ગુજરાતનું શહેરીકરણઃ નીતિવિષયક વિકાસવ્યૂહ અને પારદર્શી પ્રશાસનની સફળતાથી જનસેવા- સુવિધા- સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન -મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મહાનગરોના શહેરી વિકાસ-વ્યૂહની સિધ્ધિઓથી અત્યંત પ્રભાવિત થતું પૂણેના મકાન બાંધકામ વ્યવસાયિકોનું ઉચ્ચકક્ષાનું ડેલીગેશન
મુખ્યમંત્રીશ્રીને મળીને અભિનંદન આપ્યા
અમદાવાદના શહેરી વિકાસની કાયાપલટની ભરપૂર પ્રસંશા
ગુજરાતનો ચાર દિવસનો શહેરી વિકાસ અભ્યાસ પ્રવાસ કર્યો
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવેલા મહારાષ્ટ્રના પૂણે મહાનગરના ૮૦ જેટલા બિલ્ડર્સ મેમ્બરોનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સુશ્રી પ્રાચી જાવડેકરના નેતૃત્વમાં મળ્યું હતું અને અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોના મોડેલરૂપ વિકાસવ્યૂહના સફળ આયોજન માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સૌથી વધુ ઝડપે શહેરીકરણ થઇ રહ્યું છે પરંતુ તેની સમસ્યાને બદલીને નીતિવિષયક વિકાસવ્યૂહ અને પારદર્શી સુશાસન વ્યવસ્થાપનથી શહેરી સુખાકારી-સુવિધા અને સેવાઓમાં કઇ રીતે ગુણાત્મક પરિવર્તનનો એક સફળ દાયકો રહ્યો તેની વિષદ ભૂમિકા સમજાવી હતી.ગુજરાતમાં મહાનગરોમાં પ્રવાસન વિકાસ અને જનભાગીદારીથી શહેરી વિકાસની સિધ્ધિ ઉપર તેમણે ભાર મૂકયો હતો અને ભૂકંપ પછી સમગ્ર કચ્છની કાયાપલટ અને વિકાસની વિશેષતા તેમણે સમજાવી હતી.
ગુજરાતમાં કલ્પસર પ્રોજેકટ સમૂદ્રમાં દુનિયાનો સૌથી વિશાળ મીઠા પાણીના સરોવરનો પ્રોજેકટ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાશે અને સમગ્ર પ્રોજેકટ થતાં ૧૦૦ વર્ષ સુધી પાણીની તંગી થવાની નથી તેની રૂપરેખા તથા ધોલેરા SIRની વિશાળ વિકાસ રચનાની સમજ આપી મુખ્યમંત્રીશ્રીએ હતી.
સુશ્રી પ્રાચી જાવડેકર સહિત મરાઠી બાંધકામ વ્યવસાય સંગઠ્ઠનોના આ બધા જ સભ્યોએ ગુજરાત મહાનગરોના ચાર દિવસના નિરીક્ષણ અભ્યાસ દરમિયાન શહેરી વિકાસ ક્ષેત્રે ગુજરાત સરકારે સુવિચારિત પ્રોજેકટ હાથ ધર્યો છે તેની વિશેષતાઓની અપાર પ્રસંશા કરી હતી. અમદાવાદમાં કાંકરિયા લેક ડેવલપમેન્ટ, સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ, BRTS જનમાર્ગ, ગિફટ સિટી, કિડઝસીટી, મહાત્મા મંદિર જેવા પ્રોજેકટ અને મેટ્રો રેઇલ જેવા ભવિષ્યના શહેરી માળખાકીય સુવિધા વિકાસની નવીનતમ યોજનાઓ તથા શહેરી માળખાકીય સુવિધા વિકાસ માટેના રૂા. ૭૦૦૦ કરોડના પ્રોજેકટ અને ટાઉન પ્લાનિંગ યોજનાઓ દ્વારા ગુડગવર્નન્સ, ટ્રાન્સપરન્ટ જનસેવા, જનસુખાકારી અને જનસુવિધા માટેનો જે જનવિશ્વાસ જગાવ્યો છે તેની રૂપરેખાથી પૂણેનું આ બાંધકામ વ્યવસાય અને પૂણે મહાપાલિકાના પદાધિકારીઓનું પ્રતિનિધિમંડળ ખૂબ જ પ્રભાવિત થયું હતું.
પૂણે અને અમદાવાદ જેવા મહાનગરોની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને શહેરી આર્થિક વિકાસની સામ્યતાને કેન્દ્રસ્થાને રાખીને પૂણેના આ ડેલીગેશને અમદાવાદ જે રીતે ગ્લોબલ સિટી બની રહ્યું છે અને ગુજરાતમાં આ મહાનગરોની સંલગ્ન નવા ઇકો સિટી અને કોસ્ટલ સિટી પ્રોજેકટ હાથ ધરાઇ રહ્યા છે તેની ભૂમિકાની પણ તેમણે પ્રસંશા કરી હતી અને ગુજરાતના અર્બન ડેવલપમેન્ટ વિઝનમાં પૂણેના બાંધકામ વ્યવસાયી સંગઠ્ઠનોએ પણ સહભાગી થવાની તત્પરતા વ્યકત કરી હતી.
રાજ્યમાં શહેરી ગરીબો માટેની સમૃધ્ધિ યોજના, શહેરી આરોગ્ય સેવાઓ, ગરીબોના આવાસો, રોજગાર યોજનાઓ વિશે પણ તેમણે મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણકારી મેળવી હતી.
આ બેઠકમાં શહેરી વિકાસના અગ્ર સચિવ આઇ. પી. ગૌતમ, GUDC ના મેનેજિંગ ડિરેકટર શ્રી હૈદર પણ ઉપસ્થિત હતા.