મંચ પર બિરાજમાન એન.એમ.ઓ. ના સર્વે પદાધિકારીઓ, ભારતના જુદા જુદા ભાગમાંથી આવેલા તમામ પ્રતિનિધિ ભાઈઓ અને નવયુવાન મિત્રો..! આપણે લોકો એક જ અખાડામાંથી આવ્યા છીએ અને એટલા માટે આપણને સૌને પોતાની ભાષાની ખબર છે, ભાવનાઓની ખબર છે, રસ્તાની ખબર છે, લક્ષ્યની પણ ખબર છે અને એટલા માટે કોઈ કોને શું કહે, કોઈ કોઇને શું સાંભળે..? અને તેથી માટે હું કંઈ ના બોલું તો પણ વાત તો પહોંચી જ જશે. હું અનુમાન લગાવી શકું છું કે મારા અહીં આવ્યા પહેલાં સવારથી અત્યાર સુધી તમે શું કર્યું હશે, અને હું એ પણ અનુમાન લગાવી શકું છું કે કાલે શું કરશો. હું એનો પણ અંદાજ લગાવી શકું છું કે હવેના અધિવેશનનો તમારો એજન્ડા શું હશે, કારણ કે આપણે બધા એક જ અખાડામાંથી આવ્યા છીએ..! મિત્રો, સ્વામી વિવેકાનંદજીની જ્યારે વાત થાય છે ત્યારે એક વાત ઊભરીને આવે છે કે તેઓ પરિસ્થિતિના વહેણમાં વહી જનાર વ્યક્તિ ન હતા. જે લોકોએ સ્વામી વિવેકાનંદજીને વાંચ્યા હશે અને જેમણે તે સમયની સમાજ વ્યવસ્થાના સૂત્રધારોને વાંચ્યા હશે, તો તેઓ સારી રીતે અંદાજ લગાવી શકે છે કે વિવેકાનંદજીને કોઈ કામ સરળતાથી કરવાનું સૌભાગ્ય જ નહોતું મળ્યું. દરેક સમયે નાનામાં નાની બાબત માટે પણ તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો. કોઈ ચીજ તેમને સહજ રીતે મળી ન હતી અને જ્યારે મળી ત્યારે સ્વીકાર્ય ન હતી.
આ તેમની એક અન્ય વિશેષતા હતી. રામકૃષ્ણ પરમહંસ મળ્યા, તો તેમને પણ તેઓને સહજ રીતે સ્વીકાર ન કર્યા, તેમની પણ તેઓએ કસોટી કરી..! કાળીના પાસે ગયા, રામકૃષ્ણ દેવની તાકાત હતી કે કાળી મળી, પરંતુ, સ્વીકાર કરવાની ના પાડી. તો એક એવી વ્યક્તિ તરફ આપણે જઈએ. આપણે જીવનમાં સંઘર્ષ કરવા માટે કેટલા દ્રઢનિશ્ચયી છીએ, કેટલા પ્રતિબદ્ધ છીએ…! જરા જેટલી હવાની દિશા બદલાઈ જાય તો ક્યાંક બેચેનીનો અનુભવ તો નથી કરતા, એવું તો નથી લાગતું તમને કે યાર, હવે શું થશે, પરિસ્થિતિ તો કંઈ અનુકૂળ નથી..! તો મિત્રો, તે જિંદગી નથી જીવી શકતા, અને જેઓ પોતે જિંદગી નથી જીવી શકતા તે બીજાઓને જિંદગી જીવવાની તાકાત કેવી રીતે આપી શકે..! અને ડૉક્ટરોનું તો કામ જ હોય છે અન્યોને જિંદગી જીવવાની તાકાત આપવાનું. કોઈ ડૉક્ટર એવું નહીં ઈચ્છે કે તેમનું પેશન્ટ હંમેશા તેમના પર નિર્ભર રહે. ડૉક્ટર અને વકીલમાં આ તો ફર્ક હોય છે..! અને ત્યાં જ વિચારવાની પ્રવૃત્તિમાં તફાવત જણાય છે. અને જો આપણે