પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને કુવૈતમાં આગની દુર્ઘટના અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, આ આગની ઘટનામાં અનેક ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
પ્રધાનમંત્રીએ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે ભારત સરકારે તમામ શક્ય સહાયતા આપવી જોઈએ. વિદેશ રાજ્ય મંત્રી રાહત કાર્યોના પગલાંની દેખરેખ રાખવા અને પાર્થિવ શરીરને ઝડપથી સ્વદેશ લાવવાની સુવિધા માટે તાત્કાલિક કુવૈતની યાત્રા કરવી જોઈએ.
પ્રધાનમંત્રીએ મૃતક ભારતીય નાગરિકોના પરિવારોને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, વિદેશ રાજ્ય મંત્રી શ્રી કીર્તિવર્ધન સિંહ, પીએમના અગ્ર સચિવ શ્રી પ્રમોદ કુમાર મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજીત ડોભાલ, વિદેશ સચિવ શ્રી વિનય ક્વાત્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા.