યુગાન્ડાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 25th, 01:00 pm
આ મહાન ગૃહને સંબોધિત કરવાનું આમંત્રણ મળવાથી હું ગૌરવની લાગણી અનુભવુ છું. મને અન્ય દેશનો સંબોધિત કરવાનું સૌભાગ્ય પણ મળ્યું છે. પરંતુ આ વિશેષ પ્રસંગ છે. આ સન્માન પ્રથમ વખત ભારતનાં કોઈ પણ પ્રધાનમંત્રીને મળ્યું છે. આ મારું નહીં, પણ મારી સાથે દેશનાં 125 કરોડ ભારતીયોનું સન્માન છે. હું આ ગૃહમાં યુગાન્ડાનાં લોકો માટે ભારતીય નાગરિકોની શુભકામનાઓ અને મિત્રતા લઈને આવ્યો છું. સભાપતિ મહોદયા, તમારી હાજરીથી મને મારી લોકસભા યાદ આવી ગઈ. અમારાં દેશમાં પણ લોકસભાનાં અધ્યક્ષ એક મહિલા જ છે. અહીં મને મોટી સંખ્યામાં યુવાન સાંસદો જોવા મળે છે. કોઈ પણ લોકતાંત્રિક દેશમાં યુવોનોની વધતી ભાગીદારી સારી બાબત છે. જ્યારે પણ હું યુગાન્ડા આવું છું, ત્યારે હું આ ‘આફ્રિકાનાં મોતી’ સમાન રાષ્ટ્રથી મંત્રમુગ્ધ થઈ જાઉં છું. આ સૌંદર્ય, સંસાધનોની પુષ્કળ સંપત્તિ અને સમૃદ્ધિનાં વારસાની ભૂમિ છે. હું અત્યારે ઇતિહાસ પ્રત્યે સચેત છું કે સૌથી મોટા લોકશાહી દેશનાં એક પ્રધાનમંત્રી હોવાનાં નાતે હું બીજા સંપ્રભુ રાષ્ટ્રનાં ચૂંટાયેલા સાંસદોને સંબોધિત કરી રહ્યો છું. આપણો પ્રાચીન દરિયાઈ સંપર્ક, સંસ્થાનવાદી શાસનનાં અંધકાર યુગ, સ્વતંત્રતા માટે આપણો સહિયારો સંઘર્ષ, વિઘટિત વિશ્વમાં સ્વતંત્ર દેશો સ્વરૂપે આપણી તત્કાલીન અનિશ્ચિત દિશા, નવી તકોનો ઉદય અને આપણી યુવા પેઢીની આકાંક્ષા – બધું સહિયારું છે. આ બધા પરિબળો આપણને એક તાંતણે જોડે છે.