મણિપુરના ઇમ્ફાલમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમત મંત્રીઓની 'ચિંતન શિબિર'માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 24th, 10:10 am

મને ખુશી છે કે આ વર્ષે દેશના ખેલ મંત્રીઓની આ પરિષદ, આ ચિંતન શિબિર મણિપુરની ધરતી પર યોજાઈ રહી છે. ઉત્તર પૂર્વના ઘણા ખેલાડીઓએ ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે અને દેશ માટે મેડલ્સ જીત્યા છે. દેશની રમત-ગમત પરંપરાને આગળ વધારવામાં પૂર્વોત્તર અને મણિપુરનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. અહીંની સ્વદેશી રમતો, જેમ કે સગોલ કાંગજઈ, થાંગ-તા, યુબી લાક્પી, મુકના અને હિઆંગ તાન્નબા, પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે મણિપુરની ઉ-લાવબી જોઈએ છીએ, ત્યારે આપણને તેમાં કબડ્ડીની ઝલક જોવા મળે છે. અહીંની હિયાંગ તાન્નબા કેરળની બોટ રેસની યાદ અપાવે છે. અને મણિપુરનું પોલો સાથે પણ ઐતિહાસિક જોડાણ રહ્યું છે. એટલે કે, જે રીતે ઉત્તર પૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ભરી દે છે, તે જ રીતે તે દેશની ખેલ વિવિધતાને પણ નવા આયામો આપે છે. હું આશા રાખું છું કે દેશભરમાંથી આવેલા રમતગમત પ્રધાનો મણિપુરમાંથી ઘણું શીખીને પાછા ફરશે. અને મને વિશ્વાસ છે કે, મણિપુરના લોકોનો સ્નેહ અને આતિથ્યભાવ તમારા પ્રવાસને વધુ આનંદપ્રદ બનાવશે. હું આ ચિંતન શિબિરમાં ભાગ લઈ રહેલા તમામ ખેલ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોનું સ્વાગત કરું છું, અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ ઇમ્ફાલ, મણિપુરમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના મંત્રીઓની ‘ચિંતન શિવિર’માં સંબોધન કર્યું

April 24th, 10:05 am

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે આ વર્ષે મણિપુરમાં ‘ચિંતન શિવર’ થઈ રહી છે અને પૂર્વોત્તરના ઘણા ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતીને ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રીએ આ પ્રદેશની સ્વદેશી રમતો જેમ કે સગોલ કાંગજાઈ, થંગ-તા, યુબી લકપી, મુકના અને હિયાંગ તન્નાબા પર પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની રીતે ખૂબ જ આકર્ષક છે. પૂર્વોત્તર અને મણિપુરે દેશની રમત પરંપરાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે,એમ શ્રી મોદીએ ઉમેર્યું. સ્વદેશી રમતો વિશે વધુ સમજાવતા, પ્રધાનમંત્રીએ મણિપુરના ઓ-લવાબીનો ઉલ્લેખ કર્યો જે કબડ્ડીને મળતો આવે છે, હિયાંગ તન્નાબા કેરળની એક બોટ રેસની યાદ અપાવે છે. તેમણે પોલો સાથે મણિપુરના ઐતિહાસિક જોડાણની પણ નોંધ લીધી અને કહ્યું કે ઉત્તરપૂર્વ દેશની સાંસ્કૃતિક વિવિધતામાં નવા રંગો ઉમેરે છે અને દેશની રમતની વિવિધતાને નવા આયામો પૂરા પાડે છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ચિંતન શિવિર’ ના અંતે દેશભરના રમતગમત પ્રધાનોને શીખવાનો અનુભવ થશે.