ટાઉનહોલ ‘પરીક્ષા પે ચર્ચા’ ખાતે એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રી મોદીને પ્રશ્ન પૂછ્યો કે આપણી અંદર રહેલી ક્ષમતાઓને કઈ રીતે ઓળખવી અને યોગ્ય કારકિર્દીનો માર્ગ કઈ રીતે પસંદ કરવો. આ પ્રશ્નનો ઉત્તર આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તમારી જાતને જાણવી એ થોડી અઘરી બાબત છે અને આપણી જાતને જાણવા માટેનો એક રસ્તો એ છે કે પોતાને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવી અને પડકારજનક પરિસ્થિતિમાં મૂકવી.
તેમણે યુવાનોને અઠવાડિયા દરમિયાન તેઓ જે કંઈ પણ કાર્યો કરે છે તે અંગેની એક જર્નલ લખવાની પણ સલાહ આપી, તેમણે કહ્યું કે આમ કરવાથી વિદ્યાર્થીઓને પોતાનું વલણ શોધવામાં મદદ મળશે.
તેમણે ઉમેર્યું કે બધા લોકો શું કરી રહ્યા છે તેને અનુસરવું ન જોઈએ પરંતુ પોતાના રસ અને વલણ અનુસાર પોતાની કારકિર્દી પસંદ કરવી જોઈએ.