રાજ્યમાં આગામી પાંચ વર્ષમાં સ્પીનીંગ કેપેસીટી વધે તે માટે વધુ ૨૦ લાખથી વધુ સ્પીન્ડલ્સના નિર્માણ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરાશે : નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને પ્રવકતા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ
રાજ્યમાં નવી ટેક્ષટાઇલ પોલીસી ૨૦૧૨ ના નોટીફીકેશન જાહેર
રાજ્યમાં કપાસ પકવતા ખેડૂતોને વધુ સારા ભાવ મળશે
રાજ્યમાં કપાસથી માંડી તૈયાર કપડાનું ઉત્પાદન કરતાં એકમોને પ્રોત્સાહન મળશે
ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોના ઉત્પાદનમાં વધારો થાય અને ખેડૂતોને કપાસના વધુ સારા ભાવ મળી રહે અને ગુજરાતમાં કપાસ ઉત્પાદનથી માંડીને કપાસનું જીનીંગ પ્રોસેસીંગ કરતી ફેકટરીઓ, યાર્નનું ઉત્પાદન કરતી સ્પીનીંગ મિલો અને કાપડ બનાવતી કાપડ મિલો તેમજ કાપડમાંથી તૈયાર કપડા બનાવતી ફેકટરીઓની કામગીરીનો વ્યાપ વધે અને ગુજરાતમાં જીનીંગ, સ્પીનીંગ, વીવીંગ અને ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં નવું મૂડી રોકાણ થાય તેમજ ફેકટરીમાં હજારો યુવક-યુવતીઓને નવી રોજગારીની તકો પ્રાપ્ત થાય તેની સાથે ગુજરાતના કપાસનું વેલ્યુ એડીશન ગુજરાતમાં જ થાય. જેનાથી કિસાનોને ઉત્પાદનનું મૂલ્ય વધુ સારુ મળે તેવી દીર્ઘ દ્રષ્ટિથી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં નવી ટેકસટાઇલ પોલીસીની જાહેરાત કરી હતી. તે અંગેની તમામ વહીવટી અને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી આ ટેકસટાઇલ પોલીસી અમલમાં લાવવા નાણા અને ઉદ્યોગ વિભાગે નોટીફીકેશનો જાહેર કર્યા છે. તેમ નાણા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને અને પ્રવકતા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યુ છે.
મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ હતુ કે, આ પોલીસી હેઠળ નીચે મુજબના ઉદ્યોગોને લાભો મળવાપાત્ર થશે.
- જીનીંગ એન્ડ પ્રેસીંગ, કોટન સ્પીનીંગ, વિવીંગ, ડાઇંગ એન્ડ પ્રોસેસીંગ, નીટીંગ, ગારમેન્ટસ/મેડ અપ્સ, મશીન કારપેટીંગ, મશીન એમ્બ્રોઇડરી, ક્રીમ્પીંગ, ટેક્સચુરાઇઝીંગ, ટ્વીસ્ટીંગ, વાઇન્ડીંગ, સાઇઝીંગ વિગેરે ટેક્ષટાઇલ વેલ્યુ ચેઇનની સમગ્ર પ્રવૃત્તિઓ અને નવા ઉદ્યોગોની સ્થાપના માટે તથા હયાત ઉદ્યોગોના વિસ્તૃતિકરણ/ વૈવિધ્યકરણ/આધુનિકરણ માટે સહાય મળશે.
- મંજૂર થયેલ ટર્મ લોન ઉપર સ્પીનીંગ અને ગારમેન્ટસ/મેડ અપ્સ પર ૭% ના દરે વ્યાજ સહાય, ટેકનીકલ ટેક્ષટાઇલ ક્ષેત્રને ૬% વ્યાજ સહાય અને અન્ય ઉપરોક્ત દર્શાવેલ પ્રવૃત્તિઓ માટે વધુમાં વધુ ૫ વર્ષ માટે ૫% ના દરે વ્યાજ સહાય.
- કોટન સ્પીનીંગ અને વિવીંગ યુનિટને ૫ વર્ષ સુધી ૧ રૂપિયો પ્રતિ ૧ યુનિટ પાવર ટેરીફ સબસીડીનો લાભ આપવામાં આવશે.
