પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માર્ક રુટ્ટે સાથે ફોન પર વાત કરી.
બંને નેતાઓએ ભારત-નેધરલેન્ડ દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી, જેમાં પાણી પર વ્યૂહાત્મક ભાગીદારી, કૃષિના મુખ્ય ક્ષેત્રમાં સહકાર, ઉચ્ચ તકનીકી અને ઉભરતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સંભાવનાઓ સામેલ રહી હતી. બંને નેતાઓએ ભારત-EU સંબંધો, ઈન્ડો-પેસિફિકમાં સંકલન અને સહકાર સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.
નિયમિત ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને વાતચીત સાથે, તાજેતરના વર્ષોમાં ભારત-નેધરલેન્ડ સંબંધોએ જબરદસ્ત વેગ મેળવ્યો છે. બંને પ્રધાનમંત્રીઓએ 09 એપ્રિલ 2021ના રોજ વર્ચ્યુઅલ સમિટ યોજી હતી અને તેઓ નિયમિતપણે સંપર્કમાં રહ્યા હતા. વર્ચ્યુઅલ સમિટ દરમિયાન નેધરલેન્ડ સાથે 'વ્યૂહાત્મક ભાગીદારી'ની શરૂઆત કરવામાં આવી હતી.
વર્તમાન વર્ષમાં, ભારત અને નેધરલેન્ડ સંયુક્ત રીતે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. 4-7 એપ્રિલ 2022 દરમિયાન ભારતના રાષ્ટ્રપતિની નેધરલેન્ડની મુલાકાત સાથે આની વિશેષ સિમાચિહ્ન તરીકે ઉજવણી કરવામાં આવી હતી.