પ્રવાસી ભારતીય દિવસ (PBD) સંમેલન એ ભારત સરકાર દ્વારા યોજવામાં આવતા મુખ્ય કાર્યક્રમ પૈકી એક છે. આ કાર્યક્રમ વિદેશમાં વસતા ભારતીયો સાથે જોડાવા માટે અને તેમની સાથે જોડાણ સ્થાપિત કરવા માટે અને ડાયસ્પોરા (વિદેશી ભારતીય નાગરિકો) એકબીજા સાથે સંપર્ક કરી શકે તે માટે તેમને સમર્થ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઇન્દોરમાં 08થી 10 જાન્યુઆરી 2023 દરમિયાન મધ્યપ્રદેશ સરકારની ભાગીદારી સાથે 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ PBD સંમેલનની થીમ "ડાયાસ્પોરા: અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો" રાખવામાં આવી છે. લગભગ વિવિધ 70 દેશોમાંથી 3,500 કરતાં વધુ ડાયસ્પોરા સભ્યોએ PBD સંમેલન માટે નોંધણી કરાવી છે.
PBD સંમેલનમાં ત્રણ વિભાગ રહેશે. 08 જાન્યુઆરી 2023 ના રોજ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની ભાગીદારીમાં યુવા પ્રવાસી ભારતીય દિવસનો ઉદ્ઘાટન સમારંભ યોજાશે. ઓસ્ટ્રેલિયાના સંસદ સભ્ય મહામહિમ શ્રીમતી ઝેનેટા મસ્કરેન્હાસ યુવા પ્રવાસી ભારતીય દિવસના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
09 જાન્યુઆરી 2023 ના રોજ, ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા PBD સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને મુખ્ય અતિથિ કોઓપરેટિવ રિપબ્લિક ઓફ ગયાનાના પ્રમુખ મહામહિમ ડૉ. મોહમ્મદ ઇરફાન અલી આ કાર્યક્રમમાં સંબોધન આપશે તેમજ અતિથિ વિશેષ તરીકે સુરીનામ પ્રજાસત્તાકના માનનીય પ્રમુખ મહામહિમ શ્રી ચંદ્રિકા પરસાદ સંતોખી ઉપસ્થિત રહેશે.
સલામત રીતે, કાનૂની રીતે, સુવ્યવસ્થિત રીતે અને કૌશલ્ય સાથેના સ્થળાંતરના મહત્વને રેખાંકિત કરવા માટે આ પ્રસેગે એક સ્મૃતિ ટપાલ ટિકિટ ‘સુરક્ષિત જાયેં, પ્રશિક્ષિત જાયેં’ બહાર પાડવામાં આવશે. આદરણીય પ્રધાનમંત્રી ભારતની આઝાદીમાં આપણા ડાયસ્પોરા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા યોગદાનને ઉજાગર કરવા માટે "આઝાદી કા અમૃત મહોત્સવ - ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ડાયસ્પોરાનું યોગદાન" થીમ પર પ્રથમવાર ડિજિટલ PBD પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. હાલમાં ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને 09 જાન્યુઆરીના રોજ એક વિશેષ ટાઉન હોલનું પણ આયોજન કરવામાં આવશે.
10 જાન્યુઆરી 2023ના રોજ, આદરણીય રાષ્ટ્રપતિજી, શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2023 એનાયત કરશે અને વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. ભારત અને વિદેશમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા પસંદગીના ભારતીય ડાયાસ્પોરા સભ્યોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરીને તેમની સિદ્ધિઓને સ્વીકારવામાં આવે છે અને તેમણે આપેલા યોગદાનને બિરદાવવામાં આવે છે.
PBD સંમેલનમાં પાંચ વિષયોનું પૂર્ણ સત્રનું આયોજન કરવામાં આવશે-
- યુવા બાબતો અને રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરની અધ્યક્ષતામાં ‘આવિષ્કાર અને નવી ટેક્નોલોજીમાં ડાયસ્પોરા યુવાનોની ભૂમિકા’ પર પ્રથમ પૂર્ણ સત્ર યોજાશે.
- બીજું પૂર્ણ સત્ર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં ‘અમૃતકાળમાં ભારતીય આરોગ્ય સંભાળ ઇકો-સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા: વિઝન @2047’ વિષય સાથે યોજશે. વિદેશ રાજ્ય મંત્રી ડૉ. રાજકુમાર રંજન સિંહ આ સત્રના સહ-અધ્યક્ષ રહેશે.
- ત્રીજું પૂર્ણ સત્ર વિદેશ રાજ્ય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખીની અધ્યક્ષતામાં ‘ભારતના સોફ્ટ પવારનો ઉપયોગ - હસ્તકલા, ભોજન અને સર્જનાત્મકતા દ્વારા સદભાવના’ વિષય પર યોજાશે.
- ચોથું પૂર્ણ સત્ર શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનની અધ્યક્ષતામાં 'ભારતીય કર્મચારીઓની વૈશ્વિક ગતિશીલતા - ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા' વિષય પર યોજાશે.
- પાંચમું પૂર્ણ સત્ર નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં, 'રાષ્ટ્ર નિર્માણ માટે સર્વસમાવેશી અભિગમ તરફ ડાયસ્પોરા ઉદ્યોગ સાહસિકોની ક્ષમતાઓનો ઉપયોગ' વિષય પર યોજાશે.
તમામ પૂર્ણ સત્રોમાં પ્રસિદ્ધ ડાયસ્પોરા નિષ્ણાતોને આમંત્રિત કરતી પેનલ ચર્ચાઓ રજૂ કરવામાં આવશે.
આગામી 17મું PBD સંમેલન ઘણું મહત્વ ધરાવે છે કારણ કે, કોવિડ-19 મહામારી શરૂ થયા પછી ચાર વર્ષના અંતરાલ બાદ પ્રથમ વખત ભૌતિક સ્વરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લું PBD સંમેલન વર્ષ 2021માં મહામારી દરમિયાન વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યું હતું.