પોતાને સજ્જ કરવાની એક સંપૂર્ણ તકની પરીક્ષા આપો: વડા પ્રધાન મોદી
જિજ્ઞાસા વધારવા માટે ખાલી સમયનો ઉપયોગ કરો, નવી કુશળતા શીખો: પીએમ મોદી
તમારા ગુણ તમારું ભવિષ્ય નક્કી કરશે નહીં. પરીક્ષા એ ફળદાયી કારકિર્દીની શરૂઆત છે: વિદ્યાર્થીઓને પીએમ મોદી
તમારા તનાવને પરીક્ષા હોલની બહાર છોડી દો: પીએમ મોદી
મનમાં સરળતાથી યાદ રહે એવી વસ્તુની કલ્પના કરો: વિદ્યાર્થીઓને પીએમ મોદી
તમારા બાળકો સાથે જોડાઓ. તેમની પસંદગીઓ અને નાપસંદો શીખો. આ જનરેશન ગેપ ઘટાડવામાં મદદ કરશે: પીએમ મોદી

નમસ્તે, નમસ્તે દોસ્તો, કેમ છો તમે બધા ? આશા છે પરીક્ષાની તૈયારી સારી રીતે ચાલી રહી હશે ? આ પરીક્ષા પે ચર્ચાની પ્રથમ વર્ચ્યુઅલ એડિશન છે. તમે જાણો છો, આપણે છેલ્લા એક વર્ષથી કોરોના વચ્ચે જીવી રહ્યા છીએ, અને તેને કારણે દરેકે નવું નવું ઈનોવેશન કરવું પડી રહ્યું છે. મારે પણ તમને સહુને મળવાનો મોહ આ વખતે છોડવો પડી રહ્યો છે, અને મારે પણ એક નવા ફોર્મેટમાં તમારા સહુની વચ્ચે આવવું પડી રહ્યું છે.

અને તમને રુબરુ નહીં મળવું, તમારા ચહેરાની ખુશી ન જોવી, તમારો ઉમંગ અને ઉત્સાહ ન અનુભવવો, એ મારા માટે એક ઘણું મોટું નુકસાન છે. પરંતુ આમ છતાંયે પરીક્ષા તો છે જ, તમે છો, હું છું, પરીક્ષા છે, તો પછી સારું છે કે આપણે પરીક્ષા પે ચર્ચા ચાલુ રાખીશું. અને આ વર્ષે પણ બ્રેક નહીં લઈએ.

હમણાં આપણે આપણી વાતચીતનો દોર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એક વાત હું શરૂઆતમાં દેશવાસીઓને પણ જણાવવા માગું છું. અને વાલીઓને પણ જણાવવા માગું છું, ટીચર્સને પણ બતાવવા માગું છું, આ 'પરીક્ષા પે ચર્ચા' છે. પરંતુ ફક્ત પરીક્ષાની જ ચર્ચા નથી. ઘણી બધી વાતો થઈ શકે છે. એક હળવો માહોલ બનાવવાનો છે. એક નવો આત્મવિશ્વાસ પેદા કરવાનો છે. અને જે રીતે આપણે પોતાના ઘરમાં બેસીને વાતો કરીએ છીએ, પોતાના લોકોની વચ્ચે વાતો કરીએ છીએ, મિત્રો સાથે વાત કરીએ છીએ, આવો, આપણે પણ આ જ રીતે આજે વાત કરીએ.

 

Question- 1-A.

એમ. પલ્લવી, ગવર્નમેન્ટ હાઈ સ્કૂલ, પોડિલી, પ્રકાશમ, આંધ્ર પ્રદેશ

નમસ્તે માનનીય પ્રધાનમંત્રી સાહેબ, (મોદીજી: નમસ્તે, નમસ્તે) મારું નામ એમ. પલ્લવી છે. હું નવમા ધોરણમાં અભ્યાસ કરી રહી છું. સર, આપણે ઘણીવાર એવું અનુભવીએ છીએ કે ભણવાનું તો બરોબર ચાલી રહ્યું છે, પરંતુ જેવી પરીક્ષાઓ નજીક આવે છે, ખૂબ તણાવભરી સ્થિતિ થઈ જાય છે. આ માટે કોઈ ઉપાય બતાવો, સર. ખૂબ આભાર, સર.

આભાર પલ્લવી, મને જણાવાયું છે કે આ પ્રકારનો બીજો એક સવાલ પણ છે.

Question-1-B. -

અર્પણ પાંડે - ગ્લોબલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કૂલ, મલેશિયા

સાદર શુભેચ્છા. આદરણીય પ્રધાનમંત્રી જી, મારું નામ અર્પણ પાંડે છે, હું ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, મલેશિયામાં 12મા ધોરણનો વિદ્યાર્થી છું. હું આપની પાસેથી મારી ભવિષ્યની સફળતા માટે એક સવાલનો ઉત્તર મેળવવા ઈચ્છું છું. અને આશા રાખું છું કે આપ તેમાં મને માર્ગદર્શન આપશો. મારો પ્રશ્ન છે, પરીક્ષાની તૈયારી દરમ્યાન અમારા મનમાં પેદા થનારા ભય અને તણાવમાંથી અમે કેવી રીતે બહાર નીકળીએ ? શું થશે ? સારા ગુણ અને સારી કોલેજ મળે કે નહીં મળે ? આવો ડર અને તણાવ સર્જાય છે.

આભાર.

ઉત્તર -

પલ્લવી, અર્પણ, જુઓ, તમે જ્યારે આ ફિયરની, ડરની વાત કરો છો, તો મને પણ બીક લાગવા માંડે છે. અરે એવી કઈ વાત છે, જેના માટે ડરવું જોઈએ ?   શું પહેલી વાર એક્ઝામ આપવા જઈ રહ્યા છો ? શું પહેલા ક્યારેય પરીક્ષા નથી આપી ? શું તમને ખબર ન હતી કે માર્ચ મહિના, એપ્રિલ મહિનામાં એક્ઝામ આવે છે. બધું ખબર છે. અગાઉથી ખબર છે. એક વર્ષ પહેલાની ખબર છે. અચાનક તો નથી આવ્યું. અને જે અચાનક નથી આવ્યું, કોઈ આસમાન તો નથી તૂટી પડ્યું.

એનો અર્થ થયો કે તમને ડર એક્ઝામનો નથી. તમને ડર બીજા કશાકનો છે, અને તે શું છે ? તમારી આસપાસ એક માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે એક્ઝામ જ બધું છે, એ જ જિંદગી છે અને તેના માટે સમગ્ર સામાજિક વાતાવરણ, ક્યારેક ક્યારેક તો સ્કૂલનું વાતાવરણ પણ, ત્યારેક-ક્યારેક માતા-પિતા પણ, ત્યારેક પોતાના સંબંધીઓ પણ, એક એવો માહોલ બનાવી દે છે, એવી ચર્ચા કરે છે કે જાણે કોઈ ઘણી મોટી ઘટનામાંથી તમારે પસાર થવાનું છે, ઘણા મોટા સંકટમાંથી પાર ઉતરવાનું છે, હું એ સહુને કહેવા માગીશ, ખાસ કરીને હું પેરેન્ટ્સને કહેવા માગું છું, તમે શું બનાવી દીધું છે ?

હું સમજું છું કે આ સૌથી મોટી ભૂલ છે. આપણે જરૂરિયાત કરતાં વધુ - ઓવર કોન્શિયસ થઈ જઈએ છીએ. આપણે થોડું વધારે જ વિચારવા માંડીએ છીએ. અને એટલા માટે હું સમજું છું કે જિંદગીમાં આ કોઈ છેલ્લો પડાવ નથી. આ જિંદગી બહુ લાંબી છે, ઘણા પડાવ આવે છે, એક નાનો શો પડાવ છે. આપણે દબાણ ઊભું ન કરવું જોઈએ, ભલે તે ટીચર હોય, સ્ટુડન્ટ હોય, કુટુંબીજન હોય, મિત્ર-દોસ્તાર હોય, જો બહારનું દબાણ ઓછું થઈ જશે, સમાપ્ત થઈ જશે, તો એક્ઝામનું દબાણ ક્યારેય અનુભવે જ નહીં. કોન્ફિડેન્સ વધશે, પ્રેશર રીલીઝ થઈ જશે, ડિક્રીઝ થઈ જશે અને બાળકોએ ઘણાં સહજ રીતે, તણાવમુક્ત જીવવું જોઈએ. નાની-મોટી, હળવી વાતો જે રોજ કરતા હોય તે કરવી જોઈએ.

જુઓ મિત્રો, પહેલા શું થતું હતું, પહેલા માતા-પિતા બાળકો સાથે વધુ ઈન્વોલ્વ રહેતા અને સહજ પણ રહેતા હતા. અને કેટલાય વિષયો ઉપર ઈન્વોલ્વ રહેતા હતા. આજે જે પણ ઈન્વોલ્વ રહે છે, તે મોટા ભાગે કરિયર, એક્ઝામ, અભ્યાસ, પુસ્તકો, સિલેબસ, હું ફક્ત તેને ઈન્વોલ્વમેન્ટ નથી માનતો. અને તેનાથી તેમને પોતાનાં બાળકોનું સારું સામર્થ્ય જાણવા નથી મળતું. જો માતા-પિતા વધુ ઈન્વોલ્વ્ડ રહેશે, તો બાળકોની રુચિ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, આ બધું વધુ સારી રીતે સમજી શકશે, અને જે ખામીઓ છે, તે ખામીઓને સમજીને તેને ભરવાની-દૂર કરવાની કોશિશ કરે છે.

અને તેને કારણે બાળકનું કોન્ફિડન્સ લેવલ વધે છે. તેની સ્ટ્રેન્થ માતા-પિતાને ખબર છે, તેની વીકનેસીઝ માતા-પિતાને ખબર છે. અને તેને કારણે માતા-પિતા સમજે છે કે આ સમયે વીકનેસને બાજુમાં મૂકીને સ્ટ્રેન્થને જેટલું જોર આપી શકાય, આપો.

પરંતુ આજે કેટલાક માતા-પિતા એટલા વ્યસ્ત હોય છે, એટલા વ્યસ્ત હોય છે કે તેમનાં બાળકો સાથે સાચા અર્થમાં ઈન્વોલ્વ થવાનો સમય જ નથી મળતો. તેનું પરિણામ શું આવે છે ? આજે બાળકોના સામર્થ્યની જાણકારી મેળવવા માટે પેરેન્ટ્સે એક્ઝામનાં પરિણામનું પત્રક જોવું પડે છે અને એટલા માટે, બાળકોની સમીક્ષા પણ બાળકોનાં રિઝલ્ટ્સ સુધી સીમિત રહી ગઈ છે. માર્કસથી આગળ વધીને પણ બાળકોમાં કોઈ એવી ચીજો હોય છે, જેને પેરેન્ટ્સ માર્ક જ કરી શકતા નથી.

સાથીઓ, આપણે ત્યાં એક્ઝામ માટે એક શબ્દ છે - કસોટી. એટલે કે, પોતાની જાતને કસવાની છે, એવું નથી કે એક્ઝામ છેલ્લી તક છે. પરંતુ એક્ઝામ તો એક પ્રકારે એક લાંબી જિંદગી જીવવા માટે પોતાની જાતને કસવાનો ઉત્તમ અવસર છે. એક ઓપોર્ચ્યુનિટી છે. સમસ્યા ત્યારે થાય છે, જ્યારે આપણે એક્ઝામને જ જીવનનાં સપનાંનો અંત માની લઈએ છઈએ. જીવન - મરણનો પ્રશ્ન બનાવી દઈએ છીએ. હકીકતમાં, એક્ઝામ જીવનને ઘડવાનો એક અવસર છે, એક ઓપોર્ચ્યુનિટી છે, એક તક છે. તેને એ સ્વરૂપે જ લેવો જોઈએ. હકીકતમાં, આપણને પોતાની જાતને કસોટીએ કસવાનો મોકો શોધતા રહેવું જોઈએ, જેથી આપણે વધુ સારું કરી શકીએ, આપણે ભાગવું ન જોઈએ.

આવો દોસ્તો, આગળનો સવાલ જોઈએ.

Question- 2-A.      

કુ. પુણ્યો સુન્યા - વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય, પાપુમ્પારે, અરુણાચલ પ્રદેશ

માનનીય પ્રધાનમંત્રીજી, નમસ્કાર (મોદીજી  નમસ્કાર) મારું નામ પુણ્યો સુન્યા છે. હું 11મા ધોરણની વિદ્યાર્થિની છું. મારી શાળાનું નામ વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય છે, જિલ્લો પાપુમ્પારે, રાજ્ય - અરુણાચલ પ્રદેશ છે.

માનનીય પ્રધાનમંત્રી જી, કેટલાક સબ્જેક્ટ્સ અને કેટલાક ચેપ્ટર્સ છે, જેના માટે હું સહજ નથી, અને તેનો પીછો છોડવવામાં લાગેલી રહું છું. હું ગમે એટલી કોશિશ કેમ ન કરું, હું એ નથી વાંચી શકતી. કદાચ આવું એટલા માટે છે કેમકે મને તેનો ડર લાગે છે. સર, આ સ્થિતિને કેવી રીતે દૂર કરી શકાય ?  આભાર, સર.