તેને આત્મસાત કરીએ.. મિત્રો, જે સફળ ડૉક્ટર છે, તેનો બંગલો કેટલો વિશાળ છે, ઘર આગળ કેટલી ગાડીઓ પડી છે, બેન્ક બેલેન્સ કેટલું છે… તેના આધારે ક્યારેય કોઈપણ ડૉક્ટરની સફળતા નક્કી નથી થતી. ડોક્ટરની સફળતા એ વાત પરથી મપાય કે તેણે કેટલી જિંદગી બચાવી, કેટલાને નવું જીવન આપ્યું, કોઈ અસાધ્ય રોગના દર્દી માટે તેણે જિંદગી કેવી રીતે ખપાવી દીધી, એક ડિઝીઝ માટે સુખ-ચેન કેવી રીતે ખોયાં..! મિત્રો, એટલા માટે જો હું એન.એમ.ઓ. સાથે જોડાએલો છું, રાષ્ટ્રીય ભાવનાથી ભરેલ છું, સવાર-સાંજ, દિવસ-રાત ભારતમાતાનો જયજયકાર કરું છું, પરંતુ એ જ ભારતમાતાના અંશરૂપ એક દર્દી જે મારી પાસે ઊભો છે, તે દર્દી ફક્ત એક વ્યક્તિ નથી, પરંતુ મારી ભારતમાતાનો જીવતો જાગતો અંશ છે અને તે દર્દીની સેવા જ મારી ભારતમાતાની સેવા છે, આ ભાવ જ્યાં સુધી અંદર પ્રગટ થતો નથી ત્યાં સુધી એન.એમ.ઓ. ની ભાવનાએ મારી રગોમાં પ્રવેશ કર્યો નથી..! મિત્રો, હમણાં દેશ 1962 ની લડાઈનાં પચાસ વર્ષને યાદ કરી રહ્યો હતો. મીડિયામાં તેની ચર્ચા ચાલી રહી હતી. કોણ દોષી, કોણ અપરાધી, કોની ભૂલ, શું ભૂલ… આ વાત પર ડિબેટ ચાલી રહી હતી. મિત્રો, જો પચાસ વર્ષ પછી પણ આ પેઢીને એક વેદના હોય, એક દર્દ હોય, એક પીડા હોય કે ક્યારેક એ લડાઈમાં આપણે હાર્યા હતા, આપણી માતૃભૂમિને આપણે ખોઈ હતી, તો એનો અર્થ એ કે તેમાં વિજય પ્રાપ્ત કરવાનું બીજ પણ અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, જે સ્વામી વિવેકાનંદજીની આપણે વાત કરતા રહીએ છીએ, જે હંમેશા આપણને પ્રેરણા આપતા રહે છે, પરંતુ શું આપણે ક્યારેય એવું વિચાર્યું કે જ્યારે એમની 150 મી જયંતી મનાવી રહ્યા છીએ અને 125 વર્ષ પહેલાં 25 વર્ષની ઉંમરમાં જે નવયુવાન સંન્યાસીએ એક સપનું જોયું હતું કે હું મારી આંખોની સામે જોઈ રહ્યો છું કે મારી ભારતમાતા જગદગુરૂના સ્થાન પર બિરાજમાન થશે, હું તેનું ભવ્ય, દિવ્ય રૂપ જાતે જ જોઈ રહ્યો છું..! આ વિવેકાનંદજીએ 25 વર્ષની વયમાં દુનિયાની સામે ડંકાની ચોટ પર કહ્યું હતું. કોના ભરોસે કહ્યું હતું..? તેમણે પ્રવચન આપ્યું હતું કે આ દેશના નવયુવાનો આ પરિસ્થિતિ પેદા કરશે..! 