21 વર્ષીય સંજય વર્ગેમને 14/02/2019નાં રોજ છાતીમાં દુઃખાવા, નબળાઈ, ચક્કર ચડવાં, કફ અને શ્વાસ ચઢવાને કારણે હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યાં હતાં. આ માટેનું કારણ છેલ્લાં 1-2 વર્ષનો તેમનો અતિ શ્રમ જવાબદાર હતો.
વિસ્તૃત પરીક્ષણ કર્યા પછી નિદાન થયું હતું કે, તેમનાં હૃદયમાં ડબલ વાલ્વને બદલવાની જરૂર છે.
તેમનો પરિવાર ગરીબ હોવાથી તેઓ ડૉક્ટરે સૂચવેલી સારવાર કરાવવા નાણાકીય રીતે સદ્ધર નહોતાં. પરિણામે તેઓ અને તેમનો પરિવાર નિરાશા સાથે તેમનાં ગામ પરત ફર્યો હતો. પણ ટૂંક સમયમાં તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાણકારી મળી હતી, જે સંજય અને એમનાં પરિવાર માટે આશીર્વાદરૂપ બની હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 18 ફેબ્રુઆરી, 2019નાં રોજ તેમની સર્જરી નિઃશુલ્ક ધોરણે હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારનાં સર્જરીનો ખર્ચ રૂ. 2 લાખ આવે છે.
તેઓ હવે દુઃખાવાથી મુક્ત છે તેમજ સ્વસ્થ અને પ્રસન્ન જીવી રહ્યાં છે.
અત્યારે તેઓ સ્વસ્થ છે અને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનાની સફળતા વિશે પ્રધાનમંત્રી સાથે મુલકાત કરનારા 31 લાભાર્થીઓમાંના એક છે.
એક વર્ષ અગાઉ શરૂ થયેલી આયુષ્માન ભારત યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ વીમા યોજના છે, જેનો ઉદ્દેશ દેશમાં 10.74 કરોડથી વધારે લોકોને તબીબી સુવિધાઓ સરળતાપૂર્વક સુલભ કરવાનો છે.
છેલ્લાં એક વર્ષમાં સંજય વર્ગેમ જેવા 50,000થી વધારે દર્દીઓને તેમનાં રાજ્યની બહાર તબીબી સારવારની સુવિધા મળી શકી છે, જ્યાં આ પ્રકારની શ્રેષ્ઠ સુવિધાઓ આયુષ્માન ભારત કાર્યક્રમને કારણે ઉપલબ્ધ થઈ હતી.
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમ-જેએવાય) હેઠળ 16,085 હોસ્પિટલોની નોંધણી થઈ છે, 41 લાખથી વધારે લાભાર્થીઓની સારવાર કરવામાં આવી છે અને 10 કરોડથી વધારે ઇ-કાર્ડ આપવામાં આવ્યા છે.
આયુષ્માન ભારત અંતર્ગત સમગ્ર દેશમાં 20,700થી વધારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત થયા છે.