ચલો, આંઘ્રથી આપણે મલેશિયા, મલેશિયાથી હવે અરુણાચલ પહોંચી ગયા અને મને જણાવાયું કે આ જ પ્રકારનો બીજો એક સવાલ પણ છે.

Question- 2-B

કુ. વિનીતા ગર્ગ, એસઆરડીએવી પબ્લિક સ્કૂલ, દયાનદ વિહાર, દિલ્હી

(મોદીજી:  નમસ્કાર) માનનીય પ્રધાનમંત્રી શ્રી, નમસ્કાર. મારું નામ વિનીતા ગર્ગ છે, અને હું એસઆરડીએવી પબ્લિક સ્કૂલમાં પચીસ વર્ષથી કાર્યરત છું. મારો સવાલ છે કે કેટલાક સબ્જેક્ટ્સ એવા છે, જેમાં ઘણા સ્ટુડન્ટ્સને ડરનો સામનો કરવો પડે છે, આ જ કારણથી તેઓ તેનાથી દૂર ભાગે છે. આ બાબત ઈતિહાસ કે ગણિત જેવા વિષયોના શિક્ષકો સારી રીતે સમજી શકે છે. શિક્ષક તરીકે આ સ્થિતિને સુધારવા માટે અમે શું કરી શકીએ?

ઉત્તર -

આ કંઈક અલગ પ્રકારનો જ વિષય મારી સામે આવ્યો છે, હું કોશિશ કરીશ કે સ્ટુડન્ટ્સના મનને સ્પર્શી શકું અને ટીચર્સની વાત ઉપર ધ્યાનપૂર્વક કંઇક ઉકેલ જણાવી શકું. તમે બંનેએ કોઈ ખાસ સબ્જેક્ટ્સ કે ચેપ્ટરના ડરની વાત કહી છે. તમે લોકો એકલા નથી, જેમને આ સ્થિતિનો સામનો કરવો પડતો હોય. હકીકત તો એ છે કે દુનિયામાં એક પણ મનુષ્ય એવો નહીં મળે, જેના ઉપર આ વાત લાગુ ન થતી હોય.

માની લો કે તમારી પાસે ખૂબ સરસ 5-6 શર્ટ છે, પરંતુ તમે જોયું હશે કે 1 કે 2 શર્ટ તમને એટલા પસંદ આવતા હશે, તમે તેને વારંવાર પહેરો છો. એનો અર્થ એ નથી કે બાકીનાં નકામાં છે, ફિટિંગ બરોબર નથી, એવું નથી. એ બે એટલા સારા લાગે છે કે તમે તેને વારંવાર પહેરો છો. કેટલીક વાર તો માતા-પિતા પણ આ બાબતો અંગે ગુસ્સો કરે છે કે કેટલીવાર તેને પહેરીશ ? હમણાં બે દિવસ પહેલા તો પહેર્યો હતો.

પસંદ-નાપસંદ મનુષ્યનો સ્વભાવ છે અને ક્યારેક-ક્યારેક પસંદ સાથે લગાવ પણ થઈ જાય છે. હવે તેમાં ડરની દ્વિધાની, શું વાત છે કે આપણે ડરવું જોઈએ. હકીકતમાં થાય છે એવું કે જ્યારે તમને કેટલીક ચીજો વધુ સારી લાગવા માંડે છે, ત્યારે તેની સાથે તમે ખબૂ કમ્ફર્ટ થઈ જાવ છો, ખૂબ કમ્ફર્ટેબલ લાગે છે તે, સહજ થઈ જાવ છો, પરંતુ જે ચીજો સાથે તમે સહજ નથી થતા, તેના તણાવમાં તમે 80 ટકા એનર્જી, તમે એમાં જ લગાવી દો છો. અને એટલા માટે સ્ટુડન્ટ્સને હું એ જ કહીશ કે તમારે તમારી પોતાની એનર્જીને ઈક્વલી ડિસ્ટ્રિબ્યુટ કરવી જોઈએ. તમામ વિષયોમાં સમાન, તમારી પાસે અભ્યાસ માટે બે કલાક છે, તો એ કલાકોમાં દરેક સબ્જેક્ટનો સમાન ભાવથી અભ્યાસ કરો. પોતાના સમને ઈક્વલ ડિસ્ટ્રિબ્યુટ કરો.

સાથીઓ, તમે જોયું હશે કે ટીચર્સ, માતા-પિતા આપણને શીખવે છે કે જે સહેલું છે, તે પહેલા કરો. આ સામાન્ય રીતે કહેવામાં આવે છે. અને એક્ઝામમાં તો ખાસ કરીને આ બાબત વારંવાર કહેવાય છે કે જે સહેલું હોય તે પહેલા કરો ભાઈ. જ્યારે ટાઈમ વધશે ત્યારે જે મુશ્કેલ છે, તેને હાથ લગાવીશું. પરંતુ અભ્યાસ માટે હું માનું છું કે આ સલાહ જરૂરી નથી. અને ઉપયોગ પણ નથી. હું આ બાબતને થોડી અલગ રીતે જોઉં છું.

હું કહું છું કે જ્યારે અભ્યાસની વાત હોય ત્યારે જે મુશ્કેલ છે, તેને પહેલા કરો, તમારું મન ફ્રેશ છે, તમે પોતે ફ્રેશ છો, તેને એટેન્ડ કરવાનો પ્રયાસ કરો, જ્યારે મુશ્કેલને એટેન્ડ કરશો તો સરળ હશે, તે વધુ સરળ બની જશે.

હું મારો પોતાનો અનુભવ જણાવું છું, જ્યારે હું મુખ્યમંત્રી હતો, જ્યારે પ્રધાનમંત્રી બન્યો, તો મારે પણ ઘણો અભ્યાસ કરવો પડે છે, ઘણું બધું શીખવું પડે છે. ઘણા લોકો પાસેથી શીખવું પડે છે. ચીજોને સમજવી પડે છે. તો, હું શું કરતો હતો, જે મુશ્કેલ બાબત હોય, તેના નિર્ણય થોડા ગંભીર હોય છે, હું મારા સવારની શરૂઆત કરું છું તો મુશ્કેલ બાબતોથી શરૂ કરવાનું પસંદ કરું છું. મુશ્કેલમાં મુશ્કેલ બાબતો મારા અધિકારીઓ મારી સામે લઈને આવે છે, તેમને ખબર છે કે એ સમયે મારો એક અલગ મૂડ હોય છે, હું ચીજોને ખૂબ ઝડપભેર સમજી લઉં છું, નિર્ણય કરવાની દિશામાં આગળ વધું છું. મેં પોતાનો એક નિયમ બનાવ્યો છે, કોશિશ કરી છે. અને જે સરળ ચીજો છે, દિવસભરનો થાક લાગ્યો હોય તે પછી રાત્રે મોડેથી થઈ જાય છે, તો ચલો ભાઈ, હવે તેમાં મારે વધુ મગજ ચલાવવાની જરૂર નથી, તેમાં કોઈ ભૂલ થઈ શકે એવું કારણ નથી. આ ચીજોને એ પછી હું મોડી રાત સુધી ખેંચી લઉં છું. પરંતુ સવારે જ્યારે ઉઠું છું તો ફરી મુશ્કેલનો સામનો કરવા જ નીકળી પડું છું.

દોસ્તો, એક વધુ વાત, આપણે પોતાની જાતે શીખવી જોઈએ. તમે જુઓ, જે લોકો જીવનમાં ખબૂ સફળ છે, તેઓ દરેક વિષયમાં પારંગત નથી હોતા. પરંતુ કોઈ એક વિષય ઉપર, કોઈ એક સબ્જેક્ટ ઉપર તેમની પકડ જબરદસ્ત હોય છે.

હવે જે રીતે લતા દીદી છે, લતા મંગેશકરજીનું સમગ્ર દુનિયામાં નામ છે, હિન્દુસ્તાનની પ્રત્યેક વ્યક્તિને મોઢે તેમનું નામ છે, પરંતુ કોઈ જઈને તેમને કહી દે કે આજે અમારા ક્લાસમાં આવો અને ભૂગોળ ભણાવો. તો શક્ય છે કે તેઓ ના પણ ભણાવી શકે, ભણાવી પણ શકે, હું નથી જાણતો કે તેઓ ભણાવી શકે કે નહીં ભણાવી શકે. પરંતુ લતાજીનું કૌશલ્ય ભૂગોળમાં કદાચ ન પણ હોય પરંતુ સંગીતની દુનિયામાં તેમણે જે કર્યું છે, એક વિષય ઉપર જે રીતે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે, આજે તેઓ પ્રત્યેક માટે પ્રેરણાનું કારણ બની ગયાં છે. અને એટલે જ તમને ભલે કેટલાક સબ્જેક્ટસ મુશ્કેલ લાગતા હોય, આ કોઈ તમારા જીવનમાં ત્રુટિ નથી. તમે બસ એ ધ્યાન રાખો કે આ મુશ્કેલ લાગવાવાળા સબ્જેક્ટના અભ્યાસથી પોતાની જાતને દૂર ન કરી લો. તેનાથી ભાગો નહીં.

ટીચર્સ માટે પણ મારી એ જ સલાહ છે કે તેઓ વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ સંબંધે, તેની પદ્ધતિઓ બાબતે, સિલેબસથી બહાર જઈને પણ ક્યારેક તેમની સાથે વાત કરો, તેમની સાથે ચર્ચા કરો, તેમને ગાઈડ કરો. વિદ્યાર્થીઓને ટોકવાને બદલે, તેમને ગાઈડ કરો. ટોકવું-અટકાવવું તેની અસર મન ઉપર વધુ પડતી નેગેટિવ થાય છે. પ્રોત્સાહિત કરવાથી તે કોન્સન્ટ્રેટેડ તાકાતના સ્વરૂપમાં કન્વર્ટ થાય છે. કેટલીક વાતો ક્લાસમાં જાહેરમાં જરૂર કહો, જેથી સહુને તેનો લાભ મળે, પરંતુ ઘણીબધી વાતો એવી હોય છે કે જ્યારે કોઈ એક બાળકને બોલાવીને ચાલતા-ચાલતા, તેના માથે હાથ રાખીને ખૂબ પ્રેમથી કહો કે જો બેટા, જો ભાઈ, તું આટલું સારું કરી રહ્યો છે, જરા જો કે આને થોડું આ રીતે કરી જો. જુઓ, તમારામાં ઘણી મોટી શક્તિ છે. તમે જોશો, આ ખૂબ કામ આવશે, ખૂબ કામ આવશે.

એક કામ કરજો. તમારા જીવનમાં એવી કઈ વાતો હતી, જે ક્યારેક તમને ખૂબ મુશ્કેલ લાગતી હતી અને આજે તમે તેને ઘણી સરળતાથી કરી શકો છો. એવાં કેટલાંક કામોનું લિસ્ટ બનાવજો, જેમ કે સાયકલ ચલાવવાનું ક્યારેક તમને ઘણું મુશ્કેલ લાગતું હતું. પરંતુ હવે એ જ કામ તમે ખૂબ સરળતાથી કરી લેતા હશો. ક્યારેક તરવાની વાત આવી હશે તો તમને ખૂબ ડર લાગ્યો હશે, પાણીમાં ઉતરવામાં પણ ડર લાગતો હશે, પરંતુ આજે તમે સારી રીતે તરવાનું શીખી ગયા હશો. જે મુશ્કેલ હતું, તેને તમે કન્વર્ટ કરી દીધું, તમારા જીવનમાં એવી અનેક ચીજો હશે, જો તમે તે યાદ કરીને તેને કોઈ કાગળ ઉપર લખી લેશો, તો ક્યારેય તમારે બીજા કોઈને પણ, મને પણ, મુશ્કેલીવાળો સવાલ પૂછવો જ નહીં પડે, કેમકે ક્યારેય કોઈ ચીજ તમને મુશ્કેલ લાગશે જ નહીં. મારા ઉપર ભરોસો કરો, દોસ્તો, એકવાર કરીને જુઓ.

Question-3.

નીલ અનંત, કે.એમ. - શ્રી અબ્રાહમ લિંગડમ, વિવેકાનંદ કેન્દ્ર વિદ્યાલય મેટ્રિક. કન્યાકુમારી, તામિલનાડુ

માનનીય પ્રધાનમંત્રી જી, વણક્કમ (મોદીજી: વણક્કમ વણક્કમ). હું કન્યાકુમારી શ્રી અબ્રાહમ કિંગડમ, વિવેકાનંદ, મેટ્રિકમાં બારમા ધોરણમાં અભ્યાસ કરું છું.

ડિયર સર, આ મહામારીની સ્થિતિમાં, બધું ઓનલાઈન થઈ ગયું છે અને અમને નવરાશનો સમય સામાન્ય કરતાં વધુ મળે છે. મારે એ જાણવું છે કે અમારા નવરાશના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ અમે કેવી રીતે કરી શકીએ. મને આ તક આપવા બદલ પ્રધાનમંત્રીજીનો આભાર.

