ભારત માતા કી જય..!! ભારત માતા કી જય..!!
મારા ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, ગીરના સિંહોની ભૂમિ પરથી ભારતના તિરંગા ઝંડાની સાક્ષીએ હું આપ સૌ મારા ગુજરાતના વહાલા ભાઈઓ-બહેનોને અંત:કરણપૂર્વક આઝાદીના પર્વની અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. ભાઈઓ-બહેનો, આ દેશના અનેક મહાપુરુષોએ, સ્વાતંત્ર્ય સેનાનીઓએ, પૂજ્ય બાપુ, પૂજ્ય સરદાર પટેલ, અનેક ક્રાંતિકારીઓએ, જેમણે પોતાની જુવાની આ ભારતમાતાને જંજીરોમાંથી મુક્ત કરાવીને આઝાદીનો સ્વાદ આપણે લઈ શકીએ એ માટે આખું જીવન હોમી દીધું હતું, આઝાદીના લડવૈયાઓએ અનેક સપના જોયાં હતાં. આ દેશને સ્વરાજ્ય મળ્યું, પણ કમનસીબે સુરાજ્ય ન મળ્યું. અગર જો આ દેશની સામે કોઈ મોટામાં મોટો પડકાર હોય તો એ પડકાર સુરાજ્યનો છે. દેશ આઝાદ થયો ત્યારે જે વાતાવરણ હતું, દેશભક્તિની લલત હતી, દેશ માટે કરી છૂટવાની હર હિંદુસ્તાનીની તમન્ના હતી. એ વખતે અગર જો દેશને સુરાજ્યની દિશામાં વાળવા માટેનો પ્રયાસ થયો હોત તો આજે ભારત સમૃદ્ધ દેશોની જગ્યા ઉપર ઊભું હોત. ભારત આઝાદ થયા પછી દુનિયાના અનેક દેશ આઝાદ થયા છે. વિશ્વના નકશા પર જેમનું નામોનિશાન નહોતું એવા દેશોએ પોતાનું સ્થાન ઊભું કર્યું છે અને આવા નાના નાના દેશોએ પણ, આપણા પછી આઝાદ થયા છતાંય આજે વિશ્વના સમૃદ્ધ દેશો પૈકી એમનું સ્થાન ઊભું કર્યું છે. ભાઈઓ-બહેનો, સુરાજ્યની લલતને આ દેશ પ્રાપ્ત ન કરી શક્યો, પરંતુ ગુજરાતે ભલીભાંતિ એ વાતને સમજી લીધી અને ગયો આખો દસકો રાજનૈતિક સ્થિરતાને કારણે, પોલિટિકલ સ્ટેબિલિટીને કારણે આપણે એક પછી એક સુરાજ્યની દિશામાં કદમ ઉઠાવ્યાં. આજે ગુજરાત એક ‘ગુડ ગવર્ન્ડ સ્ટેટ’ તરીકે દેશ અને દુનિયામાં જાણીતું થયું છે. યુનાઇટેડ નેશન્સ જેવી સંસ્થાઓએ આપણને શાસન પ્રણાલી અને લોકહિતનાં કામોને ધ્યાનમાં રાખીને પુરસ્કાર સુદ્ધાં આપ્યા છે. ભાઈઓ-બહેનો, આજે જે ગુજરાતની પ્રગતિ દેખાય છે એના મૂળમાં સુરાજ્ય એક કારણ છે, ગુડ ગવર્નન્સ એક એનું મહત્વપૂર્ણ કારણ છે અને એના કારણે આજે એ શક્ય બન્યું છે. પણ ભાઈઓ-બહેનો, એક જમાનો હતો કે જેમાં રાજ્ય કેવું ની ચર્ચા થતી હતી. રાજ્ય સારું હોય તો સારી વાત, એમ થતું હતું. ધીરે ધીરે ધીરે ગુડ ગવર્નન્સ પર વાત પહોંચી. આપણે એનાથી પણ એક ડગલું આગળ વધ્યા છીએ. આપણે કહ્યું છે, પી.ટૂ.જી.ટૂ. - પ્રો-પીપલ, પ્રો-ઍક્ટિવ, ગુડ, ગવર્નન્સ. જ્યાં સુધી આવનારા સંકટોનો અંદાજ કરીને શાસન વ્યવસ્થાને સજાગ કરવામાં ન આવે, સક્રિય કરવામાં ન આવે ત્યાં સુધી તો સરકારો માત્ર ફાયર બ્રિગેડનું કામ કરતી હોય છે. આપણે માત્ર ફાયર બ્રિગેડનું કામ કરીને સંતોષ માનનારી સરકાર નથી. આપણે આગોતરા આયોજન કરનારા લોકો છીએ. અને પી.ટૂ.જી.ટૂ. થિયરીને કારણે, પ્રો-પીપલ, પ્રો-ઍક્ટિવ ગુડ ગવર્નન્સને કારણે આજે ગુજરાતની એક આગવી શાખ ઊભી થઈ છે.
