પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ચોથી મે 2021ના રોજ યુનાઇટેડ કિંગ્ડમ (બ્રિટન)ના આદરણીય પ્રધાનમંત્રી શ્રી બોરીસ જ્હોન્સન સાથે એક વર્ચ્યુઅલ મંત્રણા હાથ ધરશે.
ભારત અને યુકે 2004થી વ્યૂહાત્મક ભાગીદારી ધરાવે છે. વિવિધ મુદ્દાઓ પર બંને દેશ વચ્ચે નિયમિતપણે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાતી રહે છે અને વિચારોની આપ–લે થતી રહે છે. આ બેઠક પ્રાંતીય અને વૈશ્વિક મુદ્દાઓ પર બંને દેશના પરસ્પર હિતોને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યૂહાત્મક જોડાણ અને સહકારને વેગ આપવા માટે મહત્વની તક સમાન બની રહેશે. બંને મહાનુભાવો કોવિડ19ની મહામારી સામે લડત આપવા માટે સહકાર અને વૈશ્વિક પ્રયાસો અંગે ચર્ચા કરશે.
આ બેઠક દરમિયાન 2030 સુધીની વ્યાપક યોજનાઓનો એક રોડમેપ લોંચ કરાશે. જે આગામી દાયકા માટે ભારત અને યુકે વચ્ચે વધુ સહકાર અને પાંચ મહત્વના પાસાને મજબૂત કરવાનો માર્ગ મોકળો કરશે. આ પાંચ મુદ્દાઓમાં પ્રજાથી પ્રજા સાથેના સંબંધો, વેપાર અને વિકાસ, ડિફેન્સ અને સુરક્ષા, હવામાન સામે પગલા તથા આરોગ્યની બાબતોનો સમાવેશ થાય છે.