પ્રિય મિત્રો,
આજે ભારતના પનોતા પુત્ર ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથીએ તેમને નમન કરું છું.
ડો.બાબાસાહેબ આંબેડકરના જીવનકાળ ઉપર નજર નાખીએ તો જોઈ શકાય કે તેમનામાં બેજોડ નિશ્ચયશક્તિ, સામાજીક ન્યાય પ્રત્યે અતૂટ પ્રતિબધ્ધતા અને પોતાનું લક્ષ્ય સિધ્ધ કરવા માટે કોઈપણ અવરોધનો અતિક્રમી જવાનું શૌર્ય હતું. સમાજના નીચલા વર્ગમાંથી આવતા હોવાને લીધે તેમને ઘણા અપમાન અને મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો હતો પરંતું તેના લીધે શિક્ષણ મેળવવાના તથા લોકોના કલ્યાણ માટે જીવન સમર્પિત કરવાના પોતાના ઉચ્ચ ધ્યેયથી તેઓ ચલિત થયા નહી. એક તેજસ્વી વકીલ, વિદ્વાન, લેખક અને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં ક્યારેય ખચકાય નહી તેવા એક સ્પષ્ટવક્તા બૌધ્ધિક તરીકે તેમણે નામના મેળવી.
તેઓ ભારતીય બંધારણની રચના માટેની ડ્રાફ્ટીંગ કમિટીના અધ્યક્ષ હતા. આજે પણ આપણે તેમને દેશના બંધારણની રચનાનું વિરાટ કાર્ય બદલ યાદ કરીએ છીએ. પાછળથી તેમણે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદામંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.
ડો.આંબેડકરે જેની હિમાયત કરી હતી તેવા સામાજીક ન્યાયના આદર્શો તથા મૂલ્યોને યાદ કરવાનો અને આ મૂલ્યો પ્રતિ આપણી પ્રતિબધ્ધતા વ્યક્ત કરીને તેને જીવનમાં ઉતારવાનો આજે અવસર છે. આજે અવસર છે ડો.આંબેડકરના સ્વપ્નના ભારતનું નિર્માણ કરવાનો, કે જ્યાં વ્યક્તિ સમાજના ક્યા વર્ગનો છે તેવા પ્રિઝમ હેઠળ નહિ પણ તેણે સમાજના હિત ખાતર શું યોગદાન આપ્યું છે તેના આધારે મૂલવવામાં આવે.
સર્વસમાનતાનો ભાવ ડો.બાબાસાહેબ આંબેડકરના દિલની સૌથી વધુ નજીક હતો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ શું આજે આપણે સમાજના વંચિત વર્ગના લોકોને સુનિશ્ચિત રીતે સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય પ્રદાન કરી શક્યા છીએ? આ મામલે હજું ઘણું કરવાનું બાકી છે. વિકાસની યાત્રામાં એકપણ વ્યક્તિ વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. ગરીબમાં ગરીબ માણસને પણ જ્યાં સુધી લાભ ન મળે ત્યાં સુધી કોઈપણ કાયદો કે સુધાર પુરતો નથી. આપણે શિક્ષણની તકો વધારવા ઉપર ભાર મૂકવો જોઈએ, જેનાથી સમાજના વંચિત વર્ગના લોકોને સ્વનિર્ભર બનવાનું સામર્થ્ય મળશે. આ ઉપરાંત આપણે ઉદ્યોગ સાહસિકતાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ, કે જેથી તેઓ પોતાની પસંદગીના ક્ષેત્રમાં પોતાના સ્વપ્નો અને આંકાંક્ષાઓને સાકાર કરવા આત્મવિશ્વાસથી આગળ વધી શકે.
સંવિધાન સભાના ડો.આંબેડકર તથા અન્ય મહાનુભાવોએ આપણને એક એવું બંધારણ આપ્યું છે કે જે દુનિયાના સૌથી વધુ વિસ્તૃત બંધારણો પૈકીનું એક છે. ડો. આંબેડકરે આપેલ સંવિધાનના મૂલ્યોને જાળવવાની આપણી પ્રતિબધ્ધતા આજે આપણે ફરી એકવાર વ્યક્ત કરીએ.
હું અહીં એવી બે બાબતોની વાત કરવા માંગુ છું જેની છેલ્લા દશક દરમિયાન દુર્દશા થઈ છે.
પહેલો મુદ્દો છે ભારતના સમવાય માળખા અંગેનો. ડૉ. આંબેડકરે એક મજબૂત સમવાયતંત્રનું સ્વપ્ન જોયું હતું કે જેમાં રાજ્યોના અધિકારોની રક્ષા કરાતી હોય અને દેશના વિકાસ માટે કેન્દ્ર તથા રાજ્યો સાથે મળીને કાર્ય કરતાં હોય. તેઓએ સત્તાના વિકેન્દ્રીકરણની પરિકલ્પના સમવાયતંત્રના માર્ગદર્શક સિધ્ધાંત તરીકે કરી હતી.
દુઃખદ વાત એ છે કે દેશના સમવાય માળખાને કચડી નાંખવાના અવારનવાર પ્રયાસો કેન્દ્ર સરકાર જ કરતી રહે છે. થોડા દિવસ અગાઉ, મેં વડાપ્રધાનને પત્ર લખી કોમી હિંસા વિધેયકનો વિરોધ કર્યો હતો અને કેવી રીતે તે સમવાય માળખાનું ઉલ્લંઘન કરી રહ્યું છે તે અંગે મારા વિચારો વ્યક્ત કર્યા હતા. આ મુદ્દે મેં કઇ પહેલીવાર વડાપ્રધાનને પત્ર લખ્યો ન હતો. પ્રાસ્તાવિત એનસીટીસી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એક્ટ પણ દેશના સમયવાયી માળખા પર ગંભીર હુમલા સમાન છે.
બીજો મુદ્દો વાણી અને અભિવ્યકિતના સ્વાતંત્ર્યનો છે. ડૉ. આંબેડકરની પ્રેરણાથી આપણું બંધારણ ભારતના દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વાતંત્ર્યતાની ખાતરી આપે છે. જે લોકોને ભિન્ન અભિપ્રાયો મંજૂર નથી તેઓ હજુપણ અભિપ્રાયોની વૈવિધ્યતાને પ્રોત્સાહન આપવાના સ્થાને તેને કચડી નાખવાનું પસંદ કરે છે. બે વર્ષ અગાઉ, આજ દિવસે યુપીએના એક મંત્રીએ સોશ્યલ મીડિયાને ‘ચેતવણી’ આપી હતી. કોઇપણ પ્રકારના અભિપ્રાય અને દિલ્હીના શાસકો વિરુદ્ધના ઉચ્ચારણને શાંત કરી દેવાયાં હતા. ઓપીનીયન પોલથી માંડીને મીડિયાના પ્રતિકૂળ અહેવાલો સુદ્ધાં અટકાવી દેવાયાં હતા. દિલ્લીના શાસકોની આવી માનસિકતા બદલાય તેવી અપેક્ષા છે.
ચાલો આપણે ડૉ. આંબેડકરને યાદ કરીએ અને તેમના સ્વપ્નના ભારતનું નિર્માંણ કરવા સાથે મળીને ભગીરથ પ્રયાસ કરીએ.
આપનો,
નરેન્દ્ર મોદી