150 વર્ષ મનાવવાવાના સમયે દિલમાં શું વેદના છે, પીડા છે કે આવા મહાપુરૂષ જેના પ્રત્યે આપણી આટલી ભક્તિ હોવા છતાં 25 વર્ષની વયમાં જે શબ્દોમાં તેમણે કહ્યું હતું, 125 વર્ષ એ શબ્દોને વીતી ગયા, તે સપનું હજી પૂરું નથી થયું, શું તેની પીડા છે, દર્દ છે..? પેઢીઓ ખતમ થઈ ગઈ, આપણે પણ આવ્યા અને ચાલ્યા જઈશું, શું તે સપનું અધૂરું રહેશે..? જો તે સપનું અધૂરું રહેવાનું જ હોય તો 150 વર્ષ મનાવવાથી કદાચ આ કર્મકાંડ થઈ જશે અને એટલા માટે હું ઈચ્છું છું કે આપણે જ્યારે તેમનાં 150 વર્ષ ઉજવી રહ્યાં છીએ ત્યારે, આપણે કંઈ મેળવી શકીએ કે ન મેળવી શકીએ, કેટલીક પરિસ્થિતિઓને બદલી શકીએ કે ના બદલી શકીએ, પરંતુ કમ સે કમ દિલમાં એક દર્દ તો ઊભું કરીએ, એક વેદના તો પેદા કરીએ કે આપણે સમય ગુમાવી દીધો…!
મિત્રો, આ મહાપુરૂષે જીવનના અંતકાળની અંતિમ ઘડીમાં કહ્યું હતું કે સમયની માંગ છે કે તમે તમારા ભગવાનને ભૂલી જાઓ, તમારા ઈષ્ટદેવતાને ભૂલી જાઓ. તમારા પરમાત્મા, તમારા ઈશ્વરને ડૂબાડી દો. એકમાત્ર ભારતમાતાની પૂજા કરો. એક જ ઈષ્ટ દેવતા હોય..! અને પચાસ વર્ષ માટે કરો. અને વિવેકાનંદજીએ આવું કહ્યાના ઠીક પચાસ વર્ષ પછી 1947 માં આ દેશ આઝાદ થયો હતો. મિત્રો, કલ્પના કરો કે 1902 માં જ્યારે સ્વામી વિવેકાનંદજીએ આ વાત કહી હતી, તે સમયે આજનું મીડિયા હોત તો શું થાત..? આજના વિવેચકો હોત તો શું થાત..? આજના ટીકાકાર હોત તો શું થાત..? ચર્ચા એ જ થાય છે કે આ કેવો વ્યક્તિ છે, જેણે એજન્ડા બદલી દીધો અને સિદ્ધાંતોને છોડી દીધા..! જે ભગવાન માટે પાંચ-પાંચ હજાર વર્ષથી એક કલ્પના કરીને પેઢીઓ સુધી જે સમાજ ચાલ્યો, તેઓ કહે છે કે તેને છોડી દો..! એ તો ડૂબાડી દેશે દેશને અને સંસ્કૃતિને. બધું જ છોડવા માટે કહી રહ્યા છે, બધું જ ભગવાન પર છોડવા માટે કહી રહ્યા છે..! ખબર નથી તેમના પર શું શું વીતત અને વીત્યું પણ હશે, થોડું ઘણું તો ત્યારે પણ કર્યું જ હશે..! આપણે જે પરિવારમાંથી આવી રહ્યા છીએ, જે પરંપરામાંથી આવી રહ્યા છીએ, શું આપણે તેમાંથી કંઈક બોધ લેવા માટે તૈયાર છીએ..? જો બોધ લેવાની તાકાત હોય તો રસ્તો પોતાની મેળે જ મળી રહેશે અને મંજિલ પણ મળી રહેશે..! પરંતુ તેના માટે દોસ્તો, ખૂબ મોટું સાહસ કરવું પડે છે. પોતાની બનાવેલી દુનિયા છોડીને બહાર નીકળવા માટે બહુ મોટી હિંમત જોઇએ અને જો તે હિંમત ખોઈ દઈએ, તો આપણે શરીરથી તો જીવતા હોઈશું પરંતુ પ્રાણ-શક્તિનો અભાવ હશે..! એટલા માટે જ્યારે વિવેકાનંદજીને યાદ કરીએ છીએ ત્યારે તે સામર્થ્ય માટેની શોધની આવશ્યકતા છે. તે સામર્થ્યને લઈને જીવવું, સપના જોવા, સાકાર કરવા, તે સામર્થ્યની આવશ્યકતા છે. તમે એક ડૉક્ટર તરીકે કામ કરી