"આવો, આપણે છ કરોડ ગુજરાતીઓ સદ્દભાવનાની શકિતથી "સૌનો સાથ સૌનો વિકાસ'ના મંત્રને સાકાર કરીએ ગુજરાતની વિકાસયાત્રાને વધુ તેજ ગતિએ આગળ ધપાવીએ'' - મુખ્યમંત્રીશ્રી
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના સૌ નાગરિકોને દીપોત્સવી પર્વની મંગલકામના અને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા છે.
"આવો, આપણે છ કરોડ ગુજરાતીઓ સદ્દભાવનાની શકિતની સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાકાર કરીએ અને ગુજરાતની વિકાસ યાત્રાને વધુ તેજ ગતિથી આગળ ધપાવીએ'' તેવો પ્રેરક અનુરોધ શ્રી નરેન્દ્રભાઇએ દીપાવલી-નૂતનવર્ષના આ પર્વે સૌ નાગરિકોને કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીનો શુભકામના સંદેશ અક્ષરશઃ આ પ્રમાણે છેઃ-
સાંપ્રત સમાજજીવનમાં પ્રવર્તમાન તનાવ, સંતાપ કે હતાશાની સ્થિતિમાં બદલાવની માનસિકતા માટેની જડીબુટ્ટી છે, આપણાં સાર્વજનિક ઉત્સવો... ઉત્સવપ્રિય ગુજરાતીઓ દેશ અને દુનિયામાં ઉત્તમ પર્યટકોની પ્રતિષ્ઠા ધરાવે છે. ગુજરાતી સમાજ એટલે સતત ગતિવાન, પ્રગતિશીલ સમાજ. -એટલે જ, છ કરોડ ગુજરાતીઓના સામર્થ્યથી સહુ કોઇ પ્રભાવિત છે.ગુજરાતે ર૧મી સદીના પ્રથમ દશકમાં આફતોની આંધિ સામે ઝૂકવાનું કયારેય મંજૂર રાખ્યું નહીં. ગુજરાત વિપત્તીઓથી વિચલિત થતું નથી, આફતને અવસરમાં પલ્ટી નાંખે એનું નામ ગુજરાત.
નિરાશા અને વિશ્વાસની કટોકટી જેવી અનેક સમસ્યાઓથી ધેરાયેલા, આપણાં દેશની સ્થિતિ બદલી શકાય એવા માહૌલની અનુભૂતિ ગુજરાત જ કરાવી શકે છે. સ્થગિતતા નહીં, વિકાસનું સાતત્ય. સંધર્ષ ખરો પણ, વિકાસના પુરૂષાર્થનો. કોઇ દુવિધા નહીં, વિકાસની રાજનીતિમાં. સમાધાન જરૂર પણ સમસ્યાઓના ઉકેલનું. દેશની ૧ર૦ કરોડથી અધિક જનશકિતમાં ગુજરાતીઓ તો માત્ર છ કરોડ જ, પરન્તુ "છ કરોડ ગુજરાતીઓ'ના શબ્દસમૂહે સૌનો સાથ સૌનો વિકાસ જેવો સમાજશકિતનો મંત્ર આપી દીધો.
પંચતત્વોના સનાતન પંચામૃત જેવી, પ્રગતિની પંચશકિત-જ્ઞાનશકિત, ઊર્જાશકિત, જળશકિત, રક્ષાશકિત અને જનશકિત-આધારિત આધુનિક વિકાસના નવા કિર્તીમાનો સ્થાપી દીધા-એક જ દશકમાં આપણાં ગુજરાતે. ગુજરાત કયારેય સંકુચિત વાડાબંધીનું હામી રહ્યું નથી.
વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓની શાખ એટલે જ ગ્લોબલ ગુજરાતની બની ગઇ છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શ્રેણીને શત શત દેશોએ સફળ બનાવી દીધી. વૈશ્વિક સદ્દભાવનાનું સામર્થ્ય, ગુજરાતની ધરતી ઉપર પ્રગટેલું સૌએ જોયું-જાણ્યું છે. "ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ' એવા સંકલ્પમાં ગુજરાતના છ કરોડ નાગરિકોની ભારતભકિત સમાયેલી છે.