આપણે ગુજરાતના વિકાસને પાંચ શક્તિઓના આધાર પર ઊભું કરવાનો જે ગયા દસ વર્ષથી પ્રયત્ન કર્યો છે એનાં સુફળ મળ્યાં છે. આપણે કહ્યું છે જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિ, જનશક્તિ આ પાંચ એવા પિલર છે કે જે પિલર પર સમગ્ર રાજ્યની ભવ્ય ઇમારતનું નિર્માણ કરી શકાય.
જ્ઞાનશક્તિને આપણે પ્રાથમિકતા આપી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રની તરફ નજર કરીએ, પહેલાં અનેક તાલુકા એવા હતા કે જ્યાં વિજ્ઞાન સ્ટ્રીમની શાળા નહોતી, આનાથી વધારે બીજું દુર્ભાગ્ય કયું હોઈ શકે..? પચાસ પચાસ વર્ષ આઝાદીનાં વીતી ગયાં પછી ગુજરાતમાં મારા માથે જવાબદારી આવી હોય, અને એ જવાબદારી જ્યારે સામે આવી ત્યારે જોયું કે અનેક તાલુકા એવા છે કે જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળા નથી..! જો વિજ્ઞાન પ્રવાહની શાળા ન હોય તો દીકરાઓ એન્જિનિયર કે ડૉક્ટર ક્યાંથી બનશે? દીકરીઓને ભણવા માટેનો અવકાશ ક્યાંથી મળશે? રાજ્યને જરૂરત પ્રમાણે ડૉક્ટરો અને એન્જિનિયરો ક્યાંથી ઉપલબ્ધ થશે? પાયાના કામોની અંદર કચાશ રહી ગઈ અને એનું પરિણામ એ આવ્યું કે આપણને પારાવાર નુકશાન થયું. આપણે ગયા દસ વર્ષથી આવી અનેક ખામીઓને દૂર કરીને સુરાજ્ય દ્વારા પ્રત્યેકને શિક્ષણ પહોંચે, એને જોઈએ તે પ્રકારનું શિક્ષણ પહોંચે, એને ઉપયોગી થાય તેવું શિક્ષણ પહોંચે, એનામાં આત્મવિશ્વાસ પેદા કરે એવું શિક્ષણ પહોંચે, એ રોજગાર માટે સામર્થ્યવાન બને એવું શિક્ષણ પહોંચે એ દિશામાં પ્રયાસ કર્યો છે. ભાઈઓ-બહેનો, આજે ગુજરાતની અંદર આઈ.ટી.આઈ.નું નેટવર્ક સમગ્ર દેશમાં એક મોડેલરૂપ બન્યું છે. કાલે જૂનાગઢની ધરતી પર મને છ નવજુવાનોને સર્ટિફિકેટ આપવાનો અવસર મળ્યો. આ જુવાનો આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થી હતા. એમણે ક્યારેય જીવનમાં વિચાર નહીં કર્યો હોય, ટર્નર-ફિટર બને એ માણસનું ભાગ્ય શું હોય? પરંતુ એમણે જોયું કે ગુજરાતની આઈ.ટી.આઈ.