રહ્યા છો. આવનારા દિવસોમાં જે વિદ્યાર્થીમિત્રો છે, તે ડૉક્ટર બનવાના છે. અહીં સુધી પહોંચવા માટે તમે શું નહીં છોડ્યું હોય..! દસમા ધોરણમાં આટલા માર્ક્સ લાવવા માટે કેટલી રાત જાગ્યા હશો..! બારમા ધોરણ માટે મા-બાપને રાત દિવસ દોડાવ્યા હશે. જુઓ, પેપરો ક્યાં ગયાં છે, જુઓ તો, શું રિઝલ્ટ આવી રહ્યું છે..! ડોનેશનની સીટ મળશે તો ક્યાં મળશે, મેરિટ ઉપર મળશે તો ક્યાં મળશે..! કંઈ વાંધો નહીં, એમ.બી.બી.એસ. નહીં તો ડેન્ટલ ચાલશે..! અરે, એ પણ ના મળે તો કંઈ વાંધો નહીં, ફિઝિયોથેરપી ચાલશે..! ખબર નથી કેટલા-કેટલા સપના ગૂંથ્યા હશે..! અને હવે એકવાર તેમાં પ્રવેશી ગયા..! હું મેડિકલ સ્ટુડન્ટ્સને પ્રાર્થના કરું છું કે તમે વિચારો કે બારમાની ઍક્ઝામ સુધી તમારી મનોદશા, રિઝલ્ટ આવવા સુધીની તમારી મનોદશા કે મેડિકલ કૉલેજમાં એન્ટ્રન્સ સુધીની મનોદશા… જે ભાવનાઓના કારણે, જે પ્રેરણાના કારણે તમે દિવસ-રાત મહેનત કરતા હતા, શું મેડિકલમાં પ્રવેશ મળ્યા બાદ તે ઊર્જા જીવંત છે, દોસ્તો..? તે પ્રેરણા તમને પુરૂષાર્થ કરવા માટેની તાકાત આપે છે..? જો નથી આપતી તો પછી તમે પણ ક્યાંક પૈસા કમાવા માટેનું મશીન તો નહીં બની જાઓને, દોસ્તો..? આટલું તપ કરીને જે ચીજને તમે મેળવી છે, તે કદાચ ધન અને દૌલતને ભેગા કરવાનું એક મશીન બની જાય તો મિત્રો 10, 11, 12 મા ધોરણની તમારી જે તપશ્ચર્યા છે, તમારા માટે તમારા મા-બાપ રાત-રાતભર જાગ્યા છે, તમારા નાના ભાઈએ પણ ટી.વી. નથી જોયું, કેમ..? મારી મોટી બહેનને 12 માની ઇગ્ઝૅમ છે. તમારી મા એના સગા ભાઈના લગ્નમાં નથી ગઈ, કેમ..? દિકરીની 12 માની ઇગ્ઝૅમ છે. મિત્રો, કેટલું તપ કર્યું હતું..! હું તમને પ્રાર્થના કરું છું દોસ્તો, એ તપસ્યાને કદી ભૂલશો નહીં. આ વસ્તુને મેળવવા માટે જે કષ્ટ તમે ભોગવ્યું છે, બની શકે કે તે કષ્ટ પોતે જ તમારી અંદર સમાજ પ્રત્યે સંવેદના જગાડવા માટેનું કારણ બની જાય અને તમને બહારની કોઈ તાકાતની આવશ્યકતા જ ના રહે..! મિત્રો, એક ઓર્થોપેડિક ડૉક્ટરની પાસે જ્યારે એક દર્દી આવે છે તો તે ઓર્થોપેડિક ડૉક્ટરે નક્કી કરવાનું હોય છે કે તે દર્દીમાં તેને માણસ દેખાય છે કે હાડકાં..! મિત્રો, જો તેને હાડકાં દેખાય છે તો મોટા એક્સપર્ટ ડોક્ટરના રૂપમાં તેના હાડકાં ઠીક કરીને તેને પાછો મોકલી દેજો, પરંતુ જો માણસ દેખાય તો તેનું જીવન સફળ થઈ જશે. મિત્રો, જીવન કેવી રીતે બદલાઈ રહ્યું છે, જીવનનાં