મુખ્યમંત્રીશ્રી:
હિન્દુસ્તાનની સામર્થ્યવાન યુવાશકિતમાં ભારતનું ભાવિ જ નહીં વિશ્વની માનવજાતના કલ્યાણ માટેની શકિત છે
શ્રી મુકેશ અંબાણી :
ઉર્જા શકિત માટેના નવા સંશોધનો માટેની આવશ્યકતા સમયની માંગ છે
ભારતની યુવાશકિતમાં દેશને શકિતશાળી બનાવવાનું સામર્થ્ય છે
પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો બીજો દિક્ષાંત સમારોહ સંપન્ન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના દ્વિતિય દિક્ષાંત સમારોહમાં જણાવ્યું હતું કે, ઓજસ્વી એવી આ યુનિવર્સિટી માત્ર પેટ્રોલિયમ ઉર્જા જ નહીં પરંતુ સમગ્રતયા ઉર્જા શકિતનાસ્ત્રોતોનું વ્યવસ્થાપન, સંશોધન અને માનવ સંશાધન વિકાસ માટેની એનર્જી યુનિવર્સિટી જેવી સક્ષમ યુનિવર્સિટી બનશે.
ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જી.એસ.પી.સી.) દ્વારા કાર્યકરત થયેલી આ પેટ્રોલિયમ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં આજે યુનિવર્સિટીના અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણી સહિત બોર્ડ ઓફ ગવર્નન્સના મેમ્બર્સ ઉપસિથત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે 413 સ્નાતકોને પદવીઓ તથા 13 તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રકો એનાયત થયા હતા. દેશના 22 રાજ્યોની યુવાશકિત આ યુનિવર્સિટી કેમ્પસમાં જોડાઇ છે અને શ્રી મુકેશ અંબાણીએ આ યુનિવર્સિટીનું કુશળ નેતૃત્વ કરીને માત્ર ચાર જ વર્ષમાં દુનિયામાં તેનું નામ રોશન કર્યું છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ યુનિવર્સિટીની ટૂંકાગાળાની કિર્તિમાન સફળતાની પ્રશંસા કરી હતી.
વિકાસના માપદંડ અને વિચારધારામાં આવેલા પરિવર્તનોનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પુરાતન સંસ્કૃતિમાં પ્રાકૃતિક સંશાધનોનો વિનિયોગ કુદરતના શોષણનો નહોતો પરંતુ આજે ઉપભોગતાવાદમાં વપરાશની સ્પર્ધા વિકાસનો માપદંડ બની ગયો છે. બીજી બાજુ કુદરતી સંશાધનો અને ઉર્જાની સમસ્યા સંકટ બની રહી છે ત્યારે આ નવી પેઢી યુવાપેઢી સામે પડકાર ખડો થયો છે કે આ સંકટમાંથી ઉગારવા માટે કયો યોગ્ય રસ્તો લેવો જોઇએ.
આ પી.ડી.પી.યુ. યુનિવર્સિટીમાં ટેકનોક્રેટ ઇજનેરો તૈયાર થઇ રહ્યા છે પણ તે રોબોટ યંત્ર જેવા નથી તેમનામાં માનવીય સંવેદના ભરેલી છે. વિકાસ માટે રોબોટીક લાઇફની નહીં માનવીય સંવેદનાના ધબકાર યુનિવર્સિટીમાં સ્પંદિત કર્યા છે.
યુનિવર્સિટી શિક્ષણ સ્થિત બદલવાનું યુવા પેઢીને સામર્થ્ય આપી શકે એવા વાતાવરણનો નિર્દેશ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, એ હકીકત છે કે વિદ્યાર્થી કાળમાં સુરક્ષિત જીવનનો અહેસાસ થાય છે. પરંતું આ પદવી લઇને દુનિયામાં પગ મુકતાની સાથે જ કસોટીઓ અને પડકારો ઝીલવાનો આત્મવિશ્વાસ જરૂરી છે. જીવનના નવા વાતાવરણમાં જે યુવાન કંઇક સારુ કરશે તો તેના યુનિવર્સિટી શિક્ષણનું ગૌરવ જ થવાનું છે. યુનિવર્સિટીની પોતાની શાખ અને ઓળખ હોય છે અને જ્યાંથી શિક્ષણમાં પારંગત બન્યા હોઇએ તેની પ્રતિષ્ઠા જાળવવી એ વિદ્યાર્થીનું દાયિત્વ બની જાય છે એમ તેમણે સંવેદના સભર અનુરોધ કરતાં જણાવ્યું હતું.
