અમદાવાદમાં ૧૩૫મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
સતત અગિયારમાં વર્ષે રથયાત્રા પ્રસ્થાન અને પહિન્દવિધિ કરાવવાનો સૌભાગ્યવિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે
શાંતિ-એકતા-સદ્દભાવનાની સદશકિતથી ગુજરાતના વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવા ભગવાન જગન્નાથજીના કૃપા આશિષની વાંચ્છના
અમદાવાદમાં ૧૩૫મી જગન્નાથ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી
સતત અગિયારમાં વર્ષે રથયાત્રા પ્રસ્થાન અને પહિન્દવિધિ કરાવવાનો સૌભાગ્યવિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે
શાંતિ-એકતા-સદ્દભાવનાની સદશકિતથી ગુજરાતના વિકાસની નવી ઉંચાઇઓ પાર કરવા ભગવાન જગન્નાથજીના કૃપા આશિષની વાંચ્છના
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથની ૧૩પમી રથયાત્રાને આજે સવારે ભકિતભાવ ભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન કરાવ્યું હતું. સતત અગિયારમી વખત ભગવાન જગદીશની રથયાત્રાને પ્રસ્થાન કરાવવા અને પહિંદ વિધિ સંપન્ન કરવાનો સૌભાગ્ય વિક્રમ શ્રી નરેન્દ્રભાઇ મોદીને ફાળે જાય છે.
પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી આ પરંપરાગત રથયાત્રાના ભગવાન જગન્નાથજીના મુખ્ય રથમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સોનાના ચામરથી ભગવાનની સેવા કરી હતી અને નિજ મંદિરેથી યાત્રાના માર્ગે જવા પહિન્દ વિધિ સંપન્ન કરી અને રથને સ્વયંમ દોરીને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભગવાન જગન્નાથને ગરીબો અને દરિદ્ર નારાયણોના ભગવાન તરીકે ગણાવી તેમના આશિષ ગરીબો અને કિસાનોનું ભલું કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.
અમદાવાદની પરંપરાગત જગન્નાથ યાત્રા દેશ-દુનિયાના આકર્ષણ સમી બની રહી છે અને દેશભરના સંતો-મહંતો વિશાળ સંખ્યામાં આ યાત્રામાં જોડાઇ ભકિતમય બને છે તેનો આનંદ તેમણે વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જનસહયોગથી શાંતિ એકતા અને સદ્દભાવનાની સદ્શકિત દ્વારા ગુજરાતના વિકાસની નવી ઊંચાઇઓ પાર કરવા ભગવાન જગન્નાથજીના કૃપા આશિષ વરસતા રહેશે તેવી વાંચ્છના કરી હતી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ શરૂ કર્યું તે પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પટેલ, કાયદા રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રી અસિત વોરા, ધારાસભ્યો, જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ તેમજ અગ્રણીઓ તથા મંદિરના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.