મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલકાયદાના આતંકવાદી વડા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનની ધરતી ઉપર મોતને ઘાટ ઉતારવાની ઘટના સંદર્ભમાં સ્પષ્ટ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે, આ ઘટનાથી એ હકિકતને સમર્થન મળી ગયું છે કે પાકિસ્તાન આતંકવાદનો ખૂબ મોટો અડ્ડો બની ગયું છે અને પાકિસ્તાન અનેક આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે ત્યારે ભારત સરકારે વિશ્વની બધી માનવતાવાદી શક્તિઓને એક છત્ર નીચે લાવવા અને પાકિસ્તાન વિરૂદ્ધ આતંકવાદ સામે લડવા માટેની પહેલ કરવી જોઇએ.
પાકિસ્તાનમાં શરણું લેનારા આતંકવાદી ઓસામ બિન લાદેનને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો એ ઘટનાની જાહેરાત કરનાર અમેરિકાના પ્રમુખ શ્રી ઓબામાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી તેને કમનસીબ ગણાવતાં ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું છે કે, ભારત સરકારે અમેરિકાના આ વલણની પણ ગંભીરતાપૂર્વક નોંધ લેવી જોઇએ અને પાકિસ્તાન પ્રત્યે કોઇ કુણું વલણ અમેરિકા દાખવે નહીં એ માટે અમેરિકા ઉપર અસરકારક દબાણ લાવવું જોઇએ.
પાકિસ્તાન દ્વારા આતંકવાદ જે રીતે વકરી રહ્યો છે તે જોતાં વિશ્વની માનવતાવાદી શક્તિઓએ આતંકવાદને પરાસ્ત કરવા પાકિસ્તાન વિરૂદ્ધ એક જૂથ હેઠળ લડવાનો સમય પાકી ગયો છે એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું છે.