવ' દ્વારા દેશભરમાં અગ્રેસર રહ્યુ છે.

સમગ્ર એશિયામાં આ પ્રથમ એવી નવીનતમ પ્રકારની યોજના છે. આ યોજના સાકાર થતાં, , આશરે ૫૦૦ મે.વો.થી વધુ વીજ ક્ષમતા સોલાર યોજના થકી મેળવનારું ગુજરાત રાજ્ય એશિયામાં પ્રથમ રાજય બનશે.ગુજરાત સોલાર પાવર પાર્કમાં આશરે ૩૩૦ દિવસથી પણ વધુ સૂર્ય દિવસો મળવાની શકયતા છે જેના દ્વારા ૫.૫-૬.૦ કિલો વોટ પ્રતિ ચો.મી. પ્રતિ દિન સોલાર રેડીએશન મળશે. ગુજરાત સોલાર પાવર પોલીસી અંતર્ગત અત્‍યાર સુધીમાં ગુજરાત સરકાર દ્વારા કુલ આશરે ૯૩૩ મે.વો. ના વીજ ખરીદ કરાર કરવામાં આવ્‍યા છે, જે સમગ્ર દેશના સોલાર પાવર સેકટરના ઇતિહાસમાં એક નોંધનીય બાબત છે.

સમગ્ર વિશ્વ ઉપર જયારે પર્યાવરણના પ્રશ્નો અને ગ્‍લોબલ વોર્મીંગનો ભય ઝળુંબી રહ્યો છે ત્‍યારે પુનઃ પ્રાપ્‍ય ઉર્જાસ્‍ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરીને રાજય અને દેશને આર્થિક અને પર્યાવરણની દ્રષ્‍ટીએ અત્‍યંત લાભદાયી એવી સોલાર પાવર પોલીસી-૨૦૦૯ જાહેર કરીને ગુજરાત રાજયે વર્ષના ૩૦૦ દિવસ માટે ઉપલબ્‍ધ થતી સૂર્ય-ઉર્જાના દોહન માટે આ પાર્કના નિર્માણ દ્વારા ગુજરાતે એક અગ્રીમ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે આ સોલર પાર્કના વિકાસ માટે ગુજરાત પાવર કોર્પોરેશન લિ. ને નોડલ એજન્‍સી તરીકે નીમી છે. આ સોલાર વીજ યોજના માટે રાજ્ય સરકારે સરકારી પડતર તેમજ બિન ઉપયોગી/બિન ખેતીલાયક જમીન ફાળવવાનું નકકી કર્યું છે.

રાજ્યના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામે રાજ્ય સરકારે જે સોલાર પાવર પાર્ક વિકસાવવાની કાર્યવાહી શરૂ પણ કરી દીધી છે. તદઅનુસાર ગુજરાત સોલાર પાવર પાર્ક ફેઝ-૧ માં આશરે ૨૦૦૦ હેકટર જમીન નિર્ધારીત કરાઇ છે, જેમાં ૧૦૦૦ હેકટરથી વધુ સંપાદીત જમીન બિનખેતીલાયક-પડતર છે .હાલમાં ૧૦૮૦ હેકટર સરકારી પડતર જમીન ફાળવવાના આદેશ કરી દેવામાં આવ્‍યા છે અને અન્ય જમીન માટે જમીન સંપાદન અધિનિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે. આ સોલાર પાર્કમાં અંદાજે ૫૦૦ મે.વો. ની ક્ષમતાની સોલાર વીજ પ્રોજેકટસ સ્થાપી શકાશે અને ઉત્‍પન્‍ન થનારી વીજળીના પરિવહન માટે રાજયની વીજ પરિવહન એજન્‍સી ‘જેટકો' (Gujarat Energy Transmission Corporation Ltd.) દ્વારા સ્‍થળ પરના કાર્યો શરૂ કરવામાં આવ્‍યા છે.

