મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2011ના ઐતિહાસિક આયોજનની ભૂમિકા સાથે યોજેલી બેઠકમાં વ્યાપાર ઉદ્યોગના ગુજરાતભરમાંથી આવેલ અગ્રણીઓ અને પદાધિકારીઓ તરફથી અગ્રીમ યોગદાનનો અપૂર્વ ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો હતો.
ગુજરાત વૈશ્વિક અર્થતંત્રમાં પ્રભાવ ઉભો કરનારું સામર્થ્યવાન રાજ્ય બની રહેવાનું છે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. આગામી સમીટ દેશના અર્થતંત્ર અને અન્ય રાજ્યોને પણ સર્વાધિક ફળદાયી બને તેવો આપણો ઉમદા ઉદ્દેશ છે, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ અવસરને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં ઐતિહાસિક બનાવી તેની સફળતા માટે આખું ગુજરાત યજમાન છે અને રાજ્યના ઉદ્યોગ-વ્યાપાર ક્ષેત્ર જ પહેલરૂપ નેતૃત્વ આપે તેવી મુખ્યમંત્રીશ્રીની પ્રેરક અપીલને સૌએ આવકારી હતી.
ગુજરાતભરના ઉદ્યોગ-વેપાર વિશ્વના અગ્રણીઓ, ઔદ્યોગિક એસોસિએશનો અને વ્યાપાર મંડળોના પદાધિકારીઓ સાથે આજે અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રીએ ફળદાયી પરામર્શ બેઠક યોજી હતી. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ - 2011ના આયોજન સંદર્ભમાં ગુજરાતના બિઝનેશ-ઇન્ડસ્ટ્રીઝનું અગ્રીમ યોગદાન અને ઐતિહાસિક અવસરની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ સમીટની હવે વૈશ્વિક સ્વરૂપે ઓળખ ઉભી થઇ છે અને ગુજરાતના અર્થતંત્ર તથા ઉદ્યોગ વ્યાપારના વિકાસને મહત્તમ ગતિ મળવાની છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભારતના દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, બેંન્ગલૂરૂ અને હૈદરાબાદમાં યોજેલી ઉદ્યોગ-વેપારના અગીણીઓ સાથેની બેઠકોને જે વ્યાપક પ્રતિસાદ મળ્યો તેની ભૂમિકા આપી હતી અને જણાવ્યું કે ગુજરાતની પ્રગતિ વિષે નવી ઓળખ ઉભી થઇ છે તેનાથી ગુજરાતના ઉદ્યોગ-વ્યાપાર- આર્થિક પ્રવૃત્તિને નવી શકિત મળવાની છે. વિદેશોમાંથી આગામી સમીટમાં 80 ઉપરાંત દેશ અને 12 રાજ્યો એક જ સમિયાણા નીચે ઔદ્યોગિક, આર્થિક વિકાસની ભાગીદારી અંગે પરસ્પર મળશે તેમ તેમણે જણાવ્યું હતું.
આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ આ વખતે ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં યોજાવાનું છે અને માત્ર સાત જ મહિનામાં આ મહાત્મા મંદિરના નિર્માણનું મહત્વાકાંક્ષી કાર્ય સંપન્ન થશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગ-વેપાર ક્ષેત્રના અગ્રણીઓ સાથેની પ્રશ્નોત્તરીમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઉભરી રહેલા ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને આર્થિક વિકાસના નવતર ક્ષેત્રોની રૂપરેખા આપી હતી. ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ કરેલા સૂચનોને મુખ્યમંત્રીશ્રીએ આવકાર્યા હતા.
ગુજરાતમાં વિકાસને અનુરૂપ અતિ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસની વ્યૂહરચનાના સંદર્ભમાં એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં 50 શહેરોમાં પર્યાવરણની સાથે વિકાસને નવી ઉંચાઇ ઉપર લઇ જવાનો પ્રોજેકટ હાથ ધરાશે.
શહેરોના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ સાથે રીસાયકલીંગ ઓફ વોટર સોલાર એનર્જી સાથે દરિયાકાંઠે વોટર ડીસેલીનેશન પ્લાન્ટની ટેકનોલોજીના વિનિયોગ માટેની રાજ્ય સરકારની નીતિની જાણકારી તેમણે આપી હતી.
આ પ્રસંગે ઉદ્યોગ અગ્રસચિવ શ્રી મહેશ્વર શાહુએ વાયબ્રન્ટ ગુજરાતની રૂપરેખા આપી હતી.