આદિવાસી કલ્યા્ણ અને વિકાસશીલ તાલુકાઓની ચિન્તન શિબિર
મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક માર્ગદર્શન
સમગ્ર આદિવાસી ક્ષેત્રની વિકાસની વિશેષતાઓને સામાજિક-આર્થિક પરિવર્તનની શકિત બનાવીએ
આદિવાસી પૂર્વપટ્ટામાં રૂા. ૪૦૦૦ કરોડનો જળપ્રબંધનનો પ્રોજેકટ પ્રાથમિકતાના ધોરણે હાથ ધર્યો છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતમાં આદિવાસી કલ્યાણ અને વિકાસશીલ તાલુકાઓ માટેની શિબિરનું ઉદ્દઘાટન કરતાં અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી પૂર્વપટ્ટામાં પ્રવાસન વિરાસતોના વિકાસ સહિત આર્થિક પ્રવૃત્તિઓથી ધમધમતો કરવાનું સામર્થ્ય ધરાવે છે તેને માટેની વિષદ કાર્યયોજના હાથ ધરવા પ્રેરક આહ્વાન કર્યું હતું.
ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ વિભાગના ઉપક્રમે ગાંધીનગર મહાત્મા મંદિરમાં વનબંધુ કલ્યાણ અને વિકાસશીલ તાલુકાઓની વણથંભી યાત્રા અંગે આ કાર્યશિબિર યોજવામાં આવી હતી. રાજ્યના ૯૦ લાખ આદિવાસી સમૂદાય માટે અંબાજીથી ઉમરગામ સુધીના ક્ષેત્રમાં વિકાસની વણથંભી યાત્રારૂપે વનબન્ધુ કલ્યાણ યોજના અને કૌલગી સમિતિ નિર્દેશિત વિકાસશીલ તાલુકાની પછાતલક્ષી સમસ્યા ઓના નિરાકરણ માટે મિશન મોડ કાર્યયોજના અંગે આ ચિન્તન શિબિરમાં ચાર સર્વગ્રાહી ચર્ચાસત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંબાજીથી ઉમરગામ સુધીનો સમગ્ર આદિવાસી પૂર્વપટ્ટો વિકાસ યાત્રામાં સક્ષમ યોગદાન આપવાનું સામર્થ્ય ધરાવે છે તેની વિષદ રૂપરેખા આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે જંગલો, પર્વતો, દરિયાકાંઠો, આધ્યાત્મિક વિરાસત-વન્યસૃષ્ટિ ની અદ્દભૂત ધરોહરના પ્રવાસન વિકાસનું સામર્થ્ય એટલું વિશાળ છે કે રાજ્યની આર્થિક પ્રગતિમાં નવી શકિત પૂરી પાડી શકે. પાવાગઢ, શબરીમાતા, ઉનાઇ, સાપુતારા, દેવમોગરા, જાંબુઘોડા, રતનમહાલ, કેવડીયા, માનગઢ, પાલચિતરીયા, શામળાજી, ખેડબ્રહમા, અંબાજી-કેટકેટલી વિરાસતોથી ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને સમૃધ્ધ બનાવી શકાય છે તેની વિગતો તેમણે આપી હતી.