મૂલ્યો કેવી રીતે બદલાઈ રહ્યાં છે..! એક અર્થપ્રધાન જીવન બની રહ્યું છે અને અર્થપ્રધાન જીવનના કારણે પરિસ્થિતિઓ કઈ બની છે..? ડૉકટરે ભૂલથી ખોટું ઈન્જેક્શન આપી દીધું, હાથ કપાવવો પડ્યો, હાથ ચાલ્યો ગયો… ઠીક છે, બે લાખનો ઇન્શુઅરન્સ છે, બે લાખનો વીમો મંજૂર થઈ જશે…! એક્સીડન્ટ થયો, એક પગ કપાઈ ગયો… પાંચ લાખ મળી જશે..! મિત્રો, શું આ શરીર, આ અંગ-ઉપાંગ રૂપિયાનાં ત્રાજવાંથી તોલી શકાય છે..? હાથ કપાયો તો બે લાખ, પગ કપાયો તો પાંચ લાખ, આંખ જતી રહી તો દોઢ લાખ આપી દો..!
મિત્રો, આંખ જતી રહે તો ફક્ત એક અંગ જ નથી જતું, જિંદગીનો પ્રકાશ જતો રહે છે. પગ કપાવાથી શરીરનું એક અંગ જ નથી જતું, પગ કપાય તો જિંદગીની ગતિ રોકાઈ જાય છે. શું જીવનને તે દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કર્યો છે આપણે..? અને એટલા માટે મિત્રો, સામાન્ય માનવીના મનમાં ડૉક્ટર બનવાની કલ્પના કઈ છે..? સામાન્ય માનવી ડૉક્ટરને ભગવાનનું બીજું રૂપ માને છે, સામાન્ય માનવી માને છે કે જેવી રીતે ભગવાન મારી જિંદગી બચાવે છે, એમ જ જો ડૉક્ટરના ભરોસે હું મારી જિંદગી મૂકી દઉં તો શક્ય છે કે તે મારી જિંદગી બચાવી લે..! જ્યારે તમે કોઈની જિંદગી બચાવો છો ત્યારે તમે ફક્ત એક પેશન્ટને જ બચાવો છો એવું નથી, તમે અનેક લોકોનાં સપનાંઓને સંવારો છો..! પરંતુ આ મહાત્મા ગાંધીના ફોટાવાળી નોટથી નથી થતું, મહાત્મા ગાંધીના જીવનને યાદ રાખવાથી થાય છે અને આ ભાવ જગાડવાનું કામ એન.એમ.ઓ. દ્વારા થાય છે. મિત્રો, મને ભૂતકાળમાં ગુજરાતના એન.એમ.ઓ. ના કેટલાક મિત્રો સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો છે અને ખાસ કરીને તેઓ જ્યારે નોર્થ-ઈસ્ટ જઈને આવે છે ત્યારે તેમની પાસે કહેવા માટે એટલું બધું હોય છે, જેમ કે કોમ્પ્યૂટર ઉપર તમે કોઈપણ બટનને ક્લિક કરો અને આખી દુનિયા ઊતરી આવે છે, તેવી જ રીતે તેમને પૂછો કે નોર્થ-ઈસ્ટ કેવું રહ્યું તો સમજી લો તમારા બે-ત્રણ કલાક આરામથી વીતી જાય..! તે દરેક ગલી-મહોલ્લાની વાત જણાવે છે. મિત્રો, નોર્થ-ઈસ્ટના મિત્રોને આપણાથી કેટલો લાભ થતો હશે તેનો મને અંદાજ નથી, પરંતુ તેના કારણે જનારાને તો લાભ થતો હશે એનો મને પૂરો વિશ્વાસ છે. પોતાનાઓને જ જ્યારે અલગ-અલગ રૂપમાં જોઈએ છીએ, મળીએ છીએ, જાણીએ છીએ, તેમની ભાવનાઓને સમજીએ છીએ, તો તે આપણી મૂડી બની જાય છે, તે આપણી ઊર્જા શક્તિના રૂપમાં કન્વર્ટ થઈ જાય છે અને તેને લઈને આપણે જો આગળ વધીએ તો આપણને એક નવી તાકાત મળે છે.
