મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ વિકાસમાં ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી વિષયક બે દિવસના અધિવેશનનું આજે અમદાવાદમાં ઉદ્દઘાટન કરતાં ટેકનોલોજીનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે ત્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી( IT) અને એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી(ET)નું કોમ્બીનેશન માનવીય સંવેદનાઓ સાથે વિશ્વની સમસ્યાઓનું સમાધાન કરી શકે તે દિશામાં ટેકનોલોજીનો વિનિયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ઇન્સ્ટીટયુટ ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલી કોમ્યુનિકેશન્સ એન્જીનીયર્સ (IETE)નું પ૪મું વાર્ષિક અધિવેશન આજથી અમદાવાદમાં બે દિવસ માટે શરૂ થયું છે. આઇ.ટી એન્ડ ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્રના તજજ્ઞો એમાં ભાગ લઇ રહ્યા છે.
ઇન્ફર્મેશન એન્ડ ટેલીકોમ્યુનિકેશન ટેકનોલોજીના ક્ષેત્રનાં જીવનભર ઉત્તમ યોગદાન આપનાર તજજ્ઞ ઇજનેરોનું અભિવાદન કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ટેકનોલોજી અને વિજ્ઞાનના રહસ્યોની શોધ માટે જીવન ખપાવી દેનારા દુનિયામાં માનવ સંસ્કૃતિ વિકાસમાં પોતાનું યોગદાન અંકિત કરેલું છે. સુસંસ્કૃત માનવસમાજના નિર્માણમાં ટેકનોલોજી અને વિજ્ઞાન દ્વારા સાતત્યપૂર્ણ વિકાસે મહત્વની ભૂમિકા ભજવી છે, એમ તેમણે જણાવ્યું હતું.
ર૧મી સદીમાં સૌથી શક્તિશાળી-વિકસીત સમાજ અને રાષ્ટ્ર એ જ ગણાય છે જે ટેકનોલોજીના માધ્યમથી વિકાસની કેટલી ઉંચાઇ ઉપર પહોંચ્યો છે તેનો માપદંડ બની ગયો છે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ટેકનોલોજીનો ઉપયોગી ભારત જેવા દેશમાં ‘‘સાયન્સ યુનિવર્સલ એન્ડ ટેકનોલોજી ઇઝ લોકલ''નો સિદ્ધાંત ધ્યાનમાં લેવો પડશે. ભારત કૃષિપ્રધાન ગ્રામ વિકાસનો દેશ છે ત્યારે ઉપલબ્ધ ટેકનોલોજીનું જ્ઞાન ગામડા સુધી, ગરીબ ઘર સુધી કેવી રીતે પહોંચે અને તેના જીવનમાં ગુણાત્મક પરિવર્તનની અનુભૂતિ કરાવે તે જ મહત્વનું છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં ટેકનોલોજી દ્વારા ગ્રામીણ અર્થતંત્ર, કૃષિ વિકાસ અને સામાજિક માળખાકીય વિકાસ સુવિધાના ક્ષેત્રોમાં કેવો બદલાવ આવ્યો છે તેના દ્રષ્ટાંતો આપતાં જણાવ્યું કે, ટેલીમેડીસીન ટેકનોલોજીનો ઉપયોગ અને સોઇલ હેલ્થકાર્ડ જેવી ટેકનોલોજીની જાણકારીથી કિસાન અને ગ્રામસમાજ સુપેરે પરિચિત થયેલો છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ દર લગાતાર દશ વર્ષ સુધી ૧૧ ટકા રહ્યો છે તેનું શ્રેય કૃષિ ટેકનોલોજીની સફળતાને તેમણે આપ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુઆરોગ્ય મેળાઓમાં ટેકનોલોજીથી પશુઓના મોતિયાના ઓપરેશનો અને દંતચિકિત્સાના પ્રયોગો સફળ રહ્યા છે એનાથી ગુજરાતની દૂધ ઉત્પાદન ક્ષમતામાં ૬૦ ટકા વૃદ્ધિ થઇ છે અને ૧૧૨ જેટલા પશુરોગો નાબૂદ થઇ ગયા છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતમાં બધી જ ગ્રામ પંચાયતોમાં આઇ.ટી. બ્રોડબેન્ડ કનેકટીવીટીની સુવિધા ઉપલબ્ધ છે અને સમગ્ર ભારતમાં આ પ્રકારનું ગ્રામીણ વિકાસમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીનું નેટવર્ક ગુજરાતે જ વિકસાવ્યું છે તેની ભૂમિકા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, મોબાઇલ ટેકનોલોજીના કોમ્યુનિકેશનથી ગુજરાતે ગ્રામીણ ક્ષેત્રમાં આપત્તિ વ્યવસ્થાપનને સુચારૂ સ્વરૂપે સુગ્રથિત કરી છે. એ જ રીતે ગુજરાતમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ સાથે કોમ્યુનિકેશન ટેકનોલોજીનું જોડાણ પણ માનવીય સંવેદનાને અનુલક્ષીને વિકસાવ્યું છે, એમ જણાવી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ ૧૩ મિનિટમાં ભોગ બનનારાને મદદ માટે પહોંચી જાય છે તેની જાણકારી આપી હતી.