માંથી ભણેલા વિદ્યાર્થીઓની જર્મનીમાં કદર થાય. જર્મનીની કંપનીઓ એમને બોલાવે અને પોતાના ઉત્પાદનના ક્ષેત્રમાં ખૂબ હોંશિયાર અને શક્તિશાળી યુવાનો તરીકે એમની પરખ કરે. આ આપણા શિક્ષણની ગુણવત્તામાં જે સુધારો થયો છે એના કારણે પરિણામ મળ્યું છે. આજથી દસ વર્ષ પહેલાં દીકરીઓ શાળાએ નહોતી જતી. એવાં ઘર જોવા મળે કે જ્યાં ચાર ચાર પેઢી જીવતી હોય, પરંતુ ચાર પેઢીમાં એક પણ મા-બહેન કે દીકરીએ શાળાનું પગથિયું ન જોયું હોય. આજે આપણે સોએ સો ટકા નામાંકન કરાવવામાં સફળ થયા છીએ. પહેલાં દીકરીઓ નિશાળમાં દાખલ થાય, લોકો શાળા છોડીને જતા રહેતા હતા. આપણે ડ્રૉપ-આઉટ ઘટાડ્યો. વીસ ટકા, પચીસ ટકા, ત્રીસ ટકાના ડ્રૉપ-આઉટમાંથી ઘટીને આજે માંડ દોઢ, પોણા બે ટકા ઉપર લાવીને ખડો કરી દીધો છે અને એને પણ આવનારા દિવસોમાં ઝીરો ડ્રૉપ આઉટ સુધી લઈ જવું છે.ભાઈઓ-બહેનો, કૃષિ. આ સૌરાષ્ટ્રની દશા કેવી હતી? કચ્છની દશા કેવી હતી? માઈનસ ગ્રોથ હતો, માઈનસ. જન સંખ્યા ઘટી રહી હતી, લોકો કચ્છ અને સૌરાષ્ટ્ર છોડી છોડીને સુરતની ઝૂંપડપટ્ટીમાં જીવવાનું પસંદ કરતા હતા, મુંબઈની ચાલીઓમાં પડ્યા રહેવાનું પસંદ કરતા હતા કારણકે પોતાના ગામમાં કોઈ ભવિષ્ય નહોતું. ખારાપાટ દરિયાની હવાના કારણે ખેતી તબાહ થઈ ચૂકી હતી, શિક્ષણનું નામોનિશાન નહોતું, ઉદ્યોગો નહોતા, રોજગારની તક નહોતી અને એના કારણે મારા કચ્છ-કાઠિયાવાડના જવાનિયાઓને મા-બાપને છોડીને, ગામ, ઘર, મહોલ્લો, મિત્રો છોડીને નોકરી માટે શહેરોમાં ભટકતા થવું પડ્યું હતું. આજે એ જ કચ્છ-કાઠિયાવાડને, એ જ દરિયા કિનારો સમૃદ્ધ બનાવીને ભારતની સમૃદ્ધિના પ્રવેશદ્વારમાં પરિવર્તિત કરવાનું સપનું જોયું છે.
ભાઈઓ-બહેનો, હું સ્પષ્ટ જોઉં છું કે જે જાહોજલાલી દ્વારકાધીશના જમાનામાં, હિંદુસ્તાનના દરિયાકિનારે, ગુજરાતના કિનારે હતી, આવનારા દિવસોમાં એનાથી પણ ભવ્ય જાહોજલાલી કચ્છ-કાઠિયાવાડના દરિયાકિનારે ફરી આવવાની છે. એક નવું ગુજરાત ગુજરાતના દરિયાકિનારે આકાર લેવાનું છે. ધોલેરા - દરિયાકિનારે બનનારું એક નવું શહેર, દહેજ - દરિયાકિનારે બનનારું એક નવું શહેર. આપણે કોસ્ટલ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી છે. આખા સમુદ્ર કિનારાને ગાજતો કરવો છે, જાગતો કરવો છે, એના માટેનું અભિયાન ઊપાડ્યું છે.