સોલાર પાવર પ્રોજેકટ સ્‍થાપવા માટેની લગભગ બધી જ મૂળભુત જરૂરીયાતો વિકાસકારને એક જ સ્‍થળે પૂરી પાડવામાં આવશે જેને કારણે વિકાસકારનો અને સરકારનો સમય અને ખર્ચ બચશે અને ખૂબ જ ઝડપથી સોલાર વીજ યોજનાઓ પ્રસ્‍થાપિત કરી શકાશે. ગુજરાત સોલાર પાવર પાર્ક ફેઝ-૧ માં મુખ્‍યત્‍વે જીપીસીએલ દ્વારા જમીન સંપાદન કરી તેને સમતળ બનાવી તેના પ્‍લોટ નિર્ધારીત કરી જે તે વિકાસકારને સોલાર વીજ યોજના માટે ૩૦ વર્ષના ભાડા-પટ્ટે ફાળવવામાં આવશે. આ પાર્કમાં જરૂરી બાંધકામ, પાણી, વીજળી, રસ્‍તા, વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા, વીજ પરિવહન વ્‍યવસ્‍થા વગેરે જરૂરી માળખાકીય સવલતો પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ફેઝ-૧ માટે ડીટેઇલ્‍ડ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્‍યો છે તેમજ સ્‍થળ પરના અભ્‍યાસો જેવાં કે, ટોપોગ્રાફી સર્વે, જીઓટેકનીકલ સર્વે જેવા અભ્યાસો પૂર્ણ કરી દેવામાં આવેલ છે. આ યોજના માટે મે. કલીન્‍ટન ફાઉન્‍ડેશન દ્વારા સોલાર રેડીએશનના અભ્‍યાસો પૂર્ણ કરી જીપીસીએલને સોંપવામાં આવ્યા છે. કેન્‍દ્ર સરકારના મીનીસ્‍ટ્રી ઓફ ન્‍યુ એન્‍ડ રીન્‍યુએબલ એનર્જી તથા ગુજરાત સરકાર દ્વારા આ સ્‍થળે ‘‘વેધર સ્‍ટેશન'' સ્‍થાપવા માટે સૈધ્‍ધાંતિક મંજુરી આપી છે.

ગુજરાત પાવર કોર્પોરેશન લિ. દ્વારા સોલાર પાવર પાર્કમાં પ્‍લોટ ફાળવવા માટેની નીતિ પણ તૈયાર કરવામાં આવેલ છે. અત્‍યાર સુધીમાં કુલ ૧૪ ડેવલપર્સ દ્વારા આશરે ૧૫૧ મે.વો.ના સોલાર વીજ મથક સોલાર પાવર પાર્કમાં સ્‍થાપવા માટેની અરજી આપી છે..

તદ્દઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા સોલાર પાવર પાર્કમાં સોલાર વીજ યોજનાને લગતી પ્‍લાન્‍ટ-મશીનરીનું મેન્‍યુફેચરીંગ, એસેમ્‍બલીંગ તેમજ રીસર્ચ અને ડેવલપમેન્‍ટના પ્રોજેકટસ પણ સ્‍થાપવામાં આવશે. સાથે સાથે, સોલાર વીજ યોજના માટે જરૂરી માનવબળ મળી રહે તે માટે તકનીકી માનવશકિત માટેની તાલીમ-સંશોધન સંસ્‍થા પણ સોલાર પાર્કમાં સ્‍થાપવાનું આયોજન છે.

આ યોજનાનો અંદાજીત ખર્ચ આશરે રૂ. ૧૨૮૭ કરોડ થશે. જેમાંનો મોટાભાગનો ખર્ચ એટલે કે અંદાજે રૂ. ૩૫૧ કરોડ જમીન સંપાદનમાં થશે. જયારે વીજ-પરિવહનમાં આશરે રૂ. ૬૨૪ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા આ યોજના માટે ‘‘વન ટાઇમ એડીશનલ સેન્‍ટ્રલ એસીસ્‍ટન્‍સ'' તરીકે રૂ.૨૧૦ કરોડ આપવાનું નકકી કરાયું છે. આ ઉપરાંત વીજ પરિવહન અને સોલાર પાર્ક ગ્રીડ માટે એશિયન ડેવલપમેન્‍ટ બેંક દ્વારા ગુજરાત એનર્જી ટ્રાન્‍સમીશન કંપની (જેટકો) ને આશરે રૂ. ૫૦૦ કરોડની લાંબાગાળાની, ઓછા વ્‍યાજદરની લોન આપવાની સૈધ્‍ધાંતિક મંજુરી આપવામાં આવી છે.

આ યોજનામાં સરકારી બિનખેતીલાયક પડતર જમીનના ઉપયોગને પ્રાધાન્‍ય અપાયું હોવાથી, ગુજરાત રાજયનાં છેવાડાના ચારણકા જેવા ગામોનો વિકાસ થશે એટલું જ નહિ, ૫૦૦ મે.વો. ના જુદા જુદા સોલાર વીજ મથકો માટે આશરે રૂ. ૭૫૦૦ કરોડનું સીધું મુડીરોકાણ રાજયમાં થવાનો અંદાજ છે.આ યોજનામાં મુખ્‍યત્‍વે એસેમ્‍બલીંગ, સીવીલ વર્કસ, ઇલેકટ્રીકલ વાયરીંગ, સોલર પેનલ સફાઇ જેવાં કામની જરૂરિયાત હોઇ અને આવાં કામ માટે સ્‍થાનિક માણસોને પધ્‍ધતિસરની તાલીમ આપી શકાય તેમ હોઇ, અતિ પછાત સાંતલપુર તાલુકા માટે બેરોજગાર યુવકોને સીધી/આડકતરી રીતે રોજગારીની તકો મળશે.

