ગુજરાતના ભવિષ્ય સાથે 3 અત્યંત સંતોષકારક દિવસો
પ્રિય મિત્રો,આગામી ત્રણ દિવસો માટે સમસ્ત ટીમ ગુજરાત રાજ્યભરની શાળાઓમાં જશે! હા, વરિષ્ઠ મંત્રીઓ, અધિકારીઓ અને ખુદ હું પણ આગામી ત્રણ દિવસો માટે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં સમય પસાર કરીશ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન 2013-2014 અંતર્ગત ગામોમાં જઈને માતા-પિતાને તેમના બાળકોને શિક્ષણ પુરૂં પાડવા વિનંતી કરીશું. અમે 13-14-15 જૂન દરમ્યાન ગ્રામીણ વિસ્તારોમાં અને 20-21-22 જૂન દરમ્યાન શહેરી વિસ્તારોમાં જઈશું.
મને બરાબર યાદ છે કે જ્યારે મેં મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો તે સમયે એક અધિકારી મારી સમક્ષ આપણી પ્રાથમિક શાળાઓમાં ડ્રોપઆઉટ દરની ચર્ચા કરવા આવ્યા હતાં. મારી સમક્ષ મૂકવામાં આવેલા આંકડાઓથી હું ચોંકી ઉઠ્યો! આવા વાઇબ્રન્ટ રાજ્યમાં આ પ્રકારનો ડ્રોપઆઉટ દર શા માટે? પ્રાથમિક શિક્ષણની બાબતે કન્યાઓ પાછળ શા માટે? અમે તુર્ત જ આ જોખમ સામે બાથ ભીડવાનું નક્કી કર્યું અને તે રીતે કન્યા કેળવણી અભિયાન અસ્તિત્વમાં આવ્યું.આગઝરતી ગરમી કે તીવ્ર વરસાદ હોવા છતાં, મારા કેબિનેટ સાથીઓ, અધિકારીઓ અને હું ગામોમાં જઈએ છીએ, અમે માતા-પિતાને વિનંતી કરીએ છીએ કે, અમને આપનું બાળક આપો જેથી કરીને અમે તેને શાળાએ લઈ જઈએ. નાનકડા ભુલકાઓને આંગળી પકડી શાળાએ લઈ જવું તે મારા અનેક વર્ષોના જાહેર જીવનની સૌથી વધુ આત્મસંતોષ આપનારી ક્ષણો છે તેમ હું ચોક્કસપણે કહી શકું. આ માસુમ બાળકોના સશક્ત ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડવાથી વધુ આનંદ બીજો કોઇ નથી.
સતત એક દાયકા સુધી આ અભિયાન ચલાવ્યા બાદ, મને આપને જણાવતા આનંદ થાય છે કે અમારા આ પ્રયત્નોને પ્રચંડ સફળતા સાંપડી છે. વર્ષ 2003-2004માં ધોરણ 1-5 અને ધોરણ 1-7ના ડ્રોપઆઉટ દરો જે અનુક્રમે 17.83% અને 33.73% હતાં તે વર્ષ 2012-2013માં ઘટીને 2.04% અને 7.08% પર પહોંચી ગયાં છે. કન્યા કેળવણી અભિયાનના પણ સુંદર પરિણામો જોવા મળ્યા છે. છેલ્લા એક દાયકામાં મહિલા સાક્ષરતા દર 57.80% થી વધીને આજે 70.73% પર પહોંચી ગયો છે.
આ પરિણામો ઘણાં ઉત્સાહવર્ધક છે, છતાં આપણે અહીં અટકીશું નહીં અને હજી વધુ સુધાર લાવવા પ્રયત્નશીલ રહીશું. જ્યારે પણ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થાય, તે સમયે સમાચારપત્રોમાં છોકરાઓની સરખામણીમાં કન્યાઓએ ફરી એક વાર મેદાન મારી લીધું છે તેવા સમાચારો આપણે સહુએ વાંચ્યા જ હશે. તે દર્શાવે છે કે જો આપણે સ્ત્રીઓને યોગ્ય તક પુરી પાડીએ, તો તેઓ આશ્ચર્યકારક પરિણામો લાવી શકે છે. કન્યા કેળવણી અભિયાન અને શાળા પ્રવેશોત્સવ અભિયાન પાછળનો આપણો હેતુ આ જ છે. અમને ખ્યાલ આવ્યો કે કન્યાઓના ઉંચા ડ્રોપઆઉટ દર પાછળનું એક મુખ્ય કારણ શૌચાલયની અપુરતી સગવડ હતી. જેથી, અમે 71,000 જેટલા સ્વચ્છતા સંકુલોનું નિર્માણ કર્યું. તે જ રીતે, અમે જોયું કે આપણા બાળકો ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે શાળાઓમાં પુરતા ઓરડાઓ ન હતાં. આથી છેલ્લા દશકમાં 1,04,000 જેટલા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યું. અમે આટલેથી અટક્યાં નહીં.
આજના યુગમાં જ્યારે ટેકનોલોજી સતત વિશ્વનું સ્વરૂપ બદલી રહી છે, ત્યારે આપણા બાળકોને આ આધુનિક સુવિધાઓથી દૂર રાખવા એ એક ગુનો જ ગણાય. આથી, રાજ્યની 20,000થી વધુ શાળાઓને કોમ્પ્યુટર સુવિધાથી સજ્જ કરવામાં આવી છે. મિત્રો, આવો આપણે સહુ પ્રત્યેક વ્યક્તિને શિક્ષણ મળી રહે તે દિશાના પ્રયત્નોમાં સહભાગી બનીએ. તમારી આસપાસ કે કાર્યાલયમાં નજર નાંખો. તમારા કામદારોને પુછો કે શું તેઓ તેમના બાળકોને શાળાએ મોકલે છે? અને જો ન મોકલતાં હોય, તો તેમને આમ કરવાનું પ્રોત્સાહન આપો. શિક્ષણથી રોજગારી ઉપરાંત અન્ય અનેક અવસરો મળી રહે છે. બાળકોને શિક્ષણ પુરૂં પાડવાથી આપણે ન માત્ર તેમના ભવિષ્યને સુરક્ષિત બનાવીએ છીએ, પરંતુ ગુજરાતના ભવિષ્યને પણ વધુ ઉજ્જવળ બનાવીએ છીએ. બાળકોને શિક્ષણ આપવા દ્વારા આપણે એક એવા બીજનું વાવેતર કરીએ છીએ, જે ભવિષ્યમાં દેશની મોટી સેવારૂપ સાબિત થશે, કારણકે આ જ બાળકો મોટા થઈને પોતાની બૌદ્ધિક સંપદાથી દેશને પ્રગતિના પંથે અગ્રેસર બનાવશે.
આપનો,
નરેન્દ્ર મોદી