મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાષ્ટ્રીય વસતિ ગણતરીના બીજા તબક્કાના પ્રારંભે, એક નાગરિક તરીકે વસતિ ગણતરીકાર સમક્ષ રૂબરૂમાં જનગણના પત્રકની વિગતો ભરી હતી.
નવમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા વસતિ ગણતરી અભિયાનને રાષ્ટ્ર અને વ્યકિતના વિકાસ માટે અત્યંત આવશ્યક ગણાવી પ્રત્યેક નાગરિક એમાં સહયોગ આપે એવી અપેક્ષા વ્યકત કરી હતી, તેમણે જણાવ્યું કે વિકાસ માટેના આયોજનની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં જનગણના માર્ગદર્શક છે. દર દશ વર્ષે થતી વસતિ ગણતરી દેશહિત માટે અને સર્વાંગી રીતે વ્યકિત અને સમાજ માટે ઉપકારક છે, અને પ્રત્યેક નાગરિકે પોતે દેશ કાજે સહભાગી બનવાની તમન્ના સાથે વસતિ ગણતરીમાં પ્રેરક બનવું જોઇએ.
આ પ્રસંગે આયોજનના અધિક મુખ્ય સચિવ શ્રી વરૂણ માયરા, ગુજરાત રાજ્યના વસતિ ગણતરી નિયામકશ્રી મનીષ ભારદ્વાજ, જિલ્લા કલેકટરશ્રી સંજીવ કુમાર સહિત જનગણના અભિયાનના ગણતરીકાર ઉપસ્થિત રહ્યા હતા.