આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.