રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે.
આ સિસ્ટમને બે રૂપરેખામાં વિક્સાવાઇ છે. મૂળ આવૃત્તિમાં 10 લિટરનું એક ઑક્સિજન સિલિન્ડર, એક પ્રેસર રેગ્યુલેટર કમ ફ્લો કન્ટ્રૉલર, એક હ્યુમિડિફાયર અને એક નૅઝલ કેન્યુલા હોય છે. ઑક્સિજનના પ્રવાહને એસપીઓટુ રિડિંગ્સના આધારે હાથ વડે નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે ઇન્ટેલિજન્ટ કન્ફિગરેશનમાં મૂળ આવૃત્તિ ઉપરાંત એક લૉ પ્રેસર રેગ્યુલેટર, ઇલેક્ટ્રૉનિક કન્ટ્રૉલ સિસ્ટમ અને એસપીઓટુ પ્રોબ મારફત ઑક્સિજન આપમેળે નિયંત્રિત કરવાની સિસ્ટમનો સમાવેશ થાય છે.
એસપીઓટુ આધારિત ઑક્સિજન કન્ટ્રૉલ સિસ્ટમ દર્દીના એસપીઓટુ લેવલના આધારે ઑક્સિજનના વપરાશને શ્રેષ્ઠ બનાવે છે અને અસરકારક રીતે પોર્ટેબલ ઑક્સિજન સિલિન્ડરના ટકાઉપણાને વધારે છે. સિસ્ટમમાંથી પ્રવાહ શરૂ કરવા માટે એસપીઓટુના આરંભિક મૂલ્યને આરોગ્ય સ્ટાફ દ્વારા ગોઠવી શકાય છે અને એસપીઓટુ લેવલ્સ પર સતત દેખરેખ રખાય છે અને સિસ્ટમ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. રાબેતા મુજબ જઈને ઑક્સિજન માપવાની અને પ્રવાહ જાતે નિયંત્રિત કરવાની જરૂર જ ખતમ થઈ જાય છે. આનાથી આરોગ્ય સેવા આપનારાનો કાર્યભાર અને દર્દીઓ સાથેનો એમનો સંપર્ક પણ ઘટે છે અને એટલે ટેલિ-કન્સલ્ટેશન પણ સુગમ બને છે. આ સ્વયંસચાલિત પ્રણાલિ એકદમ એસપીઓટુ ઘટી જાય, જોડાણ તૂટી જાય એની તપાસ સહિતના વિવિધ નિષ્ફળતાના પરિપ્રેક્ષ્યમાં અનુકૂળ ઑડિયો ચેતવણીઓ પણ આપે છે. આ ઑક્સિકેર સિસ્ટમ્સનો ઘરે, ક્વોરન્ટાઇન સેન્ટર્સ, કોવિડ કેર સેન્ટર્સ અને હૉસ્પિટલ્સમાં ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત ઑક્સિજનના અસરકારક ઉપયોગ માટે ઑક્સિકેર સિસ્ટમ સાથે નોન-રિબ્રીધર માસ્ક્સ (એનઆરએમ) પણ સંકલિત છે જે ઑક્સિજનની 30-40% બચતમાં પરિણમે છે.
ડીઆરડીઓએ આ ટેકનોલોજીને ભારતમાં બહુવિધ ઉદ્યોગોને તબદીલ કરી છે અને આ ઉદ્યોગો સમગ્ર ભારતમાં વપરાશ માટે ઑક્સિકેર સિસ્ટમ્સનું ઉત્પાદન કરશે.
હાલના મેડિકલ પ્રોટોકોલ્સ તમામ ગંભીર અને કટોકટ કોવિડ-19 દર્દીઓ માટે ઑક્સિજન થેરાપીની ભલામણ કરે છે. ઑક્સિજન ઉત્પાદન, પરિવહન અને સંગ્રહની હાલની સ્થિતિને જોતાં ઑક્સિજન સિલિન્ડર્સ અસરકારક સાબિત થયા છે. હાલની કોવિડ મહામારીની સ્થિતિ જેમાં મોટી સંખ્યામાં લોકોને ઑક્સિજન થેરાપીની જરૂર પડે છે એ ધ્યાને લેતાં માત્ર એક પ્રકારની સિસ્ટમનો સ્ત્રોત વ્યવહારૂ નહીં હોય કેમ કે સિસ્ટમના પાયાના નિર્માણ ઘટકો બનાવતા તમામ ઉત્પાદક પ્લાન્ટ્સ પહેલેથી જ એમની મહત્તમ ક્ષમતા પર ચાલી રહ્યા છે. હાલની સ્થિતિમાં મિક્સ અને મૅચ સિસ્ટમ ઉપયોગી ગોઠવણ સાબિત થશે. કાર્બન-મેંગેનીઝ સ્ટીલ સિલિન્ડર્સના હયાત ઘરેલુ ઉત્પાદકોની ક્ષમતા બહુ મર્યાદિત છે ત્યારે વિકલ્પ તરીકે ડીઆરડીઓએ લાઇટ મટિરિયલના પોર્ટેબલ સિલિન્ડર્સ સૂચવ્યા છે જે સામાન્ય ઑક્સિજન સિલિન્ડર્સના બદલે સરળતાથી કામ કરી શકે.