ભારતના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક પરંપરાનું સંવર્ધન કરવાની વિશેષતા ગુજરાતે જાળવી છે
વિવધિ રાજ્યની શકિત સંપદાને એકત્રિત કરીને ભારતને શકિતશાળી બનાવીએ
અમદાવાદમાં બિહાર શતાબ્દી મહોત્સવ ઉજવણીમાં ઉમંગ ઉત્સાહમાં સહભાગી નરેન્દ્રભાઇ મોદી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં બિહાર શતાબ્દી મહોત્સવના અતિથિ વશિેષ તરીકે જણાવ્યું કે ભારતના વિવધિ પ્રદેશોની સાંસ્કૃતિક પરંપરાનું સંવર્ધન કરવાની વિશેષતા ગુજરાતે જાળવી છે. ભારતમાં કોઇપણ સ્થળે વસેલા લોકોમાં એકતાની અને પોતાપણાની ભાવના જાળવવી એ સરદાર પટેલની ભારતની એકતાના સંસ્કાર બની રહેવા જોઇએ એમ ગુજરાત માને છે. ભારતના વિવિધ પ્રદેશોમાં વિકાસની જૂદી જૂદી શકિતઓ અને સામર્થ્ય છે તેને એકત્રિત કરીને ભારતને શકિતશાળા બનાવી શકાશે એમ તેમણે જણાવ્યું હતું.મા જાનકી સેવા સમિતિ આયોજિત આ મહોત્સવમાં ગુજરાતમાં વસતા બિહારી પરિવારો ખુબ જ ઉત્સાહ ઉમંગથી ઉમટયા હતા. ગુજરાતમાં વસેલા અને બિહારવાસી તરીકે ઉત્તમ યોગદાન જૂદા જૂદા ક્ષેત્રોમાં આપનારા વ્યકિત વિશેષોનું અભિવાદન મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
મૂળ બિહારના પણ કાર્યક્ષેત્ર ગુજરાત પસંદ કરી અહીં વસેલા બિહારવાસી પરિવારો અને સન્માનિત વ્યકિતઓના યોગદાનને બિરદાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સુરતમાં પણ બિહાર શતાબ્દી વર્ષની ઉજવણીના કાર્યક્રમાં પણ તેઓને ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું હતું.
બિહારીઓ સૌથી વધુ સંખ્યામાં રહેતા હોય તેવા સુરત શહેરમાં બિહાર અને ગુજરાતની રાજનૈતિક સોચનું ઐતિહાસિક દ્રષ્ટાંત આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના સરદાર પટેલના લીધે જ બિહારના રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બનેલા. ચાણક્ય બિશારના હતા જેમણે ઇતિહાસમાં દેશને એક કરવાનું ભગીરથ કામ કરેલું અને ગુજરાતની ધરતીના સરદાર પટેલે રજવાડાનું વિલીનીકરણ કરીને અખંડ ભારતની રચના કરેલી. નાલંદા બિહારમાં અને વલ્લભી વિઘાપીઠ એક સમયે ગુજરાતમા઼ જ્ઞાન સંપદાના તીર્થ હતા. મહાત્મા ગાંધીનો બિહારની ધરતી ઉપર ચંપારણનો સત્યાગ્રહ અહિંસાની મિશાલ બની ગયો. ગુજરાતનો સપૂત ગાંધી સ્વરાજની લડત બિહારથી આહલેક જગાવી તો જયપ્રકાશે નારાયણે બિહારથી ગુજરાત આવીને નવનિર્માણની આહલેક જગાવેલી. આવી અનેક ઐતિહાસિક સામ્યતા ગુજરાત અને બિહારને વિરાસતના નાતાથી જોડે છે. ભગવાન બુધ્ધ બિહારની ભૂમિ ઉપર જન્મ્યા અને ગુજરાત પાસે ભગવાન બુધ્ધના અસ્થિ અવશેષ છે. પિતૃશ્રાધ્ય તીર્થ બિહારનું ગયા તીર્થ છે જ્યારે માતૃશ્રાધ્યનું તીર્થ ગુજરાતનું સિધ્ધપુર છે. મહાવીર ભગવાન બિહારમાં પ્રગટયા પણ તેનો સૌથી વધુ પ્રભાવ ગુજરાતમાં છે.
ભારતભૂમિ બહુરત્ન વસુંધરા છે અને ભારત માતાના આ પુષ્પો જ સબકા સાથ-સબકા વિકાસનો મંત્ર સાકાર કરે છે એમ ગૌરવપૂર્વક જણાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે હરેક બાબતને રાજનીતિના નજરીયાથી જોનારા એ સમજી શકતા નથી કે અમદાવાદના કાંકરિયા કાર્નવિલમાં લધુ ભારતરૂપે ભારત વિવધિ રાજ્યોની એકતાનું સાંસ્કૃતિક દર્શન થાય છે. વિવધિ પ્રદેશોની સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવાની વિશેષતા ગુજરાતે સંવર્ધતિ કરી છે.
""આવો આપણે સૌ હળીમળીને ભારતમાતાને વિશ્વમાં મજબૂત બનાવીએ. નિરક્ષરતા, ગરીબી, બિમારીમાંથી દેશને મૂકત બનાવવાનો સંકલ્પ કરીએ'' એવું આહ્વાહન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ દ્વારા ભારતના વિકાસમાં ભાગીદાર બનનારા સૌને આપ્યું હતું.બિહાર અને ગુજરાતનો નાતો અતૂટ છે, હરક્ષણ વિકાસ માટેની પસીનાની મહેંકમાં ગુજરાત અને બિહારમાં કોઇ તફાવત નથી. આપણે મા ભારતીના સંતાનો છીએ એ માતાના દૂધના બટવારા હોય જ નહીં એવી બિહાર શતાબ્દી મહોત્સવની શુભકામના એમણે પાઠવી હતી.
અગ્રણી શ્રી ર્ડા.મહાદેવે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, બિહારીઓએ ગુજરાતમાં રહીને તેમની સંસ્કૃતિ અને સંસ્કારોને ઉજાગર કર્યા છે.
ગુજરાત વ્યાપાર અને સાહસ માટે જાણીતું છે તો બિહાર ધર્મ અને સંસ્કૃતિની ધરોહર છે. તેમણે ગુજરાત અને બિહારની સામ્યતા વર્ણવી હતી. આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ બિહારના અનેક અગ્રણીઓનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, અમદાવાદના સાંસદ ર્ડા.કીરીટભાઇ સોલંકી, બિહાર સમાજના અગ્રણી, ર્ડા. કિશોર કૃણાલ , સમાજના પ્રમુખશ્રી, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.