અને એની સાથે સાથે આ દરિયાકિનારાની સિક્યુરિટી. મુંબઈની ઘટના પછી કોઈ રાજ્ય આંખ બંધ ન કરી શકે. ભારત સરકાર ક્યારે કરશે કહેવું કઠિન છે, મિત્રો. ગુજરાત ઇંતેજાર ન કરી શકે અને એટલા માટે ગુજરાતે પોતાની અલગ મરીન સિક્યુરિટીની વ્યવસ્થા ઊભી કરી છે. અને અલગ મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના સમુદ્રકિનારાને સુરક્ષિત રાખવાનું એક અભિયાન ઊપાડ્યું છે. એક જમાનો હતો કે ગુજરાતનો દરિયાકિનારો બદનામ હતો, એક જમાનો હતો કે ગુજરાતનો દરિયાકિનારો મજબૂર હતો અને આજે એક જમાનો છે કે ગુજરાતનો દરિયાકિનારો દેશનું ગૌરવ બન્યો છે. આજે ગૌરવની વાત છે કે ગુજરાતનો દરિયાકિનારો મજબૂત બન્યો છે, આજે ગૌરવની વાત છે કે ગુજરાતનો દરિયાકિનારો હિંદુસ્તાનની સમૃદ્ધિની અંદર યોગદાન આપનાર એક સક્ષમ આર્થિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યો છે. ભાઈઓ-બહેનો, એક સમય હતો, ગુજરાતનો દરિયાકિનારો એટલે દાણચોરોનું સ્વર્ગ માનવામાં આવતો હતો. એટલું જ નહીં, હિંદુસ્તાનમાં આર.ડી.એક્સ. આવે તો ગુજરાતના દરિયાકિનારે ઊતરે, હિંદુસ્તાનમાં એ.કે.-47 ના ઢગલા થાય તો ગુજરાતના દરિયાકિનારે ઊતરે, હિંદુસ્તાનમાં આતંકવાદીઓને બળ મળે તો શસ્ત્રોની આપ-લે ગુજરાતના દરિયાકિનારે થાય. આ જ બધા દિવસો આપણે જોયા હતા. આજે એ સઘળી ચીજોને તાળાં લાગી ગયાં છે. આર.ડી.એક્સ.ના દરવાજા બંધ થઈ ગયા, એ.કે.-47 ના ઢગલા ઊતરતા હતા એ બંધ થઈ ગયા અને સુરક્ષાનું કવચ ગુજરાતના દરિયાકિનારે પૂરું પાડવાનું કામ ગુજરાતના જાંબાઝ જવાનોએ કર્યું છે, ગુજરાતની પોલીસે કર્યું છે, ગુજરાતની સરકારે એને અગ્રિમતા આપી છે.ભાઈઓ-બહેનો, ઉદ્યોગોનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે... આજે હું પ્રધાનમંત્રીનું ભાષણ સાંભળી રહ્યો હતો. પ્રધાનમંત્રી પોતાના ભાષણમાં જે કહે છે તે મુજબ હું ગુજરાતના, ગુજરાત સરકારના વિરોધીઓને કહું છું કે અમારી વાત તમને ગળે ના ઊતરતી હોય તો કંઈ નહીં, પણ તમારા પ્રધાનમંત્રીએ કહ્યું છે કે આ દેશમાં રોજગારી વધારવા માટે વિદેશથી મૂડી રોકાણ લાવવું પડે. આપના પ્રધાનમંત્રી પોતે કહે છે, આપની પાર્ટીના છે, એ પોતે એમ કહે છે કે હિંદુસ્તાનની અંદર વિદેશી મૂડીરોકાણ આવે એના માટે થઈને રાજકીય સર્વસંમતિ બનવી જોઇએ, રાજકીય પક્ષોએ વિવાદોથી પર ઊઠવું જોઇએ. હું માનીશ કે ભારતના પ્રધાનમંત્રીની સલાહ કમ સે કમ એમના પક્ષના નેતાઓ માનશે, એમના પક્ષના નેતાઓ સમજશે અને કંઈક કરશે એવી હું આશા રાખું છું.
