ભારતના યુવાનો કંઈક નવું અને મોટા પાયે કરવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

August 29th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આપણને સહુને ખબર છે કે આજે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ છે. અને આપણો દેશ તેમની સ્મૃતિમાં તેને રાષ્ટ્રીય ખેલ દિવસના રૂપે મનાવે પણ છે. હું વિચારી રહ્યો હતો કે કદાચ આ સમયમાં મેજર ધ્યાનચંદજીનો આત્મા જ્યાં પણ હશે, બહુ જ પ્રસન્નતાનો અનુભવ કરતો હશે. કારણ કે દુનિયામાં ભારતની હોકીનો ડંકો વગાડવાનું કામ ધ્યાનચંદજીની હોકી એ કર્યું હતું. અને ચાર દસકા બાદ લગભગ લગભગ 41 વર્ષ પછી, ભારતના નવયુવાનોએ, દિકરા અને દિકરીઓએ હોકીની અંદર ફરી એકવાર પ્રાણ પૂરી દીધો છે. અને કેટલાય પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં પદક નથી મળતો, ભારતનો કોઈ પણ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો અને આ વખતે ઓલમ્પિકમાં હોકીમાં પદક મળ્યો, ચાર દસકા બાદ મળ્યો. તમે કલ્પના કરી શકો છો, મેજર ધ્યાનચંદજીના હ્રદય પર, તેમના આત્મા પર તેઓ જ્યાં હશે ત્યાં, કેટલી પ્રસન્નતા થતી હશે અને ધ્યાનચંદજીનું આખું જીવન રમતગમતને સમર્પિત હતું અને તેથી આજે, જ્યારે આપણને આપણા દેશના નવયુવાનોમાં, આપણા દિકરા-દિકરીઓમાં, રમતગમત પ્રત્યે જે આકર્ષણ નજરે પડી રહ્યું છે. માતા-પિતાને પણ બાળકો જો રમતગમતમાં આગળ જઈ રહ્યા છે તો ખુશી થઈ રહી છે, આ જે તત્પરતા દેખાઈ રહી છે ને, હું સમજું છું, આ જ મેજર ધ્યાનચંદજીને ઘણી મોટી શ્રદ્ધાંજલી છે.