વણક્કમ ! મમ્મી-પપ્પાને ખબર પડશે ને કે તું પરીક્ષાના સમયે નવરાશના સમયની વાત કરી રહ્યો છે, તો પછી જોજે શું થાય છે. ખેર, મને આ સવાલ ખૂબ સારો લાગ્યો કે તમે એક્ઝામના સમયે પણ નવરાશના સમય ઉપર ધ્યાન આપી રહ્યા છો. નવરાશના સમય ઉપર ચર્ચા કરી રહ્યા છો. જુઓ દોસ્તો, નવરાશનો સમય, તેને નકામો ન સમજો, આ ખજાનો છે, ખજાનો. ખાલી સમય એક સૌભાગ્ય છે, ખાલી સમય એક અવસર છે. તમારી દિનચર્યામાં નવરાશના સમયની ઘડીઓ હોવી જોઈએ, નહીં તો જિંદગી એક રોબોટ જેવી થઈ જાય છે.

હકીકતમાં નવરાશનો સમય બે પ્રકારનો હોઈ શકે છે -

એક, જે તમને સવારથી જ ખબર છે કે આજે તમે ત્રણથી ચાર વાગ્યા સુધી ફ્રી છો, અથવા આવતા રવિવારે તમે અડધો દિવસ ફ્રી છો. અથવા ચાર તારીખે  રજા છે, બપોર સુધી તમારી પાસે કોઈ કામ કામ નથી, તમને ખબર છે. પરંતુ બીજો એ, જેની તમને લાસ્ટ મોમેન્ટે ખબર પડે છે. જો તમને પહેલેથી જ ખબર હોય કે મારી પાસે ખાલી સમય છે, તો તમે તમારા પેરેન્ટ્સ કે પોતાના ભાઈ-બહેનને કહી શકો છો કે, હું તમારી મદદ કરીશ. તમારે શું કામ કરવું છે, તમે શું કરી રહ્યા છો, હું શું મદદ કરી શકું ?

બીજું, તમે વિચારો કે એવી કઈ ચીજો છે, જે તમને ખુશી આપે છે.

થોડો વજનદાર શબ્દ છે - સ્વાન્ત સુખાય. જેમાં તમને સુખ મળે છે, તમને આનંદ મળે છે, તમારું મન પ્રસન્ન થાય છે, તમે એવું પણ કંઈક કરી શકો છો. હવે, તમે મને પૂછ્યું છે તો હું પણ વિચારું છું કે હું શું કરવાનું પસંદ કરું છું. મેં મારી દિનચર્યામાં ઓબ્ઝર્વ કર્યું છે કે જો મને થોડો પણ ખાલી સમય મળી જાય અને જો હિંચકો હોય, તો મને મન થાય છે કે કેટલીકવાર હું હિંચકા ઉપર અવશ્ય બેસું. ખૂબ થાકેલા છો અને પાંચ મિનિટનો પણ સમય મળી ગયો, અથવા તો હું કોઈ કામ પણ કરી રહ્યો છું, તો પોતાના ફાજલ સમયમાં હિંચકા ઉપર બેસીને, ખબર નથી, શું કારણ છે, પરંતુ મારું મન પ્રફુલ્લિત થઈ જાય છે.

જ્યારે તમે નવરાશનો સમય અર્ન કરો છો, તો તમને એની સૌથી વધુ વેલ્યુની ખબર પડે છે. એટલે તમારી લાઈફ એવી હોવી જોઈએ કે જ્યારે તમે ખાલી સમય અર્ન કરો, તો તે તમને અસીમ આનંદ આપે.

અહીં એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ફાજલ સમયમાં કઈ ચીજોથી બચીને રહેવું જોઈએ, નહીં તો એ જ ચીજો સારો સમય નષ્ટ કરશે, ખબર પણ નહીં પડે અને છેલ્લે રિફ્રેશ-રિલેક્સ થવાને બદલે તમે તંગ થઈ જશો, થાક અનુભવ કરવા લાગશો.

એક તરફ મને લાગે છે કે નવરાશના સમયમાં આપણે પોતાની ક્યુરિયોસિટી - જિજ્ઞાસા વધારવા માટે એવી કઈ ચીજો આપણે કરી શકીએ છીએ, જે કદાચ ખૂબ પ્રોડક્ટિવ બની જશે. તમારા માતા કે પિતા જો રસોઈ બનાવી રહ્યા હોય, તેમને ઓબ્ઝર્વ કરો. નવી-નવી ચીજોમાં અંદર જવાનું, કંઈક નવું જાણવાનું, તેની અસર સીધે-સીધી જોવા નહીં મળે, પરંતુ જીવનમાં તેનો ખૂબ ઊંડો પ્રભાવ હોય છે.

ફ્રી ટાઈમનો વધુ એક શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે છે કે તમે કોઈ એવી પ્રવૃત્તિઓ સાથે પોતાને જોડો, જેમાં તમે અભિવ્યક્તિ કરી શકો, તમારી વિશિષ્ટતા બહાર આવી શકે.

જેમાં તમે તમારું વ્યક્તિત્વ જોડી શકો. આમ કરવાની અનેક રીતો છે. અને તમે પણ એવી ઘણી બધી રીતો જાણો છો. સ્પોર્ટસ છે, મ્યુઝિક છે, રાઇટિંગ છે, પેઇન્ટિંગ છે, સ્ટોરી રાઈટિંગ છે, તમે ઘણું બધું કરી શકો છો.

પોતાના વિચારોને, લાગણીઓને અભિવ્યક્ત કરવા એક રચનાત્મક માર્ગ આપો. તક આપો. જ્ઞાનની સીમા ઘણીવાર ત્યાં સુધી સીમિત થઈ જાય છે, જે તમને ઉપલબ્ધ છે, જે તમારી આસપાસ છે. પરંતુ રચનાત્મકતાની સીમા જ્ઞાનથી પણ ઘણી દૂર સુધી તમને લઈ જાય છે. ઘણા બહોળા ફલક ઉપર તમને લઈ જાય છે. રચનાત્મકતા તમને એ ક્ષેત્રમાં લઈ જાય છે, જ્યાં અગાઉ ક્યારેય કોઈ પહોંચ્યું નથી, જે નવું છે. આપણે ત્યાં, કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. આ રચનાત્મકતા - સર્જનશીલતાની તો વાત છે.

Question-4-A. આશય કેકતપુરે - બેંગલુરુ, કર્ણાટક

નમસ્તે માનનીય પ્રધાન મંત્રી સર, હું આશય કેકતપુરે બેંગલોરથી, મારો આપને સવાલ છે કે બાળકોને ગુડ વેલ્યુઝ શીખવવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? આભાર.

મને એક સવાલ જે આવ્યો છે, તે નમો ઍપ ઉપર આવ્યો છે, તેનું વિઝ્યુઅલ મારી પાસે નથી, પરંતુ મને તે સવાલ સારો લાગ્યો એટલે મને લાગ્યું કે તમને હું જણાવું. પટનાથી સવાલ છે, પ્રવીણ કુમારે પૂછ્યું છે.

Question-4-B - પ્રવીણ કુમાર, પટના, બિહાર

સર, આજે મા-બાપ માટે બાળકોને મોટા કરવા, થોડું મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે આજનો જમાનો અને આજનાં બાળકો. એવામાં અમે એ કેવી રીતે સુનિશ્ચિત કરીએ કે અમારાં બાળકોના વ્યવહાર, આદતો અને ચરિત્ર સારું બને?

ઉત્તર -

પ્રવીણ કુમાર, એક જાગૃત પિતા તરીકે કદાચ મને આ પૂછી રહ્યા છે, મારા માટે ઘણો મુશ્કેલ સવાલ છે, હું કહીશ કે પહેલા તો તમે પોતે જ ચિંતન કરો, આત્મચિંતન કરો. શું એવું તો નથી ને કે જીવન જીવવાની જે રીત તમે પસંદ કરી છે, તમે ઈચ્છો છો કે એવી જ જિંદગી તમારાં બાળકો પણ જીવે. અને તેમાં થોડોક પણ ફરક પડે છે તો તમને લાગે છે કે પતન થઈ રહ્યું છે, વેલ્યુઝ નષ્ટ થઈ રહી છે. મને બરાબર યાદ છે કે એકવાર હું સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા નવયુવાનો સાથે, મેં એક સમારંભમાં વાતચીત કરી. તો બંગાળની એક બેટી, જેણે સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, તે પોતાની સમગ્ર કરિયર છોડીને સ્ટાર્ટ અપ કરી રહી હતી. તો તેણે પોતાનો અનુભવ જણાવ્યો. તે મને હમેશા યાદ રહે છે. તે દીકરીએ કહ્યું કે મેં પોતાની નોકરી છોડી દીધી, કરિયર છોડી દીધી અને સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને મારી માને જ્યારે ખબર પડી તો મારી માએ તરત કહ્યું - સત્યાનાશ. એટલે કે મારી માને એટલો મોટો આંચકો લાગ્યો, પરંતુ પછી એ દીકરી સ્ટાર્ટ અપમાં ઘણી સફળ થઈ હતી.

તમારે વિચારવું જોઈએ કે તમે તમારા ભાવ વિશ્વમાં, પોતાનાં બાળકોને જકડવાનો પ્રયાસ તો નથી કરી રહ્યા ને ? અને એટલે, તમારા પરિવાર, તમારી પરંપરાઓ, તમારા મૂળભૂત મૂલ્યો ઉપર કેવી રીતે ભાર મૂકો, આપણે આઈડેન્ટીફાય કરવું જોઈએ.

આપણે ત્યાં જેમ કહેવાય છે, જનસેવા જ પ્રભુસેવા છે. આ આપણા શાસ્ત્રોમાં મૂલ્યના સ્વરૂપે છે. પરંતુ તમારા ઘરમાં પૂજા-પાઠ તો ઘણા થાય છે, દુનિયાને દેખાય છે કે તમે ખૂબ ધાર્મિક છો, રિચ્યુઅલ્સથી ભરેલું જીવન છે, પરંતુ તમે જનસેવામાં ક્યાંયે નજરે નથી ચડતા. હવે જ્યારે તમારાં સંતાન આ વિરોધાભાસ જુએ છે તો તેમના મનમાં કોન્ફ્લિક્ટ  શરૂ થઈ જાય છે. સવાલ ઊભા થાય છે, અને સવાલ ઉઠવા સ્વાભાવિક પણ છે.

એ જ રીતે, આપણાં મૂલ્ય છે કે જીવમાત્રમાં પરમાત્માનો વાસ છે. તે જ રીતે આપણા સહુની માન્યતા છે અને આપણને એ શીખવાડવામાં આવ્યું છે, આપણાં જીવન મૂલ્યના રૂપે તે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે, અને આપણો અભિગમ છે કે જીવમાત્રમાં પરમાત્માનો વાસ છે. પરંતુ તમે તમારા ઘરમાં જે કામ કરવા આવે છે, ઝાડુ-પોતા કરવા આવે છે, લિફ્ટ ચલાવનારા હોય છે, તમને સ્કૂલમાં મૂકવા આવતા ઓટો રિક્ષા ડ્રાયવર છે, શું તમે ત્યારેય તેમની સાથે તેમના સુખ-દુઃખ વિશે વાતચીત અને ચર્ચા કર્યા છે ? શું તમે ક્યારેય એમને પૂછ્યું છે કે તેમના પરિવારમાં કોઈને કોરોના તો નથી થયો ને? તમારા પરિવારમાં બધા સુખી તો છે ને ? તમે જે ગામથી આવ્યા છો, તે ગામમાં તો બધા મઝામાં છે ને ? શું તમે ક્યારેય પૂછ્યું છે ? જો તમે એમ કરતા હો તો તમારે ક્યારેય તમારાં બાળકોને મૂલ્યો શીખવવાં ન પડત.

હું તમારા ઉપર સવાલ ઊભા નથી કરી રહ્યો, એક સામાન્ય વ્યવહારની વાત કરી રહ્યો છું. કેટલાક લોકો ખરેખર એવું નથી કરતા. બાળકનો બર્થ-ડે હોય છે, ઘણી સરસ તૈયારીઓ થાય છે, કેટલા લોકો પોતાના ઘરમાં કામ કરવાવાળાને કહે છે કે જે પણ કામ કરવાનાં છે, પાંચ વાગ્યા સુધીમાં પૂરા કરી દો. છ વાગ્યાથી જ્યારે મહેમાન આવવા શરૂ થઈ જશે, ત્યારે તમે પણ તમારા પરિવાર સાથે મહેમાન તરીકે વસ્ત્રો પહેરીને, સારાં કપડાં પહેરીને પરિવારના બધાને લઈને આવી જજો. તમે જુઓ, તમે એને શું કહો છો ? આજે ઘરમાં ઘણા મહેમાન આવવાના છે, મોડે સુધી રોકાવું પડશે. તમે આવું કહેવાને બદલે પણ શું કહો છો ? જુઓ, કાલે ઘણા મહેમાન આવવાના છે, ઘણું કામ છે, તમે ઘરે જણાવીને આવજો કે મોડેથી આવીશ, એટલે કે તમારાં બાળકો એ જોઈ રહ્યા છે કે આટલો મોટો ઉત્સવ છે ઘરમાં, પરંતુ મારા માટે જે મહેનત કરે છે દિવસ-રાત, એ તો તેમાં ભાગ નથી લઈ રહ્યા. અને ત્યારે એ બાળકના મનમાં યુદ્ધ શરૂ થાય છે.