...મારા ગુજરાતના વહાલા કિસાન ભાઈઓ-બહેનો, દિલ્હીની સરકાર કંઈ કરે કે ન કરે, કરી શકે કે ન કરી શકે, પણ આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું આપને વિશ્વાસ આપું છું કે મારી સરકારનું પહેલું કર્તવ્ય છે અબોલ જીવોની રક્ષા કરવાનું, મારી સરકારનું પહેલું કર્તવ્ય છે મારા ખેડૂતોને પૂરેપૂરી મદદ કરવાનું, મારી સરકારનું પહેલું મહત્વ છે કે જો એનું બજેટ જો વપરાશે તો ગુજરાતના ગામડાં માટે, ગુજરાતના ખેડૂત માટે, દુષ્કાળની સામે ઝઝૂમી રહેલા મારા ગુજરાતના ખેડૂતો માટે. અને એટલું જ નહીં, અમે જૂની પુરાણી પદ્ધતિથી કામ કરવા માગતા નથી. અંગ્રેજોના જમાનાથી રાહત માટેનાં જે મૅન્યુઅલ બનાવ્યાં છે, એ મૅન્યુઅલની ચોખટમાં મારે મારી સરકારને પૂરી નથી દેવી. એટલે મેં એમને મોકળા કર્યા, એમને કહ્યું છે કે નવી ઈનોવેટિવ સ્કીમ લાવો, ક્રિએટિવ ઍસેટ ઊભી થાય એના માટેની સ્કીમ લાવો, ‘નરેગા’ નું પણ કામ એવી રીતે કરો કે જેના કારણે આ રાજ્યનું ભલું થાય એ પ્રકારની ઍસેટ્સ નિર્માણ થાય. આવા અનેક પ્રકારના આદેશો આ સરકારે નીચે સુધી આપી દીધા છે. અને હું મારા દુષ્કાળપીડિત ભાઈઓ-બહેનોને વિશ્વાસ આપું છું કે આપને ઊની આંચ ન આવે એ માટેનો પૂરો પ્રયાસ મારી સરકાર કરશે.
ભાઈઓ-બહેનો, આજે જ્યારે આઝાદીના પર્વે હું આપની વચ્ચે આવ્યો છું ત્યારે કેટલીક જાહેરાતો પણ કરવાનું મને ઉચિત લાગે છે. આજે 15મી ઓગસ્ટ છે, દેશ માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરું છું ત્યારે આજે 15મી ઓગસ્ટે હું એક ઘોષણા કરું છું કે અત્યાર સુધી સ્વાતંત્ર્ય સેનાનીઓને પેન્શન પેઠે રૂપિયા પાંચ હજાર મળતા હતા હવે પછી એ રકમ વધારીને છ હજાર રૂપિયા કરવામાં આવે છે અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ગૌરવની અંદર ઉમેરો કરવાનો પ્રયાસ આ સરકાર કરે છે. ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના ગરીબીની રેખા નીચે જીવતા મારા દલિત ભાઈઓ-બહેનો, મારા આદિવાસી ભાઈઓ-બહેનો, મારા બક્ષીપંચના ભાઈઓ-બહેનો, મારા આર્થિક રીતે પછાત ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના બધા જ લોકોને કાં મકાન આપવાનું કામ, કાં જમીન આપવાનું કામ આ રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ અંતર્ગત પૂરું કરી દીધું છે. લાખો લોકોને મકાનો અને જમીનના પ્લૉટ આપવાનું કામ આ સરકારે કર્યું છે અને હિંદુસ્તાનમાં સૌથી વધારે કામ કરવાનો યશ આ ગુજરાતને ભારત સરકારે આપ્યો છે. પણ ભાઈઓ-બહેનો, અમે ઝીરો થી સોળ કરીને અટકવા માગતા નથી. હિંદુસ્તાનમાં કોઈ કરે કે ન કરે, પરંતુ અમે નક્કી કર્યું છે કે સત્તરથી વીસ ગરીબીની રેખા નીચે જીવનારા જે પરિવારો છે, એ સત્તરથી વીસ નીચે રહેનારા ચાર લાખ કરતાં વધારે કુટુંબોને ઘરનું ઘર મળે, જમીનનો પ્લૉટ મળે, આવતીકાલથી એ યોજનાનો આરંભ થશે અને પહેલા હપતાની રકમ આવતીકાલથી જ આ ગરીબ પરિવારોના હાથમાં મૂકી દેવામાં આવશે. શહેરી મધ્યમ વર્ગના માટે આપણે જાહેરાત કરી છે કે મહાનગરોમાં ઝીરો સ્લમની દિશામાં જવું છે. કોઈને ઝૂંપડામાં જીવવું ન પડે, કોઈને ચાલીમાં જીવવું ન પડે, એને પાકું ઘરનું ઘર હોય એના માટે થઈને આ સરકારે વીસ હજાર મકાનો આ જ વર્ષમાં બનાવવા માટે માર્ચ મહિનામાં બજેટ ફાળવી દીધું છે. એની જાહેરાત આજે હું નથી કરતો, માર્ચ મહિનામાં બજેટ ફાળવી દીધું છે અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળે, એના માટેનું કામ આ સરકારે ઉપાડ્યું છે.