ગુજરાત રાજ્યેપુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો મહત્તમ લાભ લેવા માટે કુદરતી ઉર્જા સ્ત્રોતો જેવા કે પવન ઉર્જા, સૌર ઉર્જા, હાયડ્રો પાવર, દરીયાઇ મોજાથી ઉત્પન્ન થતી ઉર્જા વગેરેનો લાભ લેવા માટે દેશભરમાં પહેલ કરી છે. રાજ્ય દ્વારા સમગ્ર દેશમાં સૌથી પ્રથમ ૧૯૯૩ માં વિન્ડ પાવર પોલીસી જાહેર કરવામાં આવી. વર્ષ ૨૦૦૭ અને ૨૦૦૯ માં વિન્ડ પાવર પોલીસી સુધારો બહાર પાડી વધુ વિકાસલક્ષી જોગવાઇ કરવામાં આવી. જેના પરીણામે ૨00૭-0૮ના નાણાકીય વર્ષ દરમિયાન ૯૯.૬૪% નો વૃદ્ધિદર હાંસલ કરાતાં મહત્તમ ક્ષમતાના નિર્માણ માટે નવેમ્બર-૨00૮માં ગુજરાત રાજયને શ્રેષ્ઠ પવનઊર્જા વિકાસકાર રાજયનો એવોર્ડ મળ્યો. વર્ષ ૨૦૦૫માં ગુજરાતે હાઇડ્રો પાવર પોલીસી બહાર પાડવામાં આવી; અને ૨૦૦૯ માં સોલર પાવર પોલીસી બહાર પાડવામાં આવી. વિન્ડપાવર પોલીસી અને સોલર પાવર પોલીસીને અભુતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૦૯ માં રાજ્ય સરકારે ૫૭ કંપનીઓ સાથે ૯૬૦૬ મેગાવૉટ માટે કુલ રૂ.૧૦૨૯૮૭ કરોડના રોકાણ માટે સમજૂતિ કરાર (MoU) થયા. આ પૈકી અત્યાર સુધીમાં કુલ-૯૩૩ મેગાવૉટ માટે કુલ-૮૦ વિકાસકારો સાથે વીજ ખરીદી કરાર (Power Purchase Agreement-PPA) થયેલ છે.

આ ઉપરાંત ઉદાર સૂર્ય-ઉર્જા નીતિ અને સુધારેલ પવન ઊર્જા નીતિને પગલે આગામી ત્રણ-ચાર વર્ષમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે અંદાજે રૂ. ૬પ,000 કરોડનું મૂડીરોકાણ થશે. હજુ પણ વધુ ને વધુ વિકાસકારો દ્વારા ૨૦૦ પ્રોજેક્ટસ હેઠળ વધુ ૧૩૦૦૦ મેગાવૉટ સોલર પાવર માટે રજૂઆતો રાજ્ય સરકારને મળી છે. જેના કારણે ભવિષ્યમાં પવન ઊર્જા થકી ૪000 મે.વો., બાયોમાસ ઊર્જા થકી ૧000 મે.વો. અને સૌર ઊર્જા થકી ૯૩૩ મે.વો. વીજ-ઉત્પાદન થશે. જેના કારણે લાખો ટન કોલસાની બચત થશે સાથોસાથ વર્ષે દહાડે લાખો ટન અંગારવાયુ વાતાવરણમાં ઓકાતો અટકશે, વધુમાં અંદાજે ૪૦૦૦૦ લોકોને સીધી કે આડકતરી રીતે રોજગાર મળી રહેશે.

ગુજરાતે ક્લાઇમેન્ટ ચેન્જના ઉકેલ માટે પોતાની ક્ષમતા માત્ર દેશને જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને બતાવવા માટે આ સોલાર પાર્કના નિર્માણના સંકલ્પ દ્વારા એશિયાભરમાં મહત્ત્વનું પગલું ભર્યું છે એટલું જ નહીં પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રાપ્તિ ક્ષેત્રે પણ દેશભરમાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે.
December 28, 2010

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 2 જાન્યુઆરી 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones