મધ્યપ્રદેશના બીના ખાતે વિકાસ કાર્યોના શિલાન્યાસ સમારોહમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

September 14th, 12:15 pm

બુંદેલખંડની આ ભૂમિ બહાદુરોની ભૂમિ છે, શૂરવીરોની ભૂમિ છે. આ જમીન બીના અને બેતવા બંનેના આશીર્વાદ ધરાવે છે. અને એક મહિનામાં બીજી વખત મને સાગરમાં આવવાનો અને તમારા બધાના દર્શનનો લ્હાવો મળ્યો છે. અને હું શિવરાજજીની સરકારને પણ અભિનંદન આપું છું અને આભાર માનું છું કે મને તમારા બધાની વચ્ચે જવાની અને તમારા બધાના દર્શન કરવાની તક આપવા માટે. છેલ્લી વાર હું સંત રવિદાસજીના તે ભવ્ય સ્મારકના ભૂમિપૂજન પ્રસંગે તમારી વચ્ચે આવ્યો હતો. આજે મને ઘણા પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવાની તક મળી છે જે મધ્યપ્રદેશના વિકાસને નવી ગતિ આપશે. આ પ્રોજેક્ટ્સ આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને નવી ઊર્જા આપશે. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ પર 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. શું તમે કલ્પના કરી શકો છો, પચાસ હજાર કરોડ શું છે? આપણા દેશના ઘણા રાજ્યોનું આખા વર્ષનું બજેટ એટલુ નથી જેટલું ભારત સરકાર આજે એક કાર્યક્રમ માટે ખર્ચે છે. આ દર્શાવે છે કે મધ્યપ્રદેશ માટે અમારા સંકલ્પો કેટલા મોટા છે. આ તમામ પ્રોજેક્ટ આવનારા સમયમાં મધ્યપ્રદેશના હજારો યુવાનોને રોજગાર આપશે. આ પ્રોજેક્ટ્સ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના સપના સાકાર કરવા જઈ રહ્યા છે. બીના રિફાઈનરીના વિસ્તરણ અને અનેક નવી સુવિધાઓનો શિલાન્યાસ કરવા બદલ હું મધ્યપ્રદેશના લાખો લોકોને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

September 14th, 11:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના બીનામાં રૂ. 50,700 કરોડથી વધારે મૂલ્યની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ની બીના રિફાઇનરી ખાતે આશરે રૂ. 49,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનાર પેટ્રોકેમિકલ કૉમ્પ્લેક્સ; નર્મદાપુરમ જિલ્લામાં વીજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન ક્ષેત્ર; ઇન્દોરમાં બે આઇટી પાર્ક; રતલામમાં મેગા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક; અને સમગ્ર મધ્ય પ્રદેશમાં છ નવા ઔદ્યોગિક પાર્ક્સનો સમાવેશ થાય છે.