મિત્રો, ક્યારેક-ક્યારેક આપણી નિષ્ફળતા પાછળનું એક કારણ એ હોય છે કે આપણને આપણી જાત પર શ્રદ્ધા નથી હોતી, આપણને જાત ઉપર વિશ્વાસ નથી હોતો અને મોટાભાગની સમસ્યાઓના મૂળમાં આ મુખ્ય કારણ હોય છે. જો તમને તમારી જ વાત પર વિશ્વાસ ન હોય અને તમે ઈચ્છો કે દુનિયા તેને માને તો તે શક્ય નથી. હોમિયોપેથી ડૉક્ટર બની ગયો કેમ કે ત્યાં ઍડમિશન નહોતું મળ્યું. પરંતુ કેમ કે હવે ડૉક્ટરનું લેબલ લાગી ગયું છે તો હું જનરલ પ્રેક્ટિસ કરીશ અને ઍલોપથીનો પણ ઉપયોગ કરીશ…! જો મને જ મારી સ્ટ્રીમ પર શ્રદ્ધા નથી તો, હું કેવી રીતે ઈચ્છીશ કે વધારે પેશન્ટ પણ હોમિયોપેથી માટે આવે..! હું આયુર્વેદનો ડૉક્ટર બની ગયો. ખબર હતી કે એમાં તો મારો નંબર લાગવાનો નથી તો પહેલેથી જ સંસ્કૃત લઈને રાખ્યું હતું..! મને જાણકારી છે ને..? હું સાચું કહું છું..? તમારી જ વાત જણાવી રહ્યો છું ને..? ના, તમારી નથી, જે બહાર છે તેમની છે..! આયુર્વેદ ડૉક્ટરનું બોર્ડ લગાવી દીધું, ફરી ઈન્જેક્શન શરૂ. આપણી પોતાની વસ્તુ ઉપર જો આપણને શ્રદ્ધા ન હોય તો આપણે જીવનમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. હું એન.એમ.ઓ. સાથે જોડાએલ મિત્રોને આગ્રહ કરીશ કે જે માર્ગને જીવનમાં આપણે પ્રાપ્ત કર્યો છે, આપણે જ્યાં પહોંચ્યા છીએ તેની પ્રતિષ્ઠા વધારવાનું પણ આપણું કામ છે. મિત્રો, આ તો સારું થયું કે આખી દુનિયામાં હોલિસ્ટિક હેલ્થ કેઅરનો એક માહોલ બનેલો છે. સાઈડ ઈફેક્ટ્સ ન થાય તેવી કૉન્શ્યસનેસ આવી ગઈ છે અને એના કારણે લોકોએ ટ્રેડિશનલ માર્ગ ઉપર જવાનું શરૂ કર્યું છે અને તેનો બેનિફિટ પણ મળ્યો છે સૌને. પરંતુ વ્યાવસાયિક સફળતા એક વાત છે, શ્રદ્ધા બીજી વાત છે. અને ક્યારેક-ક્યારેક ડૉક્ટરને તો શ્રદ્ધા જોઇએ, પરંતુ પેશન્ટને પણ શ્રદ્ધા જોઇએ..! હું જ્યારે સંઘ પ્રચારક તરીકે શાખાના કામ જોતો હતો, ત્યારે વડોદરા જિલ્લામાં મારો ફેરો ચાલી રહ્યો હતો ત્યાં એક ચલામલી કરીને એક નાનકડું સ્થળ છે, તો ત્યાં એક ડૉક્ટરનો પરિવાર હતો જે સંઘ સાથે સંપર્ક રાખતો હતો તો ત્યાં અમે જતા હતા અને તેમના ત્યાં રહેતા હતા. ત્યાં બધા ટ્રાઈબલ પેશન્ટ આવતા હતા અને સૌથી પહેલાં ઈન્જેક્શનની માગણી કરતા હતા. અને તેમની એ વિચારસરણી હતી કે ડૉક્ટર જો ઈન્જેક્શન નથી આપતા તો તે ડૉક્ટર નકામા છે. તેમને કંઈપણ આવડતું નથી…! આ તેમની વિચારસરણી હતી અને એ લોકોને પણ તેમને ઈન્જેક્શનની જરૂર હોય કે ના હોય, કંઈપણ હોય, પરંતુ ઈન્જેક્શન આપવું જ પડતું હતું..! કોઈ-કોઈવાર પેશન્ટની માંગને પણ એમણે પૂરી કરવી પડતી હતી.