હું તમને વધુ એક ઉદાહરણ આપું છું. તમે કહો છો કે બેટા-બેટી એક સમાન. આ મૂલ્ય છે આપણાં. આપણે ત્યાં દેવ સ્વરૂપની જે કલ્પના કરાયેલી છે, તેમાં સ્ત્રી ભગવાનનું પણ એટલું જ મહત્ત્વ છે. પરંતુ આપણાં ઘરના વાતાવરણમાં, દીકરા અને દીકરી વચ્ચે જાણતા-અજાણતા જે ટ્રીટમેન્ટ કરાય છે, તેમાં અસમાનતા હોય છે. તે પછી જ્યારે એ જ દીકરા સમાજ જીવનમાં આવે છે, ત્યારે તેના દ્વારા નારી સમાનતામાં કંઈકને કંઈક ત્રુટિની સંભાવના રહી જ જાય છે.

એ સાચી વાત છે કે પરિવારનાં સંસ્કાર સારા હોય છે તો દુષ્ટતા કબજો નથી જમાવતી, પરંતુ 19-20નો જ ફરક હોય છે, દીકરા, દીકરાના વ્યવહારમાં કંઈકને કંઇક તો ઉણપ રહી જાય છે. એટલે, આપણે આપણું જે ભાવ-વિશ્વ બનાવ્યું છે, તે જ્યારે વ્યવહારની કસોટીએ ખરું નથી ઉતરતું, ત્યારે બાળકોનાં મનમાં અંતરદ્વંદ શરૂ થઈ જાય છે. એટલે, મૂલ્યોને ક્યારેય થોપવાનો પ્રયાસ ન કરો. મૂલ્યોને જીવીને પ્રેરિત કરવાનો પ્રયાસ કરો.

છેવટે, બાળકો ખૂબ સ્માર્ટ હોય છે. તમે જે કહેશો, તે તેઓ કરશે કે નહીં કરે, તે કહેવું મુશ્કેલ છે, પરંતુ એ વાતની પૂરેપૂરી સંભાવના હોય છે કે જે તમે કરી રહ્યા છો, તેને તે ખૂબ ઝીણવટપૂર્વક જુએ છે અને એવું જ કરવા માટે તે લલચાય છે. અને જ્યારે તમે આ મૂલ્યો સાથે, આપણા ઈતિહાસ, આપણાં પુરાણ, આપણાં પૂર્વજોની નાની-નાની વાતોને સહજતાથી જોડશો, તો બાળકો પણ પ્રેરિત થશે. વર્તન વ્યવહારમાં ઉતારવાનું સરળ થઈ જશે.

Question-5.  પ્રતિભા ગુપ્તા, લુધિયાણા, પંજાબ

નમસ્કાર સર, હું પ્રતિભા ગુપ્તા, કુંદન વિદ્યામંદિર, લુધિયાણાથી. સર, મારો આપને સવાલ છે કે અમારે હંમેશા કામ કરાવવા માટે બાળકોની પાછળ ભાગવું પડે છે. અમે તેમને કેવી રીતે સેલ્ફ-મોટિવેટેડ બનાવી શકીએ, જેથી તેઓ પોતાની ચીજો જાતે કરે ?  આભાર.

ઉત્તર -

તમે ખોટું ન લગાડતા. હું આ વિષયમાં તમારા કરતાં અલગ અભિપ્રાય ધરાવું છું. મને લાગે છે કે બાળકો પાછળ એટલા માટે ભાગવું પડે છે કેમકે તેમની ઝડપ આપણાથી વધુ છે.

એ વાત સાચી છે કે બાળકોને શીખવવાની, જણાવવાની, સંસ્કાર આપવાની જવાબદારી પરિવારમાં સહુની છે. પરંતુ ઘણીવાર મોટા હોવા છતાં આપણે પણ સહેજ મૂલ્યાંકન કરવું જોઈએ. આપણે એક ઢાંચો તૈયાર કરી લઈએ છીએ અને બાળકોને તેમાં ઢાળવાની કોશિશ કરતા રહીએ છીએ. અને સમસ્યા ત્યાંથી જ શરૂ થાય છે. આપણે તેને સોશિયલ સ્ટેટસનો સિમ્બોલ બનાવી દઈએ છીએ. ઘણીવાર માતા-પિતા પોતાના મનમાં કોઈ લક્ષ્ય તૈયાર કરી લે છે, કેટલાંક માપદંડો ઘડી કાઢે છે, અને કેટલાંક સપનાં પણ સેવે છે. પછી પોતાનાં તે સપનાં અને લક્ષ્યો પૂરા કરવાનો બોજો બાળકો ઉપર નાંખી દે છે. આપણે આપણાં પોતાનાં લક્ષ્યો માટે બાળકોને જાણ્યે-અજાણ્યે, માફ કરજો, મારા શબ્દો ક્યાંયે કઠોર લાગશે, જાણ્યે-અજાણ્યે આપણે બાળકોને ઈન્સ્ટ્રુમેન્ટ માનવા લાગીએ છીએ. અને જ્યારે, બાળકોને તે દિશામાં ખેંચવામાં નિષ્ફળ થઈ જઈએ, ત્યારે એવું કહેવા માંડીએ છીએ કે બાળકોમાં 'મોટિવેશન' અને 'ઈન્સ્પિરેશન'નો અભાવ છે.

કોઈને પણ મોટિવેટ કરવાનો પહેલો ભાગ છે - ટ્રેઇનિંગ. પ્રોપર ટ્રેઇનિંગ, એકવાર બાળકનું મન ટ્રેઇન થઈ જશે, ત્યારે તે પછી મોટિવેશનનો સમય શરૂ થશે. ટ્રેઇનિંગના ઘણાં માધ્યમ, ઘણી પદ્ધતિઓ હોઇ શકે છે.

સારું પુસ્તક, સારી મુવીઝ, સારી વાર્તાઓ, સારી કવિતાઓ, સારી કહેવતો, અથવા સારા અનુભવ ! આ બધાં એક રીતે તો ટ્રેઇનિંગનાં જ સાધનો છે. જેમ કે તમે ઈચ્છો છો કે તમારું બાળક સવારે ઉઠીને વાંચે. તમે તેને કહો છો, બોલો છો પણ ખરા, લડો છો પણ ખરા. પરંતુ તમને સફળતા નથી મળતી. પરંતુ શું તમારા ઘરમાં ક્યારેય એવાં કોઈ પુસ્તકોની વાતો થાય છે, જેમાં પરોક્ષ રીતે સવારે ઉઠવાના ફાયદાની ચર્ચા હોય ? આપણે ત્યાં આધ્યાત્મિક જીવન જીવતા લોકો બ્રહ્મ મુહૂર્તથી જ પોતાના દિવસનો પ્રારંભ કરી દે છે અને તેના જ નિયમોનું પાલન કરે છે.

તો બીજી તરફ આજકાલ 5AM Clubની પણ ચર્ચા થાય છે. શું તમે એવા કોઈ પુસ્તકની ઘરમાં ચર્ચા કરી છે, કે એવી કોઈ મુવી કે ડોક્યુમેન્ટરી જોઈ છે, જેના વિશે વૈજ્ઞાનિક રીતે તર્કસંગત રીતે લાગણીસભર રીતે વાત જણાવવામાં આવી હોય ? આ તમે એકવાર કરી જુઓ, સવારે ઉઠવા માટે બાળકોને ટ્રેઇનિંગ આપોઆપ મળી જશે. એકવાર મન ટ્રેઇન થઈ જશે, બાળકના મનમાં સમજાઈ જશે કે સવારે ઉઠવાના શા ફાયદા છે, તો પછી તે પોતે જ મોટિવેટ થવા લાગશે. આ જ તો એન્વાયર્નમેન્ટ ક્રીએશન (માહોલનું સર્જન) થાય છે, જેની ઘરમાં સૌથી વધુ જરૂરત છે.

તમે બાળકના બાળપણનો એ સમય યાદ કરો, જ્યારે તમે તેને ખોળામાં લેતા હતા. માની લો કે તમારા ખિસ્સામાં પેન હો કે તમારા ચશ્મા હોય, બાળક તેને ખેંચે છે, ચશ્મા ઉતારે છે. તો તમે શું કરતા હતા ? તમે જો બાળક પાસેથી ચશ્મા પાછા લેવાની કોશિશ કરો છો, તો તે રડે છે, પેન પાછી લેવાની કોશિશ કરો છો, તો તે રડે છે, તો સમજદાર માતા-પિતા શું કરે છે ? તેને એક મોટો બોલ એની સામે લાવી દે છે, એને લઈને તમે ઊભા રહી જાવ છો. બાળક શું કરે છે ? ચશ્મા છોડી દે છે, પેન પડતી મૂકે છે, મોટો બોલ રમવા માટે લઈ લે છે. રડતો નથી અને સહેલાઈથી તમે સોલ્યુશન કાઢી લો છો. તમે તેનું મન બીજે વાળીને, તેને વધુ પસંદ હોય તેવી બીજી પોઝિટિવ વસ્તુ આપીને તેને મોટિવેટ કરતા હતા. આ જે કામ તમે પહેલા કર્યું છે, જ્યારે બાળક તદ્દન નાનું હતું, એ જ કામ તમે અત્યારે પણ કરી શકો છો.

તમે સાંભળ્યું હશે - એક દીવાથી બીજો દીવો પ્રગટે. તમારું બાળક પર-પ્રકાશિત ન હોવું જોઈએ. તમારું બાળક સ્વયં પ્રકાશિત હોવું જોઈએ. બાળકોની અંદર જે પ્રકાશ તમે જોવા ઈચ્છો છો, તે પ્રકાશ તેમની અંદરથી પ્રકાશમાન થયેલો હોવો જોઈએ. અને તે તમારા જાગૃત સક્રિય પ્રયત્નોથી સંભવ છે, તમે તમારા વર્તન-વ્યવહારમાં જે ફેરફાર બતાવશો, તે બાળક ખૂબ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરશે.

અહીં વધુ એક વાત તરફ પણ હું તમારું ધ્યાન દોરીશ, બાળકોને ક્યારેય ભય પેદા કરીને, આવું થશે, તો આમ થઈ જશે, તેમ થઈ જશે. કૃપા કરીને આવી કોશિશ ન કરો. એક રીતે તો આ પદ્ધતિ ખૂબ સહેલી લાગે છે. પરંતુ તેનાથી એક પ્રકારના નેગેટિવ મોટિવેશનની સંભાવના વધી જાય છે. તમે જે હાઉ પેદા કર્યો છે, તે જેવો પૂરો થઈ જશે, બાળકનું મોટિવેશન પણ પૂરું થઈ જાય છે. અને એટલે જ પોઝિટિવ મોટિવેશનની સાથે-સાથે, વારંવાર પોઝિટિવ રી-ઈન્ફોર્સમેન્ટ ઉપર ભાર આપતા રહેવું જોઈએ.

મોટિવેશનનો જે મંત્ર બાળકો માટે છે, એક રીતે તો તે આપણા સહુ માટે પણ છે. મનુષ્ય માત્ર માટે છે.

Question-6-A.  તનય, વિદેશનો વિદ્યાર્થી, સામિયા ઈન્ડિયન મોડેલ સ્કૂલ, કુવૈત

નમસ્તે પ્રાઇમ મિનિસ્ટ સર, (મોદીજીઃ નમસ્તે). મારું નામ તનય છે, હું કુવૈતની સામિયા ઈન્ડિયન મોડેલ સ્કૂલનો વિદ્યાર્થી છું, સર, મારો પ્રશ્ન છે કે જીવનની લડાઇ માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી ? આભાર સર.

Question-6-B  અશરફ ખાન - મસૂરી, ઉત્તરાખંડ

નમો ઍપ ઉપર, મસૂરી ઉત્તરાખંડના શ્રી અસરફ ખાને લખ્યું છે.

 

સર, હું જ્યારે મારા મોટા કઝિન્સ કે દોસ્તો સાથે વાત કરું છું, તો તેઓ કહે છે કે અત્યારે સ્કૂલમાં તો તેં જીવન જોયું જ ક્યાં છે. જીવનની સાચી કસોટી તો સ્કૂલની બહાર નીકળ્યા પછી થશે. મારો સવાલ એ છે કે આપણે આજે પોતાની જાતને આવતીકાલના પડકારો માટે કેવી રીતે તૈયાર કરીએ ?

ઉત્તર -

તનય, તું તો કુવૈતથી મારી સાથે વાત કરી રહ્યા છો, પરંતુ તનય, ક્યારેય કોઈએ એ વાત માર્ક કરી છે ? કે તારો જે અવાજ છે, તે ગોડ ગિફ્ટેડ (ઈશ્વરીય ભેટ) છે. શું ક્યારેય તારા માતા-પિતાએ, ક્યારેય તારા દોસ્તોએ, ક્યારેય તારા ટીચર્સે કહ્યું છે ? શું તારું પોતાનું ધ્યાન ગયું છે ? આજે તારો અવાજ સાંભળીને, ખેર, અવાજ રેકોર્ડેડ છે, પરંતુ હું ચોક્કસ માનું છું કે તને પરમાત્માએ ખૂબ વિશિષ્ટ પ્રકારનો અવાજ આપ્યો છે. ક્યારેક તેના ઉપર ધ્યાન આપજે. આ તારી ઘણી મોટી મિલ્કત બની શકે છે. ખેર હું તનયની વાતો તરફ જતો રહ્યો, પરંતુ જે સવાલ તમે પૂછ્યો છે.