ભાઈઓ-બહેનો, ગયા આઠ વર્ષથી શિક્ષણને આપણે મહાત્મય આપ્યું છે અને આ શિક્ષણને મહાત્મય આપવાને કારણે જે લોકો પહેલા, બીજા, પાંચમા, સાતમામાં ભણીગણીને આગળ ગયા છે, હવે એ લોકો કૉલેજ કરવા માગે છે. પણ જે ગરીબ પરિવારના છે, કૉલેજો શહેરમાં છે, એમને હોસ્ટેલોની જરૂર પડે. નીચેનું શિક્ષણ એટલું બધું વધ્યું છે કે જેના કારણે હવે ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે. આને ધ્યાન રાખીને એક મોટો મહત્વાકાંક્ષી કાર્યક્રમ આ સરકારે હાથ ધરવાનું નક્કી કર્યું છે. સો કરોડ રૂપિયાની માતબર રકમ ખર્ચીને છત્રીસ જેટલા સ્થાનો ઉપર એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. તથા ગરીબ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે. આ એક જ વર્ષમાં 26,000 વિદ્યાર્થીઓ રહી શકે એવી છત્રીસ જગ્યાઓ પર નવી આધુનિક હોસ્ટેલોનું નિર્માણ કરવામાં આવશે અને ગામડાંમાંથી ભણીગણીને જે આખો નવો ફાલ તૈયાર થઈ રહ્યો છે, નવી જનરેશન તૈયાર થઈ રહી છે એને આપણે જોડીશું.
ભાઈઓ-બહેનો, આ વર્ષ આપણે સ્વામી વિવેકાનંદજીની 150 મી જંયતી ઊજવી રહ્યા છીએ. 11 મી સપ્ટેમ્બર, સ્વામી વિવેકાનંદના જીવનનો ઐતિહાસિક દિવસ છે, 11મી સપ્ટેમ્બર હિંદુસ્તાનના જીવનમાં પણ ઐતિહાસિક દિવસ છે, 11 મી સપ્ટેમ્બર ભારતની હજારો વર્ષની સંસ્કૃતિના ઇતિહાસમાં પણ એક મહત્વનો દિવસ છે. 9/11, અગિયાર સપ્ટેમ્બર. 11 સપ્ટેમ્બરના રોજ 1893 માં સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાની અંદર વિશ્વ ધર્મ પરિષદની અંદર ભાષણ કર્યું હતું. અને એ ભાષણને કારણે એ દિગ્વિજય દિવસ તરીકે મનાવવામાં આવ્યો અને સમગ્ર વિશ્વને હિંદુસ્તાનના એક બત્રીસ વર્ષના સંન્યાસીએ પોતાનામાં આકર્ષી લીધું અને હિંદુસ્તાનની આ મહાન પરંપરાથી આકર્ષી લીધું. આ 11મી સપ્ટેમ્બરે સ્વામી વિવેકાનંદના જીવન સાથે જોડાયેલ ઇતિહાસની એક અન્મોલ ઘટના છે. એને ધ્યાને રાખીને ગુજરાત સરકારે યુવા વર્ષ મનાવવાનું નક્કી કર્યું છે ત્યારે આ સરકારે નિર્ણય કર્યો છે કે જેના કારણે અનેક માઓને પોતાના દૂધમલ છોકરાઓ ગુમાવવા પડે છે, હવે તો કમનસીબી છે કે દીકરીઓ પણ એ રવાડે ચઢી છે અને મોટા પ્રમાણમાં યુવાન પેઢી એના કારણે ખતમ થઈ રહી છે એ રોગ છે ગુટકા ખાવાનો રોગ, ગુટકા ખાવાની ટેવ. અને ગુટકા બદામ કરતાંય મોંઘા હોય છે, બદામ કરતાંય. બજારમાંથી કોઈને બદામ લાવવાનું કહીએ કે ખાવ, તો આપણને કહે કે આ મોંઘવારીમાં બદામ પોષાય નહીં. જે લોકો ગુટકા ખાય છે એ ગુટકાના પૈસાનો હિસાબ લગાવો તો એ બદામ કરતાં પણ મોંઘા હોય છે. ભાઈઓ-બહેનો, ગુજરાતની નવજુવાન પેઢીને મારે બચાવવી છે, ગુજરાતના નવજુવાનોને કેન્સરના ભયંકર રોગથી બચાવવા છે અને એટલા માટે આ ગુજરાત સરકાર ગુટકા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય જાહેર કરે છે. અને 11 સપ્ટેમ્બર, જ્યારે સ્વામી વિવેકાનંદજીના શિકાગોના ભાષણનો યાદગીરીનો દિવસ છે એ દિવસે એનો સંપૂર્ણપણે અમલ થશે. 