મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાત માટે ખાસ ગુજરાત આવેલા અમેરિકાની યુએસ કોંગ્રેસના સિનીયર મેમ્બર શ્રીયુત ઇએનઆઇ એફએચ ફાલેઓમાવેગાએ (ENI F H FALEOMAVEAGA) ગુજરાતના વિકાસના મોડેલની અને મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વની ખૂબ જ પ્રસંશા કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીનું ભાવભર્યું અભિવાદન કરતાં શ્રીયુત ફાલેઓમાવેગાએ યુએસ કોંગ્રેસના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ્ઝ આઠ વરિષ્ઠ કોંગ્રેસ મેમ્બર્સની સહી સાથેનો પત્ર અને કોંગ્રેસ સેશનમાં તેમણે આપેલા પ્રવચનનો અધિકૃત દસ્તાવેજ અર્પણ કર્યા હતા. જેમાં ગુજરાત મૂડીરોકાણક્ષેત્રે અને અમેરિકા-ભારત વચ્ચે વેપાર-વાણિજ્યનું ફલક વિસ્તારવામાં કેન્દ્રવર્તી બની રહ્યું છે તેનું શ્રેય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તેમની સરકારના દ્રષ્ટિવંત આયોજનને આપવામાં આવ્યું હતું.
આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૧ના આયોજનની પૂર્વતૈયારી રૂપે ગુજરાત સરકારના ઉચ્ચ ડેલીગેશને વોશિંગ્ટનના પ્રવાસ દરમિયાન યુએસ કોંગ્રેસના આ સૌથી વરિષ્ઠ મેમ્બર્સ પૈકીના એક એવા શ્રીયુત ફાલેઓમાવેગા અને અન્ય કોંગ્રેસ મેમ્બર્સની સાથે ચર્ચા કરી હતી. તેઓ એશિયા પેસીફીક ફોરેન અફેર્સની યુએસ કોંગ્રેસ કમિટીના વડા છે.
આ સંદર્ભમાં આજે મુખ્ય મંત્રીશ્રી પાસેથી તેમણે ગુજરાતના વિકાસના વિવિધ પાસાઓ અને ગુડ ગવર્નન્સ તથા અમેરિકા અને ભારત વચ્ચે પરસ્પર વિકાસ અને આર્થિક પ્રગતિના સંબંધો વિકસાવવા ગુજરાતની આધુનિક પ્રગતિ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતાની પ્રસંશા કરી હતી. ગુજરાતમાં લોકોની જીવન સુધારણાના વિકાસલક્ષી આયામોને પણ તેમણે પ્રસંશનીય ગણાવ્યા છે.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત પ્રત્યે અને મહાત્મા ગાંધીજીના અહિંસા અને જનહિતના મૂલ્યો પ્રત્યે આત્મિય શ્રદ્ધા ધરાવનારા શ્રીયુત ફાલેઓમાવેગાને શુભેચ્છાના સ્મૃતિચિન્હરૂપે ‘‘શાશ્વત ગાંધી''નું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું.
આ વરિષ્ઠ અમેરિકન કોંગ્રેસ મેમ્બરે ગુજરાતની પાંચમી ગ્લોબલ સમિટને સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું કે, આ સમિટથી ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર સહભાગીતાનું ફલક વિકસાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. ગુજરાત અને અમેરિકા વચ્ચે સહભાગીતાના ક્ષેત્રો વિકસાવવા અંગે પણ તેમણે મુખ્ય મંત્રીશ્રી સાથે એક કલાકની આ મુલાકાત દરમિયાન પરામર્શ કર્યો હતો અને ગુજરાતની પ્રગતિના મજબૂત સમર્થક તરીકે તેમના વિશ્વાસની પ્રતીતિ કરાવી હતી.