રમ પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજ, મંત્રીમંડળના મારા સૌ સાથીઓ, સામાજિક ક્રાંતિ કેવી રીતે કરાય એનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં જે મિત્રોએ પૂરું પાડ્યું છે એવા મથુરદાસભાઈ તથા એમના સૌ સાથીઓ અને વિશાળ સંખ્યામાં આવેલા સૌ વ્હાલા નાગરિક ભાઈઓ અને બહેનો..!

ડીભર કલ્પના કરો કે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગયા બે દાયકાથી જે લોકહિતનો યજ્ઞ ચાલી રહ્યો છે અને જેમાં સમાજના સૌ નાના-મોટાએ ખૂબ યોગદાન કર્યું છે, એમના શબ્દ પર ભરોસો કરીને આબાલ-વૃદ્ધ સૌ એ દિશામાં ચાલ્યા છે. ઘડીભર કલ્પના કરો કે આ જ સંસ્થા, આ જ એન.જી.ઓ. એ જરા અંગ્રેજી બોલવાવાળું ટોળું જોડે રાખતા હોત, થોડા ફાટ્યા-તૂટ્યા ઝભ્ભા પહેરીને, ખભે થેલો લઈને લટકાવીને ફરતા હોત, સાંજ પડે ફાઇવ સ્ટાર હોટલોમાં પડ્યા રહેતા હોત, વિદેશોમાંથી રૂપિયા લાવતા હોત, માન-મરતબા મેળવવા માટે દુનિયાની બધી સંસ્થાઓ સાથે જાતજાતનાં અને ભાતભાતનાં કામ કર્યાં હોત તો કદાચ આ એન.જી.ઓ. ની દુનિયામાં એવી વાહવાહી ચાલતી હોત, હિંદુસ્તાનનું મીડિયા પણ એમને એવું ઉછાળતું હોત... તમે નર્મદાનો વિરોધ કરો તો દુનિયાનાં છાપાંઓમાં હેડલાઈન બને અને તમે ટી.વી. પર ચોવીસ કલાક ચમકો, પણ નર્મદાને સફળ બનાવવાનું કામ કરો તો તમે ગુનેગાર..! આવી માનસિકતાની વચ્ચે અને દેશ અને દુનિયાના આ ફાઇવસ્ટાર ઍક્ટિવિસ્ટોને હું જાહેરમાં કહું છું કે સાચા અર્થમાં સમાજનું કામ કેમ થાય, દેશ અને દુનિયાનું ભલું કેમ થાય એનો રસ્તો શોધવો હોય તો આ સૌરાષ્ટ્ર જળધારા સમિતિએ જે કામ કર્યું છે ને એના પગલે ચાલવું પડે..! આ આખાયે અવસરને ચૂંથી નાખવા માટે કેટલાંક હિત ધરાવતા તત્વો, સ્થાપિત હિતો, ગયા બે-ચાર દિવસથી જે મેદાનમાં ઊતર્યા છે એમને મારે કહેવું છે કે આ મોદીના કારણે તમને ઘણી તકલીફો પડતી હશે, તમારું ધાર્યું નહીં થતું હોય, તમારે જે ખિસ્સાં ભરવાં છે એમાં હું રૂકાવટ કરતો હોઈશ, એના કારણે તમને મારી સામે વાંધો હશે તો તમને મારા વિરુદ્ધમાં આવતું આખું અઠવાડિયું, એક સપ્તાહ ચલાવવા માટે હું નિમંત્રણ આપું છું, છૂટ આપું છું, પણ કમ સે કમ આ પવિત્ર કામને દાગ લગાવવાનું પાપ ન કરતા..! આપનો વાંધો મારી સામે હોય તો જેટલી બદનામી કરવી હોય એટલી કરો, પણ આ પવિત્ર કામની ઉપર લાંછન લગાવવાનું પાપ જે ચાર-છ દિવસથી કેટલાક લોકોએ ચાલુ કર્યું છે, મહેરબાની કરીને આ પાપ ન કરતા..! આજે સમાજમાં આવા લોકો ક્યાં છે કે જે ઘરે ઘરે ફરીને કહે કે ભાઈ આપણી પણ કંઈક જવાબદારી છે..! ભાઈઓ-બહેનો, જે કામ આ દેશના રાજનેતાઓએ કરવું જોઇએ જે નથી કરી શકતા એ કામ આ સમાજસેવકો કરી રહ્યા છે, આ વિરાટ સંખ્યામાં પધારેલા મારા ભાઈઓ-બહેનો કરી રહ્યા છે..! આપ વિચાર કરો, આ સમાજના લોકોએ આગળ આવીને આ ચેકડેમોનું, જળસિંચનનું અભિયાન ન ચલાવ્યું હોત તો આજે આપણી શું દશા થઈ હોત, મિત્રો..! બચી ગયા, આ પુરૂષાર્થના કારણે બચી ગયા..! અને આપણે બધા તો એવા લોકો છીએ કે જેમણે આપણા જીવતે જીવ આપણે કરેલા પુરૂષાર્થનાં ફળ પણ આપણી સામે જ જોયાં છે અને એટલે આપણે સાચે રસ્તે છીએ એ વિશ્વાસ આપણામાં પેદા થયો છે..!

