પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રશિયન ફેડરેશનના પ્રમુખ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી.
બંને નેતાઓએ યુક્રેનની બદલાતી સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રી મોદીને યુક્રેનિયન અને રશિયન ટીમો વચ્ચેની વાટાઘાટોની સ્થિતિ વિશે માહિતી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોનું સ્વાગત કર્યું અને આશા વ્યક્ત કરી કે તેઓ સંઘર્ષને સમાપ્ત કરવા તરફ દોરી જશે. તેમણે સૂચવ્યું કે રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચેની સીધી વાતચીતથી ચાલી રહેલા શાંતિ પ્રયાસોમાં ઘણી મદદ મળી શકે છે.
પ્રધાનમંત્રી મોદીએ સુમીમાં હજુ પણ બાકી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે તેમની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ પુતિને પ્રધાનમંત્રીને ભારતીય વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને બહાર કાઢવાની સુવિધા માટે માનવતાવાદી કોરિડોર સંબંધિત ચાલી રહેલા પગલાં વિશે જાણકારી આપી.