શ્રી મુકેશ અંબાણી :
શ્રી મુકેશ અંબાણીએ અધ્યક્ષસ્થાનેથી ભારતની યુવાશકિતના સામર્થ્યને બિરદાવતા જણાવ્યું હતું કે, નવભારતના શકિતશાળી નિર્માણ માટે આ યુવા સંપદા ઉપર દેશને પૂરેપૂરો વિશ્વાસ છે.
ગુજરાતને વિશ્વના નકશા ઉપર મુકીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતને પ્રતિષ્ઠા અપાવી છે. સંમતુલિત વિકાસ સાથે ગુજરાતનું મોડલ આજે વિશ્વમાં નામના પામ્યું છે તેનું શ્રેય મુખ્યમંત્રીશ્રીને આપતાં શ્રી મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું કે, પી.ડી.પી.યુ. હવે નિઃશંક રીતે ભારતની ઉત્તમ યુનિવર્સિટીઓમાં ગણમાન્ય બની છે.
પદવી દીક્ષા પ્રાપ્ત કરનારા તમામને હાર્દિક અભિનંદન આપતાં પી.ડી.પી.યુ. ગવર્નીગ કાઉન્સીલના અધ્યક્ષ તરીકે શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું કે, ભારતની યુવાશકિતમાં ભવિષ્ય નિર્માણનો વિશ્વાસ જોવા મળે છે તે આપણી યુવા પેઢીના ઉજ્જવળ ભાવિની પ્રતિતિ કરાવનારો છે.
ભુતકાળના યુનિવર્સિટી એજ્યુકેશન અને એન્જીનીયરીંગ એજ્યુકેશન કરતાં સાંપ્રત શિક્ષણમાં ગુણાત્મક બદલાવ આવ્યો છે અને પી.ડી.પી.યુ. જેવી નવી યુનિવર્સિટીએ ખુબ જ ટૂંકા ગાળામાં પ્રેરક ગતિથી વિકાસ કર્યો છે તેનો યશ સૌ સહયોગીઓને ફાળે જાય છે એમ શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું.
નવા વૈશ્વિક પ્રગતિના પરિમાણોમાં ઉર્જા શકિત નિર્ણાયક છે અને તેના વિકાસ માટે ન્યુહાત્મક નિતી ઘડવી પડશે. ક્લીન, કન્વીનીયન્ટ અને કોમ્પીટીટીવ એનર્જી સિકયોરીટી અને એનર્જી એફીસીયન્શી માટેના સંભવિત તમામ સાધનોનો વિનયોગ કરીશું અને ટેકનોલોજીથી નવા શોધ સંશોધનો કરીશું તો જ ઉર્જાના પડકારને પહોંચી વળાશે તેમ તેમણે જણાવ્યું હતું.
ભારતમાં અશક્યને શક્ય બનાવવાનું સામર્થ્ય છે અને ગુજરાતમાં જામનગર નજીકની રીલાયન્સ રીફાઇનરી તથા દુષ્કાળગ્રસ્ત ગુજરાતમાં જળશકિતની ક્રાંતિ આ ક્ષમતાના પ્રેરક દ્રષ્ટાંતો છે એમ શ્રી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, નવભારતના નિર્માણ માટે યુવાશકિત પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે તો આ સ્વપનું સાકાર થઇને જ રહેવાનું છે અને એ માટે તેઓ પૂરેપૂરા આશાવાદી છે.
પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના આજે યોજાયેલા દ્વિતિય પદવીદાન સમારોહમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તેમજ સ્કુલ ઓફ પેટ્રોલીયમ ટેકનોલોજી, સ્કુલ ઓફ પેટ્રોલીયમ મેનેજમેન્ટ અને સ્કુલ ઓફ ન્યુકયુલર એનર્જીના સમગ્રતયા 413 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રી અને શ્રી મુકેશ અંબાણીએ પદવી એનાયત કરી હતી તથા 13 ઉજ્જવળ કારકિર્દી ધરાવનારા વિદ્યાર્થીઓને તેમના શ્રેષ્ઠતમ દેખાવ માટે મેડલ્સ એનાયત કર્યા હતા.
આ પદવીદાન સમારોહમાં શિક્ષણ મંત્રી શ્રી રમણલાલ વોરા, શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી વસુબેન ત્રિવેદી અને શ્રી જયસિંહજી ચૌહાણ, મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતિ, સર્વ શ્રી કે.વી.કામથ, શ્રી સુધીર મહેતા, શ્રી વિક્રમ મહેતા તથા યુનિવર્સિટીના નિયામક મંડળના સભ્યશ્રીઓ તેમજ અગ્રસચિવશ્રીઓ સર્વશ્રી હસમુખ અઢિયા, તપન રે, અને ડી.જે.પાંડીયન સહિત પદવી પ્રાપ્ત વિદ્યાર્થીઓના પરિવારજનો અને ઉદ્યોગ વેપાર ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.