મિત્રો, મારા કહેવાનો મતલબ હતો કે આપણે આ ચીજો ઉપર શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. એક જૂના સમયની ઘટના મેં સાંભળી હતી. જુના જમાનામાં જે વૈદ્યરાજ હતા, તે પોતાનો બધો સમાન લઈને ભ્રમણ કરતા હતા. અને જો એમને ખબર પડે કે આ વિસ્તારમાં આટલો જડી-બૂટીઓનું ક્ષેત્ર છે તો તે ગામમાં મહીના, છ મહિના, વર્ષભર રહેવું અને જડી-બૂટીઓનો અભ્યાસ કરવો, દવાઓ બનાવવી, પ્રયોગ કરવો, એમાંથી ટ્રેડિશન ડેવલપ કરવી, પછી ત્યાંથી બીજા વિસ્તારમાં જવું, ત્યાં કરવી… જૂના જમાનામાં વૈદ્યરાજની જિંદગી આવી હતી. એકવાર એક ગામમાં એક વૈદ્યરાજ આવ્યા તો પેશન્ટ એમને મળ્યો, તેને કંઈક ચામડીની બિમારી હતી, કંઈક મુશ્કેલી હતી, કંઈક ઠીક નહોતું થતું. વૈદ્યરાજજીને તેણે કહ્યું કે હું તો ખૂબ દવાઓ કરી-કરીને થાકી ગયો, દુનિયાભરની જડી-બૂટી ખાઈ ખાઈને મરી રહ્યો છું, મારું તો કંઈ ઠેકાણું નથી રહ્યું. અને હું ખૂબ પરેશાન રહું છું..! તો વૈદ્યરાજજીએ કહ્યું કે સારું ભાઈ, કાલે આવજે..! અઠવાડિયામાં રોજ આવે-બોલાવે, કોઈ દવા નહોતા આપતા, ફક્ત વાત કરતા રહેતા હતા..! છેવટે તેણે કહ્યું કે વૈદ્યરાજજી, તમે મને બોલવો છો પરંતુ કોઈ દવા વગેરે તો કરો..! બોલ્યા ભાઈ, દવા તો છે મારી પાસે પરંતુ તેના માટે પરેજીની ખૂબ આવશ્યકતા છે, તું કરીશ..? તો બોલ્યો અરે, હું જિંદગીથી પરેશાન થઈ ગયો છું, જે પણ પરેજી હશે તેને હું સ્વીકારી લઈશ..! તો વૈદ્યરાજ બોલ્યા કે ચાલો હું દવા ચાલું કરું છું. તો એમણે દવા ચાલુ કરી અને પરેજીમાં શું હતું..? રોજ ખીચડી અને કૅસ્ટર ઑઇલ, આ જ ખાવાનું. ખિચડી અને કૅસ્ટર ઑઇલ ભેળવીને ખાવાનું..! હવે તમને સાંભળીને પણ કેવું લાગે છે..! તો એણે કહ્યું ઠીક છે. હવે તે એક-બે મહિના તેની દવા ચાલી અને એટલામાં તો તે વૈદ્યરાજજીને થયું કે હવે બીજા વિસ્તારમાં જવું જોઇએ, તો એ તો ચાલી નીકળ્યા અને તેને બતાવી દીધું કે આ આ જડી-બૂટીઓ છે, આવી રીતે-આવી રીતે દવાઓ બનાવજે અને આમ તારે કરવાનું છે..! વીસ વર્ષ પછી તે વૈદ્યરાજજી ઘુમતા ઘુમતા તે ગામમાં ફરી પાછા આવ્યા. પાછા આવ્યા તો તે જૂનો દર્દી હતો એને લાગ્યું કે આ તો તે જ વૈદ્યરાજ છે જે પહેલાં આવ્યા