- ઉર્જા બચત, પાણી બચત અને પર્યાવરણના અનુપાલન માટે થતાં ખર્ચ સામે ૫૦% લેખે મહતમ રૂ.૫૦,૦૦૦/- ની સહાય અપાશે. વધુમાં આ પ્રમાણેની કામગીરી કરવા સાધનો ખરીદવા ઉપર ૨૦% લેખે મહતમ રૂ.૨૦ લાખની સહાય આપવામાં આવશે.
- તૈયાર કપડા બનાવવાની એપરલ તાલીમ સંસ્થાઓ સ્થાપવા માટે બિલ્ડીંગ, પ્લાન્ટ અને મશીનરી, ઇલેક્ટ્રીફીકેશન અને ફર્નીચરના થતાં મુડીરોકાણના ૮૫% લેખે મહત્તમ રૂપિયા ત્રણ કરોડની સહાય આપવામાં આવશે.
- વધુમાં યુવક-યુવતિઓને આવા પ્રકારના ઉદ્યોગોમાં રોજગારી મળે તેમજ તેઓને તાલીમ આપવા તેમજ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે મશીનરી, ફર્નીચર, ઇક્વીપમેન્ટ અને ઇલેક્ટ્રીફીકેશન માટે ૫૦% લેખે મહત્તમ રૂ.૨૦ લાખની સહાય. તાલીમાર્થીઓની ટ્યુશન ફીમાં ૫૦% સુધી વધુમાં વધુ રૂ.૭૦૦૦ પ્રતિ કોર્ષની તાલીમ સહાય આપવામાં આવશે.
- અટીરા અને મંત્રા દ્વારા સંચાલિત પાવરલુમ તાલીમ કેન્દ્રોનાં તાલીમાર્થીઓને પ્રતિ તાલીમાર્થીને માસિક રૂ.૨૫૦૦ સ્ટાઇપેન્ડ.
- ટેક્ષટાઇલ અને એપરલ પાર્કની સ્થાપના માટે સામૂહિક માળખાકીય સવલતોની વ્યવસ્થા માટે કુલ પ્રોજેક્ટના ૫૦% લેખે વધુમાં વધુ રૂ.૧૦ કરોડની સહાય આપવામાં આવશે.
- રાજ્યમાં સ્પીનીંગ પાર્ક કે જ્યાં એક કરતાં વધુ સ્પીનીંગ એકમો સ્થપાનાર છે ત્યાં સામૂહિક માળખાકીય સવલતોની વ્યવસ્થા માટે કુલ પ્રોજેક્ટના ૫૦% લેખે વધુમાં વધુ રૂ.૩૦ કરોડની સહાય આપવામાં આવશે.
આ યોજનામાં વેટ કાયદા હેઠળના લાભોમાં એકમની ખરીદી બાજુએ તેની ઉત્પાદિત પ્રોડકટ માટેના કાચામાલની ખરીદી પર ચુકવેલ વેરો એકમને પરત (રીફંડ) મળશે. ફેકટરીના વિસ્તૃતીકરણના કિસ્સામાં જુની અને નવી એમ બન્ને મશીનરી દ્વારા થતાં ઉત્પાદન માટે લાભ મળશે. એકમ દ્વારા ઉત્પાદિતમાલના વેચાણો પર એકમે વેરો ઉઘરાવીને સરકારી તિજોરીમાં ભરવાનો રહેશે. રાજયમાં થતાં વેચાણો પર ઉઘરાવેલ વેરા જેટલી રકમ આવા એકમને એક માસમાં રીઇમ્બર્સ (પરત ચૂકવણી) કરવામાં આવશે.
એકમ દ્વારા પ્લાન્ટ અને મશીનરીમાં કરવામાં આવતાં માન્ય કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની ૧૦૦% રકમના લાભો મળશે. વેટ પ્રોત્સાહનોની કુલ રકમના ૮ વર્ષ સુધી સરખા હપ્તામાં એકમને પ્રોત્સાહન લાભ મળશે.
ટેક્ષટાઇલ પોલિસીના પ્રોત્સાહનના કારણે રાજ્યમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાશે અને હાલના ઉદ્યોગોનું આધુનિકરણ તેમજ વિસ્તૃતીકરણ થશે જેનાથી હજારો નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ પ્રવકતા મંત્રીશ્રીઓએ વ્યક્ત કર્યો હતો.