પહેલી વાત તો એ કે જે લોકો તમને એમ કહે છે, તેમના કહેવાની રીત ભલે એવી હોય કે તેઓ તમને સલાહ આપી રહ્યા છે, પરંતુ મનની અંદર સચ્ચાઈને જુઓ તો તેઓ પોતાની જાતને હીરો બનાવવાની કોશિશ કરી રહ્યા હોય છે. અથવા તો પછી તેઓ પોતાની અસફળતાઓને એટલા માટે વધારી ચઢાવીને બતાવે છે, જેથી તેનાથી એક એસ્કેપ રૂટ (ભાગી છૂટવાનો માર્ગ) મળી શકે. અને એટલે તે એવું બતાવે છે કે તેની સામે ઘણા મોટા-મોટા પડકારો છે.

આ વિષયમાં મારો સીધો-સાદો મંત્ર છે - એક કાનથી સાંભળો અને બીજા કાનથી કાઢી નાંખો.

હા, આ સવાલ ખૂબ સ્વાભાવિક છે કે દસમા કે બારમા ધોરણ પછી શું ? આ વાત દરેક બાળકના મનમાં હોય છે અને તેને હું નકારી શકતો નથી તેમજ કોઈ બીજું પણ નકારી શકે એમ નથી. ઘણા લોકો માટે આ સવાલ ચિંતા અને નિરાશા ફેલાવતો હોઈ શકે છે. કમનસીબે આજના ઝાકઝમાળવાળા યુગમાં, સેલિબ્રિટીના કલ્ચરને કારણે અને તેનો પ્રભાવ હોવાને કારણે, વિદ્યાર્થીઓના જીવનમાં એક માન્યતા બંધાઈ ગઈ છે કે જે ટીવી ઉપર આવતું હોય, જેની અખબારોમાં ચર્ચા થતી હોય, એવું કંઇક બનવાનું છે, એવું કંઇક કરવાનું છે. આ ખરાબ વાત નથી, પરંતુ જીવનના સત્યથી ઘણું દૂર છે.

આ જે પ્રચાર માધ્યમોમાં હજાર-બે બજાર લોકો આપણી સામે આવે છે, દુનિયા આટલી નાની નથી. આટલી મોટી વિશ્વ વ્યવસ્થા, આટલો લાંબો માનવ ઈતિહાસ, આટલી ઝડપથી થઈ રહેલાં પરિવર્તન, ઘણી બધી તકો લઈને આવે છે. જીવનનું સત્ય એ છે કે જેટલા લોકો છે, તેટલી વિવિધતા છે, જેટલા લોકો છે, તેટલા અવસર પણ છે. આપણે આપણી જિજ્ઞાસાનો વ્યાપ ખૂબ વિસ્તારવાની આવશ્યકતા છે, તેને વધારવાની આવશ્યકતા છે.

અને એટલા માટે, આવશ્યક છે કે દસમા ધોરણમાં, બારમા ધોરણમાં પણ તમે તમારી આસપાસના જીવનને ઓબ્ઝર્વ કરતા શીખો. તમારી આસપાસ એટલા બધા પ્રોફેશન છે, એટલા બધા પ્રકારના રોજગાર છે, અને રોજગારના પ્રકાર પણ બદલાઇ રહ્યા છે, પોતાની જાતને ટ્રેઇન કરો, પોતાની સ્કિલ વધારો, અને તેનો લાભ ઉઠાવો. કરિયરની પસંદગીમાં એક મત એવો પણ છે કે ઘણા બધા લોકો જીવનમાં ઈઝી રૂટની શોધમાં રહેતા હોય છે. ખૂબ જલ્દી વાહવાહ મળી જાય, આર્થિક રીતે ઘણું મોટું સ્ટેટસ બની જાય, આ ઈચ્છા જ જીવનમાં ક્યારેક-ક્યારેક, દરેક વખતે નહીં, પરંતુ ક્યારેક-ક્યારેક અંધકારની શરૂઆત કરવાનું કારણ પણ બની જાય છે. પછી એ હાલત એવી થઈ જાય છે કે જેમાં સપનાં સેવવા અને જોવા બહુ સારા લાગે છે. સપનાંમાં ખોવાયેલા રહેવું બહુ સારું લાગે છે.

સપનાં જોવા સારી વાત છે, પરંતુ સપનાં લઈને બેસી રહેવું, અને સપનાં જોવા માટે સૂતેલા રહેવું એ તો બરાબર નથી. સપનાંથી આગળ વધીને, પોતાનાં સપનાંને સાકાર કરવાનો સંકલ્પ, એ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તમારે વિચારવું જોઈએ કે તમારું એવું એક સપનું કયું છે, જેને તમે તમારા જીવનનો સંકલ્પ બનાવવા ઈચ્છશો ? જેવા તમે આ સંકલ્પ લઈ લેશો, તમને આગળનો રસ્તો પણ એટલો જ સ્પષ્ટ દેખાવા લાગશે.

Question-7-A  અમૃતા જૈન, મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ

માનનીય પ્રધાનમંત્રીજી, પ્રણામ, માફ કરશો મારો સવાલ પરીક્ષા ઉપર આધારિત નથી. તો મહેરબાની કરીને તમે એના ઉપર હસશો નહીં, આજકાલનાં બાળકો યોગ્ય રીતે ખાવાનું ખાવા નથી માંગતા. આખો દિવસ ચિપ્સ, ચોકલેટ અને જંકમાં જ તેમનું ધ્યાન રહે છે. આપ કૃપા કરીને અમને એ જણાવો કે અમારે આ માટે શું કરવું જોઈએ ?

Question-7-B. સુનિતા પૌલ - રાયપુર, છત્તીસગઢ

આ જ પ્રકારના કેટલાક બીજા સવાલ પણ મારી પાસે છે, અને તે નરેન્દ્ર મોદી ઍપ ઉપર છત્તીસગઢમાં રાયપુરથી સુનિતા પૌલજી લખે છે, સર, અમારાં બાળકોને અમે જે ટિફિનમાં આપીએ છીએ, તે ચીજો તેઓ ખાતાં નથી અને હંમેશા ફાસ્ટ ફૂડ ખાવાની જીદ કરે છે. મહેરબાની કરીને આ મુદ્દે અમને માર્ગદર્શન આપો.

ઉત્તર -

મને સમજણ નથી પડી રહી કે આ બધા સવાલ સાંભળીને હું સ્મિત રેલાવું કે જોરથી હસી પડું, પરંતુ આ મુદ્દે આપણે મનો-વૈજ્ઞાનિક રીતે આગળ વધીએ, તો કદાચ તેનું સમાધાન સરળ બની જાય.

આપણી જે ટ્રેડિશનલ ખાવાની ચીજો છે, મનોવૈજ્ઞાનિક રીતે તેના પ્રત્યે આપણે સાહજિક રીતે ગૌરવની ભાવના જન્માવીએ. તેની જે વિશેષતા છે, તેની વાત કરો. ભોજન રાંધવાની આપણી જે પ્રક્રિયા છે, કિચનની જે પ્રવૃત્તિઓ છે, તે ઘરના બાકીના સભ્યોને ખબર હોવી જોઈએ કે કેટલી મહેતન કર્યા પછી ભોજન રંધાય છે. બાળકો સાથે આ બધી વાતો ચર્ચામાં લાવવી જોઈએ. કેવી રીતે ખાવાનું બને છે, કેટલી વાર લાગે છે, કેટલા ઈન્ગ્રેડિયેન્ટ્સ હોય છે. તેમને ખબર પડશે કે છેવટે કેટલી મહેનતનું કામ હોય છે અને ત્યારે જઈને મારી થાળી ભરાય છે.

બીજું, આજના જમાનામાં ખાવા-પીવાની ઘણી બધી વેબસાઈટ્સ છે. હેલ્ધી ફૂડની પણ કોઈ ઉણપ નથી. શું આપણે તેમાંથી જાણકારી મેળવીને એવી ચીજો માટે કોઈ ગેમ ડેવલપ કરી શકીએ, કે જે આપણે અઠવાડિયે એકવાર રમી શકીએ. જેમકે, ગાજર છે, તો ગાજર (કેરેટ)ના મહત્ત્વ વિશે આપણે બોલીએ. તેના શા ફાયદા થાય છે, કયા લાભ થાય છે, તેમાં કયા પોષક તત્ત્વો હોય છે ? આવું કરીને જુઓ.

બીજું, આપણા સહુના ઘેર જે ફેમિલી ડોક્ટર છે, તે ડોક્ટર એક રીતે તો મિત્ર હોય છે. જ્યારે પણ તેમણે ઘરે આવવાનું થાય ત્યારે તેમની વાતો સમગ્ર પરિવાર સાંભળો કે કયા પ્રકારના ખાવાનું શું મહત્ત્વ છે. ન્યુટ્રિયન્ટ્સ (પોષક તત્ત્વો) શેમાંથી મળે છે, શું ખાવું જોઈએ. તેઓ જણાવી શકે છે કે તમારા ઘરમાં વારસાગત સમસ્યાઓ કઈ છે, અને તેનાથી બચવા માટે શું ખાવું આવશ્યક છે. તેનાથી પણ બાળકોને ફાયદો થશે.

ત્રીજું, તમે ટીચરને રિક્વેસ્ટ કરી શકો છો કે બાળકોમાં, તમને શી તકલીફ થઈ રહી છે, ખાસ કરીને ખાવાના વિષયમાં, ટીચરને સમજાવો, ટીચરને વિશ્વાસમાં લો. તમે જોશો કે ટીચર ઘણી કુશળતાપૂર્વક વાર્તા કરતા-કરતા, વાત કરતા-કરતા હંસી-મજાકમાં તમના દિમાગમાં ભરી દેશે કે આ શા માટે કરવું જોઈએ. અને ટીચરના કહેવાથી બાળકો ઉપર અલગ અસર થાય છે. આપણે પણ થોડા-થોડા નવા એક્પરિમેન્ટ કરતા રહેવું જોઈએ. મેં એવાં ઘણાં ઉદાહરણ જોયા છે, જ્યાં પરિવારમાં ટ્રેડિશનલ ખાવાનું જ બાળકોને મોડર્ન રંગ-રૂપમાં બનાવીને પીરસાય છે. તો તેનાથી બાળકોમાં પણ તેના માટે એક સ્વાભાવિક આકર્ષણ પેદા થાય છે. ખેર, આ મારા સિલેબસ બહારનો વિષય છે, પરંતુ શક્ય છે કે મારી કેટલીક વાતો તમારા કામમાં આવી જાય.

પ્રશ્ન - દિવ્યાંકા નમસ્કાર, દિવ્યાંકા, શેમાં ભણે છે

જી સર હું કોમર્સની વિદ્યાર્થિની છું.

અને પુષ્કરમાં જ રહું છું.

જી સર

તો પુષ્કરની કોઈ પવિત્ર ચીજનું મને વર્ણન કરશે, જે માારે સાંભળવા માટે જણાવશે કંઇક, શું છે પુષ્કરની વિશેષતા.

જી, પુષ્કરમાં એક માત્ર બ્રહ્મા મંદિર છે.

હાં...

અને જે પુષ્કર રાજ છે, તે 68 તીર્થોના ગુરુ છે.

અચ્છા બ્રહ્માની ભૂમિકા શી હોય છે.

જી, તેમણે પૃથ્વીનું સર્જન કર્યું છે.

અચ્છા, અચ્છા બતાવો કે દિવ્યાંકા તમારા મનમાં શો સવાલ હતો.

ઉત્તર - 8-

અચ્છા તો તમારે મેમરીની જડીબુટ્ટી જોઈએ છે...

જી સર..

જો દિવ્લાંકા, (જી સર) તમને જો સાચેસાચ ભૂલી જવાની આદત હોય તો હું કહું છું કે તમે મને પૂછ્યું જ ન હોત. કેમકે તમે સવાલ પણ ભૂલી ગયા હોત. તમે સૌથી પહેલા તમારી ડિક્શનરીમાંથી આ શબ્દને ડિલિટ કરી દો. તમે વિચારો જ નહીં કે તમારી પાસે યાદ રાખવાની શક્તિ નથી. જો તમે પોતાની સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓને જોશો, તો તમને ખબર પડશે કે હકીકતમાં તમને ઘણી બધુ ચીજો યાદ રહે છે.

જેમકે તમારી માતૃભાષા. શું માતૃભાષા તમને કોઈએ ખૂબ ગ્રામર સાથે ભણાવી હતી ? શીખવી હતી શું ?

નહીં, નહીં... નહીં સર.

શું સ્કૂલમાં તમે શીખ્યા કે પુસ્તકમાં --- ક્યાંય, જી ના, હા આ બધું સાંભળીને શીખી લીધી. તો આ એ જ વસ્તુ છે. જરા વિચારો કે તમને જે પસંદ છે, શું એ ચીજોને તમારે યાદ રાખવા માટે તમે ક્યારેય કોશિશ કરી હતી ? એ વાતો જેની સાથે તમે પૂરેપૂરા જોડાઈ ગયા છો, મગ્ન થઈ ગયા છો. એ વાતો જે તમારો હિસ્સો બની ગઈ છે, તમારા વિચાર પ્રવાહનો હિસ્સો બની ગઈ છે. તેને તમે ક્યારેય નથી ભૂલતા.