હતા. તો એણે જઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા તો વૈદ્યરાજજીએ વિચાર્યું કે કયો ભક્ત મળી ગયો જે મને સાષ્ટાંગ પ્રણામ કરી રહ્યો છે..! તો બોલ્યા ભાઈ, શું વાત છે..? તો એણે પૂછ્યું કે તમે મને ઓળખ્યો..? બોલ્યા નહીં ભાઈ, નથી ઓળખ્યો..! અરે, તમે વીસ વર્ષ પહેલાં આ ગામમાં આવ્યા હતા. અને તમે એક દર્દીને એવી-એવી દવા આપી હતી, હું તે જ છું અને મારો સંપૂર્ણ રોગ જતો રહ્યો છે અને હું ઠીક-ઠાક છું.! તો વૈદ્યરાજજીએ પૂછ્યું કે સારું ભાઈ, પેલી પરેજી તે છોડી..? અરે સાહેબ, પરેજીને છોડો, આજે પણ તે જ ખાઉં છું..! મિત્રો, તે વૈદ્યરાજની આસ્થા કેટલી અને તે પેશન્ટની તપશ્ચર્યા કેટલી અને તેના કારણે પરિણામ કેટલું મળ્યું, તમે અંદાજ લગાવી શકો છો. અને એટલા માટે આપણે જે ક્ષેત્રમાં છીએ તે ક્ષેત્રને આપણે તે પ્રકારે જોવું જોઇએ. મિત્રો, આપણે ત્યાં વિવેકાનંદજીની જ્યારે વાત આવે છે તો દરિદ્રનારાયણની સેવા, આ વાત સ્વાભાવિક રીતે આવી જાય છે. આજે આપણે સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતી મનાવી રહ્યા છીએ ત્યારે આપણે વિવેકાનંદજીની તે ભાવનાને પોતાના શબ્દોમાં પ્રગટ કરીને આગળ વધી શકીએ છીએ શું?
વિવેકાનંદજી માટે જેટલું મહાત્મ્ય ‘દરિદ્ર નારાયણ’ ની સેવાનું હતું, એક ડૉક્ટર તરીકે મારા માટે પણ ‘દર્દી નારાયણ’ છે, આ દર્દી નારાયણની સેવા કરવી અને દર્દી જ ભગવાનનું રૂપ છે, આ ભાવનાને લઈને જો આપણે આગળ વધીએ તો મને વિશ્વાસ છે કે જીવનમાં આપણને સફળતાનો આનંદ અને સંતોષ મળશે. વિવેકાનંદજીની 150 મી જયંતી આપણા જીવનને મોલ્ડ કરવા માટે એક ખૂબ મોટો અવસર બનીને રહેશે. ઘણા બધા મિત્રો ગુજરાત બહારથી આવ્યા છે. ઘણા લોકો એવા પણ હશે કે જેમણે ગુજરાત પહેલી વાર જોયું હશે. અને હવે જો તમને કદાચ અમિતાભ બચ્ચન મળી જાય તો તેમને જરૂર કહેજો કે ‘હમને ભી કુછ દિન ગુજારે થે ગુજરાત મેં..!’ તમે આવ્યા છો તો ગીરના સિંહ જોવા માટે જરૂર જાવ, આવ્યા છો તો સોમનાથ અને દ્વારકા જુઓ, કચ્છનું રણ જુઓ..! એટલા માટે જુઓ કારણકે મારું કામ છે મારા રાજ્યનું ટૂરિઝમ ડેવલપ કરવું..! અને અમારા ગુજરાતીઓના લોહીમાં બિઝનેસ હોય છે, એટલે હું આવ્યો છું તો બિઝનેસ કર્યા વગર જઈ ના શકું. મારા આજકાલ આ જ બિઝનેસ છે કે આપ મારા ગુજરાતમાં ટૂરિઝમની મજા માણો, આપ ગુજરાતને જુઓ, ફક્ત આ રૂમમાં બેસી ન રહો. અધિવેશન પછી જાઓ, વચ્ચેથી ન જશો..!