મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા પ્રસિધ્ધ ફિલ્મ અભિનેતા શ્રી અજ્ય દેવગણે જણાવ્યું હતું કે ગુજરાતના અભૂતપૂર્વ વિકાસ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ રાજકીય નેતૃત્વથી તેઓ અત્યંત પ્રભાવિત થયા છે.
શ્રી અજ્ય દેવગણે આજે બપોરે સચિવાલયમાં મુખ્યમંત્રીશ્રીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી. ગુજરાતની પ્રશાસન કાર્યશૈલીની પ્રસંશા કરતાં તેમણે જણાવ્યું કે રાજકીય નેતૃત્વ આદર્શ હોય તો પ્રગતિની કેવી સિધ્ધિઓ પ્રાપ્ત થાય તેની ગુજરાતમાં અનુભૂતિ થઇ છે.
મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચિતમાં શ્રી અજ્ય દેવગણે જણાવ્યું કે ધણા સમય પહેલાં તેઓ કચ્છમાં હિન્દી ચલચિત્રના શૂટીંગ માટે આવ્યા હતા. ગુજરાતમાં હિન્દી ફિલ્મોના શૂટીંગ માટે સાનુકૂળ એવા અત્યંત રમણીય સ્થાનો છે અને ભવિષ્યમાં ફિલ્મોના શૂટીંગ માટે તેઓ ગુજરાત આવવા આતુર છે, એવી તેમણે ઇચ્છા પ્રદર્શિત કરી હતી.
ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી અંગે જનતાને શુભકામના પાઠવતાં શ્રી અજ્ય દેવગણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આદર્શ શાસનશૈલી વિશે તેમણે ધણું સાંભળ્યું હતું, પરંતુ આજે રૂબરૂ મૂલાકાત પછી ખાતરી થઇ છે કે દેશમાં આદર્શ રાજકીય નેતૃત્વ કેવું હોવું જોઇએ.
ગુજરાતના વિકાસની વિશિષ્ઠ સિધ્ધિઓની રૂપરેખા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણવામાં તેમણે ખૂબ જ રસ દાખવ્યો હતો.
શ્રી અજ્ય દેવગણે ગુજરાતના ઊર્જા વિકાસના ક્ષેત્રમાં ભાગીદાર બનવા માટે સોલાર એનર્જી પાવર પ્રોજેકટ સ્થાપવાની તત્પરતા વ્યકત કરી હતી અને “રાજનીતિ” ફિલ્મ નિહાળવા મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ આપ્યું હતું.