કેન્દ્રના જુઠ્ઠાણા સામે મુખ્યમંત્રીશ્રીનો આક્રોશ
ગુજરાત દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે એ માનવા કેન્દ્ર તૈયાર નથી એમને તો ગુજરાતના વિકાસમાં રોડા જ નાંખવા છે
""હું છ કરોડ ગુજરાતીઓની સમાજશકિત સાથે જિંદાદીલીથી ગુજરાતો વિકાસ કરવાનો છું''
મુખ્યમંત્રીશ્રી કચ્છમાં કચ્છી નવા વર્ષની મહિમાવંત ઉજવણી
માંડવીના સમુદ્રકાંઠે અષાઢી બીજ મહેરામણ મહોત્સવ
...ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકતીર્થ ઉપર શ્રધ્ધાસુમન અર્પણ કરતા નરેન્દ્રભાઇ મોદી...
હિન્દુસ્તાનનો કોઇ જિલ્લો કચ્છના વિકાસની તોલે આવી શકે એમ નથી
ગુજરાતે પુરૂષાર્થની પરાકાષ્ઠાનું વાતાવરણ ઉભૂ કરીને જનશકિતને વિકાસમાં જોડી છે
કેટલાકને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છીઓના નુતન વર્ષના શિરમોર સમો અષાઢી બીજ મહેરામણ મહોત્સવની મહિમાવંત ઉજવણીમાં માંડવીના સમુદ્ર કિનારે યોજાયેલા સાંસ્કૃતિક ઉત્સવમાં જનતા જનાર્દન સાથે સહભાગી થતાં જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનનો કોઇ જિલ્લો કચ્છના વિકાસની તોલે આવી શકે તેમ નથી. એવો કચ્છનો વિકાસ તેની આગવી તાકાતનું દર્શન કરાવે છે. ગુજરાતની સાચી ઓળખ એ જ છે કે વિકાસમાં જનશકિતને જોડીને આ વિરાટ વિકાસનું સામર્થ્ય બન્યું છે.આજે કચ્છમાં નવા વર્ષે આખો દિવસ કચ્છની પ્રજાના આનંદ ઉત્સવમાં સહભાગી થતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આ સામાજિક ઉત્સવ ઉજવીને સમાજશકિતનો પ્રેરણાસ્ત્રોત પૂરો પાડયો છે. કચ્છમાં કોઇપણ સામૂહિક ઉત્સવને પ્રવાસન વિકાસ સાથે જોડી દેવો જોઇએ. પ્રવાસન અને કચ્છ એક એવી ધજાપતાકા છે જે આખી દુનિયામાં લહેરાય છે તેનો આનંદ જ ઓર છે. શકિતનો સાક્ષાત્કાર કરતો આ વિકાસ છે. જેમાં કચ્છ પ્રજાની તાકાત, પુરુષાર્થ, હામ અને હીર છે. માંડવીના ક્રાંતિતીર્થ શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકમાં ક્રાંતિગુરુને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કર્યા બાદ દરિયાકાંઠે વિશાળ માનવ મહેરામણને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે આ કચ્છી નવું વર્ષ સામાજિક ઉત્સવરૂપે ઉજવીને સમાજમાં નવી ઉર્જા પેદા કરે છે.
નવા વર્ષની શુભેચ્છા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ""આટઆટલા જૂઠાણાં, ગપગોળા ચલાવનારા હવે એટલા નિરાશ થઇ ગયા છે કે ગુજરાતની જનતા ઉપર કેમ તેની અસર નથી પડતી? ગુજરાતનો વિકાસ તેમને આંખના કણાની જેમ ખૂંચે છે પણ એમણે જે કરવું હોય તે કરે, અમારો માર્ગ એક જ છે વિકાસનો. એમણે સોપારી લીધી છે કે મોદીને પરાસ્ત કરીશું પણ છ કરોડ ગુજરાતીઓની સમાજશકિત માટે હું પૂરેપૂરી જીંદાદિલીથી સમાજશકિતમાં લીન છું'' તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સત્તા વગર તરફડતા પૈસાના જોએ ગુજરાતની જનતાને ગુમરાહ કરનારા આ લોકો દિલ્હીમાં તેમના શાસકોએ આખા દેશને બરબાદ કરીને જે.સી.બી.થી ઉલેચી પ્રજાના નાણાંની લૂંટ ચલાવી રહ્યા છે પણ દેશની જનતા આવા લૂંટ ચલાવનારાને પરાસ્ત કરી દેવાની છે એવો પુરો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
વિકાસ કોને કહેવાય એ છેલ્લા દશકામાં ગુજરાતે બતાવી દીધું છે. પ્રવાસન ક્ષેત્રે ધોળાવિરાની વિરાસત માટે આખી દુનિયા ઉતરી પડે તેવી સંભાવના છે પણ સાંતલપુર-ગઢુલી રોડ કેમ મંજુર નથી કરતાં ? શું ગુજરાત અને મોદી દુશ્મન દેશના છે ? અમે પણ ભારત માતાના સંતાનો છીએ. અમે અમારા હકકનું માંગીએ છીએ એ માટે લડીને લઇશું. ગુજરાતને અન્યાય કરનારા સમજી લે કે ગુજરાતના વિકાસને રૂંધવાના ગમે તેટલા હવાતીયા મારશો પણ ગુજરાતના હક્કનું લઇને જ રહીશું. આ સંદર્ભમાં આસામ અને ગુજરાતને ક્રુડ ઓઇલ રોયલ્ટીમાં ગુજરાતને ઓછી રોયલ્ટીનો ભેદભાવ કેમ?
ગુજરાતની નર્મદા યોજનાનો કમાન્ડ એરીયા દુષ્કાળગ્રસ્ત પ્રદેશ છે પણ એ.આઇ.બી.પી. સિંચાઇ પ્રોજેકટમાં ૯૦ ટકા સહાયથી વંચિત કેમ ? છાશવારે ધમકી આપે છે કે સી.બી.આઇ જેલમાં ધકેલી દેશે પણ પ્રજાજીવનને સુખ શાંતિ જોઇતા હોય તો શાંતિ, એકતા અને સદભાવના મંત્રથી વિકાસનો માર્ગ જ આપણી શકિત છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પહેલો દશકો છે, જ્યાં ગુજરાત શાંતિ અને સલામતી ધરાવે છે. ગુજરાતને જૂઠ્ઠાણાં અને અપપ્રચારની આંધી સાથે બદનામ કરી રહેલા આ તત્વોને ધૂળ ચાટતા પરાસ્ત કરી દેવા જનશકિતએ આગેવાની લેવી પડશે તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતુ઼ં.
કચ્છે જે પે્રમ આપ્યો છે તેનો જન્મોજન્મનો ઙ્ગણસ્વીકાર તેમણે કરીને સવાયું આપવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઇ ભાનુશાળી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ આ તકે છેવાડાના માનવી એવા બારોટ હીરબાઇબેનને વીજળીકરણ માટેનું પ્રમાણપત્ર ધરમાં દિવડા પ્રગટાવવા આપ્યું હતું.
પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહીરે કચ્છી લોકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતે તમામ ક્ષેત્રોમાં કરેલા વિકાસને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લાના સાંસદ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના અગ્રણીઓ સહિત વિવિધ પદાધિકારીઓ તથા માંડવી શહેરના નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.