11 સપ્ટેમ્બર પહેલાં નવો માલ કોઈ લે નહીં, જુનો માલ સંગ્રહે નહીં અને કોઈ એવો બંધાણી હોય તો એને આગામી પંદર-વીસ દિવસમાં આ બંધાણમાંથી મુક્ત થવા માટે અવસર મળે, એ કંઈ ખોટું ન કરી બેસે એટલા માટે અગિયારમી સપ્ટેમ્બરે સોએ સો ટકા એની અમલવારી કરવામાં આવશે અને ગુજરાતના નવજુવાનોને બચાવવાની દિશામાં આ રાજ્ય સરકારનો પ્રયત્ન જારી રહેશે.
ભાઈઓ-બહેનો, કુપોષણ સામે આપણે લડવું છે, જન ભાગીદારીથી લડવું છે. આગામી ગણેશ ચતુર્થીથી એક જન ભાગીદારીનું આંદોલન ઉપાડીએ. એક તરફ દુષ્કાળ પીડિતોની સેવા કરીએ, બીજી બાજુ કુપોષણની અંદર કોઈ માતા હોય, કોઈ સગર્ભા માતા હોય તો જન ભાગીદારીથી, જન આંદોલનથી, સેવાભાવથી આ બધા લોકોના કુપોષણમાં આપણે ભાગીદાર બનીએ, સરકારની યોજનાઓમાં પૂરક બનીએ અને આવતીકાલના ગુજરાતને સમૃદ્ધ બનાવવાની દિશામાં કામ કરીએ. ભાઈઓ-બહેનો, આ ગુજરાતની સરકાર નૌજવાનોના ભાગ્યને ઘડવા માટે સમય ખર્ચી રહી છે. આ ગુજરાતની જનતા, મારી માતાઓ-બહેનો, સન્માનપૂર્વક જીવે એના માટે સમય ખર્ચી રહી છે. આ ગુજરાતની સરકાર એસ.સી., એસ.ટી.ના ભાઈઓ ગૌરવભેર ભણીગણીને સ્વમાનભેર જીવતા થાય અને સમાનતા સાથે જીવતા થાય એના માટેનું અભિયાન લઈને ચાલી રહી છે. અને તિરંગા ઝંડાની સાક્ષીએ સંવિધાને જે આપણને કામ સોંપ્યું છે એ કામની પૂર્તિનો પ્રયાસ પૂર્ણ કરવા માટેના એક મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે, પૂરા આત્મવિશ્વાસ સાથે. અરે, નિરાશાનું નામોનિશાન ન હોય, મિત્રો. સંકટો આવતાં હોય છે. અરે, સંકટોને પાર કરવું એનું જ નામ શક્તિ હોય છે. અમે શક્તિના આરાધકો છીએ અને આ ગુજરાત મહાશક્તિમાન બને એ સંકલ્પ લઈને ચાલનારા લોકો છીએ. હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું કે આવતીકાલ વધારે ઊજળી છે, હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું કે આવતીકાલ વધુ વિકાસવાળી છે, હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપું છું કે આવતીકાલ વધારે સુખ અને સમૃદ્ધિની છે, આવતીકાલ વધારે શાંતિ અને સદભાવનાની છે. એ સંકલ્પ સાથે આપ સૌ મારી સાથે બોલજો...
ભારત માતા કી જય..!! ભારત માતા કી જય..!! ભારત માતા કી જય..!!
વંદે માતરમ...!! વંદે માતરમ...!! વંદે માતરમ...!!