મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં ગોતામાં નવનિર્મિત સુંદરસિંહ ભંડારી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરતાં અમદાવાદને વૈશ્વિકકક્ષાનું સ્વચ્છ મહાનગર બનાવવાનું નાગરિક આંદોલન ઉપાડવા આહ્વાન કર્યું હતું.
અમદાવાદ પર્યાવરણની દ્રષ્ટિએ નાગરિક ભાગીદારીથી વૈશ્વિક ઓળખ બનાવે તેવી પ્રેરક અપીલ પણ તેમણે કરી હતી.
માત્ર જનસંખ્યાની દ્રષ્ટિએ મોટા શહેરો નહીં પણ જનસુખાકારી અને માળખાકીય સુવિધાની દ્રષ્ટિએ ગુજરાતના મહાનગરોમાં વિશ્વકક્ષાની વ્યવસ્થાઓ ઉભી કરવામાં ગુજરાત સરકાર એક દશકાથી પુરૂષાર્થ કરી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું
અમદાવાદ મહાનગર સેવાસદનની ઝોનલ વોર્ડ ઓફિસ તથા રાણીપ સ્વીમીંગ પુલ અને જીમ્નેશીયમના સાર્વજનિક સેવાક્ષેત્રના પ્રોજેકટ પણ મુખ્ય મંત્રીશ્રીએ નગરજનોને આજે સમર્પિત કર્યા હતા.
વિશ્વના ખુબ ઝડપથી વિકસી રહેલા ગણ્યા-ગાંઠયા શહેરોમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરત છે પણ 2030માં તો હિન્દુસ્તાનના સૌથી મોટા શહેરોમાં જ અમદાવાદ, સુરત અને વડોદરા બનશે એમ મેકેન્ઝી રીસર્ચ સંસ્થાનો સર્વે કહે છે. અમદાવાદ જે ઝડપથી વિકસી રહ્યું છે તેમાં નવા વિસ્તારોનો સમાવેશ કરવાથી જનસુખાકારીના કામોનો વ્યાપ પણ અતિ વિશાળ ફલક ઉપર વધી રહ્યો છે તે માટે રાજ્ય સરકારે પણ દ્રષ્ટિવંત આયોજન પણ કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
અમદાવાદનો જનમાર્ગ બી.આર.ટી.એસ. પ્રોજેકટ હવે આંતરરાષ્ટ્રિય ધોરણે પબ્લીક ટ્રાન્સપોર્ટનું મોડલ બની રહ્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે સમસ્યાઓના ઉકેલ માટે સ્થિતિ બદલી શકાય છે. શહેરની સુખાકારી અને આરોગ્ય બદલવા નર્મદાનું પાણી સુકીભઠ્ઠ સાબરમતી નદીમાં વહેવડાવીને આરોગ્યલક્ષી રોગ પ્રતિકારક શકિત ઉભી કરી છે.
માત્ર મહાનગરો જ નહીં તમામ નગરપાલિકાઓમાં શહેરી નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે રૂા.7000 કરોડની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમલમાં મુકી છે. જેનો ગુજરાત સરકારના બજેટ માંથી ખર્ચ આપ્યો છે. આની સાથો સાથ રૂરબન પ્રોજેકટ ગામડાંની વસતિની દોડ શહેરો ભણી અટકાવશે અને ગામડાંમાં પણ શહેરો જેવી આધુનિક સુવિધા મળશે. ગામડાંઓ અને શહેર બંનેનો સંતુલિત વિકાસ ગુજરાતે કર્યો એમ તમેણે જણાવ્યું હતું.
શહેરો હોય કે ગામડાં સામાન્ય નાગરિકની સુખાકારી, સારુ શિક્ષણ મળે, આરોગ્યની સુવિધા મળે, યુવાનોને કૌશલ્ય સંવર્ધન અને રોજગારીના અવસર મળે એ દિશામાં જે આયોજનો કર્યા છે અને માત્ર આધુનિક સુવિધાઓ જ નહીં પણ શૌચાલયો બનાવવાનું મહા અભિયાન ઉપાડયું છે. તેમણે નગરજનોને આહ્વાન કર્યું હતું કે, શહેર જેટલું સ્વચ્છ હશે, નાગરિકોની ભાગીદારીથી સ્વચ્છતાનું અભિયાન ઉપાડીશું તો અમદાવાદમાં ગંદકીનું નામો નિશાન નહીં રહે.
અમદાવાદના મેયર શ્રી અસિત વારાએ સ્વાગત પ્રવચનમાં શહેરના પૂર્વ-પヘમિ વિસ્તારના સંમ્યક વિકાસની નેમ સાથે નગર સુખાકારીના વિકાસની ઝલક આપી હતી. આ પ્રસંગે ધારાસભ્યો સર્વ શ્રી રાકેશભાઇ શાહ, વલ્લભભાઇ કાકડીયા, મહાનગર સેવાસદન સમિતિની વિવિધ સમિતીઓના અધ્યક્ષશ્રીઓ, નગરસેવકો તથા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.