નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ-એનએસીઆઇએનનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

January 16th, 04:00 pm

નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં આ શાનદાર કૅમ્પસ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જે શ્રી સત્ય સાંઈ જિલ્લો, જે વિસ્તારમાં આ કૅમ્પસ બનાવવામાં આવ્યું છે, તે પોતાનામાં વિશેષ છે. આ વિસ્તાર આધ્યાત્મ, રાષ્ટ્ર નિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલા આપણા વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. તમે બધા જાણો છો કે પુટ્ટપર્થી એ શ્રી સત્ય સાઈ બાબાનું જન્મસ્થળ છે. આ મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી શ્રી કલ્લુર સુબ્બારાવની ભૂમિ છે. આ પ્રદેશે પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલાપતિ રાવને નવી ઓળખ આપી છે. આ ભૂમિ વિજયનગરના ગૌરવશાળી રાજવંશના સુશાસનની પ્રેરણા આપે છે. આવાં જ પ્રેરણાદાયી સ્થળે ‘નેસિન’નું આ નવું કૅમ્પસ બનાવવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આ કૅમ્પસ સુશાસનના નવા આયામો સર્જશે અને દેશમાં વેપાર અને ઉદ્યોગને નવી ગતિ આપશે.

પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશનાં શ્રી સત્ય સાંઈ જિલ્લાનાં પલાસમુદ્રમમાં નેશનલ એકેડેમી ઑફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સનાં નવા કેમ્પસનું ઉદઘાટન કર્યું

January 16th, 03:30 pm

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ પલાસમુદ્રમ ખાતે નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સના ઉદઘાટન બદલ તમામને અભિનંદન પાઠવ્યા હતા. પલાસમુદ્રમના પ્રદેશની વિશેષતા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ વિસ્તાર આધ્યાત્મિકતા, રાષ્ટ્રનિર્માણ અને સુશાસન સાથે સંકળાયેલો છે તથા ભારતની વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે પુટ્ટાપાર્થીમાં શ્રી સત્ય સાંઈબાબાના જન્મસ્થળનો, મહાન સ્વાતંત્ર્ય સેનાની પદ્મશ્રી કલ્લુર સુબ્બા રાવ, પ્રસિદ્ધ કઠપૂતળી કલાકાર દલવાઈ ચલપતિ રાવ અને ભવ્ય વિજયનગર સામ્રાજ્યના સુશાસનનો આ વિસ્તારમાંથી પ્રેરણાસ્ત્રોત તરીકે ઉલ્લેખ કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એનએસીઆઇએનનું નવું પરિસર સુશાસનનાં નવા આયામોનું સર્જન કરશે તથા દેશમાં વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન આપશે.