મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઇંગ્લેન્ડની અગ્રણી કંપની વોલ્સ્ટેન હોમ મશીન નાઇવ્સ (WOLSTENHOLME MACHINE KNIYES)ના નિયામક મંડળના શ્રી રીચાર્ડ (RICHARDS) અને શ્રી. ડોન સ્ટેઇન (DON STAIN) સાથેની શુભેચ્છા મુલાકાતમાં આશા વ્યકત કરી હતી કે, ગુજરાત અને ગુજરાતીઓની વ્યાપારીક વૈશ્વિક ઓળખ વધી રહી છે અને દુનિયાભરની કંપનીઓ ગુજરાતમાં તેમના પ્લાન્ટસ્ પ્રોજેકટ સ્થાપવા ઉત્ત્સુક છે. બિ્રટીશ ઉઘોગ સાહસિકોએ ગુજરાતના છેલ્લા આઠ વર્ષમાં થયેલા અપૂર્વ વિકાસને બિરદાવ્યો હતો.
ગુજરાત કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે તે સિદ્ધિને અને સોળસો કિલોમીટર દરિયા કિનારા ઉપર વિકસી રહેલાં બંદરો અને ખાસ આર્થિક ક્ષેત્રોની સિદ્ધિઓને બિરદાવી હતી.
આગામી દિવસોમાં આ કંપની ગુજરાતમાં પ્લાન્ટ નાંખે ત્યારે કુશળ માનવશકિત ""સ્કીલ્ડ'' અને ""અનસ્કીલ્ડ'' મેનપાવર મળી રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ આપીને જણાવ્યું હતું કે, કંપનીની જરૂરિયાત પ્રમાણે આઇ.ટી.આઇ.થી લઇ ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ સુધીની સંસ્થાઓમાં ખાસ અભ્યાસક્રમ પણ દાખલ કરી શકાશે. ચર્ચા દરમ્યાન બિ્રટીશર્સની કલાઇમેટ ચેન્જની ચિંતાનો ઉલ્લેખ કરી આ ક્ષેત્રમાં દેશમાં ગુજરાતે કરેલી પહેલની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ બોર્ડના કાર્યવાહ સંચાલક શ્રી એ. કે. શર્માએ ગુજરાતની માળખાકિય સુવિધાની વિશદ વિગતો આપી હતી