ભારતના G20 પ્રેસિડેન્સીને લગતા પાસાઓ પર ચર્ચા કરવા માટે 5મી ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સમગ્ર ભારતના રાજકીય નેતાઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતનું G20 પ્રેસિડન્સી સમગ્ર રાષ્ટ્રની છે અને સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની શક્તિઓનું પ્રદર્શન કરવાની એક અનોખી તક છે. પ્રધાનમંત્રીએ એ પણ નિર્દેશ કર્યો હતો કે આજે ભારત પ્રત્યે વૈશ્વિક ઉત્સુકતા અને આકર્ષણ છે, જે ભારતના G20 પ્રેસિડન્સીની સંભાવનાને વધારે છે.
પ્રધાનમંત્રીએ ટીમ વર્કના મહત્વ પર ભાર મૂક્યો અને વિવિધ G20 ઈવેન્ટ્સના સંગઠનમાં તમામ નેતાઓનો સહયોગ માગ્યો. તેમણે ધ્યાન દોર્યું કે G20 પ્રેસિડેન્સી પરંપરાગત મોટા મહાનગરોની બહાર ભારતના ભાગોને પ્રદર્શિત કરવામાં મદદ કરશે, આમ આપણા રાષ્ટ્રના દરેક ભાગની વિશિષ્ટતા બહાર આવશે.
ભારતની G20 પ્રેસિડેન્સી દરમિયાન મોટી સંખ્યામાં મુલાકાતીઓ જેઓ ભારતમાં આવશે તેના પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ પર્યટનને પ્રોત્સાહન આપવાની અને G20 બેઠકો જ્યાં યોજવામાં આવશે તે સ્થળોની સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ આપવાની સંભાવનાની નોંધ લીધી.
પ્રધાનમંત્રીના વક્તવ્ય પહેલાં, વિવિધ રાજકીય નેતાઓએ ભારતની G20 પ્રેસિડેન્સી પર તેમની મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરી, જેમાં શ્રી જે.પી. નડ્ડા, શ્રી મલ્લિકાર્જુન ખડગે, સુશ્રી મમતા બેનર્જી, શ્રી નવીન પટનાયક, શ્રી અરવિંદ કેજરીવાલ, શ્રી વાય.એસ. જગન મોહન રેડ્ડી, શ્રી સીતારામ યેચુરી, શ્રી ચંદ્રબાબુ નાયડુ, શ્રી એમ. કે. સ્ટાલિન, શ્રી ઇડાપ્પડી કે. પલાનીસ્વામી, શ્રી પશુપતિનાથ પારસ, શ્રી એકનાથ શિંદે અને શ્રી કે. એમ. કાદર મોહિદ્દીનનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રી અને નાણામંત્રી દ્વારા સંક્ષિપ્ત દરમિયાનગીરી કરવામાં આવી હતી. ભારતની G20 પ્રાથમિકતાઓના પાસાઓને આવરી લેતી વિગતવાર રજૂઆત પણ કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન મંત્રીઓ શ્રી રાજનાથ સિંહ, શ્રી અમિત શાહ, શ્રીમતી નિર્મલા સીતારામન, ડૉ. એસ. જયશંકર, શ્રી પીયૂષ ગોયલ, શ્રી પ્રહલાદ જોશી, શ્રી ભૂપેન્દર યાદવ અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી એચ.ડી. દેવેગૌડા હાજર હતા.