ભ્રષ્ટાચારનો ઇલાજ નીતિમય વહીવટી પારદર્શીતાની નિયતથી ગુજરાતે બતાવ્યો. જનતાની કમાણીના કરવેરાના નાણાં વિકાસમાં ઉગી નીકળ્યા. ગરીબ લાભાર્થીના હક્કની પાઇએ પાઇ સામે ચાલીને સરાજાહેર હાથમાં આપી. ગરીબ કલ્યાણ મેળા, ગરીબાઇ દૂર કરવા માટે ગરીબોને શકિત પૂરી પાડનારા બની ગયા.
નવીનત્તમ પહેલ દ્વારા દેશની શકિત-પ્રગતિમાં યોગદાન માટેના પ્રતિભાસંપન્ન હોનહાર બૌધ્ધિક યુવા પેઢીના સપના સાકાર કરવા "આઇ-ક્રિએટ' જેવો ઇનોવેશન ઇન્કયુબેશન સેન્ટરનો સર્વોત્તમ પ્રોજેકટ હોય-ગુજરાતે દેશને નવો રાહ બતાવ્યો છે.
યુવાશકિતના હુન્નર કૌશલ્ય માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોએ બેકારી નિવારણની દિશા બતાવી તો ગ્રામ્ય ગરીબ નારીશિકિતને મિશન મંગલમ્ દ્વારા આર્થિક પ્રવૃત્તિમાં નિર્ણાયક ભાગીદારી પૂરી પાડી છે. કૃષિમહોત્સવે કૃષિવિકાસની ક્રાંતિ સર્જી, પ્રાથમિક શિક્ષણથી લઇને વિશ્વકક્ષાના માનવ સંસાધન વિકાસ માટેની વિવિધ વિશિષ્ઠ યુનિવર્સિટીઓની પણ ગુજરાતે પહેલ કરી. ચિરંજીવી યોજના, બાલભોગ-પોષક આહાર અભિયાન, ૧૦૮-ઇમરજન્સી એમ્બ્યુલન્સ માનવસેવા જેવા જનસુખાકારીના અભિયાનો સફળતાથી પાર પાડીને ગુજરાતે સમસ્યાના સમાધાન માટે સામાજિક સંવેદના જગાવી છે. લોકતંત્રના સંવૈધાનિક દાયિત્વની પ્રતિબધ્ધતા સાથે જનશકિતનો વિશ્વાસ અને સમર્થન મેળવીને વિકાસમાં ભાગીદાર બનાવવાની સફળતાએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
સ્વાગત ઓનલાઇન ટેકનોલોજીથી જનફરિયાદોના ઉકેલ લાવવાથી માંડીને સમગ્રતયા પ્રોપિપલ પ્રોએકટીવ ગુડગવર્નન્સ P2G2 જેવું વહીવટી કાર્યસંસ્કૃતિનું પ્રાણવાન મોડેલ આજે દેશનું પ્રેરણાસ્ત્રોત બન્યું છે. તાલુકા સરકારના વહીવટી વિકેન્દ્રીકરણના ઉદેશ મૂર્તિમંત કરવા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો વિકાસના સર્વસમાવેશક સંકલ્પને સાકાર કરી રહ્યો છે.
ગુજરાત મોડેલની તાસીર અને તવારિખ નવી તરાહમાં એવી ગૂંથાઇ ગઇ છે કે વિશાળ દરિયાકાંઠો હોય કે વનવાસી ક્ષેત્ર-વાઇબ્રન્ટ વિકાસથી ધમધમી રહ્યા છે. અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માન અકરામની નવાજેશ ગુજરાતની કિર્તીપતાકા વિશ્વમાં લહેરાવી રહી છે અને રાજકીય સ્થિરતાનો એક આખો દશક ગુજરાતની વિકાસયાત્રા માટે ચાલક બળ બની ગયો છે.
ગુજરાત જે આવતીકાલને સમૃધ્ધ બનાવવા આજે વિકાસની નવી પહેલને સફળ સિધ્ધિમાં પરિવર્તીત કરે છે તેને આવતીકાલે આખો દેશ અપનાવે છે. આવા ગરવી ગુજરાતના ગુજરાતી હોવાનું ગૌરવ, આપણો ગુજરાતભકિતનો સદાબહાર ઉત્સવ છે, વિકાસનો વિરાટ મહોત્સવ છે. વિક્રમ સંવતના નવા વર્ષે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે છ કરોડ ગુજરાતીઓની સદ્દભાવના શકિતનો વૈશ્વિક વિજય વાવટો લહેરાતો રહેશે એવા વિશ્વાસ સાથે નૂતન વર્ષાભિનંદન.