ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પત્ર પાઠવીને કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી સુશીલકુમાર શિન્દે એ લઘુમતી સમૂદાયના યુવાનોની ત્રાસવાદના આરોપસર ધરપકડ અંગેની ભૂમિકા તપાસવા માટે રાજ્યોના મુખ્ય મંત્રીશ્રીઓને પત્ર લખીને જે સૂચના આપી છે તેનો સખત વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે રાજકીય લાભો માટે લઘુમતીઓને આકર્ષવાના ચોકકસ હેતુથી કરાયેલો આ એક નિર્લજ્જ પ્રયાસ છે એટલું જ નહીં, સંવિધાનના મૂળભૂત સિધ્ધાંતોની વિરુધ્ધ છે. કાયદા સમક્ષ સમાનતાના અધિકારના મૂળમાં કુઠારાઘાત છે. ગૂનો એ ગૂનો છે તેને આરોપીના ધર્મ કે જાતિ સાથે કોઇ નિસ્બત નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ત્રાસવાદના આરોપસર કેસ ચલાવ્યા વિના જેલમાં રહેલા લઘુમતી યુવાનોની ભુમિકાને ચકાસવા માટે સમીક્ષા કે તપાસ કમિટિ રચવાનું રાજયના મુખ્યમંત્રીઓને પત્ર લખીને જણાવ્યું છે. તે અંગે આક્રોશ વ્યકત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાનને જણાવ્યું કે 'મારી આપને વિનંતી છે આપ આ મુદ્દે હસ્તક્ષેપ કરો અને ગૃહપ્રધાનશ્રીને સમજાવો કે તેઓ માત્ર લઘુમતી ઉપર જ ધ્યાન ન આપે. તેઓ જે કહી રહયા છે તે બંધારણના મૂળભુત સિધ્ધાંતોની વિરુધ્ધ છે, અને 'કાયદા સમક્ષ સમાનતાના અધિકાર'ના મૂળમાં કૂઠારાઘાત સમાન છે' તેમને યાદ અપાવવું જોઈએ કે બંધારણને વફાદાર રહેવાના ગૃહમંત્રીશ્રીએ શપથ લીધા છે.
બંધારણની કલમ ૧૪ દરેક નાગરિકને 'સમાનતાનો અધિકાર' આપે છે. વ્યક્તિ કયા ધર્મમાં આસ્થા' ધરાવે છે કે કઈ જાતિમાં તેણે જન્મ લીધો છે તેના આધારે ત્રાસવાદના કેસોની તપાસ કરવાનું ગૃહપ્રધાનશ્રીનું સૂચન બિલકુલ ગેરબંધારણીય છે. ગુનો એ ગુનો છે, તેને ગુનેગારના ધર્મ કે જાતિ સાથે કોઈ નિસ્બત નથી. વ્યક્તિએના ધર્મના આધારે તેનો ગુનો કે નિર્દોષતા નક્કી ન કરી શકાય, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જો ગૃહમંત્રીશ્રી ખરેખર માનતા હોય કે કોઇ ચોક્કસ સમુદાયના યુવાનોને આતંકી કેસોમાં ખોટી રીતે પકડવામાં આવે છે તો તેમણે ફરજિયાતપણે બંધારણીય માળખામાં રહીને આનો ઉકેલ લાવવો જોઇએ. તમામ આતંકી કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવી એ આનો સર્વ સ્વીકૃત ઉકેલ છે. આનાથી આતંકી કૃત્યમાં સંડોવાયેલા સાચા ગુનેગારોને દોષીત ઠેરાવવા અને તેમને સજા કરવામાં મદદ મળી રહેશે અને તેની સાથે-સાથે ચોક્કસ સમયગાળામાં નિર્દોષ લોકો છુટી શકશે. આ વલણથી આતંકવાદ સામેની આપણી લડાઇ વધુ મજબૂત બનશે અને યુવાનોની ખોટી ધરપકડ પણ અટકશે. આનાથી 'તમામને ન્યાય, કોઇનું પણ તૂષ્ટિકરણ નહીં' તે બાબત સુનિશ્ચિત કરી શકાશે.
"સમીક્ષા સમિતિ નિમવાના ગૃહમંત્રીના સૂચિત નિર્દેશો ગેરબંધારણીય હોવા ઉપરાંત ફોજદારી કાયદાની જોગવાઇઓની પણ વિરૂધ્ધમાં છે. ફોજદારી કાયદામાં જે કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી હોય તેવા પડતર કેસોને પાછા ખેંચી લેવા માટે સમીક્ષા સમીતિની જોગવાઇ કરવામાં આવી નથી" તેમ મુખ્યમંત્રીશ્રીએ આ પત્રમાં જણાવ્યું છે.
ગૃહમંત્રીશ્રીએ તેમના પત્રમાં લખ્યું હતું કે, 'લઘુમતી સમુદાયના કોઈપણ વ્યક્તિેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોય તો ભૂલ કરનાર પોલીસ અધિકારી સામે તાકીદે કડક પગલા લેવાવા જોઈએ. અને ધરપકડ કરાયેલ વ્યક્તિને ન માત્ર તરત મુક્ત કરવો જોઈએ, પણ સાથે-સાથે યોગ્ય વળતર આપીને તેના પુનર્વસન દ્વારા તેને મુખ્ય પ્રવાહમાં શામેલ કરવો જોઈએ.' શ્રી શિંદેને ખ્યાલ હશે કે પોલીસ અને જાહેર વ્યસ્થાનો મામલો એ રાજયનો વિષય છે અને તપાસની કાર્યવાહી તેનો જ અભિન્ન ભાગ છે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.
ભારતના બંધારણની કલમ ૪૪ મુજબઃ ભારતના તમામ હિસ્સાઓમાં નાગરિકોની સમાન સંહિતાને સુરક્ષિત રાખવા માટે રાજયોએ પ્રયત્નશીલ રહેવું જોઇએ. આઝાદી બાદ આપણે સમાન નાગરિક સંહિતાની દિશામાં ખાસ કાર્ય કર્યું નથી, પરંતુ આપણે સમાન ક્રિમિનલ પ્રોસિજર કોડની દિશામાં ચોક્કસપણે કામ કર્યું છે. આપણી ફોજદારી ન્યા્યિક પ્રણાલીએ આરોપીના ધર્મ અને અન્ય બાબતોને ક્યારેય ધ્યાનમાં લીધી નથી. ગૃહમંત્રીના સૂચનો અયોગ્ય છે અને તેનાથી આપણો દેશ પીછેહઠ કરશે. રાજકીય લાભ માટે સિદ્ધાંતો સાથે કયારેય સમજૂતી કરવી જોઇએ નહીં.
ગૃહમંત્રીશ્રી જાહેરમાં કહે છે કે આતંકી કેસોમાં વિશ્વાસપાત્ર વિગતોને ધ્યાનમાં લીધા વિના લઘુમતી સમુદાયના યુવાનોને ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે. જોકે, આ પ્રકારના નિવેદનો જાહેરમાં અયોગ્ય છે. આ પ્રકારના નિવેદનો દેશની ન્યાયિક પ્રણાલી અંગે ખોટો સંદેશો વહેતો કરે છે અને કાયદાના શાસનની પ્રક્રિયા પર પણ તે ખોટી અસર ઉપજાવે છે.
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વડાપ્રધાનશ્રીને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીના આ પ્રકારના સૂચનોની કાર્યવાહી રોકવા જરૂરી પગલા ભરવા તાત્કાલિક દરમિયાનગીરી કરવા માંગણી કરી છે.