પ્રધાનમંત્રીએ નાઈજીરિયાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાતચીત કરી
November 17th, 06:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17-18 નવેમ્બર, 2024 સુધી નાઇજીરિયાની સત્તાવાર મુલાકાતે છે. તેમણે આજે અબુજામાં નાઇજીરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી બોલા અહમદ ટીનુબુ સાથે સત્તાવાર વાતચીત કરી હતી. સ્ટેટ હાઉસમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું 21 તોપોની સલામી સાથે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓએ મર્યાદિત બેઠક કરી હતી અને બાદમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં જી-20 શિખર સંમેલનમાં રાષ્ટ્રપતિ ટીનુબુ સાથેની તેમની ઉષ્માસભર બેઠકને યાદ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે બંને દેશો સહિયારા ભૂતકાળ, સમાન લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો દ્વારા વ્યાખ્યાયિત મૈત્રીપૂર્ણનાં વિશેષ જોડાણનો આનંદ માણે છે. પ્રધાનમંત્રીએ દેશમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે થયેલા વિનાશ માટે રાષ્ટ્રપતિ ટીનુબુને પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ ટીનુબુએ ભારત દ્વારા સમયસર રાહત સામગ્રી અને દવાઓમાં મદદ કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.