સમગ્ર વનવાસી ક્ષેત્રે પૂર્વપટ્ટામાં ઇકો-ટુરિઝમ આર્થિક પ્રવૃત્તિથી ધબકતો બને તેની વ્યૂહરચના તૈયાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચવ્યું હતું. આદિવાસી ક્ષેત્રમાં પ્રાકૃતિક કૃષિપેદાશોની સંપદા જોતાં ઓર્ગેનીક ફાર્મિંગનું ક્ષેત્ર વિકસાવી શકાય એમ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પહાડોની પાણી અને જવાની પહાડી ક્ષેત્ર માટે કામ નથી આવતા એ પારંપરિક કહેવત બદલીને સમગ્ર આદિવાસી પટ્ટા માટે રૂા. ૪૦૦૦ કરોડનો પાણી પહોંચાડવાનો પ્રોજેકટ મંજૂર કર્યો છે અને જલપ્રબંધન એ આપણી પ્રાથમિકતા બનવી જોઇએ. સમગ્ર આદિવાસી ક્ષેત્રમાં આદિવાસી કિસાનોના આર્થિક જીવનનો ગુણાત્મક બદલાવ લાવી શકવાની તાકાત પૂરી પાડવા પાણીનો આ પ્રોજેકટ સમયબધ્ધ ધોરણે પાર પાડવાનો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આદિવાસી યુવાનો માટે તીરંદાજી જેવી પારંપારિક રમતોનું કૌશલ્ય અને સુરક્ષા સેવાઓમાં ભરતીનું સામર્થ્યા, આદિવાસી કિસાનોમાં ફળફૂલની પારંપારિક ખેતીનું મૂલ્યવર્ધિત કૃષિ માર્કેટમાં રૂપાંતર, આદિવાસી મહિલાઓનું ઉત્પાદકીય કામોમાં સખીમંડળો દ્વારા આર્થિક સશકિતકરણ, ઇકો-ટુરિઝમ, જળપ્રબંધન સહિત વનબન્ધુ કલ્યાણનું હવે રૂા. ૪૦,૦૦૦ કરોડનું સંવર્ધિત પેકેજ આદિવાસી ક્ષેત્રે વિકાસની નવી તાકાત બની શકશે એમ તેમણે અનેક દ્રષ્ટાંતો સાથે જણાવ્યું હતું.
આપણાં વિકાસની પરિકલ્પના અને પ્રાયોજના ગુજરાતના સર્વગ્રાહી અને સંતુલિત વિકાસને આવરી લે છે તેની ભૂમિકા આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ માટે તાલુકાને કેન્દ્રીય એકમ તરીકે નિર્દિષ્ઠ કર્યું છે તેથી પ્રત્યેક તાલુકો પોતાના વિકાસની આગવી વિશેષતા સાથે ઓળખ ઉભી કરવાનો અવસર ઉભો કરી શકે છે, તેનું માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યોનાં જે તાલુકાઓ કેટલાક માપદંડોની દ્રષ્ટિએ વિકસિત તાલુકાઓથી પાછળ રહી ગયા છે તેને માટે કૌલગી સમિતિના અભ્યાસથી જે માપદંડો સાથે વિકાસની મુખ્યધારામાં લાવવા વિશેષ આયોજન કર્યું છે તેનો પરિણામલક્ષી અમલ કરવા તેમણે ભાર મૂકયો હતો.
આદિવાસીઓને જંગલની જમીનના અધિકારપત્રો આપવામાં ગુજરાતે અનોખી પહેલ કરી છે ત્યારે આવા કિસાનોને સરકારી યોજનાના લાભો આપવા માટે સમગ્ર તંત્ર પ્રો-એકટીવ બને, આદિવાસી યુવાનોને મેડિકલ કોલેજોમાં પ્રવેશ-કસોટીમાં સક્ષમ બનાવવાના કોચીંગ કલાસ દરેક આદિવાસી તાલુકા મથકે શરૂ કરવાની યોજના હાથ ધરવા અને ભારત સરકારે ર૦૧૧માં વાડી પ્રોજેકટ બંધ કર્યો છે તેને ફરીથી સંવર્ધિત ધોરણે રાજ્ય સરકાર દ્વારા મોડેલરૂપે વિકસાવવા તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યેક તાલુકાના વિકાસનો રોડમેપ તૈયાર કરવાનો તાલુકા કક્ષાનો કાર્યશિબિર યોજવા પ્રેરક સૂચન કર્યું હતું.
આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ચિંતન શિબિરનો આ ઉપક્રમ વનબંધુ કલ્યાણ યોજનાના દ્વિતીય ચરણના ઉદ્દેશો અને કલ્યણ હેતુઓ પાર પાડવામાં એક પરિણામકારી પગલું બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સમગ્ર દિવસ દરમ્યાંન વિવિધ ચર્ચા-અભ્યાસ સત્રોમાં વિકાસશીલ તાલુકા અને વનબંધુ કલ્યાણ યોજના વિષયક પરામર્શ-ચિંતન મનન કરવામાં આવ્યું હતું.