મન કી બાત, ડિસેમ્બર 2023
December 31st, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત' અર્થાત્ તમારી સાથે મળવાનો એક શુભ અવસર, અને પોતાના પરિવારજનોને જ્યારે મળીએ તો, કેટલું સુખદ હોય છે, કેટલું સંતોષજનક હોય છે ! 'મન કી બાત' દ્વારા તમને મળીને, હું, આવી અનુભૂતિ કરું છુ અને આજે તો આપણી સંયુક્ત યાત્રાનો આ 108મો એપિસૉડ છે. આપણે ત્યાં 108 અંકનું મહત્ત્વ, તેની પવિત્રતા, એક ગહન અધ્યયનનો વિષય છે. માળામાં 108 મણકા, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 પગથિયાં, 108 ઘંટ, 108નો આ અંક અસીમ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી 'મન કી બાત'નો આ 108મો એપિસૉડ મારા માટે વધુ વિશેષ બની ગયો છે. આ 108 એપિસૉડમાં આપણે જનભાગીદારીનાં અનેક ઉદાહરણ જોયાં છે. તેમાંથી પ્રેરણા મેળવી છે. હવે આ પડાવ પર પહોંચ્યા પછી, આપણે નવી રીતે, નવી ઊર્જા સાથે અને ઝડપી ગતિ સાથે, વધવાનો સંકલ્પ લેવાનો છે. અને તે કેટલો સુખદ સંયોગ છે કે કાલનો સૂર્યોદય, 2024નો પ્રથમ સૂર્યોદય હશે- આપણે વર્ષ 2024માં પ્રવેશ કરી ચૂક્યા હોઈશું. તમને સહુને 2024ની ખૂબ ખૂબ શુભકામના.