ભાઈઓ-બહેનો, હવે પરમાત્માને ફરિયાદ કરવા જવા માટે આપણી પાસે કંઈ કારણ નથી..! આપણને બધાને ખબર છે કે એણે આપણને ગુજરાતમાં જન્મ આપ્યો છે. હવે આપણે અહીંયાં ગંગા નથી તો નથી ભાઈ, યમના નથી તો નથી, કૃષ્ણા નથી તો નથી, ગોદાવરી નથી તો નથી... અહીંયાં દોઢસો ઈંચ વરસાદ નથી પડતો તો નથી પડતો, એ હકીકત છે, ભાઈ... આપણા નસીબમાં રણ લખાયું છે એ લખાયું છે, ખારોપાટ દરિયો પડ્યો છે તો પડ્યો છે... એને તો કંઈ આપણે બદલી શકવાના નથી, પણ એટલા માટે માથે હાથ મૂકીને રડે એનું નામ ગુજરાતી નહીં..! કુદરતે જે આપ્યું છે એમાંથી રસ્તો કાઢીને, હિંમત બતાવીને, પત્થર પર પાટું મારીને પાણી કાઢવાની તાકાત બતાવે એનું નામ ગુજરાતી..! અને ગુજરાતી એકલપટ્ટો નથી હોતો. પોતાનું જ સુખ જુવે એ ગુજરાતી નહીં..! આ ગુજરાતીના સ્વભાવમાં છે કે એ આવતી પેઢીનું પણ સુખ જુવે ભાઈઓ..! અને આવતી પેઢીના સુખની ચિંતા કરવાનો આજે શિલાન્યાસ થઈ રહ્યો છે ભાઈઓ, આ કાર્યક્રમ આવનારી પેઢીઓના સુખની ચિંતા કરવાનો શિલાન્યાસ છે..!

ભાઈઓ-બહેનો, યજ્ઞો તો ઘણા જોયા છે. પુણ્ય કમાવા માટે થતા યજ્ઞો જોયા છે, પાપ ધોવા માટે કરાનારા યજ્ઞો પણ જોયા છે, સમાજમાં આબરૂ સુધારવા માટે થતા યજ્ઞો પણ જોયા છે, પણ ભાઈઓ-બહેનો, સમાજનું ભલું થાય એના માટે યજ્ઞ, પવિત્ર અગ્નિની સાક્ષીએ, ઈશ્વરની સાક્ષીએ સમાજ માટે કંઈ કરવાનો સંકલ્પ કરવાનો યજ્ઞ, આ એક અજોડ ઘટના છે, અજોડ ઘટના..! અને જે લોકો હિંદુસ્તાનનું ભવિષ્ય ઉજ્જવળ ઈચ્છે છે એવા સૌને મારી વિનંતી છે કે આ ઘટનાને હિંદુસ્તાનના ખૂણે ખૂણે પહોંચાડજો, આખા દેશના નાગરિકોને પ્રેરણા મળશે, વિશ્વાસ મળશે, એવું ભગીરથ કામ આજે અહીંયાં થયું છે. આટલો મોટો આ મેળાવડો છે, એ રાજ્ય સરકાર પાસે કશું માંગવાનો મેળાવડો નથી, ઉપરથી રાજ્ય સરકારની ચિંતા ઓછી કરવાનો યજ્ઞ છે, ભાઈ..! મને ચોક્કસ લાગે છે મિત્રો, ભલે અહીંયાં 4800 ગામના લોકો આવ્યા છે, પણ સારું થાત કે આપણે ગુજરાતના દરેક તાલુકામાંથી જો પાંચ-પાંચને લઈ આવ્યા હોય તો એ જુવે તો ખરા કે આ સમાજ-યજ્ઞ કેવો ચાલી રહ્યો છે..! આટલું મોટું કામ આપે કર્યું છે..! ગઈકાલે મને ચિંતા હતી કે આચારસંહિતા આવી છે તો મારું શું થશે, મને આ વિરાટના દર્શન કરવાની તક મળશે કે નહીં મળે..! આ ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે પરસેવો પાડનાર ભાઈઓ-બહેનોના પરસેવાની સુગંધ લેવાનું મને સૌભાગ્ય મળશે કે નહીં મળે એની મને ચિંતા હતી, પણ ઈશ્વરની કંઇક કૃપા છે, ઇલેક્શન કમિશનને લાગ્યું કે ના, ના, આ પવિત્ર કામ છે, મોદીને જવા દેવા જોઇએ, એટલે મને આવવા દીધો આજે..! એનો અર્થ એ થયો મિત્રો કે કંઈક પવિત્રતા પડી છે આ કામમાં..! રાજકીય સ્વાર્થ હોત, રાજકીય આટાપાટા હોત તો ઇલેક્શન કમિશને પણ આજે મને અહીંયાં ન આવવા દીધો હોત, મને રોકી લીધો હોત. એનો અર્થ જ એ છે ભાઈઓ, કે આ પૂર્ણરૂપે શુદ્ધ અને શુદ્ધરૂપે સામાજિક કામ છે, શુદ્ધરૂપે કુદરતની ચિંતા કરનારું કામ છે, શુદ્ધરૂપે આવતી કાલની પેઢીની ચિંતા કરનારું કામ છે અને એ ભગીરથ કામનાં દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે..!

