મોટું વિચારો,મોટા સપના જુઓ અને તેને સાકાર કરવા સખત મહેનત કરો: મન કી બાત દરમિયાન પીએમ મોદી
December 26th, 11:30 am
મારા વ્હાલાં દેશવાસીઓ, નમસ્કાર. અત્યારે તમે 2021ને વિદાય આપી રહ્યાં છો અને 2022નાં સ્વાગતની તૈયારીમાં જોડાઇ ગયાં છો. નવાં વર્ષે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારાં વર્ષ માટે કંઇક વધુ સરસ કરવા માટેનાં તેમજ બનવા માટેનાં સંકલ્પ લે છે. પાછલાં સાત વર્ષોથી આપણી ‘મન કી બાત’ પણ વ્યક્તિનાં, સમાજનાં, દેશનાં સારા પાસાંઓને ઉજાગર કરી, અને સારાં બનવાં માટેની પ્રેરણા આપતી આવી છે. આ સાત વર્ષોમાં, ‘મન કી બાત’ કરતાં કરતાં હું સરકારની ઉપલબ્ધિઓ પર પણ ચર્ચા કરી જ શકતો હતો. તમને લોકોને પણ સારું લાગતુ, તમે લોકોએ વખાણ પણ કર્યા હોત પરંતુ મારો દાયકાનો અનુભવ છે કે મીડિયાની ચમક-દમકથી દૂર, સમાચારપત્રોની હેડલાઇન્સથી દૂર, એવાં કરોડો લોકો છે જે ઘણું બધું સારું કામ કરી રહ્યાં છે. તેઓ દેશની આવતીકાલ માટે પોતાનાં પ્રયત્નો થકી પોતાની આજને ન્યોછાવર કરી રહ્યાં છે. તેઓ દેશની આવનારી પેઢીઓ માટે પોતાના પ્રયત્નો થકી આજે દિલથી કાર્યરત છે. આવાં લોકોની વાત, ખૂબ શાંતિ આપે છે, ઊંડી પ્રેરણા આપે છે. મારાં માટે ‘મન કી બાત’ હમેશાથી એવાં લોકોનાં પ્રયત્નોથી જ ભરપૂર છે, ફળદ્રુપ, સજાવાયેલો એક સુંદર બગીચા સમાન રહ્યું છે. અને ‘મન કી બાત’ માં દર મહિને મારી મહેનત એ જ વાત માટે રહે છે કે આ બગીચાની કઇ પાંખડી આપ સૌ વચ્ચે લઇને આવું. મને ખુશી છે કે આપણી બહુરત્ના વસુંધરાનાં પુણ્ય કાર્યોનો અવિરત પ્રવાહ નિરંતર વહેતો રહે છે. અને આજે જ્યારે દેશ ‘અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે ત્યારે આ જનશક્તિ છે, જન-જનની શક્તિ છે, તેમનો ઉલ્લેખ, તેમનાં પ્રયત્નો, તેમની મહેનત, ભારતનાં અને માનવતાનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખાતરી આપી રહ્યું છે.