બીજા શબ્દોમાં કહું તો આ મેમરાઇઝ્ડ નથી, હકીકતમાં તે ઈન્ટર્નલાઇઝ્ડ છે.

અને ઈન્ટર્નલાઇઝ્ડ કરવું, તે જ તેનો એક સારો માર્ગ છે અને એટલા માટે તમારે યાદ રાખવા ઉપર ભાર મૂકવાને બદલે, તમારે તેને જીવવાની કોશિશ કરવી જોઈએ, સહજતા, સરળતા, સમગ્રતાની સાથે. તમારી પાસે પણ એ તમામ શક્તિઓ છે, જે કોઈ અત્યંત ટેલેન્ટેડ વ્યક્તિ પાસે હોય છે. વિચારો, તમારા ભાઈ કે બહેનની સાથે જો તમારો ઝઘડો થયો હોય, તો તે તમને એકદમ યાદ રહે છે. તમે એને ભૂલતા નથી. એટલે સુધી કે તમને એ પણ યાદ રહેતું હશે કે તે સમયે તમે તમારા ભાઈ-બહેને કયા કપડાં પહેર્યાં હતાં. તમે ઊભા-ઊભા લડી રહ્યા હતા કે દોડતા-દોડતા લડી રહ્યા હતા. બધું યાદ હશે, એક એક વાક્ય યાદ હશે.

જી સર..

એટલે કે તેનો એક અર્થ એ છે કે તમે તેમાં ફુલ્લી ઈન્વોલ્વ્ડ હતા, તમે તે ક્ષણને પૂરી રીતે જીવી રહ્યા હતા. સ્પષ્ટ છે કે ચીજો યાદ રહે, પ્રોપર્લી રિકોલ કરી શકો એ માટે તમે જે ક્ષણમાં છો, તે ક્ષણમાં જ રહો અને તેમાં જ સંપૂર્ણ રીતે ઈન્વોલ્વ્ડ રહેવું ખૂબ જરૂરી છે. એટલે કે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો પુસ્તક હાથમાં છે અને મન રમતના મેદાનમાં, બહેનપણીઓ સાથે, દોસ્તો સાથે, તો પછી મામલો ગરબડ થઈ જાય છે.

આગળ જઈને તમારામાંથી કોઈ વિદ્યાર્થી જો સાયકોલોજી ભણશે, તો તેમાં મેમરી બાય એસોસીએશનનો કોન્સેપ્ટ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવશે. તમે યાદ કરો કે સ્કૂલોમાં સવારે એસેમ્બ્લીમાં રાષ્ટ્રગીત ગવાય છે. હવે જન-ગણ-મન દરેક વ્યક્તિ ગાય છે, પરંતુ ક્યારેય તમે જન-ગણ-મન ગાતી વખતે, તમે આ રાષ્ટ્રગીત સાથે દેશમાં ટ્રાવેલ કર્યું છે ? તમે તેની સાથે જે શબ્દ આવે છે, તે શબ્દોની સાથે પોતાની જાતને વિઝ્યુઅલાઈઝ કરી શક્યા કે ન કરી શક્યા.

પંજાબને, ગુજરાતને, મહારાષ્ટ્રને, બંગાળને મનમાંને મનમાં જ રાષ્ટ્રગીત ગાતી વખતે ટ્રાવેલ કર્યું ? તમને એકદમ યાદ આવવાનું શરૂ થઈ જશે. મન જ વિઝ્યુઅલાઈઝ કરશે તો તમને સારી રીતે યાદ રહી જશે. તેનો એક બીજો ફાયદો પણ થશે, તમે આ દેશ સાથે પણ એકાકાર થવા લાગશો. એટલે કે ઈન્વોલ્વ, ઈન્ટર્નલાઈઝ, એસોસીએટ અને વિઝ્યુઅલાઈઝ. મેમરીને શાર્પ કરવા માટે આ ફોર્મ્યુલા ઉપર તમે અપનાવી શકો છો.

હું તમને વધુ એક ઉદાહરણ આપું છું. તમારી પાસે નોટ-બુક્સ હોય છે, અલગ-અલગ વિષયોનાં પુસ્તકો હોય છે. તમે જ્યારે પણ ઘરેથી નીકળો, એ નક્કી કરીને નીકળો કે બેગમાં આટલા ક્રમે આ વિષયની નોટબુક હશે અને આટલા ક્રમે આ વિષયનું પુસ્તક હશે. ચોથા ક્રમે હોઈ શકે છે, ત્રીજા ક્રમે હોઈ શકે છે, અને તમે જો ત્રીજા ક્રમે હિસ્ટ્રીનું પુસ્તક મૂક્યું છે, તો પાંચમા ક્રમે ભૂગોળનું પુસ્તક મૂક્યું છે, તો જ્યારે પણ તમે હિસ્ટ્રીનું પુસ્તક કાઢતા હોય, ત્યારે બિલકુલ આંખ બંધ કરીને ત્રીજા ક્રમનું પુસ્તક જ કાઢો છો.

તમે જોજો, તમારા કોન્ફિડન્સનું લેવલ કેટલું વધી જાય છે.

ચલો, મને સારું લાગ્યું, તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો અને હું રાજસ્થાનના લોકોને અને પુષ્કરની પવિત્ર ધરતીને પણ આજે અહીંથી નમન કરું છું.

ખૂબ ખૂબ આભાર.

આભાર.

Question- 9. સુહાન સેહગલ, અહ્લકોન ઈન્ટરનેશનલ, મયુર વિહાર, દિલ્હી

નમસ્તે જી,

નમસ્કાર સર,

હા, જણાવો.

મારો પ્રશ્ન એ છે કે જ્યારે અમે કોઈ પ્રશ્નનો જવાબ યાદ કરીએ છીએ, તો તે અમને સારી રીતે યાદ હોય છે, પરંતુ જ્યારે અમે સ્કૂલમાં લખવાનું શરૂ કરીએ છીએ, તો ક્વેશ્ચન પેપરને જોઈને જ અમને અચાનક બધું ભૂલાઈ જાય છે. સર, મહેરબાની કરીને એ જણાવો કે આવું કેમ થાય છે ?

તમારું શુભ નામ શું છે ?

સુહાન સેહગલ.

અચ્છા સેહગલજી, તમે ક્યાં ભણો છો ?

અહ્લકોન ઈન્ટરનેશનલ સ્કૂલ

અચ્છા, આ સવાલ અગાઉ કોઈને પૂછ્યો છે ?

ના સર...

નથી પૂછ્યો ?

મમ્મી-પપ્પાને પૂછ્યો છે ?

નહીં સર...

ટીચરને પૂછ્યું છે ?

નહીં સર..

લે.. ઘણો કમાલનો છું યાર.. તને હું જ મળ્યો ?

ઉત્તર -

પરંતુ તમારો સવાલ હું સમજું છું, મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં આ સવાલ હોય છે. જ્યારે હું પણ તમારી જેમ ભણતો હતો, ત્યારે એ વાત મારા મનમાં રહેતી હતી કે યાર, ખબર નહીં કેમ યાદ નથી આવી રહ્યું ?

જુઓ પરીક્ષા હોલમાં જતી વખતે તમારે તમારા મનને બિલકુલ શાંત કરીને જવું જોઈએ.

હું અત્યારે તમને ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યો છું, એટલો શાંત તમારો ચહેરો છે. કેટલા વિશ્વાસપૂર્વક તમે બેઠા છો, હસો છો પણ ખરા, આ જે સ્થિતિ છે તે એક્ઝામિનેશનમાં જાવ ત્યારે પણ આમ જ રાખજો, તમે ક્યારેય કશુંયે નહીં ભૂલી જાવ.

તમારું મન અશાંત રહેશે, ચિંતામાં રહેશે, તમે ગભરાયેલા રહેશો, તો એ વાતની સંભાવના ખૂબ વધુ હશે કે જેવા તમે ક્વેશ્ચન પેપર જોશો, થોડી વાર માટે બધું જ ભૂલી જશો. તેનો સૌથી સારો ઉપાય એ જ છે કે તમારે તમારું બધું ટેન્શન પરીક્ષાના હોલની બહાર મૂકીને જવું જોઈએ અને તમારે એ પણ વિચારવું જોઈએ કે જેટલી તૈયારી તમારે કરવાની હતી, તમે કરી લીધી છે. હવે તમારું ફોકસ પ્રશ્નોના સારી રીતે જવાબ આપવામાં હોવું જોઈએ. તમે એ વાતથી પણ ન ગભરાવ કે કંઇક નવું આવી જશે તો શું થશે, કંઇક એવું આવી જાય, જે તમે વાંચ્યું જ ન હોય તો શું થશે ?

અને હું સહુને કહીશ, પરીક્ષાના તણાવને હળવો કરવા માટે ટેન્શન લીધા વિના પરીક્ષા આપવા માટે, ઘણી સારી એક્ટિવિટીઝ, ખૂબ સારા ઉપાય તમારી એક્ઝામ વોરિયર બૂકમાં અપાયેલા છે. અને હમણાં જ એક્ઝામ વોરિયર બૂકમાં મેં એક નવો ઉમેરો કર્યો છે, મને કોરોનામાં થોડો સમય મળી ગયો તો મેં તેમાં થોડું ઈમ્પ્રુવમેન્ટ પણ કર્યું છે, થોડો ઉમેરો પણ કર્યો છે. આ વખતે તેમાં બાળકો માટે જ મંત્ર નથી, પરંતુ મેં પેરેન્ટ્સ માટે પણ ઘણું બધું લખ્યું છે. ઘણી બધી એક્ટિવિટીઝ નમો ઍપ ઉપર આપવામાં આવી છે. તમે તેમાં પાર્ટિસિપેટ થઈને, તમારા મિત્રો સાથે તેને શૅર પણ કરી શકો છો. અને મને વિશ્વાસ છે, થોડો પ્રયાસ કરો, મનમાંથી એ નીકળી જશે અને તમને ચોક્કસ ફાયદો થશે. અને તમારા મિત્રો, અને હું તમારી પાસેથી એવું ઈચ્છીશ કે તમને જ્યારે પણ ફાયદો થાય તો મને લખીને જણાવજો. એક્ઝામ વોરિયર વાંચીને મને પત્ર લખજો. લખશો ને ?

જી સર

વાહ... શાબાશ...

થેન્ક્યુ સર, આભાર.

 Question- 10. ધારવી બોપટ - ગ્લોબલ મિશન ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ

નમસ્તે જી,

મારું નામ ધારવી બોપટ છે, હું ગુજરાતમાં અમદાવાદની ગ્લોબલ મિશન ઈન્ટરનેશનલ સ્કૂલના સંસ્કારધામમાં 11મા કોમર્સ પ્રવાહની વિદ્યાર્થીની છું. સર, આ કોરોના કાળમાં ઉદ્યોગ, વેપાર, સરકારને પણ મુશ્કેલી પડી હશે. પરંતુ તમે વિચાર્યું છે કે વિદ્યાર્થીઓને શું તકલીફ પડી ?  આ સંકટને હું મારા જીવનમાં કઈ રીતે યાદ રાખું ? એવું લાગે છે કે અમારા વિદ્યાર્થીઓનું એક વર્ષ નિરર્થક બની ગયું. મારી જગ્યાએ તમે હોત તો તમે શું કરત ? તમારું માર્ગદર્શન અમને દિશા ચીંધશે. આભાર.

ઉત્તર -

ધારવી તમારો નાનો ભાઈ છે, મોટો ભાઈ- નાનો ભાઈ કોઈ છે

સર નાની બહેન છે.

છે, નાની બહેન છે.. અચ્છા નાની બહેનને આવી જ રીતે ધમકાવે છે, જેવી રીતે હમણાં કહી રહી હતી.

નાની બહેન છે, સર. નહીં સર.

એવી રીતે આંખો કાઢીને બોલી રહી હતી, અચ્છા સાબરમતી આશ્રમ અગાઉ આવી હતી, કે આજે પહેલીવાર આવી છો.

સર ફર્સ્ટ ટાઈમ આવી છું, આજે.

ફર્સ્ટ ટાઈમ આવી છે.. કેટલા વર્ષથી અમદાવાદમાં રહે છે ?

છ વર્ષ સર

અચ્છા. તો છ વર્ષથી રહી રહી છો અને તને ક્યારેય મન ન થયું કે ભારતની આઝાદીનું આટલું મહત્ત્વપૂર્ણ સ્થળ ત્યાં ક્યારેક જવું જોઈએ. આજે તો સવારથી આવી ગયા હશો, તમે લોકો.

જી સર, બરાબર.

તો તમે આજે શું જોયું, બધી ચીજો જોઈ ?

હા સર, જોઈ.

મનને શાંતિનો અનુભ થયો ?

હા સર, ખૂબ શાંતિનો અનુભવ થયો.

જુઓ, જઈને તમારા સંસ્કાર ધામના મિત્રોને પણ કહો કે સાબરમતી આશ્રમ જવું જોઈએ અને પોતાના પરિવાર અને મિત્રોને પણ કહો કે સાબરમતી આશ્રમ જવું જોઈએ. અને ત્યાંની શાંતિનો અનુભવ કરવો જોઈએ.