ભાઈઓ-બહેનો, હું આપને વિશ્વાસ આપવા માગું છું. સામાન્ય રીતે કોઈ યોજના પાર ન પડવાની હોય તો એને હાથ લગાવવાનો મારો સ્વભાવ જ નથી, એ મને ફાવે જ નહીં..! કોઈને નારાજ થવું હોય થાય, પણ ના થાય એવું હોય તો હું કહી દઉં કે ભાઈ, આમાં નહીં મેળ પડે..! અને કરવા જેવું, થવા જેવું હોય તો જાત ઘસી નાખીને પણ કરવા માટે હંમેશાં કોશિશ કરતો હોઉં છું..! મિત્રો, મનમાં સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો પાણીદાર બનાવવો છે, સપનું છે કે ગુજરાતનો ખૂણેખૂણો લીલોછમ બનાવવો છે..! અને ભાઈઓ-બહેનો, જ્યારે આવી વિરાટ શક્તિનાં દર્શન કરું છું ત્યારે મારો વિશ્વાસ હજારો ગણો વધી જાય છે. ભરોસો પડે છે કે બધું થઈ શકે છે, એવો ભરોસો પડે છે, મિત્રો..!

ને યાદ છે જ્યારે હું ખેત તલાવડીઓનું અભિયાન ચલાવતો હતો ત્યારે મને ઘણા ખેડૂતો કહેતા કે સાહેબ, હવે અમારી પાસે જમીનો ક્યાં છે, બે-પાંચ વીઘા જમીન હોય અને એમાંથીયે તમે એક ખૂણો બોટી લેવાની વાત કરો, અમે ક્યાંથી ખેત તલાવડી કરીએ..? ખેતી કરીએ કે ખેત તલાવડીઓ કરીએ..? ત્યારે હું એમને સમજાવતો હતો કે ભાઈ, ગરીબમાં ગરીબ માનવી હોય, ઝૂંપડપટ્ટીમાં જિંદગી જીવતો હોય, નાનકડી એક ખોલી હોય, રાત્રે સુઈ જાય તો પગ લાંબા કરવાની જગ્યા ના હોય, તેમ છતાંય એણે એવા નાનકડા ઝૂંપડામાં પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય, રાખી હોયને રાખી જ હોય..! પગ લાંબો ન થાય, પણ પાણીનું માટલું મૂકવાની જગ્યા રાખી હોય કારણકે એના જીવનમાં એ પાણીના મહાત્મયને સમજે છે. એમ ભાઈઓ-બહેનો, આપણે ગમે તેટલા સુખી હોઇએ, સમૃદ્ધ હોઈએ, રૂપિયાની છોળો ઉડતી હોય, બધું જ હોય, પણ આપણે ન ભૂલીએ કે જેમ ગરીબના ઘરમાં પણ પીવાના પાણી માટે માટલાંની જરૂર હોય છે, એમ આ ધરતીમાતાને પણ પીવા માટે પાણીના માટલાંની જરૂર હોય છે, આ તમારા ખેતરના ખૂણે કરેલી ખેત તલાવડી એ ધરતીમાતા માટેનું માટલું છે..! અને ભાઈઓ-બહેનો, ધરતીમાતાને પાણી પીવડાવવાના પૂણ્યકાર્યથી પોતાની માની સેવા કરતાં પણ વધારે આશીર્વાદ મળતા હોય છે અને એટલા માટે આ ખેત તલાવડીના અભિયાનને આપણે તાકાત આપીએ..! અને અઠવાડિયાથી વધારે ટાઈમ નથી જતો, ભાઈ. ખેત તલાવડીનો એક મોટો લાભ તમને ખબર છે..? જ્યારે આ ખેત તલાવડીનું આપણે અભિયાન ઉપાડ્યું, ત્યારે એટલી જ વાત ધ્યાનમાં હતી કે ભાઈ, પાણી રોકાશે અને પંદર-વીસ દિવસ જો વરસાદ ખેંચાઈ ગયો તો તે પાણી જે રોકાણું હશે તે કામમાં આવશે, ખેત તલાવડી હશે તો જમીનમાં જરા અમી રહેશે... આવા બધા વિચારો મનમાં હતા, પણ જ્યારે પ્રયોગ સફળ થયો ત્યારે એક આશ્ચર્યજનક અહેવાલ મારી સામે આવ્યો, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જમીન, જેવો વરસાદ પડે અને પાણી નીચે ઉતરે એટલે ખારાશ ઉપર આવે, ખારાશ ઉપર આવે એટલે જમીનની જે ઉપરની પરત હોય છે એ લગભગ ખારાશવાળી થઈ જાય અને એના કારણે પાકના ઉત્પાદનમાં મોટામાં મોટું નુકશાન થાય..! ખેત તલાવડી બનાવવાના કારણે થયું એવું કે ખેતરમાં પાણી પડ્યા પછી ઉતરવાને બદલે એ પાણી રગડીને પેલા ખાબોચિયાં, તળાવ, ખેત તલાવડીમાં જવા માંડ્યું, એ જવા માંડ્યું તો જોડે જોડે ખારી પરત પણ લઈ ગયું અને એના કારણે કલ્પના બહારનો જમીનમાં સુધારો થયો. આ કલ્પના બહારનો જમીનમાં જે સુધારો થયો એણે પેલી નાનકડી ખેત તલાવડીમાં જે જમીન રોકાણી હતી એના કરતાં ઉત્પાદનમાં દસ ગણો વધારો કરી આપ્યો. આ સીધેસીધો ફાયદો જોવા મળ્યો..! અને તેથી ભાઈઓ-બહેનો, જેમ ખેતીના રક્ષણ માટે વાડ કરવા માટે આપણે કાળજી લઈએ છીએ, જેમ ખેતીના રક્ષણ માટે સમય સમય પર આપણે જમીનની કાળજી લઈએ છીએ, એવી જ રીતે દર વર્ષે ખેત તલાવડી સરખી કરવી, પાણીના ઓવારા સરખા કરવાનું પુણ્ય કામ કરીએ તો આપણે ન કલ્પ્યું હોય એટલો ફાયદો થવાનો છે..!

