કન્યાકેળવણી મહોત્સવઃ૨૦૧૨ સમાપન
ત્રણ દિવસના શાળાપ્રવેશોત્સવ દરમિયાન ૪,૭૯,૮૦૮ બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો
૧૦,૫૩,૯૧,૪૬૬ના મૂલ્યનો લોક ફાળો શાળાઓને પ્રાપ્ત થયો
૭૪,૪૬૬ કન્યાઓને રૂા. ૧૪,૮૯,૩૨,૦૦ના નર્મદા બોન્ડ અપાયા
આગામી તા.૨૮,૨૯,૩૦ જૂન દરમ્યાન શહેરી વિસ્તારમાં અભિયાન
ગાંધીનગર, સોમવારઃ રાજયભરમાં યોજાઇ રહેલા દશમા કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવનું સાર્વત્રિક અને સ્વયંસ્ફુરિત લોકભાગીદારી સાથે સમાપન થયું. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સંપન્ન થયેલા આ ત્રિદિવસીય અભિયાનને રાજયભરમાં જબરજસ્ત સફળતા પ્રાપ્ત થઇ છે.સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર સર્વ શિક્ષા અભિયાનની યાદીમાં જણાવ્યાનુસાર સાર્વત્રિક અને સ્વયંસ્ફુરિત લોકભાગીદારીને લીધે કન્યા કેળવણી મહોત્સવ સાચા અર્થમાં લોકોનો પોતાનો જ એક કાર્યક્રમ બની રહયો હતો. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની તથા શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા તથા રાજય મંત્રીશ્રી જયસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ કન્યા કેળવણી મહોત્સવને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઇ છે.
પ્રવશોત્સવના તૃતીય દિવસના અંતે પ્રાપ્ત આંકડા અનુસાર રાજયના તમામ જિલ્લાઓમાં કુલ ૭૭,૬૧૪ કન્યાઓ તથા ૮૧,૩૫૩ કુમારો સહિત ૫ વષસ્થી ઉપરની વયના કુલ ૧,૫૯,૯૬૭ બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. આમ, મહોત્સવના ત્રણ દિવસો દરમ્યાન કુલ ૨,૩૪,૩૦૨ કન્યાઓ તથા ૨,૪૫,૫૦૬ કુમારો સહિત પ વર્ષની વય જૂથના કુલ ૪,૭૯,૮૦૮ બાળકો એ શાળા પ્રવેશ મેળવ્યો હતો.
કન્યાકેળવણી મહોત્સવમાં લોકભાગીદારીના પરિણામે સ્થાનિક વ્યકિતઓ, જૂથો કે સંસ્થાઓ દ્વારા અંદાજે કુલ રૂા.૪,૭૧,૮૩,૬૦૦ના દાન રોકડ અને વસ્તુ સ્વરૂપે શાળાઓને પ્રાપ્ત થયાં છે. આમ ત્રણેય દિવસ દરમિયાન કુલ રૂા. ૧૦,૫૩,૯૧,૪૬૬નાં મૂલ્યોનો લોકફાળો શાળાઓને પ્રાપ્ત થયો છે.
રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સનદી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આઇ.એફ.એસ. અધિકારીઓ તથા શિક્ષણ વિભાગના અને સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓ આ ત્રણ દિવસ દરમિયાન દરરોજ પાંચ-પાંચ શાળાઓમાં કન્યા કેળવણી રથની આગેવાની કરીને પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો. ઉલ્લાસભર્યા વાતાવરણમાં બાળકોને બળદગાડાં, ઊંટગાડીઓ, ટ્રેક્ટર, ટ્રક વગેરે જેવા વાહનોમાં શાળા સુધી ધોરણ-૧માં નામાંકન માટે વાજતે-ગાજતે લાવવામાં આવ્યા હતાં.
શાળા વ્યવસ્થાપન સમિતિ, શિક્ષકગણ અને વાલીગણ તથા સ્વ સહાય જૂથો ના ઉત્સાહભર્યા સહયોગના દર્શન ગામેગામ જોવા મળ્યા છે. શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા ૧૦૦ ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે તેમની કક્ષાએથી શકય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
નવનામાંકિત બાળકોને સ્થાનિક વ્યકિતઓ/સમુદાયો દ્વારા સ્કુલ બેગ, પાટી-પેન, પાઠયપુસ્તકો, નોટબુક, પેન્સિલો, યુનિફોર્મ વિગેરે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતાં. ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા ગામોમાં ધોરણ-૧માં દાખલ થયેલ ૨૩,૬૦૮ કન્યાઓને વિઘાલક્ષ્મી યોજના અંતર્ગત નર્મદા બોન્ડ આપવામાં આવ્યા હતા. આમ પ્રવેશોત્સવના ત્રણ દિવસ દરમિયાન કુલ ૭૪,૪૬૬ કન્યાઓને રૂા. ૧૪,૮૯,૩૨,૦૦૦ના નર્મદા બોન્ડ આપવામાં આવ્યા હતા. તમામ ગામોમાં શાળા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સામેલ થયા હતા હવે તા. ૨૮-૨૯-૩૦ જૂન દરમિયાન શહેરી વિસ્તારમાં કન્યા કેળવણી યાત્રા અને શાળા પ્રવેશોત્સવનું વિરાટ અભિયાન યોજાશે