પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 40મી આવૃત્તિની બેઠકની અધ્યક્ષતા કરી, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સાંકળી લેતા પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ માટે ICT આધારિત મલ્ટિ-મોડલ પ્લેટફોર્મ છે.
બેઠકમાં, આઠ પ્રોજેક્ટ અને એક કાર્યક્રમ સહિત નવ એજન્ડાની આઇટમ સમીક્ષા માટે લેવામાં આવી હતી. આઠ પરિયોજનાઓમાં, બે-બે પ્રોજેક્ટ રેલ્વે મંત્રાલય, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય અને પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના અને એક-એક પ્રોજેક્ટ પાવર મંત્રાલય અને જળ સંસાધન વિભાગ, નદી વિકાસ અને ગંગા પુનરુત્થાનના હતા. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, છત્તીસગઢ, ઓડિશા, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ઝારખંડ જેવા 14 રાજ્યોને લગતા આ આઠ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 59,900 કરોડ જેટલો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે માર્ગ અને રેલ્વે જેવા માળખાકીય ક્ષેત્રે કામ કરતી એજન્સીઓએ અમૃત સરોવર હેઠળ વિકસાવવામાં આવી રહેલા જળાશયો સાથે તેમના પ્રોજેક્ટનો મેપ બનાવવો જોઈએ. આ એક જીત-જીતની સ્થિતિ હશે કારણ કે અમૃત સરોવર માટે ખોદવામાં આવેલી સામગ્રીનો ઉપયોગ એજન્સીઓ દ્વારા નાગરિક કાર્યો માટે કરી શકાય છે.
વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ ‘નેશનલ બ્રોડબેન્ડ મિશન’ પ્રોગ્રામની પણ સમીક્ષા કરી. રાઈટ ઓફ વે (RoW) અરજીઓનો સમયસર નિકાલ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને એજન્સીઓને કેન્દ્રીયકૃત ગતિ શક્તિ સંચાર પોર્ટલનો લાભ લેવા કહેવામાં આવ્યું હતું. આ મિશનના અમલીકરણને ઝડપી બનાવશે. સમાંતર રીતે, તેઓએ સામાન્ય માણસની 'જીવવાની સરળતા' વધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે કામ કરવું જોઈએ.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્યો પણ PM ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની તર્જ પર રાજ્ય સ્તરીય ગતિશક્તિ માસ્ટર પ્લાન ઘડી શકે છે અને આ હેતુ માટે રાજ્ય સ્તરીય એકમોની રચના કરી શકે છે. આનાથી વધુ સારી રીતે આયોજન કરવામાં, મુખ્ય મુદ્દાઓને ઓળખવા અને તેનું નિરાકરણ લાવવામાં અને સમયસર પ્રોજેક્ટના અમલીકરણ માટે બહેતર સંકલન સુનિશ્ચિત કરવામાં ઘણું આગળ વધી શકે છે.
પ્રગતિ બેઠકોની 39 આવૃત્તિઓ સુધી, કુલ 14.82 લાખ કરોડના ખર્ચવાળા 311 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી છે.