ભાઈઓ-બહેનો, કલ્પસરની યોજના..! મારે આજે આનંદ અને ગર્વ સાથે કહેવું છે કે લગભગ 80% ફીઝિબિલિટી રિપૉર્ટનું કામ આપણે પૂર્ણ કરી દીધું છે. અને કલ્પસર યોજનામાં એક મહત્વનો ભાગ છે કે જે નર્મદાનું પાણી સરદાર સરોવર ડૅમમાંથી છલકાઈને નીકળ્યા પછી દરિયામાં જાય છે, તો ભરૂચ પાસે ભાડભૂતમાં આ નર્મદાનું પાણી આપણે રોકવા માંગીએ છીએ. લગભગ 4000 કરોડ રૂપિયાના ખર્ચે ભાડભૂતનો બૅરેજ બનાવીશું અને સરદાર સરોવર ડૅમથી લઈને દરિયા સુધીનો આખો પટ્ટો પાણીથી ભરાશે અને પછી એમાંથી એક કૅનાલ કલ્પસર તરફ જશે. એટલે આખી નર્મદાનું વધારાનું પાણી કલ્પસરમાં ઠલવાય એના માટેનું એક ભગીરથ કામ અને એનો એક ભાગ એટલે ભાડભૂતનો બૅરેજ..! 4000 કરોડ રૂપિયાના કામનું ટેન્ડર લગભગ થોડા દિવસમાં નીકળી જવાનું છે, એનો અર્થ એ કે કલ્પસરના કામની શુભ શરૂઆતનાં મંડાણ થઈ જવાનાં છે..! એક વાત નક્કી છે કે આવનારા સો વર્ષના ગુજરાતના પાણીના પ્રશ્નનો નિકાલ કરવાની તાકાત આ કલ્પસરની યોજનામાં છે, અને એને માટે આપણે કામે લાગ્યા છીએ..!

ભાઈઓ-બહેનો, આપ વિચાર કરો, ‘સૌની યોજના’ દ્વારા 115 જેટલાં જળાશયો, તળાવો, નાળાંઓ, આ બધું ભરાવાનું છે. ઈશ્વર ઘણીવાર આફત લાવે છે, પણ આફતને અવસરમાં પણ પલટી શકાય છે..! ‘સૌની યોજના’ ને સફળ કરવા માટે કુદરતે કદાચ આ વખતે આપણી કસોટી કરી છે એવું મને લાગે છે. તકલીફ તો પડી છે..! બાર વર્ષથી આપણે એ.સી. માં રહ્યા હોઇએ અને અચાનક વીજળી જતી રહે તો કેવી તકલીફ પડે, એમ બાર વર્ષથી પાણીમાં ધબાકા માર્યા છે અને એમાં અચાનક પાણી ગયું એટલે તકલીફ તો થાય જ..! પણ તેમ છતાંય, આ આફતને અવસરમાં પલટવા માટે આપણે એક મોટું કામ કર્યું છે કે જેટલાં જળાશયો છે, સેંકડો કરોડો રૂપિયા ખર્ચીને એ જળાશયો, બંધ બન્યા હતા, પણ એના પછી ક્યારેય એમાં ડિસિલ્ટીંગનું કામ નહોતું થયું, જે કાંપ ભરાયો હતો એ કાંપ ઓછો કરવાનું કામ થયું ન હતું, તેથી આ બધા ડૅમ લગભગ ભરાઈ ગયા હતા. આપણે આ પાણીના અભાવને અવસરમાં પલટીને બધી જ જગ્યાએથી આ બધા જ જળાશયો ઊંડા કરવાનું કામ ઉપાડ્યું છે. એના કારણે આજે આપણી જળાશયોની જે સંગ્રહશક્તિ છે એ ખાલી અને ઊંડા કરવાને કારણે લગભગ ડબલ થઈ જવાની છે અને જ્યારે ‘સૌની યોજના’ નું પાણી આવશે ત્યારે આપણે ધારીએ છીએ એના કરતાં સંગ્રહશક્તિ ડબલ કરવાની દિશામાં આપણે સફળ થઈશું..! અને કદાચ પાણી આવ્યું હોત, વરસાદ પૂરતો પડ્યો હોત, તો કદાચ આ ડૅમ ઊંડા કરવાનું કામ રહી ગયું હોત. તો ઈશ્વરે પૂર્વ તૈયારી કરાવી હોય એમ મને લાગે છે અને એનો અર્થ કે ઈશ્વરની પણ ઈચ્છા છે કે ભાઈ, આ તમે બધાં જે કામ ઉપાડ્યાં છે, તેના માટે હું તમને મદદ કરું. અને આપણે ઈશ્વરે જે પરિસ્થિતિ પેદા કરી છે એને અવસરમાં પલટીને આજે કરોડો કરોડો ટન કાંપ અને માટી આ આપણા જળાશયોમાંથી બહાર કાઢીએ છીએ અને જૂન મહિનો આવતાં સુધીમાં તો આ બધું કામ પૂરું કરવાની નેમ સાથે યુદ્ધના ધોરણે કામ ઉપાડ્યું છે..!