ટેકનોલોજી દ્વારા જનસેવા અને પારદર્શિતાનો ઉત્તમ વિનિયોગ ગુજરાતે કર્યો છે, એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આર.ટી.ઓ. ચેકપોસ્ટની આવકમાં પ અબજ રૂપિયાનો તફાવત એટલા માટે છે કે, ગુજરાતે આર.ટી.ઓ. સાથે આઇટી નેટવર્ક જોડી દીધું છે. ગુજરાતે શિક્ષકોની ભરતી માટેની પારદર્શિતા માટે ઓનલાઇન ટેકનોલોજી સર્વિસનો વિનિયોગ કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
આઇ.ઇ.ટી.ઇ.ના અધ્યક્ષ શ્રી આર. કે. ગુપ્તાએ ગુજરાતને દેશના સૌથી વધુ પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખાવી જણાવ્યું હતું કે, કૃષિ, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય અને જાહેર માર્ગ ક્ષેત્રે ગુજરાતે જે વિકાસ કર્યો છે તેના કારણે દેશમાં ગુજરાતે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ સાર્વત્રિક વિકાસના કારણે આજે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનું વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં એના કારણે જ વ્યાવસાયિક પ્રવૃત્તિ વધી છે.
ર્ડા. આર. આર. નવલકુંડે જણાવ્યું હતું કે, દેશનો આત્મા ગામડાં છે, ગામડાના વિકાસ વિના દેશનો વિકાસ ન જ થઇ શકે. એટલે જ દેશની સમૃદ્ધિ માટે ગામડાની સમૃદ્ધિ જરૂરી છે. બદલાતા સમયના કારણે આ સમૃદ્ધિમાં ટેકનોલોજીની ખૂબ મોટી ભૂમિકા છે.
આ કાર્યક્રમ અંતર્ગત ર્ડા. આર. કે. ગુપ્તા, પ્રખર શિક્ષણશાષા ડી. પી. અગ્રાવત, કે. કે. અગ્રવાલ, વૈજ્ઞાનિક એસ.એસ. અગ્રવાલ, વૈજ્ઞાનિક, કેરાલા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર એ. ભાસ્કરનારાયણ વગેરેને વિવિધ ફેલોશિપ, એવોર્ડથી મુખ્ય મંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે આઇ.ઇ.ટી.ઇ.ના બેસ્ટ સેન્ટર તરીકે અમદાવાદને પ્રથમ તથા ગૌહાટીને દ્વિતીય ક્રમે જાહેર કરીને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો. જયારે બેસ્ટ સબ સેન્ટર એવોર્ડ ઇમ્ફાલને પ્રથમ ક્રમ માટે જયારે રાજકોટને બીજા ક્રમ માટે એનાયત કરાયો હતો. રામલાલ વાઘવા એવોર્ડ સી.એસ.આઇ.ઓ., ચંદીગઢના નિયામક ર્ડા. પવન કપૂરને એનાયત કરાયો હતો.
આ પ્રસંગે ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજી, ઇજનેરી ક્ષેત્રે કાર્યરત વૈજ્ઞાનિકો, ગ્રામ વિકાસ સાથે સંકળાયેલ સંસ્થાઓ, મહાનુભાવો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.