મહામહિમ્ન પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો અબે,
માનવંતા મહેમાનો,
સન્નારીઓ અને સજ્જનો,
કોન્બાન્વા !
પ્રધાનમંત્રી તરીકે જાપાનની મારી બીજી મુલાકાત માટે ફરી આવવાનું મારા માટે ભારે બહુમાન છે. ભારતના લોકો, જાપાનના લોકોના સમર્પણ અને ગતિશીલતા, ઉત્સાહ અને જોમ અને સિદ્ધિઓને અનેક વર્ષોથી આદર કરે છે.
જાપાનના અનુભવમાંથી ઘણું બધું શીખવા અને ગ્રહણ કરવા જેવું છે. ભારત અને જાપાન લાંબા સમયથી ઘનિષ્ઠ અને મિત્રતાપૂર્ણ જોડાણો ધરાવે છે. આપણા દેશવાસીઓ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મના વૈચારિક પ્રવાહોમાં ઊંડા જોડાણોમાં સહભાગી છે. આપણા બંને દેશો આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક માહોલની જાળવણી વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાતનું મહત્ત્વ સમજે છે.
ઉદારીકરણ, લોકશાહી અને કાયદાના શાસન પ્રત્યે સન્માનના સમાન મૂલ્યો દ્વારા આપણા સંબંધો વધુ મજબૂત બન્યા છે. આજે આપણી વિશિષ્ટ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી આર્થિક અને વ્યૂહાત્મક મુદ્દાઓના વધતા સંપાત દ્વારા ચિહ્નિત થાય છે.
હજુ પણ એવું ઘણું છે, જે આપણે માત્ર આપણા દેશવાસીઓના ફાયદા માટે જ નહીં, પરંતુ પ્રદેશ અને સમગ્ર વિશ્વના લાભ માટે આપણી ભાગીદારી વધુ ઘનિષ્ઠ બનાવીને કરી શકીએ એમ છીએ.
આપણી ક્ષમતાઓ પણ, હાલ આપણે સંયુક્તપણે જે તકો અને પડકારોનો સામનો કરી રહ્યા છીએ, તે બંનેને પ્રતિક્રિયા આપવા સંયુક્તપણે કામે આવી શકે છે. અને, વૈશ્વિક સમુદાયની સાથે મળીને આપણે ઉગ્રવાદ, આંત્યક્તિક્તા અને આતંકદવાદના વધી રહેલા જોખમોનો સામનો કરી શકીએ છીએ અને આપણે કરવો જ જોઈએ.
મિત્રો,
ભારતની આર્થિક સમૃદ્ધિ, માળખાકીય વિકાસ, ક્ષમતા નિર્માણ અને તકનિકી ઉત્કર્ષની યાત્રામાં જાપાન હંમેશા મૂલ્યવાન ભાગીદાર રહ્યું છે. આપણા સહયોગના વ્યાપ અને માપ અનેક ક્ષેત્રોમાં પથરાયેલા છે.
આપણા આર્થિક જોડાણો સતત વિકસી રહ્યા છે. વ્યાપારી જોડાણો સતત વધી રહ્યા છે. અને, જાપાનમાંથી રોકાણો વધી રહ્યા છે. જાપાનની કંપનીઓને અમારા મહત્ત્વપૂર્ણ વિકાસલક્ષી પગલાંઓને કારણે ઘણો ફાયદો છે. વળતામાં, અમને ટેકનોલોજી અને નવિનીકરણમાં જાપાનના અપ્રતિમ સ્થાનનો લાભ મળે છે.
આપણા જોડાણોની આવકારવાલાયક વિશેષતા એ છે કે ભારતના રાજ્યો અને જાપાનના વહીવટી વિભાગો વચ્ચે સંપર્કો અને સહકાર વધ્યા છે. આ હકીકત, અમે વૈશ્વિક દ્રષ્ટિએ જાપાનને આપેલી ઉચ્ચ પ્રાથમિકતાનું પ્રતિબિંબ છે. આપણા દેશવાસીઓ વચ્ચે એકબીજા માટે સદ્ભાવ અને પરસ્પર આદરના પોષણને કારણે આપણે જોડાણોનું જતન થયું છે. અને, મહામહિમ્ન શ્રી અબેના મજબૂત નેતૃત્વને કારણે આ ભાગીદારી કુશળતાપૂર્વક આગળ વધી છે.
એમની સાથે છેલ્લા બે વર્ષોમાં આજે આ મારી આઠમી મુલાકાત છે. અમારી શિખર બેઠકના અનેક લાભ આજે આપણે મેળવી રહ્યા છીએ, ત્યારે પ્રધાનમંત્રી શ્રી અબે અને જાપાનની સરકારનો મારા તેમજ મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત અને શ્રેષ્ઠ વ્યવસ્થાઓ બદલ હું મારી હૃદયપૂર્વકની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
આપણા ભાગ્ય પરસ્પર જોડાયેલા છે એ બાબત નિઃશંક છે. હિંદ-પેસિફિક મહાસાગરના જે જળ જાપાનના સમુદ્રતટને ગોદમાં લે છે, તે જ જળરાશિ ભારતના સમુદ્રતટને પણ ભીંજવે છે. ચાલો, સાથે મળીને શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે કાર્યરત બનીએ.
સન્નારીઓ અને સજ્જનો,
હું આપ સહુને ભોજન શરૂ કરવા માટે વિનંતી કરું છુંઃ
જાપાનના મહામહિમ્ન સમ્રાટ અને સામ્રાજ્ઞીના સારા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત સુખાકારી માટે, પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો અબેની પ્રગાઢ સફળતા ગતિમાન રહે એના માટે, જાપાનના મૈત્રીપૂર્ણ લોકો માટે અને આજે રાત્રે અત્રે ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ માટે,
ભારત અને જાપાન વચ્ચેની અતૂટ મૈત્રી માટે,
કાન્પાઈ (ચિયર્સ) !