મારી આપ સૌની પાસે એક બીજી મદદની વિનંતી છે. આપણે પણ ગામમાં બે કે ચાર દિવસ જો શ્રમ કાર્ય ઉપાડીએ, વધારે નહીં, બે કે ચાર દિવસ... તો બે કે ચાર દિવસમાં જ આપણા ગામ આસપાસના જે બાર, પંદર, પચીસ ચેકડૅમ છે, એની જો માટી અને કાંપ કાઢી કાઢીને ખેતરોમાં લઈ જઈએ, તો આપના ખેતરને પણ લાભ થશે, અને સરકાર મફતમાં આ કાંપ લઈ જવાની છૂટ આપે છે, કોઈ તમને પૂછશે નહીં અને જો આપણે આ કાંપ લઈ જઈએ તો આપણા ખેતરને પણ લાભ થશે અને આ આપણા ચેકડૅમોમાં પણ કાંપ ભરાઈ જવાના કારણે જે પાણી ઓછું ભરાય છે, એ પણ ખુલ્લા થઈ જશે. આપણે આ બે-ચાર દિવસનું એક અભિયાન, નાગરિક અભિયાન ઉપાડીએ અને ચેકડૅમની પણ સંગ્રહશક્તિ વધે એના માટેનું જો કામ ઉપાડીશું તો મને ખાત્રી છે ભાઈઓ-બહેનો, કે આ ‘સૌની યોજના’ ને સાચા અર્થમાં પરિણામકારી યોજના બનાવવામાં આપણે યશસ્વી થઈશું..! ભાઈઓ-બહેનો, જળસંચયનું જેમ કામ છે એમ એક વાત નક્કી છે મિત્રો, હવે આખે આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે ઊભું થવાનું છે, આખું નવું ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકિનારે આકાર લેવાનું છે. પાંચ-પચીસ-પચાસ વર્ષે આખું નવું ગુજરાત તમે જોશો. ત્યારે પાણીની કેટલી બધી જરૂરિયાત ઊભી થશે એનો અંદાજ કરી શકો છો. અને એટલા માટે આપણે દરિયાનું પાણી મીઠું કરવા માટેનું એક મોટું અભિયાન ઉપાડ્યું છે. વિશ્વની પ્રસિદ્ધ કંપનીઓની સાથે કરાર કર્યા છે અને દરિયાનું પાણી મીઠું કરીને દરિયાકિનારે જે નવાં શહેરો બનવાનાં છે એના માટે પાણીનો ઉત્તમ પ્રબંધ થાય એના માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજું આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, ગુજરાતની અંદર 50 નાના-મોટાં નગર એવાં પકડ્યાં છે, જે 50 નગરોમાં સૉલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ કરીને, પાણીને રીસાઇકલ કરીને, ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને એ પાણી એ નગરની આસપાસના ગામડાંના ખેડૂતોને મળે. એ પાણી સાચા અર્થમાં ખેતી માટે ઉપકારક હોય છે. ગટરનું પાણી વહી જાય છે, એ પાણીને બચાવવા માટે પણ અરબો-ખરબો રૂપિયા ખર્ચવાના અભિયાન સાથે આપણે કામ કરી રહ્યા છીએ..! દરિયાનું પાણી, ગટરનું પાણી, વરસાદનું પાણી, નદીઓનું પાણી, પાણી માત્રનો બગાડ ન થાય, એનો સંચય થાય, એવા એક હોલિસ્ટિક ઍપ્રોચ સાથે આપણે કામ કરી રહ્યા છીએ.

