પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રગતિની 36મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં સમીક્ષા માટેની કામગીરી માટે આઠ મુદ્દા હાથ પર લેવામાં આવ્યાં હતાં, જેમાં આઠ વિવિધ પ્રોજેક્ટ, એક ફરિયાદ નિવારણ સાથે સંબંધિત યોજના અને એક કાર્યક્રમનો મુદ્દો સામેલ હતો. આઠ પ્રોજેક્ટમાં ત્રણ પ્રોજેક્ટ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના, બે પ્રોજેક્ટ રેલવે મંત્રાલયના, એક-એક પ્રોજેક્ટ વીજ મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે સંબંધિત હતા. કુલ આશરે રૂ. 44,545 કરોડનો ખર્ચ ધરાવતા આઠ પ્રોજેક્ટ 12 રાજ્યોમાં આકાર લઈ રહ્યાં છે. આ રાજ્યો છે – પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, ઓડિશા, ઝારખંડ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ, મિઝોરમ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર અને મેઘાલય.
પ્રધાનમંત્રીએ કેટલાંક પ્રોજેક્ટના અમલમાં થઈ રહેલા વિલંબ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી અને સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી કે, પ્રોજેક્ટના વિલંબ માટે જવાબદાર તમામ સમસ્યાઓનું નિર્ધારિત સમયમાં સમાધાન કરવું પડશે અને જ્યાં શક્ય હોય, ત્યાં યુદ્ધના ધોરણે.
પ્રધાનમંત્રીએ બેઠકમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને બંધ કરવા માટે કાર્યક્રમની સમીક્ષા કરી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના સાથે સંબંધિત ફરિયાદ નિવારણની સમીક્ષા પણ થઈ હતી. પ્રધાનમંત્રી પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો, ખાસ કરીને ઉચિત જાગૃતિ અભિયાન દ્વારા યુવા પેઢીની જરૂરિયાતો પૂર્ણ કરવા. તેમણે તમામ અધિકારીઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નિર્માણ થઈ રહેલા માર્ગોની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવાનું પણ કહ્યું હતું.
પ્રગતિની અગાઉની 35 બેઠકોમાં કુલ આશરે 13.60 લાખ કરોડનો ખર્ચ ધરાવતા 290 પ્રોજેક્ટ, 51 કાર્યક્રમો/યોજનાઓ અને 17 જુદાં જુદાં ક્ષેત્રો સાથે સંબંધિત ફરિયાદોની સમીક્ષા થઈ હતી.