કેટલીક ક્ષણો મૌન, કેટલોક સમય મૌન ત્યાં બેસવું જોઈએ. કરશો ?

જી સર, ચોક્કસ સર, હા સર

અચ્છા, ચલો હવે તમારા સવાલ ઉપર આવું છું. હું તો એકમદ ધારવીને ઉપદેશ આપવા માંડ્યો હતો.

જુઓ, તમારી વાત બિલકુલ સાચી છે.

જ્યાં સુધી કોરોનાનો સવાલ છે, હું તો એને એ રીતે જોઉં છું કે જે ભૂલ તમે કરી નથી, તેનું પરિણામ તમારે ઉઠાવવું પડ્યું. આ તમારા માટે જીવનનો એક બોધપાઠ છે કે કેટલીક વાર જીવનમાં ઘણું બધું અચાનક બને છે, અકલ્પનીય બને છે. અને આ ઘટનાઓ ઉપર તમારું કોઈ નિયંત્રણ નથી હોતું. કોરોનામાં પણ આપણે કહી શકીએ કે બાળકોને, યુવાનોને જે નુકસાન થયું છે, તે ખૂબ મોટું છે. બાળપણ માટે એક વર્ષનું નુકસાન મોટી ઈમારતના પાયામાં એક ખાલી જગ્યા જેવું છે. આ ખોટને પૂરવી સરળ નથી.

સ્કૂલ એજ એટલે શું ?

હસવું, રમવું, માટીમાં રમવું, રેતી ઉછાળવી, ગરમી, ઠંડી, વરસાદ પ્રત્યેક વસ્તુનો આનંદ, મિત્રો સાથે, ક્લાસ રૂમમાં ટીચર્સ સાથે, ગપ્પાં મારવા, વાતો કરવી, ઘરની નાની અમથી ઘટના પણ ચારેબાજુ જણાવી દેવી. તેની વચ્ચે રહેવું, આ બધું જીવનની વિકાસ યાત્રા માટે ખૂબ અનિવાર્ય હોય છે. આ બધી ચીજોથી તમે સાહજિક રીતે જ ઘણું બધું શીખી શકો છો.

તમને પણ લાગતું જ હશે, કોરોના કાળ પહેલાનો સમય તમે યાદ કરતા હશો તો વિચારતા હશો કે કેટલું બધું મિસ કર્યું છે. પરંતુ કોરોના કાળામાં જો ઘણું બધું ગુમાવ્યુું છે, તો ઘણું બધું મેળવ્યું પણ છે. કોરોનાનો સૌથી પહેલો બોધપાઠ જ એ છે કે તમે જે ચીજને, જે-જે લોકોને મિસ કર્યા, તેમની તમારા જીવનમાં ઘણી મોટી ભૂમિકા છે, તે આ કોરોના કાળમાં વધુ ખબર પડી છે. તમને એ વાતનો અનુભવ થયો કે કોઈને પણ ફોર ગ્રાન્ટેડ ન લેવું જોઈએ. રમતગમત હોય, સ્કૂલમાં ફિઝિકલ ક્લાસીઝ હોય, કે પછી તમારા ઘર પાસે શાકભાજી વેચવાવાળા, કપડા પ્રેસ કરવાવાળા, નજીકના બજારના દુકાનદાર, જે લોકોને, જે વાતોને તમે રૂટિન સમજી લીધું હતું, તેને જ્યારે મિસ કરો છો ત્યારે તે બધાનું મહત્ત્વ આપણને સહુને અનુભવાય છે, તમને પણ ખબર પડી છે. એટલા માટે, આ દિશામાં તમારે સતત જાગૃત રહેવું જોઈએ અને લાઇફલોન્ગ આ બોધપાઠને યાદ રાખવો જોઈએ.

કોરોના પછી પણ આ ચીજોની ઉપેક્ષા ન કરવી જોઈએ. સાથે સાથે તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે જીવનને સાચા અર્થમાં જીવવા માટે કેટલી ઓછી ચીજોની જરૂરત હોય છે. બીજું, આ એક વર્ષમાં તમને જાણ્યે-અજાણ્યે પોતાની અંદર ડોકિયું કરવાની, પોતાની જાતને જાણવાની એક તક પણ મળી હશે.

કોરોના કાળામાં વધુ એક વાત એ પણ બની કે આપણે પોતાના પરિવારમાં એકબીજાને વધુ નજીકથી સમજ્યા છીએ. કોરોનાએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર કર્યા, પરંતુ પરિવારોમાં ઈમોશનલ બોન્ડિંગને પણ તેણે મજબૂત બનાવ્યું છે. કોરોના કાળે એ પણ બતાવ્યું છે કે એક સંયુક્ત પરિવારની તાકાત શું હોય છે, ઘરનાં બાળકોનાં જીવન નિર્માણમાં તેની શી ભૂમિકા હોય છે. હું ઈચ્છું છું કે સોશિયલ સાયન્સના લોકો, આપણી યુનિવર્સિટીઓ આ અંગે રિસર્ચ કરે. કોરોના કાળ દરમ્યાનની પારિવારિક જિંદગી ઉપર સ્ટડી કરે. કેવી રીતે આ સંકટનો સામનો કરવામાં સંયુક્ત પરિવારે સમાજને તાકાત આપી, આ પાસાને ફંફોસો.

કોરોના આવ્યા પછી આ જે આયુર્વેદિક કાઢા, પૌષ્ટિક ભોજન, સાફ-સફાઈ, ઈમ્યુનિટી આવા અનેક મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર આપણું સહુનું ધ્યાન ગયું છે. આ બધા માટે લોકોએ જે-જે કર્યું, તે જો પહેલેથી જ કરતા આવ્યા હોત તો કદાચ મુશ્કેલીઓ આનાથી ઓછી હોત. પરંતુ સારું છે, હવે આ પરિવર્તન લોકોએ પોતાના જીવનમાં સામેલ કરી લીધું છે.

અને એટલા માટે, હું એ જ કહીશ કે આ ઘણી મોટી વાત છે કે પરિવારનાં બાળકો આવાં ગંભીર પાસાંઓ ઉપર વિચારી રહ્યાં છે, વાત કરી રહ્યાં છે.

આભાર બેટા, આભાર.

Question- 11. ક્રિશ્ટી સાઇકિયા - કેન્દ્રિય વિદ્યાલય આઈઆઈટી, ગુવાહાટી

માનનીય પ્રધાનમંત્રી શ્રી, હું ગુવાહાટી આઈઆઈટીના કેન્દ્રિય વિદ્યાલયની દસમા ધોરણની વિદ્યાર્થીની ક્રિશ્ટી સાઇકિયા છું. અને આસામવાસીઓ તરફથી આપને પ્રણામ. સર, નવી પેઢીના એક બાળક તરીકે અમે અમારા પેરેન્ટ્સ અને પોતાની વચ્ચેનો જનરેશન ગેપ હંમેશા ઓછો કરવા માગીએ છીએ. પ્રાઇમ મિનિસ્ટર સર, અમે એ કેવી રીતે કરી શકીએ ?  કૃપા કરીને આપનું માર્ગદર્શન આપશો.

શું નામ જણાવ્યું, બેટા ?

સર, ક્રિશ્ટી સાઇકિયા

આટલી સરસ હિન્દી કેવી રીતે બોલે છે ?

આભાર, સર

ઉત્તર -

ચલો, તમારો સવાલ તો ખૂબ સારો છે. એક વિદ્યાર્થી તરીકે તમે જે સવાલ પૂછ્યો છે, એના માટે હું તમારી ખૂબ પ્રશંસા કરું છું. આ દર્શાવે છે કે તમે આ મુદ્દા માટે કેટલા સંવેદનશીલ છો. તમે ફક્ત આ વિષયને સમજી રહ્યા છો એટલું જ નહીં, પરંતુ બે પેઢીઓ વચ્ચેનો જનરેશન ગેપ ઓછો થાય, તે માટેનો પ્રયાસ પણ કરી રહ્યા છો.

પરંતુ મને પેરેન્ટ્સ સાથે આ વિષય ઉપર વાત કરવી છે. એક વાત જે પેરેન્ટ્સે નક્કી કરવાની છે, તે એ છે કે તેઓ વૃદ્ધાવસ્થા તરફ જવા માગે છે, કે પછી પોતાની ઉંમર ઓછી કરવા માગે છે. અને તમે પણ બેટા, તમારા મમ્મી-પપ્પાને આ સવાલ ચોક્કસ પૂછજો. જો પેરેન્ટ્સ વૃદ્ધાવસ્થા તરફ જવા ઈચ્છતા હોય તો નિઃશંકપણે તેઓ પોતાનાં બાળકો સાથે અંતર બનાવી લે, ગેપ વધારતા રહે, જો તમારે નવજીવન તરફ આગળ વધવું છે, પોતાની ઉંમર ઘટાડવી છે, યુવાન બની રહેવું છે, તો તમે તમારાં બાળકો સાથેનો ગેપ ઘટાડજો.

ક્લોઝનેસ વધારજો. તે તમને લાભ આપનારો છે. તમે યાદ કરો, જ્યારે તમારું બાળક એક વર્ષની વયનું હતું તો તમે તેની સાથે કેવી રીતે વાત કરતા હતા ? ત્યારે તમે એને હસાવવા માટે કેવા કેવા અવાજ કાઢતા હતા ?  તમે તમારા ચહેરા ઉપર અલગ-અલગ પ્રકારના એક્સ્પેશન્સ બનાવીને કેવી રીતે તેની સાથે વાત કરતા હતા. આવું કરતી વખતે શું તમે ક્યારેય વિચાર્યું હતું કે કોઈ જોશે તો શું કહેશે ?

ક્યારેય તમે વિચાર્યું કે લોકો તમને આવું કરતા જોશે તો એવી વાતો કરશે કે આ જો, કેવા મોઢાં બનાવી રહ્યો છે, કેવા અવાજ કાઢી રહ્યો છે ? એ સમયે તમે શું ક્યારેય એ વિચાર્યું કે તમારાં બાળકના મનમાં શું ચાલી રહ્યું હશે ? તમને એ સમયે આનંદ આવ્યો, એટલા માટે તમે એ કર્યું. તમે કોઈનીયે પરવા કરી નહીં, એટલે કે તમે બધું છોડીને પોતે એક બાળક બની ગયા.

બાળક સાથે રમવા માટે પોતે જાતે જ એક રમકડું બની ગયા અને બાળકોનાં રમકડાંઓ સાથે પણ એટલા જ ઓતપ્રોત થઈને રમ્યા. તમે યાદ કરો, ક્યારેક તમે ઘોડા બન્યા હશો, ક્યારેક બાળકને પીઠ ઉપર બેસાડીને ચાલ્યા હશો, ક્યારેક ખભા ઉપર બેસાડીને આખાયે ઘરમાં ફર્યા હશો, ક્યારેક ચાર પગે ચાલ્યા હશો, બાળક રડ્યું હશે તો તેને ચૂપ કરાવવા માટે તમે પણ ખોટું - ખોટું રડ્યા હશો. ત્યારે તમને કોઈ ફરક પડતો ન હતો કે જોવાવાળા શું કહેશે, ઘરના બાકીના લોકો શું કહેશે, સમાજ શું કહેશે, દોસ્ત શું કહેશે, તમે કંઈ જ ન વિચાર્યું. શું ક્યારેય વિચાર્યું હતું ? તમે એનો આનંદ લેતા હતા, અને આ રીતે બાળક 5-6 વર્ષનું થયું ત્યાં સુધી ચાલતું રહ્યું છે. જેવું બાળક થોડું મોટું થાય છે કે એક લેવલે એવી મેન્ટાલિટી બની જાય છે કે મા-બાપ બાળકને ડોમિનેટ કરવા માગે છે. બાળકને બધી વસ્તુઓ શીખવવા માગે છે. અચાનક જે દોસ્ત હતા, તે દોસ્ત ન રહીને બાળકના ઈન્સ્ટ્રક્ટર બની જાય છે, અને ક્યારેક ક્યારેક તો ઈન્સ્પેક્ટર બની જાય છે.

સાથીઓ, બાળક જ્યારે બહારની દુનિયામાં પગ મૂકે છે તો ઘણી બધી વાતો ઓબ્ઝર્વ કરે છે. ઘરમાં જે જોયું હતું, તેનાથી કંઇક વધુ, કંઇક જૂદું, કંઇક નવું, તે જોવા લાગે છે. તે સમયે તમારી એ જાગૃત જવાબદારી છે કે તે નવા વાતાવરણમાં તમારું બાળક વધુ વિકસે. અને તેની શ્રેષ્ઠ રીત છે કે તમે તેના મનથી જોડાવ, તેના મનથી જ કરો અને તેની દરેક વાત ઈમોશનલી એટેચ થઈને સાંભળો. એવું નહીં કે તમે ફોન ઉપર વાત કરી રહ્યા છો અને એ બોલી રહ્યો છે, તેની સાથે બરાબર જોડાવ. તમને જે પસંદ નથી, એવું કામ જો તમારું બાળક કરીને આવ્યું છે, તો તેને લડો નહીં, ટોકો નહીં, ફક્ત સાંભળતા રહો, સાંભળતી વખતે તેને લાગવું જોઈએ કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. હા, પરંતુ જે ચીજ સારી નથી, તેને તમારા મનમાં નોંધીને રાખો અને આ ગ્રોઇંગ એજનાં બાળકો માટે કરવું ખૂબ જરૂરી હોય છે.