જેમ જળ-સંચય માટે કામ કરી રહ્યા છીએ, એમ જળ-સિંચન માટે પણ કામ કરી રહ્યા છીએ. પાણી ટપક સિંચાઈથી વપરાય, અને આપણે જોયું છે કે બનાસકાંઠા, જ્યાં ધૂળની ડમરીઓ ઊડતી હતી, ત્યાંના ખેડૂતો પાણી વગર વલખાં મારતા હતા. આજે એ લોકો ટપક સિંચાઈમાં ગયા અને ભાઈઓ-બહેનો, મારે કહેવું છે, આજે દુનિયાની અંદર એકર દીઠ હાઇએસ્ટ બટાકા પેદા કરવાનું ઈનામ જો કોઈને મળતું હોય, તો બનાસકાંઠાના ખેડૂતોને મળે છે..! એકર દીઠ વધુમાં વધુ બટાકા દુનિયામાં સૌથી વધારે પેદા કરે છે અને કર્યા છે કઈ રીતે..? ટપક સિંચાઈથી..! અને બીજું, મારી માતાઓ-બહેનોને વિનંતી છે કે તમે તો ઘરમાં નક્કી કરો કે ટપક સિંચાઈ નહીં લાવો તો રસોઈ નહીં બને. કારણ..? આજે ખેતરમાં નીંદામણનું કામ આ મારી માતાઓ-બહેનોને કરવું પડે છે. એમની કમર તૂટી જાય છે, ચાર-ચાર કલાક વાંકાને વાંકા રહીને ખેતરમાં નીંદામણ કરતા હોય છે. અને ખેડૂતના દરેક કુટુંબમાં માતાઓ-બહેનોએ આ કામ કરવું પડે છે. આ ટપક સિંચાઈ આવે તો આ નીંદામણનું કામ જ ના રહે..! સૌથી પહેલો લાભ મળે મારી માતાઓ-બહેનોને. એમના ચાર-પાંચ કલાક આ કાળી મજૂરીમાંથી બચી જાય તો છોકરાંઓને સંસ્કાર મળે, શિક્ષણ મળે અને કુટુંબ જાજરમાન બની જાય..! આ મારી માતાઓ-બહેનોની મહેનત બચાવવા માટે, આ નીંદામણ કરવાની મુસીબતમાંથી બહાર લાવવા માટે ટપક સિંચાઈ ઉત્તમમાં ઉત્તમ કામ છે. પાક પેદા થાય છે, પાણી બચે છે, મજૂરી બચે છે, સમયગાળોય બચે છે..! ફ્લડ વૉટરથી જે પાક ચાલીસ દિવસમાં થતો હોય, ટપક સિંચાઈથી એ ત્રીસ-બત્રીસ દિવસમાં થઈ જાય છે. અઠવાડિયું વહેલાં થાય છે, આનો લાભ બજારની અંદર મળતો હોય છે. અને ટપક સિંચાઈમાં તમારે કાણી પાઈ ખર્ચવાની નથી, એક લાખ રૂપિયાનો ખર્ચો હોય તો તમારે ખિસ્સામાંથી માત્ર પાંચ હજાર રૂપિયા કાઢવાના છે, બાકીના પૈસા સરકાર આપે છે..! આપણો મંત્ર છે, ‘પર ડ્રૉપ, મૉર ક્રૉપ’..! એક એક ટીપામાંથી સોનું પકવવું છે, આ મંત્ર લઈને આપણે ચાલીએ છીએ અને એમાં આપણે આગળ વધવા માગીએ છીએ..!

ભાઈઓ-બહેનો, સરદાર સરોવર ડૅમ ઉપર દરવાજા મૂકવાના છે. એક-એક દરવાજો છ માળના મકાન જેવડો છે, અને એવા છત્રીસ દરવાજા છે..! આજે કામ શરૂ કરું ને તો પણ પૂરું કરવું હોય તો ત્રણ વર્ષ લાગે, એટલું બધું કામ છે. દરવાજા રૅડી પડ્યા છે, હું પ્રધાનમંત્રીને પંદર વખત મળ્યો છું, આ અમારા રૂપાલાજીના નેતૃત્વમાં અડવાણીજી સહિત અમારા બધા એમ.પી. પ્રધાનમંત્રીને પચીસ વખત મળ્યા છે અને દર વખતે પ્રધાનમંત્રી એમ જ કહે છે, “અચ્છા, અભી નહીં હુઆ હૈ..?”, બોલો, દર વખત એમ જ કહે છે, “અભી નહીં હુઆ હૈ..?” હવે મેં એમને સમજાવ્યું કે સાહેબ, દરવાજા ઊભા કરીએ તોય ત્રણ વર્ષ લાગે છે, અમને ઊભા કરવા દો. તમને પ્રોબ્લેમ હોય તો દરવાજો બંધ નહીં કરીએ, તમે રજા નહીં આપો ત્યાં સુધી પાણી ભેગું નહીં કરીએ, પણ નાખવા તો દો..! તો કહે કે આમાં તો શું વાંધો છે, એ તો હવે કરી શકાય..! હવે આ તમને સમજણ પડે છે ને ભાઈ, દરવાજા બંધ ન કરીએ તો કોઈને તકલીફ પડે, ઊભા કરવામાં કંઈ વાંધો છે..? આ તમને સમજાય છે ને, આ દિલ્હી સરકારવાળાને નથી સમજાતું..! આટલી વાત સમજાતી નથી. કહી કહીને હું થાકી ગયો, સમજાવી-સમજાવીને થાકી ગયો, પણ એ કામ કરવાની પરમિશન આપતા નથી અને આપણું આ કામ બગડી રહ્યું છે..! ભાઈઓ-બહેનો, ખાલી ગુજરાતનું જ નહીં, જો આ દરવાજા નાખીએ અને પાણી ભરાવા માંડે, તો આ મહારાષ્ટ્રમાં જે વીજળીનો પ્રશ્ન છે, અંધારપટ છે ને એ ય દૂર થઈ જાય, કારણકે વીજળી આપણે મહારાષ્ટ્રને આપવાની છે..! આ પાણીમાંથી જે વીજળી થાય એનો મોટો ભાગ મહારાષ્ટ્રને મળવાનો છે, તોયે કરતા નથી બોલો, એમની સરકાર છે મહારાષ્ટ્રમાં..! પડી જ નથી, એમને કશી પડી જ નથી. એ લોકો તો આ ભાણિયા, ભત્રીજા અને કાકા-મામાને સાચવવામાં જ પડી ગયા છે..! કોઈ બાકી નથી, હવે તો ભાણિયા પણ મેદાનમાં આવી ગયા, બોલો..! જેને લૂટવું હોય એ લૂંટો, આ જ કામ કરવું છે, ભાઈ..! અને એટલા માટે ભાઈઓ-બહેનો, ચાહે કલ્પસરની યોજના હોય, ચાહે સરદાર સરોવર ડૅમની યોજના હોય, ચાહે સમુદ્રનું પાણી મીઠું કરવાની યોજના હોય, આપણે એક ભગીરથ કામ ઉપાડ્યું છે..!