તમે જેટલું શક્ય હોય, તેની વાત સાંભળો, તેની વાત સમજો. તમે ઈન્સ્ટ્રક્ટર બનીને તેને સવારથી સાંજ સુધી શું કરવાનું છે, એ ન સમજાવો. વારેવારે એ ન પૂછો કે મેં આમ-આમ કહ્યું હતું, શું-શું કર્યું. બસ, તમારી આંખો ખુલ્લી રાખો, કાન ખુલ્લા રાખો, તેના ઉપર ધ્યાન આપો. તેનામાં સુધારા સાથે જોડાયેલી જે વાતો તમે નોંધી રાખી છે, જે તમને બરાબર નથી લાગી, તેને સુધારવા માટે ખૂબ વિચાર કરીને એક એન્વાયર્નમેન્ટ ક્રિએટ કરો, જેથી તેને પોતાને જ લાગે કે તે ક્યાં ખોટું કરી રહ્યો છે.

જ્યારે માતા-પિતા બાળકો સાથે સમવયસ્ત બનીને જોડાય છે, તો કોઈ સમસ્યા નથી થતી.

જેમકે બાળક કોઈ નવું ગીત સાંભળી રહ્યું છે, કોઈ નવું મ્યુઝિક સાંભળીને આનંદ લઈ રહ્યું છે તો તમે પણ તેની સાથે તેના આનંદમાં સામેલ થવાની કોશિશ કરો. તમે એને એવું ન કહો કે ત્રીસ વર્ષ પહેલા અમારા જમાનામાં તો પેલું ગીત હતું, અમે એ વગાડીશું, ના, એવું ન કરો. તે જે ગીત પસંદ કરે છે, તેની સાથે તમે જોડાવ. આનંદ લો ને.

એ સમજવાની કોશિશ તો કરો કે છેવટે એ ગીતમાં એવું તો શું છે કે તમારું બાળક તેને પસંદ કરી રહ્યું છે. પરંતુ થાય છે શું કે એ જ સમયે કેટલાક માતા-પિતા કહેવા માંડે છે કે - આ શું બેકારનાં ગીતો સાંભળી રહ્યો છે, સાચું મ્યુઝિક તો અમારા જમાનામાં હતું, હવે તો જે બને છે, તે ફક્ત શોરબકોર હોય છે. થાય છે શું કે બાળક આવીને તમને કોઈ વાત જણાવે છે, તે જણાવે છે કે આજે સ્કૂલમાં અમે આમ કર્યું તો તમે પોતાની જ કહાણી લઈને તો નથી બેસી જતા ને ?  કે અરે, આ તો આમ જ છે, એમાં શું નવું છે ? આ તો આમ જ હોય છે.

પોતાના બાળક સાથે તેના જનરેશનની વાતોમાં, એટલો જ રસ બતાવજો, તમે તેના આનંદમાં સામેલ થશો, તો તમે જોશો કે જનરેશન ગેપ કેવી રીતે દૂર થાય છે. અને કદાચ જે વાત તમે એને કહેવા માગો છો, તે તેની સમજમાં પણ આવે છે અને એટલા માટે જનરેશન ગેપ ઓછો કરવા માટે બાળકો અને મોટાંઓએ એકબીજાને સમજવા પડશે. ખુલ્લા મને ગપસપ કરવી પડશે, મોકળા મને વાત કરવી પડશે. સમજવું પડશે, સાંભળવું પડશે અને પછી પોતાની જાતને બદલવાની તૈયારી પણ રાખવી પડશે. ચાલો, આસામથી આટલો સુંદર સવાલ મને મળ્યો, મેં જરા લાંબો જ જવાબ આપી દીધો. પરંતુ મને સારું લાગ્યું, ખૂબ ખૂબ આભાર, બેટા.

આભાર, સર.

Question- 12. શ્રેયાન રોય, સેન્ટ્રલ મોડેલ સ્કૂલ,

નમસ્તે સર

નમસ્તે

હું શ્રેયાન રોય છું, કોલકતામાં બરાકપુરની સેન્ટ્રલ મોડેલ સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરું છું.

સર, પરીક્ષાની મોસમમાં અમને પરીક્ષા કરતાં વધુ ડર પરીક્ષા પછી શું થશે, તેનો લાગે છે. જો અમારું રિઝલ્ટ એટલું સારું નહીં આવે તો શું થશે. શું પરીક્ષામાં અમે નાપાસ થઈએ તો ખરેખર અમારી જિંદગીમાં પણ અમે નિષ્ફળ જઈશું ?

ઉત્તર -

અરે યાર, એવું કેવી રીતે વિચારો છો ? જો તમે એક્ઝામ વોરિયર પુસ્તક વાંચ્યું હોત, તો આ તમામ સવાલોના તમે પોતે જ લોકોને આપી દેત. પરંતુ તમારો સવાલ મહત્ત્વપૂર્ણ છે. અને કદાચ એવા સવાલ વારેઘડીએ ઊઠે છે પણ ખરા. અને વારંવાર જવાબ પણ આપવાના હોય છે. એકવાર કહેવાથી વાત બનશે નહીં.

અને હું આ વાત ખુલ્લા મને કહેવા માગું છું કે કમનસીબે શિક્ષણના ક્ષેત્રમાં અને પારિવારિક જીવનમાં વિચારવાનું ફલક એટલું સાંકડું થઈ ગયું છે. પરીક્ષામાં તમને જે માર્ક્સ મળ્યા, તે તમારી યોગ્યતાનો માપદંડ ન હોઈ શકે. ભારતમાં જ નહીં, દુનિયામાં તમે એવા અનેક સફળ લોકો જોશો, જે વર્ગખંડમાં માર્ક્સ લાવવામાં ભલે અવ્વલ ન હતા, પરંતુ આજે તેઓ પોતાના ફિલ્ડમાં સર્વશ્રેષ્ઠ છે. આ પરીક્ષા ફક્ત એક પડાવ છે. આ પરીક્ષામાં માર્ક્સ ઓછા આવવાનો અર્થ એવો ન હોવો જોઈએ કે તમને જીવનમાં ઘણું મોટું નુકસાન થઈ ગયું.

હા, ભવિષ્યમાં તમારે જે એક બાબતથી સાવચેત રહેવું જોઈએ, તેના વિશે હું તમને જરૂર જણાવીશ. એક એવી નવી પ્રકારની કુરીતિ આવી રહી છે, સમાજમાં, જેને આપણે ડેસ્ટિનેશન ફીવર કહી શકીએ છીએ. મતલબ કે બીજા લોકો જો કોઈ એક ડેસ્ટિનેશન ઉપર છે, તો તેમને જોઈને આપણે ડાયરેક્શન નક્કી કરવાની. તમારો કોઈ સંબંધી ક્યાંક જઈને સફળ થયો, તો તમને લાગે છે કે ત્યાં જઈને તમે પણ સફળ થઈ જશો. કોઈ અસફળ થયો તો તમને લાગે છે કે આપણે પણ એ ફિલ્ડમાં ગયા તો અસફળ થઈશું. આપણને લાગે છે કે તે સ્ટુડન્ટ એ દિશામાં ગયો, આ ક્ષેત્રમાં ગયો, આ બન્યો, પેલા ક્ષેત્રમાં તેણે આ નામના મેળવી, તો આપણે પણ એમ કરીશું, તો જ આપણું જીવન સફળ થશે. આ વિચારધારા યોગ્ય નથી. દોસ્તો, આ જ વિચારધારાનું પરિણામ છે કે અનેક સ્ટુડન્ટ્સ એટલા બધા તણાવમાં જીવી રહ્યા છે.

તમે જે ભણો છો, તે જ એકમાત્ર તમારા જીવનમાં સફળતા અને નિષ્ફળતાનો માપદંડ ન હોઇ શકે. તમે જીવનમાં જે કરશો, તે તમારી સફળતા અને નિષ્ફળતા નક્કી કરશે. તમે લોકોના પ્રેશર, સમાજના પ્રેશર, માતા-પિતાના પ્રેશર - આ બધામાંથી બહાર નીકળો.

ઘણીવાર આપણે પોટેન્શિયલ (સંભાવનાઓ)ને જાણવા માટે મેદાનમાં ઝંપલાવવું જ પડે છે. મને લાગે છે કે તમને તમારો જવાબ મળી ગયો હશે.

સાથીઓ, મને ખૂબ સારું લાગ્યું, તમને સહુને વર્ચ્યુઅલી મળવાની મને તક મળી. હું આપ સહુનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાચે જ મને ખૂબ આનંદ આવ્યો. તમારા સહુની સાથે વાત કરવાનું મારા માટે એક ઉમંગથી જરાયે ઓછું નથી હોતું. આનંદથી ઓછું નથી હોતું. મને લાગે છે કે તમને બધાને પણ આમાંથી કંઇકને કંઇક વાતો કામ આવશે. જરૂરી નથી કે મેં જે કહ્યું એ જ માર્ગે ચાલવું જોઈએ, તમારી રીતે વિચારજો.

સાથીઓ, આજે હું તમને એક મોટી એક્ઝામ માટે તૈયાર કરવા માગું છું. આ મોટી એક્ઝામ છે, જેમાં આપણે સોએ સો ટકા માર્ક્સ લાવીને પાસ થવાનું જ છે. અને તે પરીક્ષા છે - આપણા ભારતને આત્મનિર્ભર બનાવવાની.

તે છે - વોકલ ફોર લોકલને જીવન મંત્ર બનાવવાની.

મારો એક આગ્રહ છે કે જ્યારે તમારી બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ જાય ત્યારે પરિવારના લોકો સાથે મળીને એક લિસ્ટ બનાવજો. સવારથી માંડીને રાત સુધીમાં તમે જે ચીજોનો ઉપયોગ કરી રહ્યા છો, તેમાંની કેટલી ચીજો વિદેશની ધરતી ઉપર બનેલી છે અને કેટલી ચીજોમાં ભારત માતાની માટીની સુગંધ છે, કેટલી ચીજો આપણા કોઈ દેશવાસીની મહેનતથી બનેલી છે.

એ સિવાય, એક્ઝામ પછી, એક ટાસ્ક આપવા માગું છું. તમે સહુ જાણો છો કે આપણા દેશની આઝાદીના 75 વર્ષને ધ્યાનમાં રાખીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અમૃત મહોત્સવમાં આપણા આઝાદીના લડવૈયાઓ અંગે તમે સહુ જાણો, આઝાદીની લડાઈ વિશે જાણો, તે માટે દેશે એક અભિયાન શરૂ કર્યું છે. તમારે એ અભિયાન સાથે જોડાવાનું છે. તમે તમારા રાજ્યની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી 75 ઘટનાઓ શોધી કાઢો. આ ઘટનાઓ કોઈ વ્યક્તિના સંઘર્ષ સાથે જોડાયેલી હોઈ શકે છે, કોઈ ક્રાંતિવીર સાથે સંકળાયેલી હોઈ શકે છે. આ ઘટનાઓને તમે તમારી માતૃભાષામાં વિસ્તારપૂર્વક લખો. તે સિવાય હિન્દી-અંગ્રેજીમાં લખી શકો તો પણ સારું હશે.

તમે તેને એક વર્ષનો પ્રોજેક્ટ બનાવો અને ડિજિટલ માધ્યમથી તેને કરો, તે માટે તમારા ટીચર્સનું પણ ગાઇડન્સ લો, તમે તમારા ટીચર્સ સાથે વાત કરો, તમારા પેરેન્ટ્સ, દાદી-દાદા સાથે વાત કરો, તમે શું કરી શકો છો, તેના ઉપર ચર્ચા કરો.

સાથીઓ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે -

"मैंने स्वप्न देखा कि जीवन आनंद है

मैं जागा और पाया कि जीवन सेवा है

मैंने सेवा की और पाया कि सेवा में ही आनंद है"

(મેં સ્વપ્ન જોયું કે જીવન આનંદ છે

હું જાગ્યો અને જોયું કે જીવન સેવા છે

મેં સેવા કરી અને જાણ્યું કે સેવામાં જ આનંદ છે)

તમે પોતે પણ જુઓ, જ્યારે આપણી ઈચ્છાઓ, આપણાં લક્ષ્ય, દેશની સેવા સાથે જોડાઇ જાય છે, ત્યારે આપણે કરોડો લોકોનાં જીવન સાથે જોડાઈ જઈએ છીએ. મોટાં સપનાં રાખવાનાં છે, દેશ માટે વિચારવાનું છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે, તમે આ એક્ઝામ ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરશો, તે પછી જીવનમાં ખૂબ આગળ વધશો. એટલા માટે, ખૂબ ભણો, ખૂબ રમો, ખૂબ મસ્તી કરો. રિઝલ્ટ પછી મને તમારો સંદેશ પણ જરૂર મોકલજો. હું પ્રતીક્ષા કરીશ.

આ જ શુભેચ્છાઓ સાથે, મારા સહુ યુવાન સાથીઓનો નાના-નાના મિત્રોનો ખૂબ ખૂબ આભાર !

ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December

Media Coverage

Indian economy ends 2024 with strong growth as PMI hits 60.7 in December
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government