કામની સાથે સાથે એક બીજું પણ સપનું છે. સરદાર સરોવર ડૅમ હોય કે ગુજરાતનો ખેડૂત હોય, આઝાદીના આંદોલનમાં ગુજરાતના ખેડૂતને માટે ક્રાંતિના બીજ વાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું. હિંદુસ્તાને જે સરદાર પટેલને હજુ શ્રદ્ધાંજલિ નથી આપી, એવી શ્રદ્ધાંજલિ ગુજરાત અપવા માંગે છે અને એટલા માટે જ્યાં સરદાર સરોવર ડૅમ છે ત્યાં જ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સરદાર પટેલનું પૂતળું પણ મારે મૂકવું છે..! દુનિયાના ઊંચામાં ઊંચા સ્ટેચ્યૂ પૈકીનું એક ‘સ્ટેચ્યૂ ઑફ લિબર્ટી’, આ સ્ટેચ્યૂ એના કરતાં પણ ડબલ બનશે..! લગભગ સાંઇઠ માળના મકાન જેટલા ઊંચા સરદાર પટેલ ઊભા હશે અને આખી દુનિયાને રસ્તો બતાવતા હશે..! અને એને પણ મારે આ સરદાર સરોવર યોજના સાથે જોડીને કામ કરવું છે..!

ભાઈઓ-બહેનો, હમણાં બેન ભાષા કેટલા આત્મવિશ્વાસ સાથે બોલતી હતી..! એમાં લાગણી પડી હતી, એક નાનકડી વિનંતી કરે છે આપણને, આપણને બધાને કહે છે કે કમ સે કમ અમને વારસામાં પાણી તો મૂકતા જજો..! અમને વારસામાં ઝાડ, ડાખળાં, પાણી, ફૂલ, પૌધા કંઈક તો આપતા જજો, કંઈક હરિયાળી તો આપતા જજો..! એક દિકરી આપણી પાસે માગે છે, અને ત્યારે એક સમાજ તરીકે આપણું કર્તવ્ય છે, સમાજ તરીકે આપણી જવાબદારી છે. આમાં કોઈ રાજકીય આટાપાટા ન હોય ભાઈ, કોંગ્રેસવાળો હોય એનેય પીવા પાણી જોઇએ અને ભાજપવાળો હોય એનેય પીવા પાણી જોઇએ. આમાં કોઈ રાજકારણ ના હોય..! પાણી એ તો પરમેશ્વરનો પ્રસાદ છે, એ સૌની જરૂરિયાત છે અને સૌની જવાબદારી પણ છે..! ભાઈઓ-બહેનો, આ ‘સૌની યોજના’ ની સફળતાના મૂળમાં આ ક્રાંતિ મોટું કામ કરવાની છે. ભાઈઓ, મારી નજર પહોંચે ત્યાં સુધી માણસો જ માણસો છે. આવા ધોમધખતા તાપમાં કશું લેવાનું ના હોય અને તેમ છતાં આટલો મોટો સમાજ આવનારી પેઢીની ચિંતા-ચર્ચા કરવા ભેગો થાય, ભાઈઓ-બહેનો, આ ઘટના નાની નથી..! દુનિયાના પર્યાવરણવિદોને હું કહું છું, જરા જુઓ આ શું થઈ રહ્યું છે..! આ મારા ગુજરાતનો ગામડાનો ખેડૂત, જેને પર્યાવરણ શબ્દ પણ કદાચ જીવનમાં વાંચવાનો અવસર નથી આવ્યો, એ આજે આવનારી પેઢીઓના પર્યાવરણની ચિંતા કરવા માટે પસીનાથી રેબેઝેબ થઈને અહીંયાં બેઠો છે. ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિ છે, અને આ સમાજની શક્તિ પરિવર્તન લાવે છે. મારી બધા જ રાજકીય પક્ષોને વિનંતી છે, મીડિયાના પણ મિત્રોને વિનંતી છે, કે આમાં સરકારને કોઈ ક્રૅડિટ આપવાની જરૂર નથી, આ સમાજની શક્તિ છે અને આપણે બધા એના ચરણોમાં વંદન કરીએ છીએ. અને તેથી કોઈ આટાપાટા વગર, માત્રને માત્ર પાણી, માત્રને માત્ર ગુજરાતની આવતી કાલ, માત્રને માત્ર ગુજરાતની ભાવિ પેઢીનું ભલું થાય એની મથામણ, એમાં આપણે બધા સહયોગ આપીએ..!

પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી ક્રાંતિકારી વિચારો ધરાવે છે. મને યાદ છે જ્યારે મારી વિરુદ્ધમાં ખેડૂતોનાં આંદોલન ચાલતાં હતાં, વીજળીના મુદ્દે તોફાનો કરતા હતા ત્યારે પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મારી પડખે ઊભા હતા અને ખેડૂતોને બોલાવીને કહેતા હતા કે તમે ખોટા રસ્તે છો, આ મોદી કહે છે કે પાણી બચાવો..! મને યાદ છે બરાબર, લડતા હતા મારા માટે થઈને..! અને આજે એમના આશીર્વાદ આ પવિત્ર કામ માટે આપણને મળ્યા છે. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે આપે નક્કી કર્યું છે ને..? થઈને જ રહેવાનું..! અને હું આપને વિશ્વાસ આપું છું, અમારે પાંચ ડગલાં ચાલવાનું હશે ત્યાં અમે સવા પાંચ ડગલાં ચાલી બતાવીશું પણ ભાઈઓ-બહેનો, આ સમાજની શક્તિથી જ થવાનું છે. અને આ વર્ષે ગામે-ગામ ખેત તલાવડીઓના હિસાબ કરીશું, બોરીબંધ કરીએ, ચેકડૅમને ફરી પાછા જરા તાજા તમતમતા કરીએ, કાંપ-બાંપ ભેગો થયો હોય તો કાઢી નાખીએ... મોટા જળાશયોના કાંપ કાઢવાનું કામ સરકાર કરી રહી છે, મશીનો મૂકી-મૂકીને કામ કર્યું છે. અને એમાંય મારી ખેડૂતોને વિનંતી છે, આ મોટા-મોટા જળાશયોમાંથી અમે જે કાંપ ઉલેચી રહ્યા છી, એ તમે ઉપાડી જાવ. તમારો જ છે, ખેતરોમાં નાખો અને ખેતરોને સમૃધ બનાવો..! ભાઈઓ-બહેનો, આ ધરતી તમારી છે, આ ભાગ્ય તમારું છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, જેણે એક જ કામ કરવાનું છે કે આડે નહીં આવવાનું, બસ..! અને અમે આડે ના આવીએ ને એટલે તમારે આડે કશું ન આવે..! અને આટલી મોટી શક્તિ જોઈએ, તો અમનેય તમારી જોડે ચાલવાનું મન થાય, અમનેય તમારી પાછળ-પાછળ આવવાનું મન થાય..! એવાં શક્તિનાં દર્શન કરાવ્યાં છે. સાચા અર્થમાં આ એક પવિત્ર કામ આપે ઉપાડ્યું છે. હું આપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશ્વાસ આપું છું કે આપણે જે કામ ઉપાડ્યું છે તે આપણે નિર્ધારીત સમયમાં કરીને રહીશું અને જે પાણી આપણી મુસીબતનું કારણ હતું, તે જ પાણી આપણી પ્રગતિનું પણ કારણ બનશે એવા વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ એ જ શુભકામના..! ફરી એકવાર આ કામ કરનાર મિત્રોને લાખ લાખ અભિનંદન આપું છું..!

ય જય ગરવી ગુજરાત..!

ય જય ગરવી ગુજરાત..!

Explore More
৭৮ তম স্বাধীনতা দিবস উপলক্ষ্যে নয়াদিল্লির লালকেল্লার প্রাকার থেকে প্রধানমন্ত্রীর ভাষণ ১৫ই আগস্ট , ২০২৪

জনপ্রিয় ভাষণ

৭৮ তম স্বাধীনতা দিবস উপলক্ষ্যে নয়াদিল্লির লালকেল্লার প্রাকার থেকে প্রধানমন্ত্রীর ভাষণ ১৫ই আগস্ট , ২০২৪
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Dr. Manmohan Singh will always be remembered as a kind person, a learned economist and a leader dedicated to reforms: PM
December 27, 2024
Dr. Singh's life teaches future generations how to rise above adversity and achieve great heights: PM
Dr. Singh will always be remembered as a kind person, a learned economist, and a leader dedicated to reforms: PM
Dr. Singh's distinguished parliamentary career was marked by his humility, gentleness, and intellect: PM
Dr. Singh always rose above party politics, maintaining contact with individuals from all parties and being easily accessible to everyone: PM

The demise of former Prime Minister Dr. Manmohan Singh ji has deeply pained our hearts. His passing is a tremendous loss for us as a nation. Coming to Bharat during the time of partition after losing so much, and achieving remarkable success in every field of life, is no ordinary feat. His life serves as a lesson for future generations on how to rise above hardships and challenges to reach great heights.

He will always be remembered as a kind-hearted individual, a scholarly economist, and a leader dedicated to reforms. As an economist, he served the Government of Bharat in various capacities. During a challenging time, he played the role of the Governor of the Reserve Bank of India. As the Finance Minister in the government of former Prime Minister and Bharat Ratna Shri P.V. Narasimha Rao ji, he steered the country out of a financial crisis and paved the way for a new economic direction. His contributions as the Prime Minister towards the country’s development and progress will always be cherished.

His commitment to the people and the nation's development will forever be held in high regard. Dr. Manmohan Singh ji's life was a reflection of honesty and simplicity. He was an extraordinary parliamentarian. His humility, gentleness, and intellect defined his parliamentary life. I remember mentioning earlier this year, when his tenure in the Rajya Sabha ended, that his dedication as a Member of Parliament is an inspiration to all. Even during crucial moments of parliamentary sessions, he would attend in a wheelchair and fulfil his parliamentary duties.

Despite being educated at some of the world's most prestigious institutions and holding numerous top positions in the government, he never forgot the values of his humble background. Rising above partisan politics, he always maintained connections with people across party lines and remained approachable to everyone. During my tenure as Chief Minister, I had open discussions with Dr. Manmohan Singh ji on various national and international issues. Even after coming to Delhi, I would frequently meet and converse with him. I will always remember our discussions about the country and our meetings. Recently, I spoke to him on his birthday.

In this difficult moment, I extend my condolences to his family. On behalf of all the citizens of the country, I pay tribute to Dr. Manmohan Singh ji.